જે બ્રિટિશ એક વખત ભારત પર રાજ કરતુ એ બ્રિટિશને પછડાટ આપવી કોઈ નાનીસૂની ઘટના નથી..

તાજેતરમાં આપણી સુપ્રીમ કોર્ટના એક્વખતના જજ શ્રી દલબીર ભંડારીની આંતરરાષ્ટ્રિય અદાલતના સભ્ય તરીકે બીજી ટર્મ માટે નિમણૂંક કરવામાં આવી જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની બાબત છે. આગામી 9 વર્ષ માટે આ વખતે શ્રી દલબીર ભંડારીની જે રીતે નિમણૂક થઇ એ ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્વ સમજાવે છે.

વિશ્વસંઘ એટલે કે યુનાઇટેડ નેસન્સે 1945માં આંતરરાષ્ટ્રિય અદાલતની સ્થાપના કરી છે. આજે વિશ્વના 193 દેશો આ આંતરરાષ્ટ્રીય અદાલત સાથે જોડાયેલા છે. આ અદાલતમાં દુનિયાના જુદા જુદા દેશો વચ્ચેના વિવાદના કેઈસ ચલાવવામાં આવે છે. અતિ મહત્વનું આ કામ કરવા માટે કાયદાઓના નિષ્ણાંત અને ઉચ્ચ નૈતિક મૂલ્યોને આત્મસાત કરનાર કૂલ 15 સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે. દુનિયાના દરેક ભૌગોલિક વિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે આ 15 સભ્યોની નિમણૂંક 9 વર્ષ માટે કરવામાં આવે છે.

નિમણૂંક માટે યોગ્ય વ્યક્તિને પસંદ કરવાની સત્તા યુનોની સલામતી સમિતિ અને યુનોની સામાન્ય સભાને છે. જે વ્યક્તિ આ બંને જગ્યાએથી ચૂંટાય એ જ આંતરરાષ્ટ્રિય અદાલતના સભ્ય તરીકે નિમાય. કોઈ એક જગ્યાએથી ચૂંટાય પણ કોઈ બીજી જગ્યાએથી ના ચૂંટાય તો એની નિમણૂક થઇ શકે નહિ.

આ વખતે ભારતના દલબીર ભંડારી અને ઇંગ્લેન્ડના ક્રિસ્ટોફર ગ્રીનવુડ વચ્ચે કાંટાની ટક્કર હતી. યુનોની સામાન્ય સભાએ ભારતના દલબીર ભંડારીને ચૂંટયા તો સલામતી સમિતિએ ઇંગ્લેન્ડ પર પસંદગી ઉતારી. આથી બંનેમાંથી કોઈની નિમણૂંક ના થઇ શકે.

ઇંગ્લેન્ડ, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને રસિયા આ 5 દેશો યુનોની સલામતી સમિતિના કાયમી સભ્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતના કૂલ 15 સભ્યો પૈકી આ 5 દેશોનો એક એક સભ્ય તો હોય જ છે (આવું ફરજિયાત નથી ) આથી સ્વાભાવિક રીતે ભારત અને ઇંગ્લેન્ડમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો સલામતી સમિતિમાં બહુમતી ઇંગ્લેન્ડને જ મળે.

મળાગાંઠ ઉકેલવા માટે બંને જગ્યાએ ફરીથી મતદાન થયું. યુનોની સામાન્ય સભાએ ફરીથી ભારતની પસંદગી કરી અને સલામતીએ ઇંગ્લેન્ડની પસંદગી કરી.

સામાન્ય સમિતિમાં વિશ્વભરના 193 દેશોનું પ્રતિનિધિત્વ હોવાથી એનું પલ્લું ભારી ગણાય. છેવટના ઉપાય તરીકે ઇંગ્લેન્ડે એના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડની ઉમેદવારી પાછી ખેંચી એટલે ભારતના દલબીર ભંડારીની આંતરરાષ્ટ્રીય અદાલતના સભ્ય તરીકે પસંદગી થઇ ગઈ.

આ કોઈ સામાન્ય ઘટના નથી. 1945થી અત્યાર સુધીના 72 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઇંગ્લેન્ડ બાદ થઈ ગયું છે. જે બ્રિટિશ એક વખત ભારત પર રાજ કરતુ એ બ્રિટિશને પછડાટ આપવી કોઈ નાનીસૂની ઘટના નથી ભારતે પોતાનું આંતરરાષ્ટ્રિય મહત્વ કેટલું વધારી દીધું છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.

શ્રી દલબીર ભંડારીને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતના નાગરિક તરીકે આપણી જીતને વંદન.

લેખન : શૈલેશભાઈ સગપરીયા

ખુબ ગર્વની વાત છે મિત્રો શેર કરો આ પ્રસંગ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.