દરેક દીકરીના માતા-પિતાએ વિચારવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાત…

આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે.

ગામડામાં રહેતી એક દીકરી ઉમરલાયક થતા એના માટે યોગ્ય જીવન સાથીની શોધ આદરવામાં આવી. એક સારો છોકરો પણ મળી ગયો. છોકરો હેન્ડસમ તો હતો જ સાથે સાથે સુખી-સંપન્ન પણ ખરો. છોકરો ગામડે રહેતો હતો અને બાજુમાં આવેલા શહેરમાં પોતાનો નાનો બિઝનેશ કરતો હતો.

ગામડામાં તમામ સુવિધાઓથી સભર આધુનિક મકાન અને સુખી સંપન્ન પરિવાર હોવા છતાં છોકરીને શહેરમાં રહેવાની ઈચ્છા હોવાથી લગ્ન વખતે એવી શરત મુકવામાં આવી કે છોકરી એક વર્ષ ગામડે રહેશે પછી શહેરમાં રહેવા માટે જવું પડશે. છોકરીની અને એના પરિવારની આ શરત સ્વીકારવામાં પણ આવી.

છોકરી પરણીને સાસરે આવી. ગામડામાં પોતાના ઘરે નહોતી એના કરતા ક્યાંય વધારે સુવિધાઓ સાસરિયામાં હતી. લગ્નને હજુ તો થોડા મહિના જ થયા હશે ત્યાં છોકરીએ શહેરમાં રહેવા જવા માટેની વાત કરી. છોકરીને સાસરિયા તરફથી સમજાવવામાં આવી કે થોડો સમય ગામડે રહો જેથી બધાથી પરિચિત થઈ શકાય. એના પતિએ પણ એણે સમજાવી કે હજુ તો આપણા લગ્નને થોડો સમય પસાર થયો છે. થોડા મહિના જવાદે ત્યાં સુધીમાં હું શહેરમાં મકાનની વ્યવસ્થા પણ કરી લઉં. અહિયા તને બીજી કોઈ તકલીફ પણ નથી.

ગામડામાં જ રહેલી એ છોકરીની એક જ વાત હતી કે મને ગામડામાં નથી ફાવતું મારે હવે શહેરમાં જ રહેવા માટે જવું છે. એ પોતાના પિયરમાં આંટો મારવા માટે આવી અને પછી પિયરમાં જ રોકાઈ ગઈ. પરિવારના લોકોએ પણ એણે સમજાવીને સાસરે મોકલવાના બદલે પિયરમાં સાચવીને રાખી.

આવી એક નહિ અનેક સત્ય ઘટનાઓ છે. જો સ્વતંત્રતાનો અર્થ આવી સ્વચ્છંદતા હોય તો આવી સ્વતંત્રતાને ગોળીએ મારવી જોઈએ. કહેવાતા ઉદારમતવાદીઓ અને ઘડમાથા વગરની ટીવી સિરીયલો સ્વતંત્રતાના નામે યુવતીઓને સ્વચ્છંદતાનો નશો ચડાવે છે જેના પરિણામે સામાજિક વ્યવસ્થાઓ ભાંગી પડે છે. 

દિકરીને પણ પોતાની ઈચ્છાઓ અને અરમાનો હોય પણ પોતાની હેસીયતનો પણ વિચાર કરવો જોઈએ. મુકેશ અંબાણીની દીકરીને જે મળે એ બધી દીકરીઓને ન મળે એ દરેક દિકરીઓએ અને માતા-પિતાએ પણ વિચારવું જોઈએ.

image source

લેખક : શૈલેશ સગપરીયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ