દરિદ્રતા – આજના યુગના સમૃદ્ધ લોકોની આવી છે દરિદ્રતા !

” આજે સાંજે વી સી આર આવવાનું છે ”

જોતજોતામાં સમાચાર આખા ઘર માં ફરી વળ્યાં. મોટા ઘર માં વસતા મોટા સંયુક્ત કુટુંબ ના ચાર ભાઈઓ એ પોતાના બાળકો ને આપેલી
એ માહિતી થી આખું ઘર ચહેકી ઉઠ્યું. સાંજે ઓફિસે થી સીધા સમયસર ઘરે મળવાનું નક્કી કરી ચારે ભાઈઓ છૂટા પડ્યા.

ઘર ના મધ્ય કક્ષ માં એકજ ટીવી માં મનોરંજન પ્રાપ્ત કરતુ આ કુટુંબ એટલું પણ સધ્ધર ન હતું કે બજાર માં નવું નવું જ પ્રવેશેલું ઊંચી કિંમત નું વી સી આર વસાવી શકે. તેથી દર મહિના ની છેલ્લી શનિવારે સાંજે ચારે ભાઈઓ ભાડે થી અપાતા વી સી આર ને સાથે નવી ચલચિત્રો ની કેસેટો પણ ભાડું આપી લઇ આવતા. જેથી આખું પરિવાર સાથે મળી મનોરંજન મેળવી શકે અને ખર્ચો પણ અંદરોઅંદર વહેંચાય જાય. આજે પણ મહિના નો છેલ્લો શનિવાર એટલે સહપરિવાર સિનેમા જગત નું મનોરંજન માળવાનો દિવસ.

ઘર ના વડીલ બા ને બાપુ પોતાના તરફ થી સહયોગ આપવા મધ્ય કક્ષ માં બેઠક ની યોજના કરવા મંડી પડ્યા. આડોશપાડોશ માંથી પણ આવી જતા મહેમાનો અને ઘર ના ટાબરિયાઓ પણ જે મિત્રો ને આમન્ત્રણ પાઠવી આવ્યા હશે એ દરેક ને સમાવી શકાય ને બેઠક ની
વ્યવસ્થા યોગ્ય રીતે થાય એ માટે ઘર ના ગણ્યાગાંઠ્યા સામાન વચ્ચે જગ્યા કરી મોટી ચટાઈ પાથરી રહ્યા.

શેરી માં રમતા, વેકેશન ની મજા માણી રહેલા પરિવાર ના બાળ સદસ્યો પોતપોતાના મિત્રો ને સાંજે આવનાર વી સી આર ની ખબર મોટા સમાચાર ની જેમ આપી રહ્યા . જે મિત્રો ના માતા પિતા એ રાત્રે એમના ઘરે આવવાની પરવાનગી ન આપી એમના ઘરે પહોંચી વાલીઓ ને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા.

ઘર નું સ્ત્રી ગણ રસોડા માં ઉત્સાહ પૂર્વક દરરોજ કરતા બમણી સ્ફૂર્તિ એ નિયમિત રસોઈ તૈયાર કરી ,સાંજ માટે ભિન્ન ભિન્ન સ્વાદિષ્ટ નાસ્તાઓ બંનાવવા માં વ્યસ્ત થયું. ગરમાગરમ ચેવડા, થેપલા, ઢોકળા, પવવા ની સુગંધ થી આખું રસોડું મહેકી ઉઠ્યું.

સાંજે ઘરે પરત થતાંજ ચારે ભાઈઓ એ વી સી આર જોડી ફિલ્મ કેસેટ
શરૂ કરી અને આખું પરિવાર અને પધારેલા આમન્ત્રિત મહેમાનો એકસાથે મનોરંજન વિશ્વ માં ખોવાય રહ્યા. આખું ઘર એક નાનકડું સિનેમા હોલ જેવું ભાસી રહ્યું. તાજો ગરમ નાસ્તો, મિત્ર પરિવાર નો સાથ, કુટુંબ નું એક એક સદસ્ય એકબીજા નું સાનિંધ્ય માણતા માણતા આખા મહિના નો થાક ને તણાવ વિસરી રહ્યાં દરિદ્રતા ની એ સમૃદ્ધિ માં !

” દાદાજી જઈએ ?”

નાની બાળકી નો અવાજ ભૂતકાળ ની સુવર્ણ ક્ષણો માંથી વર્તમાન ની નીરસ શાંતિ માં ખેંચી લાવ્યો. આજે પણ મહિના નો છેલ્લો શનિવાર જ તો હતો. આજે એમના પોતાના દીકરાઓ પણ ઓફિસે થી
સમયસર ઘરે પહોંચી ચુક્યા હતા . એ બધા નો પણ આખા મહિના નો થાક ને તણાવ દૂર કરવાનો દિવસ જ તો હતો. પણ હવે પહેલા જેવી દરિદ્રતા ક્યાં રહી!? હવે એ ગણ્યાગાંઠ્યા સામાન વાળા ઘર ની જગ્યા એક મહેલ જેવું સમૃદ્ધ ઘર ઉભું છે . એક વી સી આર ન વસાવી શકનાર એ દરિદ્ર પરિવાર ની નવી પેઢી ના દરેક ઓરડા માં પોતપોતાનું વ્યક્તિગત ડી વી ડી પ્લેયર છે. કોઈ લેપટોપ, કોઈ મોબાઈલ તો કોઈ ટેબ્લેટ લઇ પોતપોતાના ઓરડા માં પોતપોતાના વ્યક્તિગત વિશ્વ માં વ્યસ્ત છે. ઘર ના મોટા થયેલા ખૂણા ઓ માં દરેક સદસ્ય પોતાના અંગત ખૂણાઓ માં ખોવાઈ ગયા છે !

” ચાલ બેટા ” બાળકી નો હાથ પકડી એ નિયતક્રમ અનુસાર બગીચે જવા નીકળી પડ્યા. પાછળ એક દ્રષ્ટિ કરી અને પોત પોતાના અંગત ઓરડાઓ માં પુરાયેલા દીકરાઓ ના બંધ બારણાઓ જોઈ સમૃદ્ધ વિશ્વ ની એ દરિદ્રતા પર ઊંડો નિસાસો નખાઈ રહ્યો!

લેખક : મરિયમ ધુપલી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી