વુમન એમ્પવારમેંટનું સૌથી શ્રેષ્ઠ જો કોઈ ઉદાહરણ હોય તો તે દ્રૌપદી જ હોઈ શકે, વાંચો રસપ્રદ વાતો…

કૃષ્ણા, આર્યવત ની સૌથી પ્રભાવશાળી સામ્રાજ્ઞી. પાંચાલ ની રાજકુમારી, દ્રુપદ ની દીકરી, ધ્રુષ્ટ્ધુમ્ન ની બહેન, કુરુવંશ ની કુળવધુ, પાંડવો ની પ્રિય પત્ની અને કૃષ્ણ ની પરમમિત્ર.
એક જ ઝીંદગી માં અનેક ઝીંદગીઓ જીવેલી આ ઉત્કૃષ્ટ સ્ત્રી નું તો ખરેખર કોઈ નામ ક્યારેય હતું જ નહી. અને છતાં તેનું નામ યુગો પછી પણ એટલા જ સમ્માન અને આદર થી લેવાય છે. વુમન એમ્પવારમેંટ નું સૌથી શ્રેષ્ઠ જો કોઈ ઉદાહરણ હોય તો તે દ્રૌપદી જ હોઈ શકે.

યુગો પહેલા કોઈ એવી સ્ત્રી થઇ જેણે એક નવા સમાજ ની સ્થાપના માં, ધર્મ ની સ્થાપનામાં પોતાની પૂરી જાત ખર્ચી નાખી. જે કષ્ટો વિષે કોઈ વિચારી પણ ના શકે તે તેણે વેઠ્યા છે.
હું મારી સામાન્ય લાઈફ માં પણ જયારે અટકી જાઉં કોઈ રસ્તે ત્યારે દ્રૌપદી ની વાર્તાઓ જ મને રસ્તા બતાવતી આવી છે. ક્યાંક ને ક્યાંક આ કૃષ્ણા ખુદ મારી સાથે સતત જીવતી આવી છે.

દ્રૌપદી ના જન્મ ની તો અનેક વિવિધ વાર્તાઓ છે પણ જ્યાં સુધી હું સમજી શકી છું દ્રોણ બદલો લેવા પાંચાલનરેશ દ્રુપદે અગ્નિ પાસે થી પુત્ર નું વરદાન માંગ્યું હતું અને અગ્નિદેવે તેને એક દીકરો અને એક દીકરી બન્ને આપ્યા હતા. દ્રૌપદી નું કોઈ બાળપણ હતું જ નહી. તે યૌવન ના પ્રાંગણ માં જ પૃથ્વી પર આવી હતી.
જેને પ્રાપ્ત કરવાની દ્રુપદ ને કોઈ જ ઈચ્છા નહોતી તે જ અગ્નિજન્મા દ્રૌપદી આર્યવત ની સૌથી સુંદર રાજકુમારી કહેવાતી હતી.
તે પાંચાલ ની કુમારી હતી એટલે પાંચાલી, દ્રુપદ ની દીકરી હતી એટલે દ્રૌપદી અને યજ્ઞ થી પ્રાપ્ત થઇ હતી એટલે યાજ્ઞસેની કહેવાઈ. અને પછી તેના પરમ મિત્ર કૃષ્ણ એ આવીને તેના રક્તશ્યામ રંગ પરથી  તેને નામ આપ્યું કૃષ્ણા…

પહેલી મુલાકાત થી જ તે કૃષ્ણ ની પરમમિત્ર બની ગઈ હતી. કેટલી સરળતા હશે તે છોકરી માં કે સ્વયં કૃષ્ણ પણ તેને મિત્ર બનાવવા અધીરા હશે! સ્ત્રી પુરુષ ની મૈત્રી નું કૃષ્ણ કૃષ્ણા સિવાય કોઈ બીજું ઉદાહરણ હોય જ ના શકે. પણ દ્વારકાધીશ ની મિત્ર હોવા છતાં તેની પૂરી ઝીંદગી મુશ્કેલીઓ થી સુસજ્જિત જ રહી.
કૃષ્ણા હજી આગળ કંઈ સમજે તે પહેલા તો તેનો સ્વયંવર થઇ ગયો. મત્સ્યવેધ કરીને બ્રાહ્મણવેશે આવેલા અર્જુને દ્રૌપદી જીતી લીધી. ત્યારે શું ખરેખર તેને આમ જીતાવું સ્વીકાર્ય હશે?! કેટલા પ્રશ્નો હશે તેના મન માં પણ કોઈએ એક વખત પણ તેને પૂછવાની તસ્દી લીધી હશે?!
તે હજી જાણે કે તેનું વરણ આર્યવત ના પરમ શૌર્યવીર અર્જુન સાથે થયુ છે તે પહેલા તો તે પાંચેય પાંડવો વચ્ચે વહેંચાઇ ચુકી હતી…
તેની પાસે અનેક કારણો હતા ના કહેવાના પણ ફક્ત કુરુવંશ ની મર્યાદા માટે, કુંતી ના વચન ને પાળવા માટે તેણે પોતાની ઝીંદગી પાંચ ટુકડાઓ માં વહેંચી નાખી.
કેટલી અદભુત સ્ત્રી હશે તે જેણે કોઇપણ ફરિયાદ વિના આખી ઝીંદગી પાંચેય ભાઈઓ ને જોડી રાખવા માટે વિતાવી દીધી પણ દરેક પાંડવ સાથે અલગ રીતે જીવતી દ્રૌપદી શું ખરેખર પોતાની પણ રહી શકી હશે ક્યારેય!!
હજી આ પણ પર્યાપ્ત ના હોય તેમ હિડિમ્બા, ઉલુપી અને સુભદ્રા સહિત કેટલીય સ્ત્રીઓ સાથે તેણે પોતાના પતિઓ વહેંચ્યા હશે!!
અને હસતા મોઢે બધા ને સ્વીકારતી યાજ્ઞસેની ને શું ખરેખર ક્યારેય દુઃખ નહી થયું હોય!?

ઇન્દ્રપ્રસ્થ ની સામ્રાજ્ઞી બન્યા પછી થોડા જ સમય માં તેની પાસે થી તેનું સર્વસ્વ લુંટાઈ ગયું. ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય ની હાજરી માં દ્રૌપદી ના લાખ ઇનકાર પછી પણ યુધિષ્ઠિર દ્યુત રમવા બેઠા. બધું જ હાર્યા અને છેલ્લે દ્રૌપદી ને પણ હારી બેઠા. શું વીતી હશે તેના કોમળ મન પર જયારે અંગરક્ષક તેને કહેવા આવ્યો હશે કે યુધિષ્ઠિર તેને હારી બેઠા છે… અને તે હજી તે વસ્તુ માંથી બહાર આવે તે પહેલા તો દુઃશાશન તેનો ચોટલો પકડી ને ભરસભા માં લઇ આવ્યો. ભીષ્મ અને દ્રોણ ની સામે તેની અશ્લીલ મશ્કરી ઉડાવાઈ અને તે રજસ્વલા હોવા છતાં તેનું વસ્ત્રાહરણ થયું.
કોઈ પુરુષ ખાલી ભૂલ થી હાથ અડાડી જાય તો પણ આપણા ક્રોધ ની સીમા નથી રહેતી જયારે દ્રૌપદી નું તો ભરી સભા માં વસ્ત્રાહરણ થયું તું. જયારે તેના તન પર એકમાત્ર વસ્ત્ર રહ્યું ત્યારે કૃષ્ણ એ તેના ચીર પૂર્યા. શું હાલત હશે તે સ્ત્રી ની જરા વિચારી તો જુઓ.

તે અપમાન પછી તેણે પ્રતિજ્ઞા લીધી કે દુઃશાશન ના રક્ત થી કેશ નહી ધોવે ત્યાં સુધી મુક્તકેશા જ રહેશે. કેટલી આગ હશે તેની અંદર… જો તેણે ધાર્યું હોત તો માત્ર તેની આંખો ની અગ્નિ થી સમગ્ર કુરુસભા ભસ્મીભૂત કરી શકી હોત પણ તેણે એમ ના કર્યું.
આટલી વિકટ સ્થિતિ માં પણ તે પોતાનો ધર્મ નથી ચુકી…
ફક્ત દ્રૌપદી થી ભયભીત થઈને ધૃતરાષ્ટ્ર એ બધું જ પાછુ આપ્યું પણ દુર્યોધન ના માન્યો. તેણે ફરીથી જુગાર રમવાની હઠ પકડી અને બીજી વખત દ્યુત રમતી વખતે  દ્રૌપદી એ પણ કહ્યું કે મારે પણ રમવું છે. તેના લાવણ્યમયચેહરા પર સ્મિત સભર તે બધું જ ફરીથી હારીઅને સહર્ષ તેણે ૧૨ વર્ષ નો વનવાસ અને ૧ વર્ષ નો ગુપ્તવાસ સ્વીકાર્યો.

જે કૃષ્ણા માટે આર્યવત ના પાંચ શ્રેષ્ઠ પુરુષો પ્રાણ પાથરતા હોય તે ૧૨ વર્ષ કોઈ સાધ્વી ની જેમ વનવાસ ભોગવી ગઈ. તે પણ પાંચાલ માં ૧૨ વર્ષ સુધી રહી શકી હોત પણ તેણે પુરા ભારતવર્ષ નું ભ્રમણ કર્યું. તેણે સ્ત્રી સશક્તિકરણ નું બીડું ઉપાડ્યું. તેણે ધર્મ સમજાવ્યો…
આ બધા ઉપરાંત યુધિષ્ઠિર ને યુધ્ધ કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી. ભીમ નો જુસ્સો તેણે ઠંડો ના પડવા દીધો, અર્જુન ને શસ્ત્રો નો રોજ નવો અભ્યાસ કરવા પ્રેર્યો, નકુળ નું ક્યારેય સ્મિત ના મુરઝાવા દીધું અને સહદેવ ને ક્યારેય તેના વિચારો થી ભટકવા ન દીધો.

૧૨ વર્ષ તેણે પ્રત્યેક દિવસ યુદ્ધ ની જ પ્રતીક્ષા કરી…

૧૨ વર્ષ ના વનવાસ પછી તે વિરાટ રાજા ને ત્યાં માત્ર પરિચારિકા તરીકે રહી અને ત્યાં પણ વિરાટ ના સાળા કીચકે પોતાની કુદ્રષ્ટિ દ્રૌપદી પર નાખી. તે ત્યાંથી બચીને રડતી ભાગતી રાજમહેલપહોચી પણ ત્યાં પણ રાજા એ કે રાજા સાથે કંક બનીને બેઠેલા યુધિષ્ઠિરે કંઈ જ ના કર્યું. અંતે બલ્લવ બનેલા ભીમે કીચક ની બહુ જ વિકૃત રીતે હત્યા કરી અને દ્રૌપદી એ બધું જ પોતાની આંખો થી જોયું. શું ક્રોધાગની ભર્યો હશે તેની અંદર!!!

૧૩ વર્ષ ના વિલંબ પછી જયારે ખરેખર યુદ્ધ સાવ નજીક આવી ગયું ત્યારે પાંડવો એ કૃષ્ણ ને દૂત તરીકે મોકલ્યા… પાંડવો બધું જ ભૂલી જવા તૈયાર થઇ ગયા હતા જો ફક્ત પાંચ ગામ કૌરવો આપી દે તો. શું વીતી હશે દ્રૌપદી પર ત્યારે!? તેનું વસ્ત્રાહરણ જયારે તેના પતિઓ ભૂલી ગયા તે વિચારીને!

દ્રૌપદી ની અંદર ની પુત્રી, બહેન, પત્ની અને મિત્ર એ તો બહુ ઉઝરડા સહન કર્યા. પણ દ્રૌપદી ની અંદર ની માં નું શું? કેવી રીતે ઉછેર્યા હશે તેણે પાંચાલો ને? વનવાસ અને ગુપ્તવાસ દરમ્યાન તેની અંદર ની માતા તરસી નહી ગઈ હોય પોતાના પુત્રો ને જોવા?
જે યુદ્ધ ની દ્રૌપદી વર્ષો સુધી પ્રતીક્ષા કરતી હતી તે યુદ્ધ માં તેના સંતાનો સાથે શું થઇ શકે તે વિચારીને તે હચમચી નહી ગઈ હોય?
પણ છતાં દ્રૌપદી યુદ્ધ ઈચ્છતી જ હતી અને અંતે યુધ્ધ થયું જ…
બન્ને નિઃશસ્ત્ર એવા કૃષ્ણ ની દોરવણી અને કૃષ્ણા ની પ્રેરણા થી યુદ્ધ થયું અને જ્યાં કોઈ સ્ત્રી નથી રહેતી તેવા યુદ્ધ મોરચે દ્રૌપદી સ્વયં આવી.

પણ યુદ્ધ માં જતા જ અર્જુને શસ્ત્રો મૂકી દીધા. જે સવ્યસાચી પર તે સૌથી વધુ વિશ્વાસ કરતી હતી તેણે શસ્ત્રો મુક્યા ત્યારે સ્વયં શસ્ત્ર ઉપાડી અર્જુન નો વધ કરી દેવાની ઈચ્છા તેને નહી થઇ હોય!?
યુદ્ધ માં પણ પિતાતુલ્ય ભીષ્મ ને ભીષણ નરસંહાર કરી કહેર વર્તાવતા જોઈ દ્રૌપદી એ દસમાં દિવસે ભીષ્મ ને ચોખ્ખું પૂછ્યું હતું કે તેમનું મૃત્યુ કઈ રીતે શક્ય છે! શું ત્યારે તેનું હ્રદય પણ નહી દ્રવી ઉઠ્યું હોય?? ભીષ્મ ને બાણ થી ઘાયલ ભલે અર્જુને કર્યા પણ તે બાણ ની પાછળ નું કારણ બની ને દ્રૌપદી વિચલિત નહી થઇ હોય?

દ્રૌપદી એ પોતાની આંખો થી દ્રોણ ના હાથે દ્રુપદ નો અને અશ્વત્થામા ના હાથે ધ્રુષ્ટ્ધુમ્ન નો વધ જોયો હતો, એક દીકરી અને એક બહેન શું તેની અંદર થી પણ નહી મરી ગઈ હોય!? આ સિવાય પણ તેણે કર્ણ ના હાથે ઘટોત્કચ અને અભિમન્યુ નું મૃત્યુ પણ જોયું અને તેની બાજુમાં જ શાંતિ થી સુતેલા પાંચાલો ના અશ્વત્થામા ના હાથે કપાયેલા ગળા પણ જોયા…
તેની અંદર ના માતૃત્વ ની સરેઆમ અપાયેલી બલી શું તે સહન કરી શકી હશે!?
ઉત્તરા ના ગર્ભ માં રહેલા પરીક્ષિત ના મૃત્યુ ની જાણ થતા શું તેની અંદર રહેલું છેલ્લું આશા નું કિરણ પણ નહી મરી ગયું હોય!??

દુઃશાશન ના રક્ત થી સ્નાન કરતી, દુર્યોધન નું ઉરુભંગ પોતાની આંખે થી નિહાળતી કે અશ્વત્થામા ને શ્રાપ આપતી દ્રૌપદી ની આંખો માં અજબ સંતોષ હોય તો પણ નવાઈ નહી. ૧૩ વર્ષો સુધી તે જે અગ્નિ માં સળગી હતી તે પાપીઓ ની ચિતા જોઇને તેણે થોડી ક્ષણો પુરતી તો શાંતિ અનુભવી જ હશે. આ સંતોષ અને શાંતિ તેના હક હતા. પણ એ પણ કેટલો સમય ટકી હશે?
આટલા લોકો ના નરસંહાર થી, વિધવાઓ ના કોલાહલ થી , અનાથ બાળકો ના ચેહરાઓ થી તેને પોતાના પર ધ્રુણા પણ ઉપજી જ હશે ને!
તેણે પોતાની જાત ને કસુરવાર નહી માની હોય??
મહાભારત પછી શું તે ખરેખર ક્યારેય શાંતિ થી ઊંઘી શકી હશે??
એક માં, બહેન, પત્ની, દીકરી અને સ્ત્રી તો તેની અંદર થી કુરુક્ષેત્ર ના યુદ્ધ માં જ મરી ગયા હતા. માત્ર સામ્રાજ્ઞી તરીકે રહીને તે જીવતી હશે કે તેના શ્વાસ માત્ર ચાલતા હશે?!!

અને આ બધું થયા ના બસ ૩૬ વર્ષ પછી કૃષ્ણા ના જીવતા જ તેના કૃષ્ણ એ યાદવાસ્થળી માં પૃથ્વી છોડી દીધી. તેણે કેમ સંભાળી હશે પોતાની જાત ને?
સ્વર્ગારોહણ નો નિર્ણય પણ કદાચ તેણે જ હશે.
કૃષ્ણ વિના ની કૃષ્ણા તેને પણ નિરર્થક લાગી હશે એટલે જ કદાચ સૌથી પહેલી તેણે જ જીવનલીલા આટોપી લીધી હશે. એક બહુ અદભુત જીવન નો તેણે અંત લાવી દીધો હશે.

કૃષ્ણા, મુક્તકેશા, યાજ્ઞસેની, અગ્નિજન્મા, પાંચાલી, દ્રૌપદી એટલે મારા જીવન ની સર્વશ્રેઠ સ્ત્રી. એક સમ્પૂર્ણ સ્ત્રી. આ સ્ત્રી નું જીવન પોતે જ એક મહાગ્રંથ છે. કૃષ્ણા પોતે જ એક મહાકાવ્ય છે. સૌંદર્ય અને ત્યાગ ની પરિભાષા છે. તેના માં પ્રેમ ની જ્યોત પણ છે અને જ્વાળા ની દાહ પણ છે.

આ અદભુત સ્ત્રી માટે ફક્ત બે શબ્દ જ હું કહી શકું છુનમામીકૃષ્ણે.

લેખક : દર્શિતા જાની

આપના અભિપ્રાય કોમેન્ટમાંજણાવો, દરરોજ આવી અનેક રસપ્રદ વાતો અને વાર્તાઓવાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી