પૈસા જોઈને જ પ્રેમ થાય? જવાબ છે મુકેશ અંબાણીનો, વાંચો અને જાણો..

સવાલઃ- “શું પૈસો જોઈને પ્રેમ થાય?.”
જવાબઃ- “પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી.”

લેખનો આરંભ સવાલ-જવાબથી કર્યો. પરંતુ આ સિચ્યુએશન સનાતન અને દુનિયાભરની પીડા છે. કદી પ્રેમ ખરીદી શકાય નહીં. જો એવું બને તો એવા સંબંધમાં પ્રેમ હોય નહીં, એવું બને. રૂપ કરમાતું જવાનું છે, એના ભરોસે રહેવાય નહીં.

તા.16 મે, 2013ની વાત છે. મિસ. પૂજા આઈ. ચૌહાણ નામની મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ યુવતીએ એક સાઈટ પર લાઈફ પાર્ટનર માટે પોતાની સર્ચ અને ચોઈસ મૂકી હતી. તેને ધનિક પતિ જોઈતો હતો, એનો જવાબ રિલાયન્સ ગ્રુપ ઓફ કંપનીઝના વડા મુકેશ અંબાણીએ આપ્યો, એ ઘણો વાયરલ થયો હતો. યુવતીએ લખ્યું હતું કે “હું 25 વર્ષની સુંદર અને સ્ટાઈલિશ યુવતી છું. મારો ટેસ્ટ ઊંચો છે અને વાર્ષિક 100 કરોડ કે તેથી વધુ વાર્ષિક આવક હોય તેવા યુવાન સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે. તમને એમ થશે કે હું ધનલાલચુ છું. પરંતુ એવું નથી. આજના સમયમાં વાર્ષિક રૂપિયા 2 કરોડની આવકવાળા યુવાનની ગણના મધ્યમ વર્ગમાં થાય છે. મારી અપેક્ષા ઊંચી છે, એવું નથી. જેમની વાર્ષિક આવક 50 કરોડ હશે, એમની સાથે પહેલા હું ડેટિંગ પણ કરીશ. આ મારી અપર-લિમિટ છે. એથી ઓછી આવકવાળાને હું પસંદ કરી શકીશ નહીં. કેમ કે જો તમે અમેરિકાના ન્યૂયોર્ક સિટી ગાર્ડન વિસ્તારમાં રહેવા માગતા હોવ તો 50 કરોડની વાર્ષિક આવક પૂરતી નથી. મારે થોડા સવાલ પણ કરવા છે.

(1) ધનિક કુંવારા હેંગ-આઉટ માટે ક્યાં જવાનું પસંદ કરે છે, તે બાર, જિમ, રેસ્ટોરન્ટ્સ વગેરે જણાવે, (2) મારે કયા એજ-ગ્રુપના કુંવારા યુવાનોને લક્ષ્યમાં લેવા જોઈએ, (3) શા માટે ધનવાન પુરુષોની પત્નીઓ સાવ સામાન્ય દેખાવવાળી જ હોય છે, હું એવી થોડી ઘણી યુવતીઓને મળી ચુકી છું કે જે સહેજ પણ સારા દેખાવવાળી નહોતી, આમ છતા પણ તે ધનવાન યુવાન સાથે લગ્ન કરી શકી હતી, (4) તમે તમારી પત્ની તરીકે કોઈ યુવતીને પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખો છો અને કોઈ યુવતીને તમારી ગર્લફ્રેન્ડ બનાવવાની પસંદગી કેવી રીતે કરો છો…”

પૂજાની આ વાતનો મુકેશ અંબાણીએ ઓનલાઈન સાઈટને આપેલો જવાબ આમ છે. “મેં બહુ રસથી પૂજાની પોસ્ટ વાંચી. તારા જેવા જ સવાલ ઘણી બધી યુવતીઓના મનમાં હોય છે. મારી વાર્ષિક આવક રૂપિયા 100 કરોડથી વધારે છે, જે તારી માગણી સાથે મેચ થાય છે, એટલે કે હું અહીં સમય બગાડી રહ્યો નથી. મુખ્ય મુદ્દો તો એ કે જે વ્યક્તિ ખરો બિઝનેસમેન હોય તે તારી સાથે લગ્ન કરે તો એ તેનો ખોટો નિર્ણય હશે. મારી આ વાતને હું વિસ્તારથી સમજાવીશ. તારી વાત પરથી સ્પષ્ટ થાય છે કે આ વાત બ્યુટીના બદલે પૈસા જેવી છે. એક વ્યક્તિ સુંદરતા આપે છે, તો બીજી વ્યક્તિ એના માટે પૈસા ચુકવે છે, એ બહુ સીધી સાદી વાત છે. પરંતુ અહીં એક જોરદાર સમસ્યા છે. તારી સુંદરતા ફૂલની જેમ કરમાઈ જવાની છે પરંતુ મારા પૈસા કોઈ વાજબી કારણ વિના ખર્ચ થવાના નથી. કહેવાનો મતલબ એ જ કે મારી આવકમાં વર્ષોવર્ષ વધારો જ થવાનો છે, પરંતુ દર વર્ષે કંઈ વધુને વધુ સુંદર થવાની નથી. એક અર્થશાસ્ત્રીની રીતે જોવામાં આવે તો મારી અસ્ક્યામતોમાં વધારો જ થવાનો છે જ્યારે તારી પાસે માત્ર ડેપ્રિસિએશન એસેટ છે. જેમાં ઘસારો જ થાય. માત્ર ઘસારો જ થાય એમ નહીં, બહુ ઝડપી ઘસારો થાય એવી એસેટ (રૂપ) તારી પાસે છે. ફક્ત દસ જ વર્ષમાં તારી એસેટની વેલ્યુ ખતમ થઈ જવાની છે.

અથવા એમ કહેવાય કે તારી એસેટ દસ વર્ષ જ રહેવાની છે. વોલ સ્ટ્રિટ (શેરબજાર)ની પરિભાષામાં વાત કરીએ તો દરેક ટ્રેડની એક પોઝિશન હોય છે. તારી સાથેનું ડેટિંગ પણ એક ટ્રેડિંગ પોઝિશન જ ગણાય. જ્યારે ટ્રેડ વેલ્યુ ઘટતી જાય ત્યારે અમે બિઝનેસમેન તેને વેચી કાઢતા હોઈએ છીએ. તેની સાથે વળગી રહેતા નથી. આ જ બાબત તારી શરતોવાળા લગ્ન માટે પણ કરી શકાય. દુઃખ સાથે કહેવું પડે છે કે જે એસેટમાં ઘસારો વધુ હોય તેને બિઝનેસમેન રાખવાના બદલે વેચી દેવાનું કે લિઝ ઉપર આપી દેવાનું પસંદ કરે છે. જેની વાર્ષિક આવક 100 કરોડ હોય તે મુર્ખ ન હોય. એવી વ્યક્તિ તારી સાથે માત્ર ડેટિંગ કરે, પરણે નહીં. મારી તને એક જ સલાહ છે કે ઘનવાન યુવાનને પરણવા માટેની ટિપ્સ મેળવવાનું બંધ કર અને તું પોતે વાર્ષિક 100 કરોડ કમાણી મળે એવી ક્ષમતા પ્રાપ્ત કર. ધનવાન મુર્ખ શોધવાના બદલે તું જાતે એટલું કમાતી થાય એ રસ્તો વધારે બહેતર છે.”

વિશ્વનાં શક્તિશાળી બિઝનેસ વૂમન અને ફોર્બ્સ–વૂમન ઓફ ધ યર તરીકે જાણીતાં આઈ.સી.આઈ.સી.આઈ.ના ચેરપર્સન ચંદા કોચરનું કહેવું છે કે “એકવીસમી સદીમાં મહિલાઓ વધુ શિક્ષિત થઈ છે અને આર્થિક રીતે પણ વધુ સક્ષમ બનીને પુરુષોથી પણ વધુ કમાતી થઈ છે. આમ છતા આવી મહિલાઓ તેમના પતિમહાશયની માનસિક-શારીરિક ગુલામી કેમ ચલાવી લે છે, એ સમજાતું નથી.”

ચંદા કોચર પોતે પાવરફૂલ બિઝનેસ વૂમન છે. એશિયાની સૌથી મોટી ગણાતી ઈન્ટરનેશનલ બેન્કના સર્વોચ્ચ પદ ઉપર છે. તેઓ એકવીસમી સદીની વર્કિંગ વૂમનની વેદના અને બેડરુમની ચાર દીવાલોમાં અથડાતા રહેતા ડુસકાને સમજે છે. તેમણે કહ્યું છે કે આજની સ્ત્રી ભણેલી અને સારું કમાતી હોવા છતા શા માટે પોતાની ઉપર પતિના જુલમો-સિતમ ચલાવી લે છે? આમ સ્ત્રી-પુરુષ સમાનતાની, ઈક્વાલિટીની બધી વાતો વાસ્તવિકતાની દુનિયામાં હવા થઈ જાય છે, હવામાં ઓગળી જાય છે.
મેલ ડોમિનન્ટ સોસાયટી માટે આજની આધુનિક નારી શું જવાબદાર નથી? પહેલી નજરમાં આધુનિક વિચારસરણીવાળી યા મોડર્ન દેખાતી વર્કિંગ વૂમન હો કે હાઉસ વાઈવ્સ આખરે પોતાના પતિના શરણે જ રહેવાનું કેમ પસંદ કરે છે? પતિ પ્રત્યે માન, આદર, વિવેક અને સન્માન હોય એ તો સમજી શકાય, પરંતુ સામે ચાલીને ગુલામીની લગોલગ જિંદગી કોઈક અપવાદ સિવાય મોડર્ન વૂમન સામે ચાલીને પસંદ કરે છે, એનું લોજિક શું છે? કોઈ જવાબ નથી. લાજવાબ.

આપણે ડો.નિમિષા ભટ્ટની વાત કરીએ. પતિ-પત્ની બેઉ ડોક્ટર છે અને બેઉ કન્સલ્ટન્ટ ફેમિલી ફિઝિશિયન તરીકે અલગ અલગ દવાખાના સંભાળે છે. સવારે અને સાંજે એવરેજ વીસ-વીસ પેશન્ટ અને દરેક પેશન્ટ પાસેથી એવરેજ સો રૂપિયા ચાર્જ અને મહિનાના 25 દિવસની પ્રેકટિસ ગણીએ તો દર મહિને એક લાખ રૂપિયા પતિના હાથમાં (ચરણમાં) જમા કરાવી દે છે. પતિ પણ મહિને એટલું જ કમાય છે. પરંતુ જિંદગી જાણે એક બંદીવાન યા જેલના કેદી જેવી. જેલ ખરી પણ પ્રેમની જેલ અને પોતે પસંદ કરેલી જેલ. કેવી રીતે? એ પણ સમજવા જેવું છે. ઘરથી દવાખાનું અને દવાખાનાથી ઘર. ટાઈમટેબલમાં જો પાંચ મિનિટ પણ ફેરફાર થાય કે પતિ મોબાઈલ કરીને પત્નીને તેનું લોકેશન પુછી લે.

પતિ-પત્ની બેઉ ડોક્ટર હોય એટલે એકમેકની ફિલિંગ્સ વધુ સારી રીતે સમજી શકે અને એકમેકના પ્રોફેશનલ ફિલ્ડના વર્ક-ટાસ્ક અને ચેલેન્જીસ પણ સમજી શકે એવું માનવામાં આવે છે, પરંતુ હંમેશા એવું બનતું નથી હોતું. આદર્શ અને વાસ્તવિકતાઓ ઉત્તર અને દક્ષિણ ધ્રૂવ સમાન હોય છે એ વાતનો અહેસાસ લગ્નના વરસો વીતતાં જાય તેમ તેમ ખબર પડતી જાય. પછી એવો તબક્કો આવે કે છુટા પડવાનું મન હોય પણ સંતાનની દોરી છુટા પડવા ના દે અને જકડી રાખે. ઘર બહારની દુનિયાવાળાઓને તો એમ જ લાગે કે “આઈડિયલ કપલ” છે. “જસ્ટ મેડ ફોર ઈચ અધર.” પરંતુ મોટા ભાગના કિસ્સામાં એવું હોતું જ નથી, જેવું બહારથી દેખાતું હોય છે.

આપણે ડો.અલકા શાહની પણ વાત કરીએ. પત્નીની ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર તરીકે મહિને સવા લાખની પગારની આવક, જ્યારે એનેસ્થેટિસ્ટ પતિ બિચારા પરચુરણ કન્સલ્ટિંગ કરીને મહિને ચાળીસ-પચાસ હજાર અથવા ક્યારેક પચ્ચીસ-ત્રીસ હજાર પણ કમાઈ લે. પતિને પોતાની ઓછી આવકનો ઈગો પ્રોબ્લેમ. શરુઆત અહીંથી થાય. પતિનો દેખાવ પણ પત્નીના પિતા હોય એવો બૂઝુર્ગ. આમ ડો.અલકા શાહના પતિને દેખાવનો વળી બીજો ઈગો પ્રોબ્લેમ. ઘરનો તમામ ખર્ચ પત્ની જ ઉઠાવે. સંતાનોને ભણાવવાની ફી, તેમનો તમામ ખર્ચ પત્નીની આવકમાંથી જ થાય. લોનથી લીધેલા મકાન માટે બેન્કનો માસિક હપતો પણ પત્નીએ જ ભરવાનો. ઘરખર્ચ, લાઈટ બિલ, ટેક્ષ અને અનાજ-કરિયાણું વગેરે તમામ ખર્ચ પત્ની જ કરે. તો પછી પતિએ શું કરવાનું? એણે ઘરની કોઈ જવાબદારી નહીં ઊપાડવાની? આ સવાલનો જવાબ છે, ના.

ડો.અલકા શાહના પતિ માત્ર પોતાના અંગત ખર્ચ, પોકેટ મની અને રકમ વધે તો શેરબજારમાં પોતાની કમાણી ખર્ચ કરી નાખે. પરંતુ ઘરમાં અથવા પત્નીને એક રૂપિયો પણ ના આપે. શેરબજારમાં સટ્ટો રમવો એટલે રૂપિયા ગુમાવવાનો જ ધંધો. પત્નીએ સમયસર નોકરીએ જવાનું અને સમયસર ઘરે પાછા આવવાનું. અઠવાડિયામાં ચાર-પાંચ વાર પતિ પોતે પત્નીને લેવા-મૂકવા માટે જાય. પત્નીને જો દસ મિનિટ પણ મોડું થાય તો પતિ જાતજાતના સવાલો કરે. અરે, દિવસમાં દર એક કલાકે પત્નીને મોબાઈલ કરીને પુછતાછ પણ કરે. લોકોને એમ દેખાય કે પતિ-પત્ની વચ્ચે કેવો પ્રેમ છે. પરંતુ એક પ્રકારની બંદીવાન સ્થિતિ.

પતિએ પત્નીના રૂપિયામાંથી કાર લીધી પરંતુ પત્નીને ચલાવવા પણ ન આપે. વધુ કમાતી પત્ની બિચારી ટુ-વ્હીલર વાપરે. પતિએ જ્યારે બીજી નવી કાર પત્નીના રૂપિયાથી જ લીધી, ત્યારે મોટા ભાગના ઘરોમાં બને છે એમ જૂની કાર પતિએ પત્નીને ફાળવી, પરંતુ ચલાવવા તો ના જ આપે. એવું બોલી બોલીને ઈમોશનલી ટોર્ચર કરે કે, “તને ટ્રાફિકમાં બરાબર ચલાવતા ક્યાં આવડે છે?” ઘરની ચાર દીવાલોમાં પત્નીનાં ડુસકાં કોણ સાંભળે? એ કોને કહેવા જાય કે પતિનો આવો ત્રાસ છે? બહારની દુનિયાના લોકોને તો આ પતિ-પત્ની હેપી કપલ જ લાગે.

મેડિકો-કપલનું ઉદાહરણ આધુનિક યા મોડર્ન કપલ તરીકે આપીએ તો ડો.મેઘના શાહની પણ વાત કરીએ. પતિ ઓશો સન્યાસી અને મુક્ત આચારવિચારવાળા. પતિ-પત્ની બેઉ સરકારી નોકરીમાં એટલે મહિને એક-એક લાખથી વધુ પગાર. છતા પતિ લગ્ન કર્યા ત્યારથી ઘરમાં એક રૂપિયો પણ ના આપે. પત્નીએ જ ઘર-પરિવારની તમામ જવાબદારીઓનું વહન કરવાનું રહે. પતિ પોતાના પગારની રકમ એશોઆરામ માટે જ ખર્ચ કરી નાખે. એકથી વધુ મહિલાઓ સાથેના સંબંધ પણ ખરા.

સામાન્ય રીતે પતિનું પરસ્ત્રીગમન કોઈ પણ પત્ની ચલાવી ના લે. એ જ પ્રમાણે પત્નીના લગ્નબાહ્ય સંબંધો પણ પતિ ના ચલાવી લે. પરંતુ હદ તો એ થાય કે ડો.મેઘના શાહની નજર સામે જ તેના ઘરમાં પતિ પોતાની સ્ત્રીમિત્રને આમંત્રિત પણ કરે. આટલી હદ સુધી પત્નીએ બધું સહન કરવાનું અને ચલાવી લેવાનું આવે. બે સંતાનોના ચહેરા નજર સમક્ષ હોય એટલે છુટાછેડા લેવાનો વિચાર પણ ના આવે. બહારની દુનિયા માટે આ કપલ આદર્શ યુગલ જ દેખાય. બીજી તરફ ઘરની ચાર દીવાલોમાં પત્ની ચોધાર આંસુએ રડતી રહે. એટલું જ નહીં, સહેજ પણ વિરોધનો સૂર-અવાજ કાઢે ત્યારે પત્ની ડો.મેઘના શાહને તબીબ પતિ ઢોરની માફક મારે અને રૂમમાં પણ પુરી દે. આદર્શ નારી તરીકે તબીબ પત્ની આમ છતા પતિને પરમેશ્વર તરીકે સ્વીકારે. તેની મારઝુડ જાણે પત્નીને મન પ્રસાદ.

જસ્ટ ટ્વીટઃ
“પ્રેમમાં ગિવ એન્ડ ટેક જેવી લેવડદેવડ કે સોદાબાજી ન હોય. વેપાર કે સોદાબાજી હોય, ત્યાં પ્રેમ ટકી શકે નહીં.”
– પ્રિયંકા ચોપરા

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી