જલ્સા કરોને જેંતીલાલ

દરેક સામાન્ય માનવીને કામ લાગશે આ ટીપ્સ, એરકંડીશનર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો…

ગોદડામાં ઢબૂરાઈને પથારીમાં પડ્યા રહેવાના શિયાળાના ઠંડા દિવસો ઘડીકમાં ચાલ્યા ગયા અને ધોમધખતા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. મે મહિના જેટલી ગરમી ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી પડવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રદુષણના પ્રતાપે વાતાવરણના તાપમાનમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. શરીર શેકાઈ જાય તે હદે આકાશમાંથી અગનજ્વાળાઓ તપાવતી રહે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દિનપ્રતિદિન ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે એનાથી બચવા માટે લોકોને જાતજાતના નુસખા અજમાવવા પડે છે. જો કે ટેક્નોલોજીના પ્રતાપે ગરમીથી છૂટકારો મેળવવો આસાન થઈ ગયો છે. આજે એવી જ એક ટેક્નોલોજીની વાત કરવી છે. વિજ્ઞાને માનવજાતને આપેલા અમૂલ્ય આશીર્વાદની આ લેખમાં વાત કરીશું. વહેલી પરોઢના ઠંડા પવનો સિવાય આખો દિવસ આકરા તડકામાં શેકાઈ રહ્યો છે ત્યારે આ લેખથી ઘણું જાણવા મળશે અને રાહત થશે તેવું અનુમાન છે. તો આવો જાણીએ, એરકંડીશનર વિશે.
એરકંડીશનરનો ઈતિહાસ –

એ વર્ષો જૂનો એક જમાનો હતો જ્યારે રૂમના વાતાવરણને ઠંડક આપવા માટે બરફ અને પંખાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે એરકંડીશનરનો વિચાર પ્રગટ્યો પણ નહોતો ત્યારે નાનકડા બોક્ષમાં ભરેલા બરફની ઠંડકને પંખાની મદદથી આખા રૂમમાં ફેલાવીને ગરમીમાં ટાઢક મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. કહેવાય છે કે એરકંડીશનરનો સાવ પ્રાથમિક કક્ષાનો કહી શકાય તેવો વિચાર પ્રાચીન ઈજિપ્તમાં ઉપયોગમાં લેવાતી એક પધ્ધતિ પરથી શરૂ થયેલો. તે સમયે વાંસની પોલી સળીઓ બારી પર લટકાવીને તેના પર લગાતાર પાણી ટપકતું રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવતી. આ રીતે બહારથી આવતી ગરમ હવા ઠંડી થઈને રૂમમાં ફેલાઈ જતી જેથી રૂમના વાતાવરણમાં ઠંડક મહેસૂસ કરી શકાતી. યાદ છે આજથી વર્ષો પહેલા એરકૂલર કે એરકંડીશનર એફોર્ડ નહોતા કરી શકાતા એ સમયમાં લગભગ દરેક ગુજરાતી ઘરમાં બપોરના સમયે બારી પર કે દરવાજા પર ભીના કરેલા શણના કોથળાઓ ટીંગાડેલા જોવા મળતા. આ જ પધ્ધતિના પાયા પર એરકંડીશનરનો ઉદ્ભવ થયેલો છે.
આજે આપણે જે એરકંડીશનર વાપરીએ છીએ તેનો શ્રેય મોર્ડન એરકંડીશનીંગ સિસ્ટમના જન્મદાતા અમેરિકન એન્જીનિયર વિલિસ કેરિઅરને જાય છે. વર્ષ ૧૯૦૨માં વિલિસ કેરિઅરને સફળતા મળી એ પહેલા વર્ષ ૧૭૫૮માં અમેરિકન શોધક બેન્જામિન ફ્રેન્કલિન અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી પ્રોફેસર જોન હેડલીએ અમૂક પ્રવાહીને ઠંડી કરવાની પધ્ધતિ પર પ્રયોગો શરૂ કર્યા હતા. મરક્યૂરી થર્મોમીટર બલ્બ દ્વારા કરેલા અનેક પ્રયોગ પછી તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે પ્રવાહીને ઠંડા કરવાનો આધાર તેનું કેટલી જલ્દી બાષ્પીભવન થાય છે તેના પર રહેલો છે. એ પછી વર્ષ ૧૮૨૦માં બ્રિટિશ શોધક માઈકલ ફેરેડે દ્વારા કરાયેલા અનેક પ્રયોગો થકી જાણવા મળ્યું હતું કે એમોનિયાને દબાણની પ્રક્રિયા દ્વારા પ્રવાહી કરવાની પધ્ધતિથી હવાને ઠંડી કરી શકાય છે જો કે આજના આધુનિક એરકંડીશનર સુધી તેઓ પહોંચી શક્યા નહોતા.વર્ષ ૧૯૦૨માં પહેલું મોર્ડન ઈલેક્ટ્રીક એર કંડીશનીંગ યુનિટ વિલિસ કેરિઅર દ્વારા શોધવામાં આવ્યું. ન્યુયોર્કમાં જન્મેલા વિલિસ કેરિઅરે કોર્નેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યા પછી બૂફેલો ફોર્જ કંપનીમાં નોકરી શરૂ કરી અને એ સમયમાં તેમણે સાકેત-વિલ્હેમ્સ લિથોગ્રાફિંગ અને પબ્લિસિંગ કંપની માટે એરકંડીશનીંગ સિસ્ટમ સાથે પ્રયોગો શરૂ કર્યા હતા. વિલિસ કેરેઅર દ્વારા શોધાયેલી પહેલી મોર્ડન એરકંડીશનર પધ્ધતિ રૂમને ઠંડુ કરવાની સાથોસાથ હવાને ભેજયુક્ત પણ બનાવતી હતી. તેમની એ પધ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થઈ શકે તે માટે અમેરિકામાં ધી કેરિઅર એરકંડીશનીંગ કંપની ઉભી કરવામાં આવી જે અંતર્ગત વિલિસ કેરિઅરે શોધેલી પધ્ધતિમાં અનેક સૂધારાવધારા કરવામાં આવ્યા. એ પછી વર્શ ૧૯૧૪માં ચાર્લ્સ ગેટ્સ અને વર્ષ ૧૯૪૫માં રોબર્ટ શેરમેન અને બીજા અનેક શોધકો દ્વારા થયેલા પ્રયોગોને કારણે સમયાંતરે એરકંડીશનીંગ પધ્ધતિમાં ફેરફારો આવતા ગયા અને આજનું આધુનિક એરકંડીશનર આવિષ્કાર પામ્યું.
વર્ષો પહેલા ઉપયોગમાં લેવાતા રેફ્રીજરેન્ટ કમ્પ્રેસરમાં મીથાઈલ ક્લોરાઈડ, પ્રોપેન અને એમોનિયા જેવા ટોક્ષિક ગેસનો વધારે ઉપયોગ થતો હતો જેથી ક્યારેક આગ લાગવાની સંભાવનાઓ વધી જતી હતી. વર્ષ ૧૯૨૮માં થોમસ મિડગ્લે દ્વારા એરકંડીશનીંગ સિસ્ટમમાં નોન-ફ્લેમેબલ, નોન ટોક્ષિક ક્લોરોફ્લૂઓરોકાર્બન ગેસ ‘ફ્રેઓન’નો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારના ગેસ R-11, R-12, R-22, R-134a વગેરે જેવા નંબરના આધારે ઓળખાય છે. થોડા સમય પહેલા લગભગ દરેક એરકંડીશનરમાં R-22 નો ઉપયોગ થતો હતો. જો કે ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે જાગૃત સંસ્થાઓને કારણે ઓઝોન વાયુમંડળને અસર કરે તેવા ગેસ પર પ્રતિંબંધ મૂકી દેવામાં આવ્યો અને હવે લગભગ દરેક એરકંડીશનરમાં R-134a નામના હાઈડ્રોફ્લુઓરોકાર્બન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે.
એરકંડીશનર કઈ રીતે કામ કરે છે –

એરકંડીશનર વિશે આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે તે ગરમીમાં રૂમનું વાતાવરણ ઠંડુ કરી આપે છે પણ શું આપણે એ જાણીએ છીએ કે તે કઈ રીતે કામ કરે છે? મોટાભાગના લોકો એરકંડીશનરની ટેક્નોલોજી વિશે અજાણ હોય છે અને એ અજ્ઞાનતા જતે દહાડે એરકંડીશનરના નુકસાનનું કારણ પણ બની શકે છે. એરકંડીશનરનો આડેધડ ઉપયોગ ટાળી શકાય અને તેની કાર્યક્ષમતા જાળવી શકાય તે માટે એરકંડીશનર કઈ રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે. સામાન્યરીતે એરકંડીશનર અને રેફ્રીજરેટર બંનેમાં એક જ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. ફરક માત્ર એટલો છે કે રેફ્રીજરેટર માત્ર ચોક્કસ જગ્યાને ઠંડી રાખે છે જ્યારે એરકંડીશનર આખા ઘર, ઓફીસ કે દુકાનને ઠંડી રાખી શકે છે. એરકંડીશનર રૂમની ગરમ હવાને શોષીને તેને પોતાની અંદરના કોઈલ અને રેફ્રીજરેંટની મદદથી પ્રોસેસ કરે છે અને ઠંડી હવા બહાર ફેંકે છે. કોઈ પણ પ્રકારના એરકંડીશનરમાં મુખ્યત્વે ચાર મહત્વના અંગ આવેલા છે – ઈવાપોરેટર, કમ્પ્રેસર, કન્ડેન્સર અને એક્સપાન્શન વાલ્વ.
‘ઈવાપોરેટર’ એક પ્રકારની ગરમી શોષી લેતી કોઈલ છે જે રૂમની ગરમીને પોતાની અંદર ભેગી કરે છે અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને કમ્પ્રેસર સુધી લઈ જાય છે.
કમ્પ્રેસર – આ એક પ્રકારનું યુનિટ છે જેમાં ગેસના પ્રકારવાળા શામક પદાર્થની દબાણપ્રક્રિયા થાય છે. ‘ઈવાપોરેટર’માંથી પ્રવાહી સ્વરૂપમાં આવેલી ગરમીને આ યુનિટ કમ્પ્રેસ કરીને ‘કન્ડેન્સર’ અને ‘એક્સપાન્શન વાલ્વ’ તરફ લઈ જાય છે.
કન્ડેન્સર – આ યુનિટ કમ્પ્રેસરમાંથી બાષ્પ થયેલા શામક પદાર્થને ઠંડા પ્રવાહીમાં ફેરવી તેમાંથી વધારાની ગરમી બહાર ફેંકી દે છે. ઠંડા પ્રવાહીને તે એક્સપાન્શન વાલ્વ દ્વારા ઈવાપોરેટર તરફ આગળ મોકલી આપે છે.
એક્સપાન્શન વાલ્વ – આ વાલ્વ ઈવાપોરેટરની ઠંડી કોઈલ અને કન્ડેન્સરની ગરમ કોઈલની વચ્ચે લાગેલો હોય છે જે ઈવાપોરેટરમાં મોકલાતા શામક પદાર્થની સંખ્યાને કંટ્રોલ કરે છે.
આ ચાર ઘટકોના ઉપયોગ વડે એરકંડીશનર રૂમની ગરમ હવાને આસાનીથી ઠંડી કરી આપે છે. ગરમ હવા એરકંડીશનરમાં લાગેલી ગ્રિલ પાઈપ વડે ઈવાપોરેટર કોઈલ સુધી પહોંચે છે જ્યાં તેની ગરમી શોષી લેવાય છે. તે પછી તે ગરમ શામક પદાર્થ કમ્પ્રેસરમાં પહોંચે છે જ્યાં તેને કમ્પ્રેસ કરવાથી વધારે ગરમ થઈ જાય છે. આ ગરમ હવા કન્ડેન્સરમાં પહોંચે છે જ્યાં તેની વધારાની ગરમી બહાર ફેંકાઈને ઠંડા પ્રવાહીના સ્વરૂપમાં બદલાઈ જાય છે અને એક્સપાન્શન વાલ્વ તેને સપ્રમાણમાં ઈવાપોરેટરમાં મોકલતું રહે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી સેટ કરેલા તાપમાન સુધી રૂમનું વાતાવરણ ઠંડું ન થઈ જાય. એરકંડીશનરની અંદર કામ કરવાવાળી પધ્ધતિ કેટલી સરળ છે તે નીચેના ચિત્ર પરથી આસાનીથી સમજી શકાશે. એરકંડીશનર કોઈ પ્રકારની નવી ઠંડી હવા પેદા નથી કરતું. તે માત્ર રૂમની જ ગરમ હવાને શોષી તેને કેમિકલ પ્રોસેસ વડે ઠંડી બનાવીને મોકલી આપે છે. એરકંડીશનરમાં આ ચાર ઘટક સિવાય બીજુ મહત્વનું અંગ હોય તો તે છે, થર્મોસ્ટેટ. આ વિભાગ રૂમના તાપમાન પ્રમાણે એરકંડીશનરના તાપમાનને સપ્રમાણ રાખવાનું કામ કરે છે. તે એરકંડીશનરનું નક્કી કરેલું તાપમાન અને રૂમના તાપમાન વચ્ચે તફાવત કાઢે છે અને તે પ્રમાણે એરકંડીશનરને ઓટોમેટિક ઓન/ઓફ કરે છે જેથી રૂમનું ઠંડુ તાપમાન જળવાઈ રહે છે. રૂમની ગરમ હવા એરકંડીશનરમાં સેટ કરેલા તાપમાન જેટલી ઠંડી થઈ જાય એટલે થર્મોસ્ટેટ રેફ્રીજરેન્ટની પ્રોસેસ અટકાવી દે છે. જો તાપમાન થોડું પણ ગરમ થાય કે તરત તે રેફ્રીજરેન્ટની પ્રોસેસ ચાલુ કરી દે છે. આ રીતે ઓન/ઓફ પધ્ધતિ દ્વારા એરકંડીશનરની અંદરની પ્રોસેસ ચાલુ રહે છે.
એરકંડીશનરના પ્રકારો –

એરકંડીશનર ખરીદવા માગતા દરેક લોકોના મનમાં સૌથી પહેલો સવાલ એ હોય છે કે સ્પ્લિટ એરકંડીશનર ખરીદવું જોઈએ કે વિન્ડો એરકંડીશનર. દરેકની પસંદગી અલગ-અલગ હોય છે પણ એરકંડીશનરની પરફેક્ટ ખરીદી એટલે આ બે પ્રકાર વચ્ચે કોઈ એકની પસંદગી કરી લઈએ એટલું પૂરતું નથી. આ સિવાય પણ બીજું ઘણું બધું જાણવું પડે છે. દરેક કંપનીના એરકંડીશનર વચ્ચે સરખામણી કરવામાં આવે તો કાર્યક્ષમતા, બનાવટ અને વિશેષતાને આધારે તે એકબીજાથી અલગ પડે છે. એરકંડીશનર એક એવી ચીજ છે જે ઘરના વીજળીના બિલમાં બહુ મોટી અસર કરે છે તેથી તેની પસંદગી પાછળ વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
સામાન્યરીતે એરકંડીશનર ચાર પ્રકારના જોવા મળે છે.

વિન્ડો એરકંડીશનર – વિન્ડો એરકંડીશનર સિંગલ રૂમ માટે વપરાય છે. આ પ્રકારના એરકંડીશનરમાં કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્પાન્શન વાલ્વ, કૂલીંગ કોઈલ અને ઈવાપોરેટર જેવા દરેક પાર્ટ એક જ બોક્સની અંદરે ફીટ કરવામાં આવ્યા હોય છે. વિન્ડો એરકંડીશનર માટે દિવાલમાં અલગથી એક બોક્ષ બનાવવું પડે છે જેમાં આ પ્રકારનું એરકંડીશનર ફીટ કરવામાં આવે છે. પહેલાના સમયમાં આ પ્રકારના એરકંડીશનરનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હતો.સ્પ્લિટ એરકંડીશનર – સ્પ્લિટ એરકંડીશનરમાં બે અલગઅલગ યુનિટ હોય છે. આઉટડોર યુનિટ અને ઈનડોર યુનિટ. રૂમની બહારની બાજુએ ફીટ થતાં આઉટડોર યુનિટમાં કમ્પ્રેસર, કન્ડેન્સર અને એક્પાન્શન વાલ્વ જેવા પાર્ટ્સ હોય છે, જ્યારે ઈનડોર યુનિટમાં ઈવાપોરેટર , કૂલીંગ ફેન અને કૂલીંગ કોઈલ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ પ્રકારના એરકંડીશનર માટે દિવાલમાં કોઈપણ જાતનું બોક્ષ બનાવવું પડતું નથી. આજકાલ માર્કેટમાં આ પ્રકારના એરકંડીશનર સહુથી વધારે વેંચાય છે જે દરેક પ્રકારના મકાનમાં આસાનીથી ફીટ થઈ શકે છે અને વધારે જગ્યા રોકતા નથી.
પેકેજ્ડ એરકંડીશનર – જો એક કરતાં વધારે રૂમને ઠંડા કરવાની જરૂરિયાત હોય અથવા મોટી જગ્યા ધરાવતાં રૂમમાં એક કરતાં વધારે એરકંડીશનરની જરૂરત હોય છે તો આ પ્રકારના એરકંડીશનરનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બે રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પહેલી રીતમાં બધા જ પાર્ટસ એક જ યુનિટમાં મૂકવામાં આવે છે અને ઠંડી હવાને વધારે ક્ષમતાવાળા બ્લોઅરની મદદથી ડ્ક્સ દ્વારા અલગ અલગ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. તે માટે દરેક રૂમમાં અલગથી યુનિટ ફીટ કરવાની જરૂર નથી પડતી. બીજી રીતમાં કમ્પ્રેસર અને કન્ડેન્સર એક અલગ યુનિટમાં લગાડવામાં આવે છે. તેમાંથી કમ્પ્રેસ થયેલો ગેસ અલગ અલગ ડક્સ દ્વારા દરેક રૂમમાં લગાડેલા યુનિટ સુધી પહોંચાડવામાં આવે છે. રૂમમાં લગાડેલા યુનિટમાં એક્સપાન્શન વાલ્વ અને કૂલીંગ કોઈલ લગાડવામાં આવી હોય છે. આ પ્રકારના એરકંડીશનર સામાન્યતઃ રેસ્ટોરેન્ટ, ટેલિફોન એક્સચેંજ અને નાના હોલમાં ઉપયોગમાં લેવામાં આવે છે.સેન્ટ્રલ એરકંડીશનર – આ પ્રકારના એરકંડીશનર મોટી હોટેલો, હોસ્પિટલો, શોપિંગ મોલ કે કોર્પોરેટ બિલ્ડીંગમાં લગાડેલા જોવા મળે છે. તે માટે બહુ મોટી ક્ષમતા ધરાવતા કૂલીંગ લોડ અને બ્લોઅર (પંખા) ની જરૂર પડે છે. આ માટે અલગથી પ્લાન્ટ બનાવવામાં આવે છે જેમાં વધારે ક્ષમતાવાળા કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ અને થર્મોસ્ટેટિક લગાડવામાં આવે છે. પ્રોસેસ દ્વારા ઠંડી કરવામાં આવેલી હવા ડક્સ દ્વારા અલગઅલગ રૂમમાં પહોંચાડવામાં આવે છે. આ પ્રકારના એરકંડીશનરમાં દરેક રૂમમાં કોઈપણ પ્રકારની કોઈલ કે યુનિટ લગાડવાની જરૂર પડતી નથી. ડક્સ દ્વારા ઠંડી હવા આવતી રહે તે પ્રમાણેની વ્યવસ્થા માત્ર ગોઠવવાની જરૂર પડે છે.
સ્પ્લિટ અને વિન્ડો એરકંડીશનર સામાન્યરીતે ૫ ટનની કેપેસિટી સુધીના જોવા મળે છે, જ્યારે સેન્ટ્રલ એરકંડીશનર ૨૦ ટન કરતા વધારે ક્ષમતાવાળા જોવા મળે છે. પેકેજ્ડ એરકંડીશનર ૩,૫,૭,૧૦ અને ૧૫ ટનના ફિક્સ કેપેસિટીમાં મળી આવે છે.
આકાર અને જરૂરિયાત પ્રમાણે એરકંડીશનર ઉપરના ચાર પ્રકારના જોવા મળે છે પરંતું ઉપયોગમાં આવતી પધ્ધતિ પ્રમાણે તેના બીજા બે પ્રકારો પડે છે. નોનઈન્વર્ટર એટલે કે રેગ્યૂલર એરકંડીશનર અને ઈન્વર્ટર એરકંડીશનર.બંને પ્રકારના એરકંડીશનરમાં સહુથી મોટો ફરક હોય તો તેમાં ઉપયોગમાં લેવાતાં કમ્પ્રેસરનો છે. નોનઈન્વર્ટર એરકંડીશનરમાં કમ્પ્રેસરની સ્પીડ ફીક્સ હોય છે એટલે કે તે એકદમ ફૂલ સ્પીડ પર અથવા તો એકદમ ઓછી સ્પીડ પર કામ કરે છે જ્યારે ઈન્વર્ટર એરકંડીશનરમાં કમ્પ્રેસરની સ્પીડમાં રૂમના વાતાવરણ પ્રમાણે વધારોઘટાડો થઈ શકે છે. જે વીજળીના વપરાશમાં અને એનર્જીની બચતમાં તે સારો એવો લાભ કરાવી આપે છે. વળી, ઈન્વર્ટર એરકંડીશનર વારંવાર કમ્પ્રેસરને ઓન / ઓફ કરવાને બદલે તેને એકદમ ઓછા પાવરમાં પણ ચાલુ રાખે છે જે તેની ક્ષમતાને રેગ્યૂલર બનાવે છે અને સરવાળે એરકંડીશનરની આવરદામાં વધારો કરે છે. ઈન્વર્ટર એરકંડીશનરનો સહુથી મોટો ફાયદો એ છે કે તે રૂમને ઠંડો કરવામાં બહુ જ ઓછો સમય લે છે. જો કે રેગ્યૂલર એરકંડીશનર ઈન્વર્ટર એરકંડીશનર કરતાં પ્રમાણમાં સસ્તા મળે છે.
એરકંડીશનર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો –

એરકંડીશનર ખરીદી લેવું એ બહુ મોટી કળા નથી પરંતું જરૂરિયાત પ્રમાણેનું પરફેક્ટ એરકંડીશનર ખરીદીએ છીએ કે નહીં તે ચોક્કસપણે ખરીદીની એક કળા કહી શકાય. એરકંડીશનર ખરીદતી વખતે અમૂક બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. જેમાં નીચેની અગત્યની બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
૧. કેટલા ટનનું એરકંડીશનર ખરીદવું જોઈએ?

એરકંડીશનર ખરીદવા જતા લોકો માટે આ સહુથી મોટો પ્રશ્ન રહેતો હોય છે. ઘણા લોકો ટનનો અર્થ વજન તરીકે ગણે છે જે સદંતર ખોટું છે. એરકંડીશનરના માધ્યમથી વિચારીએ તો રૂમમાંથી એક કલાકમાં તે કેટલી ગરમ હવા બહાર ફેંકી શકે છે તે અર્થમાં ટનનો ઉપયોગ થાય છે. બહાર ફેંકાતી ગરમ હવાને BTU એટલે કે બ્રિટિશ થર્મલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે.
એનો સીધો મતલબ થયો કે જેટલા BTU વધારે, એટલી રૂમને ઠંડા કરવાની કાર્યક્ષમતા (કૂલિંગ કેપેસિટી) વધારે.
સામાન્ય રીતે એક ટન બરાબર એક કલાકના ૧૨૦૦૦ BTU ગણાય. એક ટન એરકંડીશનર એક દિવસમાં ૧૦૦૦ કિલો જેટલી હવાને ઠંડી કરી શકે. એરકંડીશનરની જરૂરિયાત મોટેભાગે રૂમની સાઇઝ, રૂમનું સામાન્ય વાતાવરણ, પરિવારમાં રહેતા સભ્યોની સંખ્યા અને તેના ઉપયોગ પર આધારિત છે. એરકંડીશનર પર બીજી ઘણી બાબતો અસર કરે છે. રાત્રે જે એરકંડીશનર વધુ ઠંડક આપતું હોય તે દિવસમાં ગરમી વધુ હોવાથી ઓછી ઠંડક આપતું હોય તેમ બને છે. ઋતુ પ્રમાણે પણ એરકંડીશનની જરૂરિયાત અલગ રહેતી હોય છે. શિયાળામાં ૧ ટનનું એસી ચાલી જાય, જ્યારે ઉનાળામાં તે ઓછી ઠંડક આપે તેવું પણ બને.
રૂમના હિસાબે કેટલા ટનનું એરકંડીશનર જોઈએ તે વિગતો તપાસીએ –

૮૦ સ્ક્વેરફૂટના રૂમ માટે અંદાજે ૦.૭૫ ટનનું એરકંડીશનર જોઈએ. જો રૂમ ૧૦૦ સ્ક્વેરફૂટનો હોય તો ૧ ટન અને ૧૨૦ સ્ક્વેરફૂટના રૂમ માટે અંદાજે ૧.૫ ટનનું એરકંડીશનર ખરીદવું જોઈએ. ઓફીસ અને મોટા લિવિંગ રૂમ માટે ૨ કે તેથી ટનના એરકંડીશનર ખરીદી શકાય.
નીચે આપેલી લિંકમાં રૂમની સાઈઝ અને કેટલા વ્યક્તિ/કલાક માટે ઉપયોગ કરવાના છો તે અંગેની વિગતો ભરવાથી કેટલા ટનનું એરકંડીશનર ખરીદવું જોઈએ તે વિશે જાણી શકાય છે. https://www.bijlibachao.com/air-conditioners/air-conditioner-selection-understand-tonnage-eer-cop-and-star-rating.html
૨. EER વિશે જાણીએ –

સાવ સાદા શબ્દોમાં કહીએ તો EER એટલે એરકંડીશનરની કાર્યક્ષમતા જાણવામાં ઉપયોગી થતો આંક. એરકંડીશનરની કાર્યક્ષમતા EER એટલે કે એનર્જી એફિસિયન્સી રેટીંગ દ્વારા માપવામાં આવે છે. આ ગુણાંક એરકંડીશનર કેટલું કાર્યક્ષમ છે તેની માહિતી આપે છે. એરકંડીશનર દ્વારા જે ઈલેક્ટ્રીક પાવરનો ઉપયોગ કરવામાં આવે તેની સરખામણીએ તેનો કૂલિંગ પાવર કેટલો છે તેના આધારે આ ગુણાંક માપવામાં આવે છે.
જેટલો આ ગુણાંક વધારે તેટલી કાર્યક્ષમતા વધારે. વીજળીના એક યુનિટ સામે એક કલાકમાં એરકંડીશનર જેટલી વધારે ગરમી દૂર કરી શકે તેટલી તેની કાર્યક્ષમતા વધારે ગણી શકાય. જો કે આ કાર્યક્ષમતાનો આધાર રૂમના વાતાવરણ પર પણ આધાર રાખે છે.
૩. સ્ટાર રેટીંગ અને પાવર સેવિંગ ગાઈડ –

બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) દ્વારા એરકંડીશનરને તેની કાર્યક્ષમતા પ્રમાણે એક થી પાંચ વચ્ચે સ્ટારરેટીંગ આપવામાં આવે છે. જેટલું સ્ટાર રેટીંગ વધારે તેટલું એરકંડીશનર વધારે કાર્યક્ષમ ગણી શકાય. એક સ્ટાર રેટીંગના વધારા સામે કાર્યક્ષમતામાં લગભગ ૧૩ થી ૧૪ ટકા વધારો થતો હોય છે. મતલબ કે ૫ સ્ટારવાળું એરકંડીશનર ૩ સ્ટારરેટીંગ ધરાવતા એરકંડીશનર કરતાં ૨૭-૨૮ ટકા વધારે કાર્યક્ષમ ગણી શકાય. વળી આ રેટીંગ દર વર્ષે બદલાતું રહે છે. મતલબ કે આ વર્ષે કોઈ એરકંડીશનરને ચાર રેટીંગ મળ્યા હોય તો બની શકે કે તેને આવતાં વર્ષે ૩ કે પાંચ રેટીંગ મળે, જેનો આધાર તેની કાર્યક્ષમતા પર અને રિવ્યુ પર રહે છે.
દરેક એરકંડીશનર પર આ સ્ટારરેટીંગ, EER , બ્રાન્ડ સંબંધિત માહિતી સાથેનું એક લેબલ લગાડવામાં આવે છે જેના પરથી ગ્રાહકને એરકંડીશનર વિશે પૂરતી માહિતી મળી શકે છે. જે-તે લેબલની અવધિ (વેલીડિટી) પણ લેબલ પર છપાયેલી હોય છે. તેથી એરકંડીશનર ખરીદવા જતી વખતે લેબલ અને તેની વેલિડિટી ખાસ જોવી જોઈએ જેથી પરફેક્ટ રેટીંગ જાણી શકાય.
નીચે આપેલી BEE સ્ટારરેટીંગ અને વીજળીના વપરાશ અંગેની માહિતી પરથી કયું એરકંડીશનર ખરીદવું તે જાણવામાં ચોક્કસ સહાયતા થશે.
૪. વપરાશની પધ્ધતિ –
એરકંડીશનર આખું વર્ષ ઉપયોગમાં લેવાનું છે કે માત્ર ઉનાળા દરમ્યાન તેનો ઉપયોગ કરવામાં આવશે તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તે સિવાય એરકંડીશનર ખરીદતાં પહેલા પોતાની જરૂરિયાત કેટલી છે તેના વિશે એકવાર ઉંડાણપૂર્વક વિચાર કરી લેવો જોઈએ. એરકંડીશનરનો સપ્રમાણ ઉપયોગ થાય અને વીજળીના ખોટા બિલથી બચી શકાય તે માટે પરફેક્ટ સાઈઝનું એરકંડીશનર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જો ઓછા ટનનું એરકંડીશનર ખરીદશો તો રૂમને એટલી ઠંડક નહીં આપી શકે અને વધારે ટનનું એરકંડીશનર વીજળીના બિલમાં વધારો કરવા સિવાય બીજો કશો લાભ નહીં કરાવી શકે. તેથી 5 સ્ટારવાળા 1.2 ટનના એ.સી. કરતાં જો જરૂર ઓછી હોય તો 3 સ્ટારવાળું 1 ટનનું એ.સી. ખરીદવું વધારે હિતાવહ છે.
તો એરકંડીશનર વિશેનો આ લેખ આપને કેવો લાગ્યો એ અંગે કમેન્ટબોક્ષમાં ખાસ જણાવશો. એક જ લેખમાં બધી જ માહિતી આવરી લેવી શક્ય ન હોવાથી ત્રણ ભાગમાં માહિતી મૂકવામાં આવશે. આશા છે કે આ લેખ એરકંડીશનર ખરીદવામાં આપને ચોક્કસપણે મદદરૂપ થશે.

લેખન સંકલન : ધવલ સોની.

તમારા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો.

Exit mobile version