પ્રેમ એટલે દિલના દરિયાની જાણે એક્સચેન્જ ઓફર અને એમાં પણ અનલિમિટેડ ટોક-ટાઈમ…

“ઈમૉશનનું ઈન્જેક્શન એટલે પ્રેમ”

બ્રિટિશ નૉવેલિસ્ટ જોન રોલિંગ આમ તો જે.કે.રૉલિંગ (જન્મ 31 જુલાઈ, 1965) નામે વધુ જાણીતી લેખિકા છે. “હેરી પૉટર” સિરિઝ લખ્યા પછી તેની લોકપ્રિયતા દુનિયાભરમાં પહોંચી. જે.કે. રૉલિંગ કહે છે કે “પ્રેમ એટલે દિવ્ય અને પવિત્ર લાગણી. પ્રેમ તમને બદલો લેવાનું શીખવતો નથી. પ્રેમમાં કોઈ બદલાની ભાવના હોતી નથી. જે લોકો બીજી વ્યક્તિ સાથે પ્રેમ હોવાનો દાવો કરતા હોય તે લોકો પોતાના પ્રિયજન નારાજ થાય ત્યારે બદલો લેવાનો વિચાર માત્ર પણ કરે તેના જેવી હીન ભાવના બીજી કશી નથી.”

જે.કે. રૉલિંગ સને 1992માં 27 વર્ષની ઉંમરે જ્યોર્જ એરન્ટ્સ સાથે પ્રેમલગ્ન કર્યાં. જો કે આ લગ્નસંબંધ ત્રણ વર્ષ સુધી જ ટકી શક્યો. સને 1995માં તેણે ડિવોર્સ લેવાં પડ્યાં. આ સંબંધથી તેને એક સંતાન થયું. તેના ઉછેરની જવાબદારી તેણે જ લીધી. છ વર્ષના એકાકી જીવન પછી તેણે પોતાની જિંદગીનો ખાલીપો ભરવા છેક 36 વર્ષની ઉંમરે સને 2001માં નીલ મૂરે સાથે બીજી વાર લગ્ન કર્યાં. બીજાં લગ્નથી તેને બે સંતાન થયાં. બે દીકરી અને એક દીકરાની મા જે.કે. રૉલિંગે ફિક્શન, ટ્રેજીકોમિક અને સોસિયલ નોવેલ પણ લખી છે.

બદલાની ભાવના હોય ત્યાં પ્રેમ કદાપિ ન હોઈ શકે. જે.કે. રૉલિંગ કહે છે કે તેણે કૌમાર્યવસ્થાથી એકથી વધુ વખત પ્રેમની લાગણીનો અનુભવ કર્યો છે. તેણે 27 વર્ષની ઉંમરે પોતાના પ્રેમી જ્યોર્જ એરન્ટ્સ સાથે પરણી જવાનો એક પરિપક્વ નિર્ણય કર્યો, ત્યારે તે ખુબ ખુશ હતી. પરંતુ તેનો આ નિર્ણય આગળ જતા ખોટો સાબિત થયો અને રૉલિંગે બહુ જલદી જ્યોર્જથી છુટાછેડા લઈ લેવા પડ્યા. રૉલિંગ તો એમ પણ કહે છે કે તમે જ્યારે કોઈથી છુટા પડો તેનો અર્થ એવો તો નથી જ કે જિંદગી સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે નવી જિંદગી તમારી રાહ જોઈ રહી હોય છે.

જેનાથી તમારે જુદા પડવાનું આવ્યું હોય તેને ભવિષ્યમાં જ્યારે પણ કોઈને કોઈ તબક્કે મળવાનો મોકો ઉભો થાય ત્યારે તમને એને મળવામાં શરમ, સંકોચ કે ખચકાટ ન થવો જોઈએ. એક ગઝલનો સંવેદનશીલ શે’ર છે કે “દુશ્મની જમકર કરો, મગર યે ગુંજાઈશ રહે, કભી દોસ્ત બન જાઓ તો શરમિંદગી ન રહે.” જ્યારે તમારે ફરી પાછા મળવાનું થાય ત્યારે મ્હોં છુપાવીને ઉભા રહેવાનો વારો ન આવે એ રીતે ખેલદિલીપૂર્વક સંબંધના તાણાંવાણાં ગુંથાય એ જરુરી છે.

પ્રેમની પૂર્વશરત જ એ છે કે એમાં ધિક્કાર, નફરત, દુશ્મનીને સ્થાન ન હોઈ શકે. કબીરે પણ લખ્યું છે કે “પ્રેમગલી અતિ સાંકડી, જા કિં દુજો ન સમાય.” પ્રેમમાં બે વ્યક્તિ, બે જીવ એકરુપ બને છે. વ્યક્તિત્વનો અહમ્ ઓગળી જાય છે. દંભ અને આડંબરનો પરદો પણ પ્રેમમાં ઉતરી જાય છે. પ્રેમ આપણને ઘણું બધું શીખવે છે. પ્રેમ જીવન જીવતા પણ શીખવે છે. પ્રેમ આપણને નિત નવી નવી દિશાઓનો પરિચય પણ કરાવે છે. પ્રેમમાં પરસ્પર વિશ્વાસ અને શ્રદ્ધાનો સમન્વય પણ થઈ જતો હોય છે. પ્રેમ એટલે નિષ્ઠા. પ્રેમ એટલે ત્યાગ. પ્રેમ એટલે સમર્પણ.

જાણીતી બ્રિટિશ એક્ટ્રેસ અને મોડલ એલિઝાબેથ હર્લી આમ તો લિઝ હર્લી (જન્મ તા.10 જૂન, 1965) નામે વધુ જાણીતી છે. તેણે કહ્યું છે કે “પ્રેમ કોઈ દિવ્ય ચમત્કારથી કમ નથી. આ સમગ્ર અનુભૂતિ જ ઈશ્વરની દેન છે. ગોડ ગિફ્ટેડ ફિલિંગ્સ્”

પ્રેમ એટલે શું? પ્રેમ એટલે મેકઅપ વિનાની સુંદરતા. કોઈ વ્યક્તિ તરફથી મળતો બિનશરતીય પ્રેમ-સ્નેહ-સ્વીકાર. જ્યાં સ્વાર્થ હોય, કોઈ પ્રકારની શરત હોય ત્યાં પ્રેમ ટકી જ ન શકે. જ્યાં માગણી હોય ત્યાં લાગણી રહી ન શકે. કોઈ વ્યક્તિત્વને માત્ર નહીં, પરંતુ સમગ્ર અસ્તિત્વને ચાહવાનું નામ એટલે પ્રેમ.

એક નેત્રહીન યુવતીની ખુબ જાણીતી અને હૃદયસ્પર્શી વાત છે. એક છોકરી જન્મજાત દૃષ્ટિવિહીન હતી. એને દુનિયા વિશે બધું સાંભળવા મળતું. દુનિયાના લોકો વિશે એ બધું સાંભળતી અને યુવાવસ્થામાં પ્રવેશી. તેનામાં પણ પ્રેમના અંકુર ફૂટ્યા. તેને પણ એવી ફિલિંગ્સ થતી કે કોઈક તેને ચાહે, તેને બિનશરતીય પ્રેમ મળે. પરંતુ દુનિયાની તાસીર પ્રમાણે નેત્રહીન યુવતીને કોણ પ્રેમ કરે?

એક દિવસ આ યુવતીના જીવનમાં જાણે સોનાનો સુરજ ઊગ્યો. તેને એ દિવસે એક પડોશી યુવકે પ્રેમનો એકરાર કર્યો. પડોશી યુવક તો વર્ષોથી એને જોતો આવ્યો હતો અને એને ચાહતો આવ્યો હતો. આખરે એ ઘડી આવી પહોંચી કે જ્યારે યુવકે પ્રેમનો એકરાર કર્યો. યુવતીએ પ્રેમના સ્વીકાર સાથે આભારની લાગણીથી કહ્યું કે “તમે મને ખરા દિલથી ચાહો છો એ મારું સૌભાગ્ય પરંતુ હું કેવી કમનસીબ છું કે હું તમને, મારા પ્રેમને જોઈ પણ શકતી નથી.”

યુવાને પોતાનો ફોટો તેના હાથમાં આપતા કહ્યું કે “કશો વાંધો નહીં. લે, આ મારો ફોટો. તને જ્યારે દૃષ્ટિ મળે ત્યારે તું મને જોઈ શકીશ, ત્યાં સુધી મારો આ ફોટો તું સાચવી રાખજે.”

થોડા વખત પછી એ યુવતીને નેત્રદાન મળવાની તક ઉભી થઈ. તેને કહેવામાં આવ્યું કે તેને આંખોનું દાન મળી રહ્યું છે. આથી નાનકડા ઓપરેશન બાદ તે દુનિયાને જોઈ શકશે. આખરે તે યુવતીની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું. નેત્ર મૂકવામાં આવ્યા. હવે તે દુનિયા જોઈ શકવાની હતી. ઓપરેશન પછી તરત તે યુવતીએ સૌપ્રથમ પોતાના પ્રેમીનો ફોટો જોવાની ઈચ્છા પૂરી કરી.

તેણે પર્સમાંથી ફોટો કાઢીને જોયો તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. જે યુવક તેને ચાહતો હતો એ યુવક તો દેખાવે કદરુપો હતો. તેનો ફોટો જોતાં લાગ્યું કે તેનામાં કોઈ જ આકર્ષણ નથી. હવે તેણે હોસ્પિટલ સ્ટાફ પાસે દર્પણ મગાવીને પોતાનો ચહેરો જોયો. પોતે તો સંપૂર્ણ સુંદર સ્ત્રી હતી.
પોતાના ચહેરાને તેણે ફરી એક વાર દર્પણમાં જોયો કે પોતે તો કેટલી સુંદર છે અને હવે તો આંખો પણ આવી ગઈ છે, દૃષ્ટિ પણ મળી ગઈ છે. હવે તો પોતાનામાં કોઈ જ ખોડખાંપણ રહી જ નથી. એવામાં હોસ્પિટલના તબીબે યુવતીને કહ્યું કે તે જે યુવાનનો ફોટો ધારી ધારીને વારંવાર જોઈ રહી છે એ યુવકે જ પોતાની આંખોનું દાન કરીને તેને દૃષ્ટિ અપાવી છે.
હવે આ યુવતીએ પેલા યુવકને પત્ર લખ્યો કે “તમે મને ભલે પ્રેમ કરતા હતા અને ભલે તમે મને તમારી આંખોનું દાન કર્યું. પરંતુ હવે હું જોઈ શકું છું અને તેથી જ તમારા જેવા કદરુપા યુવાનને હું પ્રેમ કરી શકું નહીં. મને હવે ભુલી જજો. તમારા નેત્રદાન બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું.”

યુવક તો હવે નેત્રહીન બની ગયો હતો, તેથી પોતે તો પત્ર વાંચી શકે એમ નહોતો. પરંતુ તેણે પોતાના મિત્ર પાસે પત્ર વંચાવ્યો અને પત્રનો જવાબ લખાવ્યો કે “હું કદરુપો દેખાતો હોવાથી ભલે તું મને પ્રેમ ન કરે અને ભલે મારા પ્રેમનો અસ્વીકાર કરતી. પરંતુ મેં તો તું નેત્રહીન હતી તો પણ ચાહી છે અને ચાહતો રહીશ. બસ, તું મારી આંખોને સાચવજે. કેમ કે એ આંખો થકી અને તારા થકી હું દુનિયાને નિહાળતો રહીશ અને તારામાં સદાય, છેલ્લા શ્વાસ સુધી રહીશ.”

જિંદગીમાં આવું જ બનતું રહે છે. તમે જેને ચાહો છો એને મેળવી શકતા નથી અને જેને મેળવી શક્યા હો એને ચાહી શકતા નથી, આનું નામ જ જિંદગી. પ્રેમ એટલે શું? આપણી ભીતર લાગતું ઈમોશનનું ઈન્જેક્શન એટલે પ્રેમ. પ્રેમ એટલે દિલના દરિયાની જાણે એક્સચેન્જ ઓફર અને એમાં પણ અનલિમિટેડ ટોક-ટાઈમ.

પ્રેમ એટલે ખુલ્લી આંખોએ સપનાં જોવાની મોસમ. પ્રેમ એટલે ભલે ને તરતા આવડતું હોય તેમ છતા પણ ડૂબવાનું મન થાય એવું રોમાન્ટિક સાહસ. પ્રેમ એટલે શબ્દ અને શ્પર્શ વચ્ચેનું સામીપ્ય. પ્રેમ એટલે નફરતનો રોગ મિટાવી દેવાની ઈશ્વર નામના ડોક્ટરે આપેલી દવા. પ્રેમ એટલે નરી એકલતાનું જાણે એન્કાઉન્ટર. પ્રેમ એટલે ગમતી વ્યક્તિને મળવાનો વાયદો અને મળવાની લ્હાયમાં વગર મેકઅપે પણ સુંદર દેખાવાની ગેરંટી.
પ્રેમ એટલે હ્રદય નામની રાજધાની ઉપર મુલાયમ કબજો. પ્રેમ એટલે દરેક સવાલનો જવાબ જુદો જુદો આવે એવો નાજુક દાખલો. પ્રેમ એટલે સતત, સવાર-સાંજ ને રાત-દિવસ ગાવું, ગણગણવું ને સાંભળવું ગમે એવું મધુર ગીત-સંગીત. પ્રેમ એટલે જેનો કોઈ જવાબ જ ન હોય એવો જિંદગીનો સાવ સહેલો અને સૌથી અઘરો સવાલ.

પ્રેમ એટલે કોઈ જાતના પાસપોર્ટ કે વિઝા વિના પ્રિયજનની આંખોમાં વસવાટ કરી લેવાનો અવસર. પ્રેમ એટલે નમણી પાંપણની સરહદ પાર દબાતા હૈયે કામણઘેલી આંખોના શહેરમાં પ્રવેશી જવાનો પરવાનો. પ્રેમ એટલે જાણે કે બધી જ ખબર હોય તો પણ કશી જ ખબર ન હોવાની અવસ્થા. પ્રેમ એટલે જ્યારે કોઈ ઘાવ થાય અને લોહીનો ટશિયો ફૂટે ત્યારે પ્રિયજનનો પાલવ. પ્રેમ એટલે ઘણું બધું અને પ્રેમ એટલે કંઈ પણ નહીં.
જાણીતી હૉલિવૂડ ઍક્ટ્રેસ લિઝ હર્લીએ કહ્યું છે કે “પ્રેમ જીવનનું ઝરણું છે, એને નિરંતર વહેવા દો. પ્રેમને કોઈ દિશા કે આકાર આપવાની તમે કોશિષ ન કરો. પ્રેમ ઝરણાની જેમ જ પોતાનો રસ્તો બનાવી લેશે અને દિશા તથા આકાર પણ.”

જસ્ટ ટ્વીટઃ
“तेरी याद में दिल ईस कदर खो जाता है,
जैसे गणित के क्लास में कोई बच्चा सो जाता है.”

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી