જલ્સા કરોને જેંતીલાલ

ડાંગે માર્યા પાણી.. – કેટલી બધી તૈયારી કરી છે અને તેમના સગા ભાઈઓ જ લગ્નમાં નથી આવ્યા? બધાના મોઢે આ એક જ વાત હતી.

મજાના લગ્ન ગીત ગવાઈ રહ્યા હતાં…!

“મોટો માંડવડો રોપાવો, ઝીણી સાજલિયે સવરાવો મા’ણા રાજ ! વીર ના કાકા ને તેડાવો, “…….”ભાઈ ને તેડાવો માણા રાજ…!!”

સાજન માજન માં બેઠેલી બહેનો જેવા જુસ્સાભેર રાજેશભાઈના દીકરા મિતના લગ્ન પ્રસંગે ગાઈ રહેલ ગીતમાં કાકાનું નામ લેવાનું આવ્યું ને સૌ અટકી પડ્યા …!! મિતને કોઈ કાકા ન્હોતા એવું નહોતું. મજાના બે કાકા હતાં તો ય કાકા નું નામ લેવાનું આવ્યું ને , ગીતો અટકી પડ્યા.. કેમ ભલા ?? મહેમાનોમાં ચણભણ ચણભણ થવા લાગી.


બે ય ભાયું લગન માં કેમ નથી આઈવા ? “કેવડો જગન માઇન્ડો છે રાજેશભાઈએ ?” “કેટલા બધા મહેમાનો તેડાવ્યા છે અને એના પઇન્ડ ના ભાઈ જ રહી જાય ?” બે ભાઈ ને મૂકીને આવડો મોટો પ્રસંગ કરે છે, રાજેશભાઈના માતા પિતા પણ બધા સામે મોઢું મલકતું રાખી ને જય શ્રી કૃષ્ણ કરતાં હતાં પણ એમની આંખોમાં ઉદાસી છુપાઈ નહોતી શકતી.

ભાંડરડા તો લડે કે ઝગડે પણ માવતર ને બધાય વ્હાલા હોય ! કોઈ વધુ વ્હાલું હોય કે કોઈ જરા એનાથી પણ વધુ વ્હાલું હોય ! અને છોરું કછોરું થાય, માવતર ક્યારેય પણ કમાવતર ન થાય. શું કરે એ પણ ? બધાની સાથે ફિક્કું હસીને લગ્નની મજા માણતાં હતાં અને સંપૂર્ણ ખુશ હોવાનો ડોળ કરી રહ્યા. એવું તે શું બન્યું કે, રાજેશભાઈએ ઘર આંગણે આવડો મોટો લગ્ન સમારોહ યોજીને નાના મોટા, નજીક ને દૂરના, સગાઓ અને સંબંધીઓ , મિત્રો ને સ્નેહીઓ ને યાદ કરી કરીને, લિસ્ટ બનાવી બનાવી તેડાવ્યા અને ખુદના માં જણ્યા બે ભાઈઓ ને જ ન તેડાવ્યા ?


રાજેશભાઇ ના પત્ની રીનાબેન બધા સાથે પોરસથી વાત કરતાં હતાં, દીકરાના વહુની છાબની ખરીદી માટે જયપુરથી બાંધણી મંગાવી અને પાટણ ની પ્રખ્યાત મિલમાં ખાસ ઓર્ડર દઈ ને પટોળા કરાવ્યા, ને લન્ડન ની કૉસ્મેટિક્સ, ને પેરિસ થી સ્પ્રે, દુબઇ જઈને ગોલ્ડ જવેલરી લીધી, … લિસ્ટ લાંબુ હતું, વાતો અટકતી જ નહોતી, પણ કોઈ બટકબોલી એ પૂછી જ નાખ્યું,


“આટલો દાખડો કૈરો ને હગા ભાયું વગર આ બધું નકામું હો !” રીનાબેન તો સમસમી ગયા, પણ બોલે શું ? વાત તો ખોટી નહોતી. રાજેશભાઇ પણ મહેમાનોની સરાભરા કરતા કરતા હતાં. પણ એમને ય મનમાં અજંપો ઘેરી વળતો હતો.

એવું તે શું બન્યું હતું કે ભાયુ-ભાયુ આમ એકબીજાના જિંદગીના ખાસ પ્રસંગ વખતે ય નારાજગી લઈ ને ઊભા રહ્યા હતાં ? આટલી તે બેરુખી શાને ?? બધાને ખબર હતી કે આ પરિવારનો ધમધોખતા બિઝનેસ અને મોટો કારોબાર હતો અને ગયા વર્ષે જ ત્રણેય ભાઈઓ ભાગ પાડી જુદા થયા હતાં. અને એ તો “હોય એના જુદા ય થાય ” એ જગન્યાયે અલગ થવું એ કોઈ ખોટી વાત નહોતી પણ નાની એવી વાતમાં ભાઈ ભાઈના અહમ ટકરાયા અને વાત વણસી ગઈ.


શરૂ શરૂ માં માતા પિતાએ અને પછીથી મામા મોસાળે આ ત્રણેયને વાંધો પડ્યો એ વાતને ઠેકાણે પાડવા વચ્ચે પડ્યા પણ કોઈ થોડુકેય નમતું ઝોખવા તૈયાર નહોતા અને નહી એવી વાતમાંથી મનદુઃખની મોટી સમસ્યા ખડકાઈ ગઈ !! અને અબોલા થયા હતાં. મિતના લગ્ન વખતે , રાજેશભાઇ ઔપચારિક રીતે આમંત્રણ આપી આવ્યા, પણ એમણે પોતાના બન્ને ભાઈઓને મનાવવા માટે કાંઈ કર્યું નહિ.

એ બન્ને ભાઈઓ પણ, મનામણાની રાહ જોઈ ને સમસમી બેસી રહ્યા !! અને લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. બધું જ વ્યવસ્થિત આયોજન અને તડામાર તૈયારી થી સજ્જ મિતના લગ્નની ઘડીઓ નજીકમાં હતી. પણ, ન તો રાજેશભાઈએ હાથપગ જોડ્યા ને ન તો પેલા બન્ને ભાઈઓ એ નમતું ઝોખ્યું !! આમ ને આમ લગ્ન નો દિવસ નજીક આવ્યો. અને આજે તો હવે, મન્ડપ રોપણ થવાની તૈયારી અને .. !


વરરાજા બનીને તૈયાર થતો, થનગનતો મિત, એના ફ્રેન્ડઝ વચ્ચે ઘેરાઈ ને બેઠો હતો અને મજાક મસ્તી ચાલતી હતી ત્યાં વરરાજાની ગાડી શણગરવાની વાતો ચાલુ થઈ અને મિત ની આંખો વરસી પડી. કેમ કે બધા ફ્રેન્ડ્સ બોલી ઉઠ્યા કે “મિતિયા, તારી ગાડી તો તારો કઝીન જીતીયો જ શણગારશે ! એક તો એને વરરાજા ની ગાડી શણગાર માં કોઈ ન પહોંચે અને બીજું, જીત તારો ભાઈ છે એટલે વરરાજાની ગાડી શણગારવા નો હક્ક પણ એનો જ છે.”

મીત, અચાનક ઊભો થઈ ગયો, હજુ જમવાની થોડી વાર હતી, એ એકાએક બાર નીકળ્યો અને પોતાની ગાડી પાસે આવ્યો, એમના જુના નોકર રામુ કાકાએ એને ગાડીનો દરવાજો ખોલી બેસતા જોઈને અટકાવ્યો અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસવા મિત સામે આજીજી ભરી નજરે એવું જોયું કે મિત નજર ઝુકાવી ને પાછળ બેસી ગયો.

ડ્રાઈવર રામુકાકાએ, મિત ના કહેવા પ્રમાણે કાર ચલાવીને એક જગ્યાએ ઊભી રાખી. મિત સડસડાટ ઉતરીને સીધો ઘરની અંદર ચાલ્યો ગયો. જ્યાં, દીવાન ખંડ માં જ બન્ને કાકા કાકી અને એમના છોકરાઓ, બે દીકરી ને એક દીકરો, જીત સુનમુન બેઠા હતાં.


ત્યાં જઈને મિત સીધો જ મોટાકાકાના પગ પાસે બેસી પડ્યો અને એની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. બેય કાકા કાકીઓ સ્તબ્ધ બની ગયા એમણે કલ્પનાય નહોતી કે આમ અચાનક વરરાજા બનેલો મિત આવી પહોંચશે. એમણે તો હવે માંડી જ વળ્યું હતું કે કોઈ લગ્ન માં આવવા માટે કોઈ આપણને મનાવવા આવ્યું નહિ અને હવે આપણે જાવું નહિ !! અહીં,મિતને જોતા જ બધાને આંચકો લાગ્યો અને કાકા કાકીઓએ તો મોં પણ ફુલાવ્યા !!!

પરંતુ, મિત એમના પગ પાસે બેસી, હાથ જોડી, રડતી આંખોએ એટલું જ બોલ્યો, ” તમે ત્રણે ભાઈઓ વચ્ચે શુ થયું ને શું નહિ એ હિસાબ તમે વડીલો જ સમજી લેજો. હું તો એક જ વાત કહીશ કે તમે ત્રણેય છુટા થશો કે જુદા રહેશો પણ અમને બે ભાઈઓ અને આ મારી બે બહેનો ને જુદા કરવાનું પાપ ન કરશો, અમ નિર્દોષ ભાંડરડાઓના મનમાં વેરઝેર ના બીજ ન વાવશો. અમે ચારેય સાથે જ હતા, સાથે જ છીએ અને સાથે જ રહીશું, જો તમે મારી વાત નહિ માનો તો હું જાન જોડી ને પરણવા જઈશ જ નહીં. હું અહી જ બેઠો રહીશ !!” અને મિત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો !

વરરાજા ને ત્યાં ન જોતા, બધા હાંફળા ફાંફળા થયા અને કોઈએ જણાવ્યું કે રામુકાકા સાથે ગાડીમાં જતાં જોયો હતો અને રાજેશભાઇ સમજી ગયા. સીધા જ ભાઈના ઘરે આવી પહોંચ્યા અને બધી વસ્તુસ્થિતિ જાણી ગયા. તેમણે પણ કાંઈ જ બોલ્યા વિના ફક્ત બે હાથ જોડ્યા. “ડાંગે માર્યા પાણી કાંઈ જુદા થાય ?” બધું જ બરાબર થઈ ગયું. ભાઈઓના મનમાં રહેલો રોષ દુધના ઊભરા ની જેમ સમી ગયો અને ઘી ના ઠામ માં ઘી ઠલવાઇ ગયું.

લગ્નમાં ગીતો ગવાઈ રહ્યા, વીરના કાકા ને તેડાવો પરેશ ભાઈ ને તેડાવો માણા રાજ !

વીરના કાકાને તેડાવો સુરેશભાઈ ને તેડાવો માણા રાજ ! રૂડા મેમાનું તેડાવે માણા રાજ !

વીરના ભાઈને તેડાવો જીતેશ ભાઈ ને તેડાવો માણા રાજ ! વીર ની મોટરું શણગારે માણા રાજ !


રંગેચંગે પ્રસંગ દિપી ઊઠ્યો, માવતરને તો જાણે કે “બત્રીસે કોઠે દીવા થયા.” રીના બાઈ પણ દેરાણી જેઠાણી જોડે શોભાયમાન થવા લાગ્યા.

મિતની તો શી વાત કરવી ? એ તો એની લુણવંતી બેનડિયું અને જીતિયા વચ્ચે દુલહેરાજા ખીલી ઉઠ્યા !! રાજેશભાઈને ગઈકાલે તો જાણે કે “તમાચો મારીને રાખેલા લાલ ગાલ ” ને બદલે, આજે ડાબે જમણે બે ભાઈઓ શરીરના બે બાહુ, જેવા ગોઠવાઈ જતાં, મોઢા પર સાચી લાલી દિપી ઊઠી. સાચ્ચે જ હો ! સગા ભાઈઓ બહેનો વગર પ્રસંગ કેમ શોભે ?? તમે જ કહો ને !

દક્ષા રમેશ ઝાલાવાડીયા “લાગણી”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version