અર્ધાંગીની – જીવનના દરેક પડાવમાં એકીબીજાનો સાથ આપે એજ સાચા દંપતી…

શમણાની સવારી કરીને રાતની નીંદર પરોઢને બથ ભરવા આવી પહોચી હતી.. ને એકબીજાના આલિંગનમાં લપેટાઈને સુતેલા ગીતિ અને ગહન પણ કોયલનો ટહુકો સાંભળતા જાગી ઉઠ્યા.. લગ્નજીવનના ચાર વર્ષ બાદ પણ બંને એકબીજા માટે ગાંડા હતા.. એકબીજાના સહવાસમાં સતત રહેવા ઈચ્છતા પ્રેમીપંખીડા હતા.

“ગહન, જલ્દી કરો. આપણે તો ભૂલી જ ગયા.. આજે તમારી આર્ટ કોમ્પીટીશનમાં રજીસ્ટર કરાવાનો છેલ્લો દિવસ છે.. જો આ તક આપણે ચુકી જઈશું તો તમારું સપનું પણ ચુકી જઈશું.!!” ગીતિની વાત સાંભળતા જ અચાનક ગહન ઊંઘમાંથી જાગી ઉઠ્યો.


પાંચ વર્ષ પહેલા પણ તે આવી જ રીતે અચાનક ઊંઘમાંથી જાગી ઉઠેલો જ્યારે તેના મમીએ આવીને તેને કહ્યું કે હમણાં દસ વાગ્યે એક છોકરીને જોવા જવાનું છે.. ઘડિયાળમાં ત્યારે આઠ વાગ્યા હતા.. લગ્ન કરવાની, આખા જીવનને કોઈ અજાણ્યા સાથે જીવવાની આ બાબત હતી અને તેને બે કલાક પહેલા જાણ કરવામાં આવેલી..

“અરે વાહ.. બહુ જલ્દી કહી દીધું મમી.. સારું થયું છોકરી જોવા જવાનું જ કહ્યું.. બાકી મને તો એમ કે તમે સીધા લગ્ન નક્કી કરી નાખશો ને પછી જ મને કહેશો કે ભાઈ ગહન તારે આજે સાંજે સાત વાગ્યે ઘોડીએ ચડવાનું છે.” નાકનું ટેરવું ચડાવીને ગહન બોલ્યો કે તેના મમી સાવિત્રીબહેન હસતા હસતા તેની નજીક આવ્યા અને તેના માથે હાથ ફેરવીને કહ્યું,


“દીકરા મારા.. એવું તે કઈ હોતું હશે.. આ તો જે છોકરીને જોવા જઈએ છીએ ને તેની કંઇક પરીક્ષા છે એટલે એ પછી છ મહિના માટે શહેરથી બહાર જવાની છે.. ઠેકાણું બહુ સારું છે ને કેટલા દિવસથી આવ્યું હતું.. પણ કામમાં ને માર્ચ એન્ડીંગની ચિંતામાં તારા પપ્પા મને વાત કરતા જ ભૂલી ગયેલા.. કાલે સાંજે આવીને તેમણે મને વાત કરી ત્યારે મને ખબર પડી ને તરત જ એ છોકરીના પપ્પાને ફોન કર્યો.. તો પહેલા તો એમણે ના જ કહી દીધી.. કે સાંજે એમની દીકરી જવાની છે એટલે હમણાં છ મહિના સુધી કોઈ વાત નહી.. પણ મેં જરા ભાર દઈને વાત કરી તારા માટે એટલે સવારે આવવાનું કહ્યું.. હવે આપસાહેબ રાતના બહાર હતા.. ફોન લાગતો નોહ્તો ને ઘરે ક્યારે આવ્યો એ પણ ખબર નોહતી અમને.. એટલે સવારના જ કહેવું પડે ને દીકરા..!!”

સાવીત્રીબહેનની વાત પૂરી થઇ કે ગહન તરત જ તેના ફોનને જોવામાં મચી પડ્યો.. સાવીત્રીબહેનને તેનું એ વર્તન ના સમજાયું એટલે તેઓ ચુપચાપ ઉભા રહ્યા.. તેમના ચહેરા સામે જોઇને દસ મીનીટની મોબાઈલની મથામણ બાદ ગહન બોલ્યો, “મમી.. કાલે મેં એક આર્ટ કોમ્પીટીશનમાં પાર્ટીસિપેટ કર્યું હતું.. એનું રીઝલ્ટ સવારે સાત વાગ્યામાં ઓનલાઈન આવવાનું હતું.. એ જોતો હતો.!”


“હા તો.. શું થયું.. તારા ચિત્રો જીત્યા કે નહિ??” અચાનક જોરથી રાડ પાડીને ગહન તેના મમીને ચોટી ગયો. “હાસ્તો માં.. તારા દીકરાના પેઈન્ટીંગસ નાં જીતે એવું બને ક્યારેય..!! પહેલો આવ્યો છું હું..! હવે પ્લીઝ પપ્પાને કહેજે મને બીઝ્નેઝમાં આવવાનો ફોર્સ નાં કરે.. મારે નથી કરવો એમનો બોરિંગ બીઝ્નેઝ.. ચલ આપણે એક ડીલ કરીએ.. જો તું પપ્પાને મનાવી લઈશ ને તો હું આજે આપણે આ જે છોકરીને જોવા જઈએ છીએ ને તેની સાથે લગન કરી લઈશ બસ.”

સાવિત્રીબહેન જરા મલકાયા.. ને બોલ્યા, “વિચારી લેજે ગહન.. તે જે કહ્યું એ તારે કરવું પડશે પછી..!! કમીટમેન્ટ આપે છે ને તું મને?” “હા માં.. ડન.!!!” ને આ સાંભળતા જ સાવિત્રીબહેન હસતા હસતા તેના ઓરડામાંથી બહાર નીકળી ગયા અને ગહન તૈયાર થવામાં લાગી ગયો.. ગીતિના ઘરે પહોચીને ગહન ફરી તેના મોબાઈલમાં લાગી ગયેલો. તેણે કોઈ એપ ડાઉનલોડ કરી હતી મોબાઈલમાં કે જેમાં તે પોતાની જાતે ડ્રો કરી શકે..!!!

“લો આ આવી મારી ગીતિ.!!”


ગીતિના પિતાજી ગૌરાંગભાઈ બોલ્યા કે અંદરથી કેસરી કુર્તી અને પીળા રંગની ચૂડીદારમાં સજ્જ ગીતિને ચાલતી આવતી જોઈ ગહન બે ઘડી માટે ટો ધબકારો ચુકી ગયો.. કોઈ આટલું ખુબસુરત આ ધરતી પર કઈ રીતે હોઈ જ શકે.. એવું વિચારતા તે ગીતિની આંખોને નીરખવામાં ખોવાઈ ગયેલો.. તેની આંખો તેના વ્યક્તિત્વમાં સૌથી વધારે સુંદર લાગતી હતી.. કથ્થાઈ રંગની આંખો અને તે પણ એકદમ સાફ. તેની આંખો પરની પાંપણ પણ એટલી ઘાટી હતી કે ગહન પાંપણનો એક એક વાળ જોઈ શકતો હતો.. બહુ નાની નહિ ને બહુ મોટી નહિ, જાણે નકશીકામ કર્યું હોય તેવી સુંદર તેની આંખો હતી. એમાય એ કથ્થાઈ રંગ તેની ખુબસુરતીમાં ઓર વધારો કરતો હતો.

“અમારો ગહન તો આર્ટીસ્ટ છે.. કલાકાર.. ચિત્રકાર.. હજુ ગઈકાલે જ એક કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો તેણે.. તેમાં જીતી પણ ગયો.. કેમ ખરું ને દીકરા??” ગીતિની આંખોને નિહારવામાં, તેના રૂપને પોતાના હ્રદયમાં સમાવવામાં ગહન એટલો વ્યસ્ત હતો કે તેને પોતાની માંની વાત પણ નોહતી સંભળાતી.. બાજુમાં બેઠેલા તેના પિતાજી સુજીતભાઈએ તેને સહેજ ઠોસો માર્યો ત્યાંરે ગહન સહેજ હોશમાં આવ્યો..


“અમમ.. હા હા.. સાચું કે છે..!” કોણે શું કહ્યું તેની જાણબહાર ગહન મોઢામાં આવ્યા તે શબ્દો બોલવા લાગ્યો. થોડી વાર સુધી ત્યાં બેઠા બાદ બંને એકલા મળ્યા.. ગીતિના ઘરમાં ખુબ સુંદર બગીચો હતો.. ચાલતા ચાલતા બંને એકબીજા વિશે વધુ ને વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા..

“હું આજે સાંજે જ નીકળવાની છું.. મને પહેલાથી જ એક રુઆબદાર નોકરી કરવાની ઈચ્છા હતી.. કલેકટર બનવા માટે હું તનતોડ મહેનત કરતી.. પછી ખબર પડી કે યુપીએસસીની એકઝામમાં સિલેક્ટ થઇ ગયા બાદ આઈપીએસ પણ બની શકાય.. ને મારું લક્ષ્‍ય સાધ્યું મેં આઈપીએસ બનવા માટેનું.. આજે રીટર્ન એક્ઝામ છે.. પહેલી જ ટ્રાઈ છે.. હોપ કે પાસ થઇ જાવ..!!”

“થઇ જ જશો.. મને વિશ્વાસ છે..!!” હું પણ મારા પેઈન્ટીંગ બાબતે બહુ જ પઝેસીવ અને ક્રેઝી છું. મારા જીવનથી પણ વધારે મારા ચિત્રો મને વહાલા છે.. તમને પણ તમારું પેશન એટલું જ ગમે છે ને એટલે જ હું તમને સમજી શકું છું.. તમારો સાથ હમેશા આપીશ.. જો તમે ઇચ્છશો તો..!!” ને શરમાઈને ગીતિએ પોતાની આંખો ઢાળી દીધી..

એ દિવસે સુરજ ઢળ્યો ત્યારે બે હૈયા એકબીજાના રંગે રંગાઈ ગયા હતા. પહેલી જ મુલાકાતમાં બન્ને પરિવારો અને ગહન ગીતિએ એકબીજાને પસંદ કરી લીધા.. સાંજે ગહન ગીતિ સાથે એરપોર્ટ પણ ગયો.. રીટર્ન એક્ઝામ પછી ગીતિ ત્યાં જ રહીને છ મહિના સુધી એક ઇન્સ્ટીટ્યુટમાંથી ટ્રેનીંગ લેવાની હતી પ્રેક્ટીકલ માટે..!! એ આવે પછી તરત જ બે મહિનામાં સગાઇ રાખવી તે નક્કી કરીને બંને પરિવારે ગીતિને વળાવી..


બંને તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા.. એટલે હરખ બંને પક્ષે અત્યંત હતો.. બીજા જ દિવસે સવારે સાવીત્રીબહેને ગહનને કહ્યું, “તે તો તારા પપ્પાને હું બીઝ્નેઝ વાળી વાત કહું તેની રાહ પણ નાં જોઈ હે દીકરા. હા હા હા.. પણ મારે તો શરત પાળવી જ રહી ને..!! તારા પપ્પા માની ગયા છે.. તારે બીઝ્નેઝ નથી કરવાનો એમનો.. અને વધારામાં તેમણે તારા આર્ટ સ્ટુડિયોને સ્પોન્સર કરવાની પણ હા કહી દીધી છે..

ચોવીસ વર્ષનો તેમનો દીકરો પોતાનું પેશન શોધીને તેને જીવન બનાવવા મથી રહ્યો છે તે જાણીને તેઓ અત્યંત ખુશ છે દીકરા..!! ને ગહન તેની માંની વાત સાંભળી તેમની છાતીમાં લપાઈ ગયો..!! આંખોના ખૂણે ભીનાશ છવાયેલી હતી.. બંનેના..!!!!!! પછી તો દિવસો બહુ ઝડપથી વીતવા લાગ્યા.

ગીતિ સાથે રોજ રાતના વાત કરતા કરતા ગહન તેના વિશે બધું જાણવાનો પ્રયાસ કરતો રહેતો.. આખો દિવસ પોતાના આર્ટ સ્ટુડીયોમાં બેસીને જાતજાતના પેઈન્ટીંગસ બનાવતો રહે.. તનતોડ મહેનત કરવામાં લાગી ગયો હતો તે.. તેનું સ્વપ્ન હતું એક મહાન ચિત્રકાર બનવાનું.. જેને આખી દુનિયા ઓળખતી હોય.. પિકાસોની જેમ જ..!!! ગીતિ પોતાના શબ્દો વડે તેમના જીવનના દ્રશ્યમાં અનેક રંગો ભરતી. ગીતિ પણ અત્યંત જવાબદાર અને સભાન હતી તેના પેશન બાબતે.. ટ્રેનીંગમાં તે ઘણી વખત શુટિંગ અને આર્ચરીની કોમ્પીટીશનમાં પહેલી આવતી.


બે મહિના વીતી ચુક્યા હતા.. ગીતિની રીટર્ન એક્ઝામનું રીઝલ્ટ હવે ગમે ત્યારે આવી શકે એમ હતું.. તે આખો દિવસ સાઈટ ખોલીને ચેક કર્યા કરતી. ને આખરે રીઝલ્ટ આવી પણ ગયું.. ઉત્સુકતાથી ગીતીએ જ્યારે તેનો એનરોલ્મેન્ટ નમ્બર એન્ટર કર્યો કે તે પોતાનું રીઝલ્ટ જોઈ હતાશ થઇ ગઈ.. ફેઈલ થવાનું તેણે સ્વપ્નેય નોહ્તું વિચાર્યું. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાની આ નિષ્ફળતાને હજુ તો પચાવી રહી હતી કે ગહનનો ફોન આવ્યો..

“ગહન, હું ફેઈલ થઇ ગઈ.. મારી બધી મહેનત પાણીમાં ગઈ. હવે અહી રહીને ટ્રેનીંગ કરવાનો પણ કોઈ જ મતલબ નથી. આ ટ્રેનીંગ મને હવે ક્યાય કામ નથી આવવાની. હું કાલે જ પાછી આવી રહી છું. અને આપણે તરત જ પરણી જઈશું..” હીબકા ભરતા ભરતા ગીતિએ ગહનને કહ્યું.. અત્યારે તેને પાછી આવવા દેવામાં જ સાર છે તેમ વિચારી તેને થોડી શાંત્વના આપી ગહને ફોન રાખી દીધો..

બીજા દિવસે સાંજે ફ્લાઈટમાં જ્યારે ગીતિ પાછી આવી ત્યારે તેની આંખો રડી રડીને લાલ થઇ ગયેલી.. સુજી ગયેલી. એરપોર્ટ પર ગહનને જોતા જ તેને ભેટી પડી. “ચલ ગીતિ મૂડ સરખો કર જોઈએ. પરમ દિવસે મારે એક આર્ટ કોમ્પીટીશનમા ભાગ લેવાનો છે. હવે મારી પ્રેરણા મારી સાથે છે એટલે મને જીતતા કોઈ નહી રોકી શકે.. ચલ મારી જોડે અત્યારે.. હું તને મારા પેઈન્ટીંગસ બતાવું.. જે હમણાં જ મેં બનાવ્યા છે..


એ દિવસે ઘરે ગયા બાદ ગીતિને થોડું સારું લાગ્યું.. ગહને પણ તેનો આત્મવિશ્વાસ મજબુત બનાવ્યો અને કહ્યું કે તેઓ મેરેજ કરી લે પછી પણ ગીતિ તેની એક્ઝામ આપી શકશે.. બે જ મહિનામાં ધામધુમથી ગહન અને ગીતિના મેરેજ થઇ ગયા.. ગીતિ ધીરે ધીરે તેના ફેઈલ થવાના સદમામાંથી બહાર નીકળી રહી હતી. ગહનનો તેને સંપૂર્ણ સાથ હતો. મધુરજનીની એ રાત હતી.

“ગહન, મારા જીવનનું એકમાત્ર લક્ષ્‍ય હતું આઈપીએસ બનવું.. પણ જ્યારથી તમે મળ્યા અને તમે મને સમજી ને ત્યારથી બધું ગૌણ લાગવા લાગ્યું. તમે મારા સ્વપ્નમાં વિશ્વાસ કરી મને પણ મજબુત બનાવી. મારો મનોબળ વધાર્યું. મને હતું કે લગ્ન પછી સાડી પહેરીને રોટલા ઘડવા સિવાય મારા જીવનમાં કશું જ નહિ હોય પરંતુ તમારી લગ્નસંસ્થા વિશેની સમજણ જાણી ત્યારથી તમારી પત્ની બનવા બેચેન હતી. આખરે હું આજે એ સંબંધ પામી.. તમારા સાથથી હવે મને ફરી આઈપીએસનું મારું સ્વપ્ન પૂર્ણ કરવાની ઈચ્છા જાગી રહી છે.


શું હું આગળ વધુ??” ગહનની છાતી પર માથું રાખીને સુતેલી ગીતિએ વહાલથી તેના પતિને પૂછ્યું.. “ગીતિ, આજ પછી જીવનમાં ક્યારેય કોઈ બાબત વિશે મારી મંજુરી ના લેતી. અભિપ્રાય ચોક્કસથી માંગજે. પરંતુ તને મંજુરી આપીને મારી જાતને અને મારા પૌરુષી ઇગોને હું જીતાડવા નથી માગતો. કોઈ જ વાત તારે મને પૂછીને કરવાની જરૂર નથી. મારી સલાહ અને મારો સાથ હમેશા તારી સાથે રહેશે.. કદાચ ક્યારેય તું નાસીપાસ કે નિષ્ફળ પણ થશે ને તો હું તને સહારો આપવા તારી પાછળ જ હોઈશ એ યાદ રાખજે.

આઈ લવ યુ..!!” ને ગીતિ ગહનના બાહુપાશમાં લપેટાઈ ગઈ.. તેનામાં સંપૂર્ણપણે સમાવા માટે.. પછીથી એ બંનેનું જાણે રૂટીન થઇ ગયું.. સવારે બન્ને સાથે જ જાગે.. જાગીને ગીતિ પહેલા નાહીને નાસ્તાની તૈયારી કરે ને ત્યાં સુધી ગહન નાહી લે.. પછી બંને પોપોતાના પેશનને પામવા મચી પડે. ગહન ધીમે ધીમે સફળતાના શિખરો સર કરતો જતો હતો.. હવે તેની જ્ઞાતિમાં અને તેના સમાજમાં લોકો તેને માનથી જોવા લાગ્યા હતા. વ્યાપારી બન્યા સિવાય પણ માણસ સન્માન અને સિદ્ધી મેળવી શકે એ ગહને પોતાના સતત ખંતનાં પરિણામે સાબિત કર્યું હતું.

ગીતિને તેના સાસરામાં બધાનો સતત સાથ મળી રહ્યો હતો.. ફરી એક વખત તે રીટર્ન એક્ઝામ આપવા માટે હવે તૈયાર હતી. ગહન રોજ તેને પાસે બેસીને પ્રેક્ટીસ કરાવતો.. તેના ભણતરમાં પોતે રસ લેતો. ત્યાં સુધી કે ગીતિના સાસુ સસરા ક્યારેય તેની પાસે કોઈ જ જાતની ફરિયાદ ના કરતા. તેને ભણવા માટે પુરતી છૂટ આપવામાં આવતી.


તેમના લગ્નને છ મહિના વીતી ગયા હતા. તે દિવસે સોમવાર હતો. ગહન અને ગીતિ બંને જાગીને તૈયાર થઈને પોતપોતાનું કામ કરી રહ્યા હતા કે ગહનના મોબાઈલની રીંગ વાગી. લગભગ દસેક મિનીટ સુધી ફોન પર વાત કર્યા બાદ મો પર મોટી મુસ્કાન સાથે તે હોલમાં આવ્યો.. ગીતિને ઓરડામાંથી ત્યાં જ બોલાવી લીધી અને પોતાના મમી-પપ્પાને પણ ત્યાં બેસાડ્યા.

“માં.. પપ્પા.. ગીતિ.. તમારા બધાનો સતત સાથ આજે મારી સફળતામાં ફેરવાઈ રહ્યો છે. મને આપણા શહેરની પ્રખ્યાત આર્ટ ગેલેરીમાંથી ફોન હતો.. તેમણે કહ્યું કે તેઓ મારા પેઈન્ટીંગસનું એક્ઝીબીશન રાખવા માગે છે. લગભગ આ મહિનાની છેલ્લી તારીખોમાં તેઓ આ વાત ફાઈનલ કરવા માંગે છે..”

ગીતિ આ વાત સાંભળતા જ હરખભેર ઉઠી અને રસોડામાં જઈ બધા માટે ગોળ લઇ આવી અને સૌનું મોઢું મીઠું કરાવ્યું.. તેના મો પરનો આનંદ સમાતો નોહ્તો. ગહનના માતાપિતાની છાતી ગર્વથી ગજગજ ફૂલી રહી હતી. એ દિવસે રાતના ઓરડામાં ગહન ગીતિની નજીક ગયો, તેનો હાથ પકડી અને તેના કપાળ પર ચુંબન કરી બોલ્યો,


“હવે તારો વારો છે ગીતિ.. કાલથી આપને તારી પરીક્ષાની તૈયારીઓ માટે મચી પડશું. હવે બે જ મહિનાની વાર છે. હજુ તે તૈયારી કરવાની શરુ નથી કરી એટલે થોડું અઘરું પડશે આ વખતે.. કારણકે તારે બે મહિનામાં ઘણું વાંચવાનું છે.. પણ તું ચિંતા નાં કર, હું તારી સાથે જ છું સતત ને સતત..” ગહનની વાત સાંભળી ગીતિની આંખમાંથી આંસુ સરી પડ્યું.. એ ખુશીનું હતું.. ગહન જેવા સમજદાર પતિ મળ્યાની ખુશીનું..

એ પછી દિવસો ઝડપથી વીતવા લાગ્યા. ગહનના પેઈન્ટીંગસનું એક્ઝીબીશન ફાઈનલ થઇ ગયું.. ગીતિ પણ હવે પુરા જોરશોરમાં તૈયારી કરી રહી હતી.. ગહનનું એક્ઝીબીશન ખુબ સફળ રહ્યું.. ઘણી જગ્યાએથી ઈન્ટરવ્યું લેવા માટે તેને ફોન આવ્યા.. ઘણા છાપામાં તેનું નામ છપાયું.. તેના અમુક લાર્જર ધેન લાઈફ પેઈન્ટીંગસને તો ખુબ સરાહના મળી..

આખરે એ દિવસ પણ આવી પહોચ્યો.. ગીતિની એકઝામનો દિવસ.. આ વખતે તેની એક્ઝામ માટેનું સેન્ટર તેનું જ શહેર હતું.. ગહન તેને મુકવા જવાનો હતો.. ગીતિ ખુબ ઉત્સાહમાં હતી.. તેને વાંચવાનો સમય ઓછો મળ્યો હતો. પરંતુ તેણે ખુબ સારી તૈયારી કરી હતી. સાત પેપર સાત દિવસ સુધી લગાતાર હતા.. બધા પેપરમાં ગીતિએ સારો પ્રયાસ કરેલો.. એકઝામના છેલ્લા દિવસે તેને ફરી એક વખત એક્ઝામ આપ્યાનો સંતોષ હતો..

હવે તે ટ્રેનીંગ લેવા માટે ઉત્સુક હતી.. પરંતુ આ વખતે રીઝલ્ટ સુધી રાહ જોવી તેને યોગ્ય લાગી.. ને આખરે રીઝલ્ટનો દિવસ પણ આવી ગયો.. પરંતુ તેને ફરી નિરાશા મળી. સતત એક અઠવાડિયા સુધી ગીતિ આ રીઝલ્ટ જાણ્યા બાદ મૌન રહી હતી.. એકદમ ગુમસુમ.. તેને સમજાતું નોહ્તું કે તું શું કરે.. તેની સાથે આ શું બની રહ્યું હતું એ કઈ જ ગતાગમ તેને નોહતી પડતી.. આટલી મહેનત કરવા છતાય ફરી ને ફરી નિષ્ફળતા મળતા તે હારી ગઈ હતી..


ગહન સતત તેની પડખે હતો.. તેના સ્ટુડિયો પર સાત દિવસ સુધી જવાનું તેણે બિલકુલ ટાળ્યું હતું.. તેની સેવામાં હાજર અને ત્તેના દુઃખમાં તે સરખો ભાગીદાર હતો.. એ પછી દિવસો વિતતા ગયા એમ ધીરે ધીરે ગીતિ તેના ગમમાંથી બહાર આવતી ગઈ.. હવે તે ગહન સાથે સ્ટુડિયો પર જતી, ઘરનું કામકાજ સંભાળતી અને બધી બાબતોની દેખરેખ રાખતી.. તેના સાસુ-સસરાની ચાકરી કરતી.. પોતાના મમી-પપ્પાને વારે-તહેવારે મળવા જતી.. ધીમે ધીમે તે પોતાનું મન હળવું કરી રહી હતી..

જોતજોતામાં બે વર્ષ વીતી ગયા.. ગહન ખુબ જ સફળ ચિત્રકાર બની ગયેલો.. તેના પેઈન્ટીંગસ હવે કરોડોમાં વેચાતા હતા.. તેના માતા-પિતાને તેના પર અત્યંત ગર્વ હતો.. ગીતિ પણ તેને દરેક બાબતમાં સાથ આપતી.. તેના દરેક સુખદુખમાં પ્રેમથી હિસ્સો પણ પડાવતી.. તે દિવસે તેની અને ગીતિની બીજી લગ્નતિથિ હતી. તેના હાથમાં ગીતિ માટે સુંદર મજાની ભેટ હતી. રાતના બાર વાગ્યે તે ગીફ્ટ ગીતીને આપવા માગતો હતો.. વહેલી ઊંઘ આવે છે તેમ કહી તે સુવાનું નાટક કરતા ઓરડામાં પડ્યો રહ્યો..

ઠીક બારના ટકોરે તેણે પોતાની બાજુમાં સુતેલી ગીતિને જગાડી અને તેના હોઠ પર એક નાનકડું ચુંબન કર્યું.. સહેજ અમથી મુસ્કાન સાથે ગીતિ ગહનનાં બાહુપાશમાં લપેટાઈ ગઈ.. ગહને ગીફ્ટ લઇ તે ગીતિના હાથમાં આપી.. અત્યંત આશ્ચર્ય અને આનંદ સાથે ગીતીએ તે ગીફ્ટ ખોલી.. અંદરની વસ્તુ જોતા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા.. તેનો હાથ પકડીને બેઠેલા ગહને ગીતીને સધિયારો આપતા કહ્યું,

“પ્લીઝ ગીતિ હવે બે વર્ષ વીતી ગયા છે.. તું હવે ફરી બીલકુલ તૈયાર છે.. અને આ વખતે આપણી પાસે આખું એક વર્ષ છે મહેનત કરવા માટે.. આ યુનિફોર્મ તું જોવે છે ને.. તને ગીફ્ટમાં યુનિફોર્મ આપવાનો મતલબ તને તારું સપનું યાદ કરાવાનો હતો.. તું એક આઈપીએસ ઓફિસર બનવા માંગે છે એ યાદ કરાવવાનો હતો.. અને તારે કોઈ જ વાતથી ગભરાવાની જરૂર નથી.. હું તારી પડખે જ છું એ કહીને ફરી આ પરીક્ષા માટે તને તૈયાર કરવાનો હતો..


તો શું તું ફરી પરીક્ષા આપવા તૈયાર છે??” ગહનની વાત સાંભળી ગીતિ તેને વળગી પડી.. તેણે સ્વપ્નેય નોહ્તું વિચાર્યું કે પોતાના સપના પુરા કરી શકે તે માટે ગહન આટલો સપોર્ટીવ હશે.. તેને આ બધું જ એક સપના જેવું લાગતું હતું.. ગહનની વાતમાં હકાર ભણી હવે તે પોતાના અધૂરા સ્વપ્નને ફરી જીવવા, પૂરું કરવા માટે તૈયાર થઇ..

ગહન રોજ સવારે તેના સ્ટુડિયો પર હવે ગીતિને લઈને જતો.. તેનું કામ કરવા સાથે સાથે તે હવે ગીતિને પ્રોત્સાહન આપતો રહેતો. ગીતિ આખો દિવસ ત્યાં બેસીને વાંચતી અને દર અઠવાડિયાનાં અંતે ગહન તેની પરીક્ષા પણ લેતો. ધીમે ધીમે ગીતિનું મનોબળ મજબુત બની રહ્યું હતું અને તેને પોતાનામાં વિશ્વાસ બેસી રહ્યો હતો.. ગીતિ અને ગહન ફેમીલી પ્લાનિંગ માટે વિચારતા હતા છતાય અંતે ગહન ગીતિની એક્ઝામ માટે થઈને ફેમીલી પ્લાનિંગ ટાળી દેતો..

આખરે એ દિવસ પણ આવી ગયો.. ગીતિની પરીક્ષાની ત્રીજી ટ્રાયલ હતી.. તે બહુ ઉત્સાહિત હતી અને ગહનનું પુરતું પ્રોત્સાહન પણ હતું. તેને વિશ્વાસ હતો કે આ વખતે તો તે પાસ થઈને જ રહેશે. તે અને ગહન હજુ તો બહાર નીકળતા જ હતા કે ગહનના મોબાઈલની રીંગ વાગી. અજાણ્યો નમ્બર જોઈ આશ્ચર્ય સાથે તેણે ફોન ઉપાડ્યો.”ગહન ત્રિવેદી વાત કરે છે?”

“જી.. કોણ??” “જી હું સિવિલ હોસ્પિટલ, હરિદ્વારથી ઇન્સ્પેકટર રાઠોડ બોલું છું.. આપના પરિવારના ચાર સભ્યો અહી ચારધામની યાત્રામાં આવ્યા હતા.. તેમના સામાનમાંથી મને આપનો નંબર મળ્યો.. સાવિત્રી ત્રિવેદી, સુજીત ત્રિવેદી, ગૌરાંગ શુક્લા અને ગાયત્રી શુક્લા આપના શું થાય?” ગહનની સમજમાં કઈ નહોતું આવી રહ્યું. તેના માં-બાપ અને સાસુ-સસરા વિશે આ ભાઈ શું પૂછી રહ્યા હતા એ જ વિચારવામાં તે ખોવાઈ ગયો.


સામે જવાબ આપતા તે બોલ્યો, “મારા મમી-પપ્પા અને સાસુ-સસરા છે તેઓ..!!” “ભાઈ.. માફ કરશો.. આપે અહી આવવું પડશે.. તેઓ જે બસમાં જતા હતા તે બસ ખાડીમાં ઉંધી વળી જતા તે ચારેય એ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે..!!” “શું??????????????????”

ને આટલું બોલતા જ ગહનના હાથમાંથી મોબાઈલ પડી ગયો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ગાડીમાં રાહ જોતી ગીતિ ઘરને તાળું મારતા ગહનને અચાનક રડતો જોઈ તેની પાસે આવી.. રડતા રડતા ગહને તેને અકસ્માતની વાત કરી.. ને આ બેવડો આઘાત સહન નાં થતા ગીતિ બેભાન થઈને ઢળી પડી..

લગભગ આઠ કલાક વીતી ગયા હતા.. ગીતિ હજુ સુધી ભાનમાં નોહતી આવી.. ગહન બે કલાક રાહ જોઇને ગીતિની એક ફ્રેન્ડને એની પાસે રહેવાનું કહી હરિદ્વાર જવા માટે નીકળી ગયેલો.. ડોકટરે કહ્યું હતું કે ગીતિ ફક્ત બેભાન છે.. આંચકો લાગ્યો છે તેથી. બીજું કઈ ખતરા જેવું નથી જ.. ચોવીસ કલાક સુધી બેભાન રહ્યા બાદ ગીતીને બીજા દિવસે બપોરે હોશ આવ્યો.. ત્યાં સુધી ગહન તેના માતા-પિતા અને સાસુ-સસરાના શબને લઈને આવી પહોચ્યો હતો.. ગીતિ હોશમાં આવતા જ તરત ગહન તેની પાસે ગયો.. બંને એકબીજાને વળગીને ખુબ જ રડ્યા..

બીજા દિવસે વહેલી સવારે ચારેયના અંતિમ સંસ્કાર કરી તેઓએ દરેક વિધિ નિભાવી.. ગીતિની આંખો સતત આંસુઓથી ભરાયેલી હતી.. જ્યારે ગહનના આંસુ સુકાઈ ગયેલા.. અણધાર્યો આવો તેમની જીંદગીમાં આવેલો વણાંક તેના માટે અસહ્ય હતો. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા.. તેમ તેમ બંને આઘાતમાંથી ઉભરતા ગયા..

છએક મહિના બાદ એક દિવસે સવારે ગહને ગીતીને સંબોધીને કહ્યું, “ગીતિ.. મને ખબર છે આ તારા માટે અશક્ય છે.. તારી એકઝામના દિવસે જે થયું એમાં તારો વાંક નોહ્તો.. તે બહુ જ મહેનત કરી હતી જેનો હું સાક્ષી હતો.. જિંદગી થંભી નથી જતી.. આપણા માં-બાપ સર્વસ્વ હતા.. અને તેમનું જ સપનું હતું કે તું આઈપીએસ બને.. મેં ઘણો વિચાર કર્યો છે.. અને મને લાગે છે કે તારે ફરી એક વખત એકઝામમાં બેસવું જોઈએ..


બસ આ છેલ્લી વાર.. પછી હું નહિ કહું. એક છેલ્લી કોશિશ..!! શું તું કરશે છેલ્લી વાર કોશિશ??” ગીતિની આંખમાંથી આંસુ સરી પડ્યા.. ગહન ક્યાં જન્મના પુણ્યે તેને મળ્યો હશે તે વિચારવા લાગી ગીતિ.. આટઆટલું થયા બાદ પણ તેની હિંમત નથી તૂટી.. અને પોતાના સાવ વિખેરાઈ ગયેલા એક સ્વપ્નને પૂરું કરવા, એ સ્વપ્નના તૂટેલા મણકાઓને જોડવા તે કેટલી મહેનત કરી રહ્યો છે.. તે કેટલો તત્પર છે..

ને ગીતીએ એક છેલ્લી વારની કોશિશ કરવાની ગહનને હા કહી દીધી.. એ પછી તેણે ફરી મહેનત કરવાની શરુ કરી.. ચાર મહિના પસાર થઇ ગયા હતા.. એ દરમિયાન ગહને ઘણા આર્ટ એક્ઝીબીશનસ યોજ્યા હતા.. તેનું નામ હવે આખા દેશમાં જાણીતું બન્યું હતું.. તેને એક ઇન્ટરનેશનલ કોમ્પીટીશનમાં ભાગ લેવાનો ચાન્સ મળ્યો હતો.. જેમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો હતો.. ને બસ તેના માટે જ આજે તેનું રજીસ્ટ્રેશન કરાવવા બન્ને જઈ રહ્યા હતા..

તે તરત જ જાગીને તૈયાર થયો.. ગીતિએ પણ તેનો મનપસંદ મગની દાળનો શીરો બનાવ્યો હતો.. આજે ઘણા સમય બાદ તેમના જીવનમાં એક ખુશીનું કિરણ ઝબકારા મારી રહ્યું હતું.. “ચલો ચલો.. ગહન.. જલ્દી કરો.. તૈયાર થવામાં કલાક કરી તમે તો..” “ગીતિ, હું એક ચિત્રકાર છું.. એક આર્ટીસ્ટ.. ખુબસુરતી ફક્ત કાગળમાં નહિ, વાસ્તવિક જીવનમાં પણ હોય છે.. એ મારે સાબિત કરવું રહ્યું ને..!! તારી આ ખુબસુરત આંખો પણ તેની જ સાબિતી તો આપે છે..”


હસતા હસતા ગહન બોલ્યો.. ને બંને બહાર નીકળીને ગાડીમાં બેસીને નીકળ્યા.. “આખરે.. મારું રજીસ્ટ્રેશન થઇ ગયું ગીતિ.. હું ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કરીશ.. કેન યુ બીલીવ??? આ મારા જીવનની આનંદદાયક ક્ષણ છે.. આઈ લવ યુ ગીતીતીતીતી.!!” રજીસ્ટ્રેશન કરાવીને બહાર નીકળતા જ ગહન ગીતિને વળગી પડ્યો.. ગીતિ જરા શરમાઈ ગઈ.. ને જવાબ આપતા બોલી, “તો અહીંથી આપણે લંચ માટે ક્યાય બહાર જઈએ?”

“બીલકુલ મેડમ.. આપ કહો ત્યાં..” શહેરના છેડે આવેલા રેસટોરન્ટમાં જવાનું તે બંનેએ નક્કી કર્યું.. ગહન ગાડી ચાલવતા ચલાવતા જોરજોરથી ગીતો ગાતો હતો.. તે અત્યંત ખુશ હતો.. અચાનક તેનું ધ્યાન સામેથી આવતા ટ્રક પર પડ્યું અને તેણે સ્ટેરીંગ બીજા બાજુ ફેરવ્યું તો એ તરફ એક ઝાડમાં તેની ગાડી અથડાતા આગળનો કાચ તુટ્યો અને તેની આંખોમાં તે કાચની કણીઓ ઘુસી ગઈ..

સદનસીબે ત્યારે ગીતીએ ચશ્માં પહેર્યા હતા એટલે આંખમાં વાંધો ના આવ્યો.. પણ તે કાચની કણો તેના પર ઉડતા ઘણી જગ્યાએથી લોહી વહેવા લાગ્યો.. ગહનના મોમાંથી ચીસ નીકળી ગઈ હતી.. ગીતિ સહેજ હોશમાં હોવાથી તરત જ ગાડીમાંથી ઉતરી અને રસ્તે આવતા વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો.


બે કલાક વીતી ગયા હતા.. હોસ્પિલ પહોચ્યા બાદ ગીતિની પ્રાથમિક સારવાર થઇ.. ગહનને સીધો આઈસીયુમાં દાખલ કરાયો હતો.. તેની આંખમાંથી લોહી સતત વહી રહ્યું હતું.. તેને અંદર લઇ ગયા બાદ બે કલાકથી ગીતિ બહાર જ બેઠી હતી.. ગીતિ બહાર ચિંતામાં હતી કે ત્યાં જ ડોક્ટર આવ્યા અને તેને પોતાની ઓફિસમાં બોલાવી.. “જુઓ મિસિસ ગહન.. આપના પતિને બહુ ખરાબ રીતે આંખમાં એ કણો ખુચી હતી.. અને અફસોસ સાથે મારે કહેવું પડે છે કે તેઓ તેમની દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે..”

આ સાંભળતા જ ગીતિ સુન્ન થઇ ગઈ.. તેના મગજમાં ગહન અને તેના પેઈન્ટીંગસ ફરવા લાગ્યા.. આજે કરાવેલું રજીસ્ટ્રેશન યાદ આવી ગયુ.. અને ગહનના ચહેરાની એ ખુશી.. ને આખરે ગીતિએ અર્ધાંગીની હોવાની ફરજ નિભાવવાનું વિચાર્યું.. પોતાની એક આંખ ગહનને દાન કરવાનો નિર્ણય કર્યો અને ડોક્ટરને જણાવ્યો..

લગભગ આઠ કલાકના ઓપેરેશન બાદ ગહનના ચહેરા સાથે, તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલી ગીતિની આંખો હવે દુનિયાને એક નવી નજરથી જોવા તૈયાર હતી.. આઈસીયુમાં ગહનની પડખે બેઠેલી ગીતિએ તેને સંબોધીને કહ્યું, “ગહન, તમને મારી આંખો બહુ ગમતી ને.. લો બસ હવે એ તમારી સાથે જ જોડાઈ ગઈ..”


ગહનને જ્યારથી ખબર પડી હતી કે ગીતિએ પોતાની આંખનું દાન તેને કર્યું છે ત્યારથી આમ પણ તે ચુપ થઇ ગયેલો.. અત્યારે ગીતિની વાત સાંભળતા જ તે રડી પડ્યો. “કેમ ગીતિ.. કેમ????” “બસ તમે ઘણી ફરજ નિભાવી.. હવે મારો વારો હતો.. તમારું અડધું દુખ શેર કરવાનો.. તમે મને બહુ સાચવી.. હવે મારો વારો હતો.. તમને સંભાળવાનો.. તમારા સ્વપ્નને સિંચવાનો..

જે કોમ્પીટીશનમાં તમે ભાગ લઇ રહ્યા છો ત્યાં તમારે દ્રષ્ટિની જરૂર હતી ગહન..!!” ગીતિની વાતનો જવાબ આપતા તરત ગહન બોલ્યો, “પણ તારા સ્વપ્નનું શું?? હવે તું યુપીએસસીની એકઝામમાં બેસવા માટે એલીજીબલ જ નહી રહે ગીતિ..!!” “પણ આખી જિંદગી તમારી અર્ધાંગીની બનવા માટે તો ક્વોલીફાઈ થઇ ગઈ ને..!!! હસીને ગીતીએ જવાબ આપ્યો.. ને ગહન તેને વળગી પડ્યો..!!

બહુ પરેશાનીઓ આવી બંનેની જીંદગીમાં.. પણ આખરે સુખનો પડાવ પણ આવ્યો જ.. કોમ્પીટીશનમાં જીત્યા બાદ હવે સમગ્ર વિશ્વમાં ગહન એક પ્રખ્યાત પેઈન્ટર તરીકે જાણીતો થયો હતો.. કદાચ પિકાસો બનવાને હવે બહુ દેર નોહતી.. અને તેની અર્ધાંગીની ગીતિ ગહનના સ્વપ્નમાં જ પોતાનું સપનું પૂરું થતા જોઈ રહેતી..!!!!


ગીતિ અત્યંત ખુશ હતી.. તેમનો સંસાર હવે દરેક ઉપમાથી પર હતો.. ગહનની અર્ધાંગીની ગીતિ.!!!!!!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ