જલ્સા કરોને જેંતીલાલ

દરેક ગીફ્ટ એ બહુ ધ્યાનથી અને ઉત્સુકતાથી ખોલી રહી હતી, પણ એક ગીફ્ટ જોઇને તેને નાચવાનું મન થયું…

ભેટ વહેલી સવારે મળી ગઈ હતી. પણ આખો દિવસ આમજ બંધ જ પડી રહી રહી . વારતહેવારે ઓછી દોડાદોડી અને કાર્યો હોય ? રીતિરીવાજો અને પ્રથાઓ સંબંધોને કેવા એક તાંતણે બાંધી રાખે ! વ્યસ્ત જીવનની વચ્ચે ડોકિયા કરી ચપળતાથી યાદ અપાવી જાય : ‘ જો જો સંબંધોને સાચવી રાખજો , એજ સાચી જીવન મૂડી ‘


રાતના સન્નાટામાં ઘોડા વેચીને ઊંઘી રહેલ પરિવારના સભ્યો વચ્ચે નિર્મલાના હાથ શાંતિથી મૌન જાળવી ભેટ ખોલવામાં વ્યસ્ત હતા .આ ઘરમાં આવ્યા પછી દરેક નવા સંબંધ તરફથી કઈ -કઈ પ્રથમ ભેટ મળી એ નિર્મલાના વિચારોમાં યાદી સમી દ્રશ્યમાન થઇ રહી હતી .

શૈલેષે એને મોટો ફૂલોનો બુકે અને ‘ઇન્ડિયન ચાનીઝ ફૂડ રેસિપી ‘નું પુસ્તક ભેટમાં આપ્યું હતું. શૈલેષને ફૂલ અને બુકેનો ખુબજ મોહ , એ વાતતો શૈલેષ જોડે સગાઈ થઇ હતી ત્યારથી એ જાણતી હતી. જમવાનો એ ભારે શોખીન. એમાં પણ ‘ ઈન્ડો ચાઈનીઝ ફૂડ ‘ તો એનું સૌથી પ્રિય. નિર્મલાને શૈલેષ તરફથી આજ સુધી દરેક ટ્રીટ ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરાં માંજ મળી હતી. હવે તો એ જાતે પણ કેટલું સરસ ઈન્ડો ચાઈનીઝ ઘરે જ તૈયાર કરી શૈલેષની દરેક રજાના દિવસને ચારચંદ લગાવી દે છે .


શૈલેષની માતાએ એને સૌ- પ્રથમ દાગીના ભેટમાં આપ્યા હતા . બહુ ભારેખમ અને ઊંચા કેરેટના એ ઘરેણાં અંગે એને જાતે કોઈ ઊંડું જ્ઞાન તો ન હતું. બાળપણથીજ એને બહુ ઘરેણાંઓ પહેરવા ગમતા નહીં . સાદો અને હળવો પહેરવેશ એને આકર્ષતો . પણ બાળપણની વાત જુદી હતી . હવે શૈલેષના ઘર અને કુટુંબના એક સભ્ય તરીકે એણે જાહેર સ્થળો અને કાર્યક્રમોમાં હિસ્સો લેવાનો હતો . પોતાના પરિવારની આન ,બાન અને શાનનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. પોતાની પરિવારની વહુ માટે અત્યંત ચોકસાઈ વાળી પસંદગીથી વસાવવામાં આવેલા એ ઘરેણાં હમણાં સુધી જીવનમાં મેળવેલ સૌથી ઊંચા આંકડા વાળી ભેટ હતી . નિર્મલાએ એ ભેટનું અત્યંત સંભાળ પૂર્વક જતન કરવાનું હતું અને એ કરી જ રહી હતી .


શૈલેષના પિતા એ કેટલાક ધાર્મિક પુસ્તકો અને આધ્યાત્મિક વાંચન સામગ્રી ભેટ ધરી હતી. આધ્યાત્મિક શિક્ષણ તરફ એમને અનન્ય રસ અને રુચિ . ઘરના એક ખૂણામાં એમનું પોતાનું નાનકડું પુસ્તકાલય એમણે વસાવ્યું હતું . જેમાં જુદા જુદા દેશના , જુદી જુદી ભાષાના આધ્યાત્મિક પુસ્તકો અને એના રૂપાંતરોનો મોટો એવો સંગ્રહ હતો . નિવૃત્તિ કાળમાં એ પુસ્તકાલય જ એમનો વસવાટ હતો . યોગા અને આધ્યાત્મિક શારીરિક વ્યાયામ એજ એમને ક્રિયાત્મક રાખતી પ્રવૃત્તિઓ . નિર્મલાને આમ વાંચનનો બહુ શોખ નહીં . આમ છતાં વડીલનું માન જાળવવા એણે દરેક પુસ્તક સાવચેતી અને સંભાળથી રાખ્યું હતું. ક્યારેક અતિ વ્યસ્ત દિનચર્યા વચ્ચે એક- બે પાના ઉથલાવી પણ લેતી . જીવનમાં કશુંક નવું અને અજાણ્યું પણ શીખતાં રહીયે તો થોડા તાજા અને જીવંત રહીએ , એજ વિચારધારાને અનુસરી .


શૈલેષની બહેને એને શયન -ખંડના શણગાર માટે ઘણી બધી આધુનિક સુશોભન સામગ્રી ભેટમાં આપી હતી. એ ભેટ એના વ્યવસાયિક જીવન સાથે તદ્દન સુસંગત રીતે મેળ ખાતી હતી. એક વ્યવસાયિક ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકેનો પોતાનો અનુભવ ભાઈ- ભાભીના શયન ખંડને વધુ સુંદરતાથી દીપાવે એનો પ્રયાસ સફળતાથી પાર પડ્યો હતો .

આ ઉપરાંત નજીકના સગા- વ્હાલાઓ અને દરેક સંબંધીઓ એ પોતપોતાની રીતે અને વ્યક્તિગત પસંદગી અનુરૂપ જે જે ભેટ આપી હતી , એ દરેક ભેટ એણે સહ હૃદય સ્વીકારી હતી અને સત્કારી પણ હતી , જે રીતે એ બધાએ નિર્મલાને, નવી વહુને એમના પરિવારના નવા સભ્ય તરીકે સહ હૃદય સ્વીકારી હતી અને સત્કારી પણ હતી !


તાજી મળેલી ભેટ અંગેની ઉત્સુકતા ખુલી ગયેલા ડબ્બા જોડે વધુ ઉત્કંઠ થઇ ઉઠી . ડબ્બામાં મળેલી ભેટ નિહાળી આંખો ખુશીથી નૃત્ય કરી રહી . હય્યુ ગદ ગદ થઇ ઉઠ્યું . ભેટની સાથે મળેલી ચિઠ્ઠી આંખો આગળ ત્વરાથી વાંચવા તૈયાર થઇ ઉઠી .

” તારા ગયા પછી ઘરમાં શાંતીજ શાંતી છે . ઘરમાંજ શું આખા ફળિયાના લોકો શાંતિ અને સુકુનથી જીવી રહ્યા છે . ન તો તારા લાઉડ સ્પીકરનો અવાજ એમને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે , ન તો તારા હાઈ વોલ્યુમ પર ગોઠવેલા ગીતોથી હવે મમ્મી પપ્પાનું માથું દુઃખે છે . હું પણ હવે નિરાંતે શોર કે ખલેલ વિના મારા ઓફિસના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું . ઘરના જેવી ધમાલ ત્યાં ન મચાવતી . વડીલોની શાંતિ અને નીરવ જગતનું માન રાખજે . જયારે પણ તારી સંગીત ઘેલી આત્મા પ્યાસી થાય ત્યારે ચુપચાપ આ હેડફોર્ન કાન પર લગાવી લેજે .”


ભેટમાં મળેલા હેડફોર્ન તરતજ કાન પર લાગી ગયા .મોબાઈલનું મ્યુઝિક બોક્ષ અર્ધી રાત્રીએ હેડફોર્ન જોડે મૌન સંકળાઈ ગયું . મહિનાઓ પછી સંગીત ઘેલી આત્માને ખોરાક મળ્યો . આંખોના બન્ને છેડા સંગીતની પૃષ્ઠભૂમિથી ભીંજાઈ ગયા.

સવારે ભાઈના હાથમાં બાંધેલી રાખડી માટે પતિના ઘરમાં આવ્યા પછીની રક્ષા -બંધનની આ સૌ -પ્રથમ ભેટ હતી. અને એ પ્રથમ ભેટ શિક્ષક સમી સમજાવી રહી હતી : ‘ આપણે જેમને પ્રેમ કરીએ એ આપણને પોતાની પસંદગી જરૂરથી જણાવશે અને જે આપણને પ્રેમ કરે એને આપણી પસંદગી જણાવવાની જરૂર ન પડે .’

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version