આજ ની “ટૂંકી વાર્તા”…” દયા – ત્યાગનો મહિમા “

મહાદેવી સતીએ રાજા હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. આ જન્મમાં પણ દેવાધિદેવ મહાદેવને પતિ સ્વરૂપે મેળવવા દેવી પાર્વતી નારદજીના કહ્યા પ્રમાણે જંગલમાં જઈ ઘોર તપ કરવા લાગ્યાં. વર્ષોવર્ષ અતિકઠિન તપ પાર્વતીજીએ કર્યું. પાર્વતીજીની કઠિન સાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને મનવાંછિત ફળ આપ્યું અને થોડી ક્ષણો માટે અંતધ્ર્યાન થઈ ગયા.

ત્યારે અચાનક જ પાર્વતીજીને કોઈ નાનકડા બાળકનો મદદની પોકાર કરતો રડતો, આર્ત સ્વર સંભળાયો. એક ઘડી પણ રોકાયા વિના

પાર્વતીજી દોડ્યાં.

થોડે દૂર એક ઝીલ પાસેથી અવાજ આવતો હતો. પાર્વતીજીએ ઝીલ નજીક જઈ જોયું તો એક સુંદર નિર્દોષ બાળકને એક મગરે પકડી લીધો હતો અને બાળક મદદ માટે પોકાર કરી રહ્યો હતો.

પાર્વતીજીએ મગરને હાથ જોડી વિનંતી કરી, ‘મગરરાજ, આપ આ નાના બાળકને છોડી દો. તેને હજી આખું જીવન જીવવાનું છે.’

મગરે કહ્યું, ‘દેવી, આ મારો આહાર છે. તેને છોડું તો હું ભૂખ્યો રહીશ માટે હું તેને છોડી ન શકું.’

પાર્વતીજીએ કહ્યું, ‘મગરરાજ, આપ મને ખાઈ જાઓ પણ બાળકને છોડી દો.’

મગરે કહ્યું, ‘દેવી, મારે આપને ખાવાં નથી, પરંતુ આપ મને તમારા તપનું ફળ અર્પણ કરો જેથી હું આ જન્મમાંથી મુક્તિ પામી શકું અને બાળકને છોડી દઉં.’

પાર્વતીજીએ કહ્યું, ‘બહુ સારું મગરરાજ, તમે આ બાળકને છોડી દો. મારા માત્ર આ તપનું જ નહીં આખા જન્મ દરમ્યાન મેં જે પુણ્યનો સંચય કર્યો છે એ બધું જ આપને અર્પણ કરું છું.’

પાર્વતીજી આટલું બોલતાં જ ચારે બાજુ પ્રકાશ ફેલાયો અને મગરનું શરીર તપના તેજથી ચમકી ઊઠ્યુ. મગર બાળકને છોડીને અદૃશ્ય થઈ ગયો.

હવે એક સંતોષનો શ્વાસ લઈ પાર્વતીજીએ પોતાનું તપનું ફળ ચાલ્યું ગયું એમ વિચારી ફરીથી તપ કરવાનો નિશ્ચય કર્યો ત્યાં ભગવાન શિવ પ્રગટ થઈ બોલ્યા, ‘દેવી, તમારે ફરીથી તપ કરવાની જરૂર નથી. આ તમારી પરીક્ષા હતી. તમે આ તપ મારું જ કર્યું હતું અને મારા માટે મને જ અર્પણ કર્યું છે, કારણ કે આ મારી લીલા હતી. બાળક પણ હું જ હતો અને મગર પણ હું જ હતો. તમારી દયા અને ત્યાગનો મહિમા જોવા માટે મેં આ લીલા કરી અને આ દાનના ફળસ્વરૂપે તમારી તપસ્યા હવે હજાર ગણી થઈને અક્ષય થઈ ગઈ છે.

સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી