આજની પોઝિટિવ સ્ટોરી: સોસાયટી-ફ્લેટોમાંથી દરરોજ 6000 રોટલી ઉઘરાવી ગરીબો-શ્રમિકો અને ભિક્ષુકોને જમાડે છે દિલીપભાઈ બારભાયા

અમદાવાદમાં દેશ-વિદેશની જાતભાતની અનેક બેન્કો હશે, પણ એક રોટી બેન્ક એવી છે જેને આપણે અનેક અર્થમાં અનોખી બેન્ક જ કહી શકીએ. દરરોજ સોસાયટી-સોસાયટી અને ફ્લેટે-ફ્લેટેથી ફરીને, અન્નપૂર્ણા સમી ગૃહિણીઓએ જમા કરાવેલી ગરમ-ગરમ રોટલી ઉઘરાવવાની, નિયત રસોડે તૈયાર થયેલું શાક અને આ રોટલીઓ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં સમયસર પહોંચાડવાની. દરરોજ સેંકડો ભૂખ્યાંજનોની જઠરાગ્નિને શાંત કરવાની.

આવી બેન્કના સ્થાપક અને સંચાલક દિલીપભાઈ કરસનદાસ બારભાયા પોતે જ અનોખા માણસ છે. (તો જ આવો અનોખો વિચાર તેમને આવે ને ? ) આ બેન્કના પાયામાં છે બહેનો એટલે રોટી બેન્કનો પ્રારંભ તેમણે ગયા વર્ષે રક્ષાબંધનના પાવન દિવસે કર્યો. પ્રારંભમાં તેઓ ફ્લેટોમાં સાંગીતિક કાર્યક્રમ યોજતા હતા. ગીત-સંગીત પછી બહેનોને નાસ્તો પણ કરાવે.

એ પછી બહેનોને વિનંતી કરે કે આપણા રસોડામાં ગાય અને કૂતરાની રોટલીઓ તો સદીઓથી બને છે. શું તમે ગરીબો અને ભૂખ્યાંજનો માટે દરરોજ એક-બે રોટલી વધારે ના બનાવી શકો ? તમારે બીજું કશું જ કરવાનું નથી, થોડો લોટ વધારે બાંધવાનો અને અનુકૂળતા પ્રમાણે 1-2-3 રોટલી વધારે બનાવીને ફ્લેટના મુખ્ય દરવાજે 11થી બેના સમયે રોટી બેન્ક સંસ્થા તરફથી મૂકાયેલા કેશલેસ (મોટા પાત્ર)માં મૂકી આવવાની. તેની માટે ફોર્મ પણ વિતરિત કરાયાં. ભારતની બહેનોને તો આપણે ઓળખીએ જ છીએ ! સદીઓથી રસોડું સંભાળીને પરિવારને જમાડતી આપણી બહેનો પુણ્યનું આવું કામ જતું કરે જ નહીં. દિલીપભાઈ કહે છે કે બહેનો-માતાઓએ એવો પ્રતિસાદ આપ્યો કે આંખો આંસુથી અને હૃદય આનંદથી ભરાઈ ગયું.

હજી તો આ પ્રવૃતિને એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં રોટી બેન્કનાં અમદાવાદમાં 55થી 65 કેન્દ્રો ધમધમી રહ્યાં છે. એક સમય તો એવો આવ્યો હતો કે દરરોજ 13,500 રોટલી એકત્રિત થતી. અત્યારે એ આંકડો છએક હજારનો છે. નારણપુરા-પ્રગતિનગર પાસે આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય છે. સંસ્થા પાસે પાંચ ઈલેકેટ્રીક વાહનો છે. આ વાહનો જઈને રોટલીનું કલેકશન કરી આવે. શાક નિયક રસોડે તૈયાર થયેલું હોય. એ પછી આ પાંચેપાંચ હરતાફરતા અન્નક્ષેત્ર જેવાં વાહનો શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાય. અમદાવાદ શહેરના કચરાના જ્યાં પહાડો છે તે પિરાણા ગામ પાસે, દરરોજ 300-350 સફાઈકર્મીઓને રોટી બેન્ક પ્રેમપૂર્વક નિયમિત જમાડે છે. કાલુપુર રેલવે-સ્ટેશને- ગીતા મંદિર-એસ.ટી. બસ સ્ટેશને, રસ્તા પરના ભિક્ષુકોને સન્માન સાથે સામેથી બોલાવીને જમવાનું અપાય. કાગળની મજૂબત અને યોગ્ય ડીસમાં પાંચ રોટલી અને શાક આપવામાં આવે.

એવામાં એવું થયું કે દિલીપભાઈને ડો. ભૂપેશભાઈ ડી. શાહ મળી ગયા. ડો. ભૂપેશ શાહે લોકડાઉનમાં અમદાવાદમાં દરરોજ એક લાખ લોકોને જમાડ્યા છે. (એમની જુદી જબરજસ્ત સ્ટોરી છે.) રોટી બેન્કે ડો. ભૂપેશભાઈની સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકલન કર્યું. લોકડાઉનમાં રોટી બેન્કે પણ જબરજસ્ત કામગીરી કરી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જમવાનું પહોંચાડ્યું.

દિલીપભાઈ આમ તો વર્ષોથી પોતાનાં માતા, લીલાબાના નામે એક ટ્ર્સ્ટ સ્થાપીને અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેમનાં માતા કહેતાં કે જે ઘરે મહેમાન ના આવે અને મહેમાન ના જમે એ ઘર તો વાંઝિયું ઘર કહેવાય. દિલીપભાઈ પોતાની આવકના 10 ટકા વર્ષોથી સેવાકીય પ્રવૃતિમાં આપે છે. રોટી બેન્કની પ્રવૃતિ માટે સમાજ પાસેથી ચીજ-વસ્તુઓ કે અનુદાન મળી જ રહે છે. આમેય આ વિશ્વમાં શુદ્ધ દાનતથી નિસ્વાર્થભાવે થતું એક પણ કાર્ય પૈસા વિના અટકતું નથી.

રોટી બેન્ક અમદાવાદના 65 સિનિઅર સિટિઝન્સને ઘેર બેઠાં ટિફિન પહોંચાડે છે. અરે, રામનગર પાસે આવેલા ભોયણી (કલોલથી ચાર કિમિ દૂર આવેલા) નામના ગામના 25 વડીલોને સંસ્થા તરફથી દરરોજ ટિફિન જાય છે. રોટી બેન્ક વિશે જાણીને ભોયણી ગામના સરપંચ દિલીપભાઈને મળવા આવ્યા. તેમણે ક્હયું કે અમારા ગામના 25 વડીલોને જમવાની તકલીફ છે. દિલીપભાઈ કહે કે અમારે તો સેવા જ કરવી છે. બોલો, અમદાવાદથી ભોયણી ગામે દરરોજ 25 ટિફિનો સંસ્થા મોકલે છે. કેવી જબરજસ્ત વાત કહેવાય નહીં ?

સંસ્થા પાસે ચાર્જેબલ પાંચ ઈલેકટ્રિક વાહનો ઉપરાંત એક શબવાહિની પણ છે. કોઈને જરૂર હોય ત્યારે સંસ્થા શબવાહિની તો મોકલે જ પણ મૃતકના ઘરે 50 વ્યક્તિનું જમવાનું બનાવીને પણ મોકલી આપે.

પૈસાની લેવડ-દેવડ કરતી, રક્ત ભેગુ કરતી, ચક્ષુનું આદાન-પ્રદાન કરતી.. આવી ઘણા પ્રકારની બેન્કો હોય છે, પણ તેમાં આ રોટી બેન્ક એકદમ જુદા જ પ્રકારની છે. આ બેન્કના સ્થાપક અને સંચાલક દિલીપભાઈ બારભાયા મૂળ બોટાદના. રાજકોટમાં તેમની ફેકટરી હતી. કન્સ્ટ્કશનનો પણ ધંધો કરતા હતા. 65 વર્ષની ઉંમર છે. સંપૂર્ણ નિવૃત થઈને પૂરો સમય સમાજસેવાને જ આપે છે. તેમનાં જીવનસાથી દિવ્યાબહેન તેમને પૂરો સહયોગ આપે છે. રોજ સવારે દિલીપભાઈ દિવ્યાબહેને તૈયાર કરેલું ટિફિન અને પાણી લઈને નીકળી પડે છે. સંસ્થાનું જમતા તો નથી, પાણી પણ પીતા નથી. તેમની એક દીકરી પરણાવેલી છે. એક પુત્ર અને એક પુત્રીનાં વર્ષો પહેલાં અકસ્માતે મૃત્યુ થયાં હતાં.

અનેક સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા નિરવભાઈ શાહ કહે છે કે દિલીપકાકા આ સેવાકીય પ્રવૃતિઓ એકદમ સહજ રીતે કરે છે. તેઓ તો એમ જ માને છે કે ભગવાન પ્રેરણા આપે છે અને ભગવાન જ બધું કરાવે છે. આ રોટલો તો રામનો અને જલારામનો છે, આપણો નથી. દરરોજ સેંકડો ભૂખ્યાંજનોને જમાડીને તેમની આંતરડી ઠારતા, સેંકડો બહેનોને પુણ્ય કમાવાની તક આપતા સમાજસેવી, અલગારી, સંસારી કપડાંમાં સંત જેવા દિલીપભાઈને ભગવાન નિરામય દીર્ઘાયુ આપે..

(આ પ્રવૃતિ વિશે વધુ જાણવું હોય તો આપ દિલીપભાઈ બારભાયાનો 93740 04580 પર કે નિરવભાઈ શાહનો 98250 13338 પર સંપર્ક કરી શકો છો.)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ