દત્તક – યુવાનીના જોશમાં પ્રેમી સાથે કરી બેઠી એક ભૂલ તેનું પરિણામ હવે ભોગવવું પડ્યું પરિવારને પણ…

“તાજી હવાના ઝોંકા જેવો તું મારી જિંદગીમાં આવ્યો,

તું આવ્યો અને મારી જિદગી ખુશ્બુથી મહેકી ઊઠી..”

20 વર્ષની મુગ્ધા… કોલેજના ત્રીજા વર્ષમાં ભણતી, યુવાનીના જોમ વાળી, કોઇને પણ ગમી જાય તેવી, મુગ્ધતાથી જોઇ રહેવાનું મન થાય તેવી મુગ્ધા… ખીલખીલાટ હસતી ત્યારે લાગે કે જાણે ખળખળ ઝરણું વહેતું હોય, આમથી તેમ પતંગીયાની જેમ ઉડતી મુગ્ધા.. છેલ્લા કેટલાય દિવસોથી હસવાનું ભુલી ગઇ હતી આખો દિવસ કંઇક વિચારતી રહેતી. પોતાની ભૂલ પર જાતને કોસતી. યુવાનીના જોમમાં પ્રેમના ઉભરામાં.. મુગ્ધતાના નશામાં.. એકાંતના અંધારામાં પ્રેમીને જાત સોંપી દીધી અને ભૂલ થઇ ગઇ. જો કે તેણે તો પ્રેમ જ કર્યો હતો. ભૂલ થઇ એવો વિચાર તો પછીથી આવ્યો પ્રેમના નશામાં સાવચેતી રાખી નહી અને….

શરૂઆતના બે ત્રણ મહિના કંઇ જ સમજાયું નહી. કયારેક વહેલું મોડું થાય તેવું વિચાર્યુ.. પણ ત્રણ મહિને પાકકુ થઇ ગયું. ઊલટી-ઉબકા, ચકકર આવવા… માતૃત્વના આગમનના સંદેશા આવવા લાગ્યા અને મુગ્ઘા પોતાની મુગ્ધતા ગુમાવી બેઠી, બીજા બે-ત્રણ મહિના પ્રેમીના પ્રેમ નિભાવવાના વાયદામાં નીકળી ગયા. પ્રેમી પણ 22 વર્ષનો જ હતો. પોતાના ઘરે કહેવાની વાત આવી ત્યારે ડરી ગયો અને મુગ્ધા પ્રેમમાં કરેલી ભૂલ ભોગવવા માટે રહી ગઇ .

ઘરમાં ખબર પડી ત્યારે મોટો આંચકો આવ્યો મુગ્ધાના મા-બાપ દીકરીને લઇને દોડયા ડોકટર પાસે, પણ ત્યાં સુઘી એબોર્શનની મુદત વટાવાઇ ગઇ હતી ડોકટરે સાચી સલાહ આપી કે હવે કંઇજ થઇ શકે તેમ નથી સમયસર ડિલિવરી કરાવી લેજો, મુગ્ધાના મા-બાપે પોતાની ઈજજતની દુહાઇ આપી, પણ ડોકટર કાયદો તોડવા તૈયાર ન થયા. મુગ્ધાના મા બાપ તૂટેલી ઇજજત સંતાડીને ઘરે આવી ગયા પૂરા મહિના ઘરમાં જ રાખી.

ટાઇમ થયો એટલે મુગ્ધાને દુ:ખાવો શરૂ થયો સાંજથી ઉપડેલ દુ:ખાવો રાતનું અંધારુ થાય ત્યાં સુઘી સહન કર્યો અને અંધારાનો લાભ લઈ મુગ્ધાને હોસ્પિટલમાં લાવ્યા. મુગ્ધાએ દીકરાને જન્મ આપ્યો. ગોરો – ગુલાબી, રૂના ઢગલા જેવા દીકરાને જોઇને મુગ્ધાની આંખો વરસી પડી તે પ્રેમથી તેને છાતીએ લગાડે તે પહેલાં જ તેની મા એ દીકરાને આંચકી લીઘો, અને મા-બાપે પહેલેથી જ કરેલી ગોઠવણ મુજબ તેને અનાથઆશ્રમમાં મૂકી દીધો મુગ્ધા રડતી રહી, ઝમતી છાતી અને ટપકતાં આંસુ લૂછતી રહી.

પણ મા-બાપે પોતાની ઇજજત બચાવવા, દીકરીનુ ભવિષ્ય સુધારવા નાનકડાં ફૂલનું ભવિષ્ય અનાથઆશ્રમને સોંપી દીઘુ. એક દિવસ હોસ્પિટલમાં રહીને બીજા દિવસે અંધારાની ચાદર ઓઢીને પાછા ઘરમાં ભરાય ગયાં. મુગ્ધાનું પાપ ધોવાય ગયું.

કોઇને પણ જોતાવેંત ગમી જાય તેવી મુગ્ધાના તેના મા-બાપે છ મહિનામાં લગ્ન કરાવી આપ્યાં પતિ કશ્યપ સારો મળ્યો. મુગ્ધા છાના ખૂણે દીકરાને યાદ કરીને આસુ સારી લેતી લગ્નના છ મહિનામાં ફરીથી ઊલટી-ઉબકા શરૂ થયા પહેલી વખત છૂપાવવાનો સમય હતો, આ વખતે ઉત્સવનો સમય હતો. કશ્યપ તેને હથેળીમાં રાખવા લાગ્યો.

મુગ્ધા ખૂશ હતી સાત – આઠ મહિના વીતી ગયા બાળકના આવવાનો સમય નજીક હતો, અને એક દિવસ મુગ્ધા લપસી પડી. તરત હોસ્પિટલ લઇ જવાઇ, બાળક તો ન બચી શકયું પણ સાથે માતા બનવાની શકયતા પણ ન બચી. ડોકટરે કહી દીઘું કે હવે મુગ્ધા ફરી કયારેય મા નહી બની શકે. પછી ઈલાજ શરૂ થયો.. ઈલાજની સાથે સાથે બાધા – માનતાનો દોર શરૂ થયો… કેટલાય ડોકટરને બતાવ્યુ.. કેટલાય મંદિર ફરી આવ્યા . પણ પરિણામ શૂન્ય… મુગ્ધાનો ખોળો ખાલી જ રહ્યો.

બે બે બાળકોની માતા મુગ્ધાનો ખોળો ખાલી હતો. બે બાળકો ગુમાવાલી મુગ્ધા ગાંડા જેવી થઇ ગઇ. કલાકો સુઘો સૂનમૂન બેસી રહેતી. કશ્યપથી આ ન જોવાયું. તેણે ઘરમાં બઘાને સમજાવીને બાળક દતક લેવાનું નકકી કર્યુ.

મુગ્ધાના મનમાં આશાનું કિરણ ઉગ્યુ. તે દોડીને મા-બાપ પાસે ગઇ.. પોતાનો દીકરો કયાં છે ???. કયા આશ્રમમાં છે ?? તે પુછવા લાગી. તેના મા-બાપે તપાસ કરી તો મુગ્ધાનું નસીબ હજી સારૂં નીકળ્યું.. આશ્રમમાં રાખેલો તેનો દીકરો હજી ત્યાં જહતો મુગ્ધાએ ગમે તેમ કરીને કશ્યપને તે આશ્રમે જવા મનાવી લીઘો. સારો દિવસ જોઇને બધા આશ્રમે ગયા. આટલા બધા બાળકો વચ્ચે પણ જન્મ સમયે ફકત પાંચ મિનિટ જોયેલા દીકરાને મુગ્ધા ઓળખી ગઇ અને કશ્યપને કહીને પોતાનાં જ દીકરાને દતક લઇ લીઘો. સંસારમાં આવું કયારેય બન્યું નહી હોય, કાનાને જન્મ આપનાર દેવકી જ યશોદા બની ગઇ. કશ્યપ મુગ્ધાને ખુશ જોઇને ખુશ હતો.

દીકરો ઘરે લાવ્યાના બે – ચાર દિવસ પછી પાર્ટી રાખી દીકરાને જોઇને બધા એક જ વાકય બોલતા હતા, “કોઇ કહે નહી કે દતક દીકરો છે. બિલકુલ મુગ્ધા જેવો જ લાગે છે.” … અને મુગ્ધા બે વર્ષ સુઘી પોતાનાથી અલગ રાખેલા દીકરાને જાણે બે વર્ષનું વહાલ સામટું આપતી હોય તેમ ગળે લગાડી લેતી….

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ