જલ્સા કરોને જેંતીલાલ

દરવર્ષે નવરાત્રીમાં દર્શને આવતા લાખો ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે મઢવાળી આશાપુરા માં…

નવરાત્રિ દરમિયાન વાંચો કચ્છમાં બિરાજમાન માતાના મઢની પ્રાગટ્ય કથા અને તેના દર્શનનું મહત્ત્વ, માતાજીના પવિત્ર નોરતાનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. ત્યારે આ તહેવારની પવિત્રતા અનુભવવા માતાના મઢની પ્રાગટ્ય કથા અને તેના દર્શનના લાભ વિષે વાંચી ધન્ય થાઓ.

image source

માતાનો મઢ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રસિદ્ધ દેવી સ્થાન છે. કચ્છના મોટા શહેર ભૂજથી આ મંદીર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં બિરાજમાન મા આશાપુરા કંઈ કેટલાકે કુળોના કુળદેવી છે. આશાપુરા માતા કચ્છ તેમજ જામનગરમાં રહેતા જાડેજા કુળના કુળદેવી પણ છે. આ ઉપરાંત નવાનગર, રાજકોટ, મોરબી, ગોંડલ અને બારીયાના રજવાડા પણ તેમને પોતાના કુળદેવી માને છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કચ્છ અને સિંધી ભાષામાં ભારે સામ્યતા છે. તો આ સિંધ સમુદાયના ખીચડા કુળના લોકો પણ આશાપુરા માતાને પોતાના કુળદેવી તરીકે પુજે છે. કચ્છ ઉપરાંત પણ આશાપુરા માતાના મંદીર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં અમરેલી જિલ્લાના ગાધકડા ગામમાં પણ તેમનું મંદીર આવેલું છે અને રાજસ્થાનમાં પણ તેમનું મંદીર આવેલું છે આ ઉપરાંત લાખો કચ્છીઓ જ્યાં જઈને વસેલા છે તેવા મુંબઈમાં પણ આશાપુરા માતાનું મંદીર આવેલું છે તો વળી પુણે અને બેંગલુરુમાં પણ આશાપુરા માતાના મંદીર આવેલા છે.

image source

અહીં દર વર્ષે આસો નવરાત્રીમાં લાખો શ્રદ્ધઆળુઓ દર્શનાર્થે આવે છે અને પોતાની ઇચ્છાપુર્તિ કરે છે.

દર આસો નવરાત્રીમાં અહીં મેળો ભરાય છે. લાખો માઈ ભક્તો પગપાળા ચાલીને માતાજીના દર્શન કરવા આવે છે. મુંબઈમાં વસતા કચ્છી માઈભક્તો પણ આ દરમિયાન અચૂક માતાજીના દર્શનનો લાભ લે છે. આ નવ દીવસ દરમિયાન ભક્તો માટે દરેક રસ્તે સેવાભાવી કેમ્પ લગાવવામાં આવે છે. અને ભક્તોના ખાવાપિવા તેમજ રાતવાસા અને નાહવા વિગેરે માટે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. નવરાત્રી દરમિયાન લાખો ભક્તો આવતા હોવાથી અહીં મંદીરથી લઈને છેક ગામના છેડા સુધી લાઈનો લાગેલી રહે છે. અહીં આંઠમના દિવસે ભવ્ય યજ્ઞ કરવામા આવે છે. વર્ષો પહેલાં આ યજ્ઞ કચ્છના રાજા દ્વારા કરવામાં આવતો હતો પણ હવે તેમના વંશજો તેમાં ભાગ લે છે.

image source

આ સ્થાનક અંગે કંઈ કેટલીએ દંતકથાઓ જોડાયેલી છે.

એક વાયકા પ્રમામે કચ્છની ધરતી પર દોઢ હજાર વર્ષો પૂર્વે આશાપુરા માતા પ્રગટ્યા હતા. મંદીર પાસેથી મળેલી માહિતી પ્રમાણે અને સદીઓ પહેલાં દેવચંદ નામનો મારવાડી વેપારી જે ધર્મે જૈન હતો તે કચ્છ આવેલો હતો. વેપાર અર્થે તે કચ્છના ખૂણે ખૂણે જઈ આવ્યો હતો અને ફરતો ફરતો તે આજે જ્યાં ભવ્ય આશાપુરા માતાનું મંદીર છે ત્યાં પહોંચ્યો.

તે વખતે શારદીય નવરાત્રી એટલે કે આસો મહિનાની નવરાત્રી ચાલી રહી હોવાથી તેણે પણ માતાજીની ભક્તિભાવથી આરાધના કરવાનું શરુ કર્યું. તે માતાજીની ભક્તિમાં તદ્દ્ન લીન થઈ ગયો હતો, માતાજી વેપારીની આરાધનાથી પ્રસન્ન થયા અને તેમણે મારવાડી વાણિયાને દર્શન આપ્યા અને કહ્યું. ભક્ત હું તારી આરાધનાથી ખુબ પ્રસન્ન થઈ છું અને માટે જ તને દર્શન આપી રહી છું. અને માતાજીએ તેને તે જ જગ્યાએ પોતાનું મંદીર બનાવવા જણાવ્યું જ્યાં તેણે માતાજીની ભક્તિ કરી હતી.

image source

જો કે માતાજીએ તેને ખાસ જણાવ્યું હતું કે મંદીર સંપુર્ણ પણે બની ગયા બાદ મંદીરમાં છ મહિના સુધી કોઈએ પ્રવેશ કરવો નહીં અને ન તો મંદીરના દ્વાર ઉઘાડવા. વેપારીને માતાજીના દર્શન થતાં તે અભિભુત થઈ ગયો હતો તેણે તો હવે સંસારની બધી જ માયા મુકી દીધી અને માતાજીનું મંદીર બનાવવામાં લાગી પડ્યો.

થોડા મહિનાઓ બાદ માતાજીનું મંદીર બનીને તૈયાર થઈ ગયું હતું પણ તેને માતાજીની છ મહિના મંદીરના દ્વાર નહીં ખોલવાની સુચના હજુ પણ યાદ હતી માટે તેણે હવે મંદીરમાં કોઈ પ્રવેશે નહીં તે માટે તેની રખેવાળી કરવાની શરૂ કરી દીધી હતી. પાંચ મહિના સુધી તેણે મંદીરની સતત રખેવાળી કરી. પણ એક દીવસે તે જ્યારે મંદીરની રખેવાળી કરી રહ્યો હતો ત્યારે તેને મંદીરના દ્વારની પાછળની બાજુ ઝંઝરનો અવાજ સંભળાયો. મંદીરમાંથી રહસ્યમયી રીતે ઝાંઝરનો રુમઝુમ અવાજ સાંભળી વેપારીના મનમાં કુતુહલ જાગ્યું અને તે માતાજીએ આપેલી સૂચના ભૂલી મંદીરમાં પ્રવેશી જાય છે.

image source

મંદીરમાં પ્રવેશતાં જ મારવાડી વેપારીને એક દિવ્ય અનુભુતિ થાય છે. મંદીરમાંના માતાજીના સ્થાનકમાં માતાજીની ભવ્ય મુર્તિ તેને જોવા મળી. તેણે જોયું કે માતાજીની તે મુર્તિ અધૂરી હતી. તેને પછી માતાજીની છ મહિના મંદીરમાં નહી પ્રવેશવાવાળી સૂચના યાદ આવે છે અને પોતાની ભૂલનો ભારે પછતાવો થાય છે.

તેને પોતાની આ ભૂલથી પારાવાર પછતાવો થઈ રહ્યો હતો. તેણે માતાજીને દંડવત નમન કરીને માફી માગી. ત્યારે માતાજીએ તેને જણાવ્યું કે તારા અંદર પ્રવેશવાના કુતુહલ અને ભુલના કારણે મારી મૂર્તિનું નિર્માણ અધુરુ રહી ગયું છે. આમ અહીંની મૂર્તિ સ્વયંભુ મૂર્તિ છે. તેનું નિર્માણ કોઈ મનુષ્ય દ્વારા નહીં પણ ખુદ માતાજી દ્વારા થયું છે.

image source

જોકે માતાજી મારવાડી વેપારી ભક્તથી નારાજ નહોતા. તેમને તો વેપારીની ભક્તિએ મોહી લીધા હતા તેમણે વેપારીને વરદાન માગવા જણાવ્યું. તેણે વરદાનમાં પુત્રરત્નની આશા વ્યક્ત કરી અને માતાજીએ તેની તે આશાપુરી કરી તેને વરદાન આપ્યું.

આમ માતાએ વેપારીની આશાપુરી કરતાં માતાના મઢના માતાજી આશાપુરામાતા કહેવાયા. મંદીરમાંની આ અધુરી મુર્તિ સાત ફૂટ ઉંચી છે. માતાજીની આ મૂર્તિમાં તેમની સાત આંખો છે. અહીં કેટલાએ ભક્તોની આશાફળી છે અને જેમ જેમ લોકોની આશાઓ પુરી થતી ગઈ તેમ તેમ માતાજીનું નામ ઓર વધારે પ્રસિદ્ધ થતું ગયું અને ગામડે-ગામડે આશાપુરામાતાના મંદીરની પ્રસિદ્ધિ વધતી ગઈ. અહીં માત્ર ગુજરાત જ નહીં પણ મારવાડી વાણિયાના રાજસ્થાનથી પણ ભક્તો પોતાની આશાપુરી કરવા આવે છે.

image source

બીજી એક વાયકા પ્રમાણે ચૌદમી સદીમાં લાખા લુકાનીના પિતાજીના રાજમાં બે વાણિયાઓ કે જેના નામ અજો અને અનો હતા તેમણે આ મંદીર બંધાવ્યું હતું. જે ચારસો વર્ષ બાદ આવેલા ભયંકર ભુકંપમાં નાશ પામ્યું હતું. અને થોડા સમય માટે લોકો આ મંદીરના અસ્તિત્ત્વને સાવ જ ભુલી ગયા હતાં પણ ફરી એક ભ્રહ્મક્ષત્રિય વલ્લભાજીએ આ મંદિરને ઓર વધારે ભવ્ય રીતે બનાવડાવ્યું.

ત્યાર બાદ 2001માં આવેલા વિનાશક ભુકંપમાં પણ મંદીરને ભારે નુકસાન થયું હતું. જેમાં મંદીરનું શીખર ટૂટી ગયું હતું. પણ ત્યાર બાદ ફરી મંદીરનું નિર્માણ કરવામાં આવ્યું અને આ વખતે તેનું પહેલાં કરતાં પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. જેમ જેમ આ મંદીરને ભુકંપના કારણે નુકસાન થતું ગયું તેમ તેમ ભક્તો તેને ઓર વધારે વિશાળ બનાવતા ગયા.

image source

મા આશાપુરાનો પરચો અહીં તેમના ઘણા બધા ભક્તોને મળી ચુક્યો છે અને આજે પણ અવારનવાર મળતો રહે છે. એક અહેવાલ પ્રમાણે કચ્છના ક્રોમવેલના જમાદારને પણ એક સમયે માતાજીના દર્શન થયા હતા. આ જમાદાર પોતે ધર્મે તો મુસ્લિમ હતા પણ તેમને પણ માતાજીમાં અપાર શ્રદ્ધા રહેલી હતી. પોતાને થયેલા સાક્ષાતકારથી અભિભુત થયેલા આ મુસ્લિમ ભક્તે મંદીરમાં 41 વાટનો ચાંદીનો દીવો ભેટ આપ્યો હતો.

માતાના મઢના પુજારીનું ખાસ મહત્ત્વ

image source

માતાના મઢમાં માતાજીની સેવા કરનાર પુજારીને અહીં પુજારી કહીને નથી સંબોધવામાં આવતા અહીંના પુજારીને રાજબાવા કહીને બોલાવવામાં આવે છે. અને તેમનું માન સમ્માન માત્ર સામાન્ય પ્રજા જ નહીં પણ અહીંના રાજા પણ જાળવતા હતા. તે સમયે મંદીરના પુજારી રાજબાવા માટે એક સિંહાસન રહેતું અને તે તેના પર બેસતા.

image source

આજના સમયમાં અહીંના પુજારી ગાદીપતી રાજાબાવા યોગેન્દ્રસિંહજી છે. ભવ્ય મંદીરની આરતીઓ, યજ્ઞો તેમજે અન્ય મહોત્સવની ઉજવણી તેમની દેખરેખ હેઠળ જ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version