ઓસ્ટોઑપૉરોસીસ અંગેની આ માહિતી મોટી વયે આપને વધુ શારીરિક કાળજી રાખવા પ્રેરશે…

ઓસ્ટ્રીઑપૉરોસીસ એક પ્રકારની હાડકાંની બીમારી છે. આ બીમારીમાં હાડકાંની ઘનતા ઓછી થાય છે. મોટી ઉમરે થતી આ બીમારીમાં ઘણીવાર કોઈજ ચિન્હ હોતા નથી. અમુકવાર નાની ઠોકર વાગવાથી થતા ફ્રેક્ચર ઓસ્ટ્રીઑપૉરોસીસનું સૌથી મહત્વનું લક્ષણ છે. અમુક દર્દીમાં આખા શરીરમાં દુઃખાવો થાય છે.
આ શારીરિક તકલીફને સ્ત્રીઓનો છૂપો દુશ્મન મનાય છે કેમ કે તે શરીરમાં કઈ રીતે પ્રવેશીને હાડકાંને હાનિ પહોંચાડે છે એ નિશ્ચિત રીતે કહી શકાતું નથી. આ બાબતે વારંવાર પૂછાતા પ્રશ્નો જોઈએ:
ઓસ્ટ્રીઑપૉરોસીસ કોને થઈ શકે છે?

ઓસ્ટ્રીઑપૉરોસીસ સામાન્ય રીતે સ્ત્રીઓમાં ૬૫ વર્ષ અને પુરુષોમાં ૭૫ વર્ષની ઉમર પછી જોવા મળે છે.
ઓસ્ટ્રીઑપૉરોસીસનું નિદાન કઈ રીતે થાય છે?

ઓસ્ટ્રીઑપૉરોસીસનું સચોટ નિદાન BMD DEXA (ડેક્સા) પધ્ધતિના મશીન દ્વારા કરવામાં આવે છે. આ મશીન દ્વારા કમર, થાપા અને કાંડાના હાડકાંની ઘનતા માપવામાં આવે છે. આ સિવાય QCT (સીટી સ્કેન), સોનોગ્રાફી ઓસ્ટ્રીઑપૉરોસીસનાં નિદાન માટેની બીજી પધ્ધતીઓ છે. સોનોગ્રાફી દ્વારા કરવામાં આવેલા નિદાનને BMD DEXA દ્વારા પુરવાર કરવું જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલા માપદંડથી ઓસ્ટ્રીઑપૉરોસીસનું સચોટ નિદાન કરવામાં આવે છે.
શું ઓસ્ટ્રીઑપૉરોસીસ માટે લોહીની તપાસ જરૂરી છે?
ઓસ્ટ્રીઑપૉરોસીસના નિદાન માટે લોહીની તપાસ જરૂરી નથી. કેલ્સીયમ, વિટામીન ડી, થાયરોઈડ, પેરાથાયરોઈડ હોર્મોનની તપાસ જરૂર પ્રમાણે કરી શકાય છે. નાની ઉમરે થયેલા ઓસ્ટ્રીઑપૉરોસીસ માટે તબક્કાવાર વિવિધ બીમારીઓની તપાસ કરવામાં આવે છે.
ઓસ્ટ્રીઑપૉરોસીસમાં કઈ દવાઓ આપવામાં આવે છે?

ઓસ્ટ્રીઑપૉરોસીસની સારવારને વિવિધ તબક્કામાં દર્દીને તપાસાય છે. પહેલા તબક્કામાં બીસફોસ્ફોનેટ (એલીનડ્રોનેટ, રીસેડ્રોનેટ, ઈબાનડ્રોનેટ) આપવામાં આવે છે. આ દવાઓ ગોળી સ્વરૂપે મળે છે. આ દવાઓને ભુખ્યા પેટે દર અઠવાડીયે અથવા દર એક મહીને લેવાની હોય છે. ગોળી લીધા પછી મોટો ગ્લાસપાણી પીવું ખૂબ જ જરૂરી છે.
ત્યાર પછી ૩૦/૬૦ મીનીટ સુધી ચા, દુધ, કોફી, નાસ્તો લેવો નહીં તથા સૂવું જોઈએ નહીં.

જે દર્દી ૩૦/૬૦ મીનીટ સુધી બેસી શક્તા નથી તેમને ઝૉલેનડ્રોનીક એસીડનું ઈન્જેક્શન દર વર્ષે આપી શકાય છે. જે દર્દીઓને આ પ્રકારની દવાઓ વડે ફાયદો થતો નથી અથવા આ દવાઓથી આડઅસર થાય છે તેમને બીજા પ્રકારની દવા ટેરીપેરાઈડ અપાય છે. આ દવા ઈન્જેક્શન તરીકે દરરોજ લેવી પડે છે. સ્ત્રીઓમાં ૫૦-૬૫ વર્ષની ઉમરે થયેલા ઓસ્ટ્રીઑપૉરોસીસમાં રાલોક્સીફેન વાપરી શકાય છે. ઓસ્ટ્રીઑપૉરોસીસના દુ:ખાવામાં રાહત માટે કેલ્સીટોનીન ટુંકાગાળા માટે વાપરી શકાય છે. આ દવા સ્પ્રે તથા ઈન્જેક્સન સ્વરૂપે મળે છે.
ઓસ્ટ્રીઑપૉરોસીસનાં દર્દીઓએ કેવી કાળજી લેવી? ઓસ્ટીઑપૉરોસસનાં દર્દીઓએ પૂરતા પ્રમાણમાં દુધ, દહીં, છાસ લેવા જોઈએ. ઘર તથા બાથરૂમમાં લપસીને પડી ન જવાય તે માટે ફેરફાર કરવા જોઈએ. હાથમાં ચાલતી વખતે લાકડી રાખવી જોઈએ. શરીરના સ્નાયુને મજબૂત રાખવાની હળવી કસરતો નિયમિત કરવી જોઈએ. નિયમિત પ્રાણાયમ અને હળવી કસરત કરવી જોઈએ.

ઓસ્ટ્રીઑપૉરોસીસનાં દર્દીઓએ દવા કેટલો સમય લેવી પડે છે? ઓસ્ટ્રીઑપૉરોસીસની દવાઓની અસર મહીનાઓ પછી શરૂ થાય છે. આ દવાઓ વર્ષો સુધી ચાલુ રાખવી પડે છે. આ દવાઓની આડઅસર ન થાય તે માટે નિયમ અનુસાર કાળજી ખૂબ જ જરૂરી છે.