દાલ પકવાન – બનાવવામાં સાવ સરળ ને નાસ્તામાં બેસ્ટ એવી આ રેસીપી ભૂલ્યા વગર નોંધી કે જો …

દાલ પકવાન

આ પ્રખ્યાત સિંધી વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ઘણી સરળ છે. આ દાલ પકવાન પચવામાં થોડા ભારે હોવાથી સવારના નાસ્તા કે જમવામાં લઇ શકાય.

દાલ પકવાનની સાથે બારીક સમારેલા કાંદા , કોથમીરની તીખી ચટણી, ખજૂર આમલીની મીઠી ચટણી પીરસો. અહીં બતાવેલ રેસિપી કદાચ પરફેક્ટ સિંધી રેસિપી ના પણ હોય , પણ વિશ્વાસ રાખો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે આ દાલ પકવાન.

સામગ્રી :

દાલ માટે::

 • 2 વાડકા ચણાની દાળ,
 • મીઠું,
 • 1 તજ પત્તુ,
 • 1 ટામેટું,
 • 2 લીલા મરચાં,
 • થોડા લીમડાના પાન,
 • 1 ચમચી ખમણેલું આદુ,
 • 4 ચમચી તેલ,
 • 2/3 ચમચી ગરમ મસાલો,
 • 1 ચમચી લાલ મરચું,
 • 2/3 ચમચી હળદર ,
 • 1/2 ચમચી હીંગ
 •  લીંબુ નો રસ , સ્વાદાનુસાર
  પકવાન માટે ::,
 • 1 વાડકો ઘઉંનો લોટ,
 • 1.5 વાડકો મેંદો,
 • મીઠું,
 • 1 ચમચી જીરાનો અધકચરો ભૂકો,
 • 2/3 ચમચી અજમો , અધકચરા વાટેલા,
 • 1/2 ચમચી મરી , અધકચરા વાટેલા,
 • 3 થી 4 ચમચી તેલ , મોયન માટે,
 •  તળવા માટે તેલ

રીત ::

ચણાની દાને ધોઈ 40 થી 45 મિનિટ માટે હુંફાળા પાણીમાં પલાળી દો. પલાળીને રાંધવાથી દાળ એકસરખી અને ઝટપટ થઈ જશે.હવે આ પલળેલી દાળને કુકરમાં લો. એમાં પૂરતું પાણી , થોડું મીઠું , થોડી હળદર અને એક તજ પત્તુ ઉમેરીશું. હવે ધીમા તાપે 1 સીટી માટે બાફો. દાળ બફાય પણ જવી જોઈએ અને છૂટી પણ રહેવી જોઈએ.

મિક્સમાં સમારેલુ ટામેટું, સમારેલ મરચા , લીમડો અને ખમણેલું આદુ કે આદુંના કટકા ઉમેરી એકદમ ઝીણું વાટી લો. આ પેસ્ટ એકદમ સ્મૂધ કરવી.

કડાયમાં તેલ ગરમ કરો. ગરમ તેલ માં જીરું ઉમેરો. જીરું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી હિંગ ઉમેરો. ત્યારબાદ તેલ માં વાટેલી પેસ્ટ ઉમેરો .

ધીમા તાપે પેસ્ટને સાંતળો. તેલ છૂટું પડે એટલે આ પેસ્ટમાં જરૂર મુજબ મીઠું, હળદર, ગરમ મસાલો , લાલ મરચું ઉમેરી ને શેકો.

ત્યારબાદ બાફેલી ચણાની દાળ પાણી સાથે જ કડાયમાં ઉમેરો. સરસ રીતે મિક્સ કરી ધીમા તાપે 2 થી 3 મિનિટ ઉકાળો. જરૂર અનુસાર લીંબુનો રસ ઉમેરો. ગેસ બંધ કર્યા બાદ દાલ પાણી ચૂસી લેશે. 

તો પાણી એ પ્રમાણે રાખવું. તૈયાર છે આપણી દાળ.હવે બનાવીએ પકવાન .

મોટી થાળીમાં ઘઉંનો લોટ, મેંદો , મીઠું, અજમો , જીરું , મરી નો ભૂકો અને મોયન ઉમેરો. અહીં મેં જીરું , અજમો અને મરી પાટલા પર રાખી વેલણની મદદથી અધકચરા કર્યા છે. આપ ચાહો તો મિક્સર માં કરી શકો.

થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. આ કનક બહુ કઠણ કે બહુ ઢીલો ના હોવો જોઈએ. ઢાંકી ને 20 થી 30 મિનિટ માટે બાજુ પર રાખી મુકો.

તૈયાર કરેલ કણકમાંથી નાના લુવા બનાવી થોડી મોટી પુરી વણો. હાથ કે ફોર્કથી કાણાં પાડવા જેથી ફુલે નહીં.
આ પુરી બહુ જાડી કે બહુ પાતળી ના બનાવવી.

ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળો . હલકા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો. બહાર કાઢી કિચન પેપર કે ટીસ્યુ પેપર પર રાખી દો.

વધારાનું તેલ નીકળી જશે. એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરો. આ પાકવાન દાળ સાથે ટેસ્ટી લાગે જ છે પણ ચા સાથેય એટલા જ સરસ લાગે છે.

આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી