દાળ ઢોકળી – ગજબનુ રૂણાનુબંધ છે લેખકને આ વાર્તામા દાળ ઢોકળી સાથેનુ….

દાળ ઢોકળી

“ભાઈ તમે તો બહુ સરસ દાળ ઢોકળી બનાવો છો અમને બાઇયું ને પણ આવી બનાવતાં ન આવડે વળી શોખીન પણ કેવા ? માંહ્ય શીંગના શેકેલા બી, શેકેલા તલ, કિસમિસ,અને તજ,લવિંગનો વઘાર,તમાલપત્રના પાન, ઉપરાંત આદુ, કોથમીર,મરચા, લીમડાથી ધમધમતી દાળઢોકળી આટલા વર્ષોમાં મેં કોઈની ખાધી નથી. મને બહુ ભાવી”

નજીકના શિવમંદિરમાં લગભગ 65 વર્ષીય એકલા વિધવા માજી પૂજારી તરીકે કામ કરે રહેવા માટે એક નાની ઓરડી કાઢી આપેલ છે.મંદિરની સાફસૂફી કરે પૂજા-આરતી કરે અને મંદિરની થતી આવક માજીને મળે.તે સિવાય કોઈ પગાર ન મળતો.

વર્ષોથી બાળ વિધવા ડોશીનો એક માત્ર અપરણિત પુત્ર જબલપુર ખાતે કોઈ કારખાનામાં મજૂરી કામ કરે અને રજા મળે ત્યારે વૃદ્ધ માજીની ભાળ કાઢવા ઘેર આવે.

એક રવિવારે મેં ઘેર દાળઢોકળી બનાવેલી અને થોડી વધતાં મેં આ એકલપંડા વૃદ્ધ માજીને આપી. બીજે દિવસે મંદિરે દર્શન કરવા ગયો ત્યારે માજીએ દાળઢોકળીના ઉપરમુજબ વખાણ કર્યા અને કહ્યું ” ભાઈ,મને પણ ખાવાનું મન ઘણું થાય પણ તુવેરદાળના ભાવ ભડકે બળે છે,વળી ખોટું શું ?અમને ગરીબને તજ-લવિંગ કે કિસમિસના ભપકા ન પોસાય. વર્ષોથી હું એકલી થઇ ગઇ છું પણ મેં કોઈ દિવસ કોઈ પાસે કંઈ માગ્યું નથી, આ ભોળોનાથ આપે એ ખાવાનું. એકલપંડને જોઈએ કેટલું ?પણ તમારો ભાવ અને લાગણી જોયા પછી તમને કહું છું કે હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે અચૂક મને નાની બહેન ગણીને મોકલજો”

માજીની નિખાલસતા મને સ્પર્શી ગઈ.અને ત્યારપછીથી જ્યારે હું દાળઢોકળી બનાવું ત્યારે અચૂક તેને જમ્યા પહેલા જાતે જઈને આપી આવતો.

લગભગ એકાદ વર્ષ આ સિલસિલો ચાલુ રહ્યો. તે દરમ્યાન માજી બીમાર પડ્યાં. જબલપુરથી રજા લઈ દીકરો મંદિરની સેવા પૂજા સાચવવા થોડા દિવસ આવ્યો. પછીથી એક પગારદાર પૂજારીને હંગામી ધોરણે રોક્યો.નિત્ય દર્શને જતો હોઉં કોઈ કોઈવાર માજી માટે થોડું ફ્રુટ,કે નાળિયેર સાથે લેતો જાઉં.માજી રાજી થાય અને અંતરથી આશિષ આપે.બીમારી દરમ્યાન પણ એક વાર કહ્યું,”ભાઈ,તાવને કારણે જીભમાંથી સ્વાદ જતો રહ્યો છે કઈ ભાવતુ નથી મને એમ થાય છે કે તમે જો દાળઢોકળી મોકલો તો મને કઈક ભાવે અને જીભમાં સ્વાદ આવે”

માજીની વાત મને સાચી લાગી અને મેં કહ્યું “જરૂર.માજી હું આજે બહારગામ જાઉં છું,બે દિવસ પછી આવીશ ત્યારે ચોક્કસ હું તમારા માટે લેતો આવીશ.

બે દિવસ મારે સામાજિક પ્રસંગે બહારગામ જવાનું થયુ. ત્યાંથી પાછા આવી મને માજીને આપેલું વચન યાદ આવતાં મેં એ જ દિવસે દાળઢોકળી બનાવી

બપોરે બાર વાગ્યે જમવાના સમયે હું તે આપવા માટે મંદિરે ગયો.

મંદિર નજીક પહોંચતા જોયું તો કેટલાક લોકો ડાઘુના વેશે મંદિર પાસે એકઠા થયેલા.બહાર ફૂટપાથ ઉપર થોડા છાણાં મૂકીને જુવાનિયાઓ એ સળગાવતા હતા.વધુ નજીક પહોંચતા મેં એકઠા થયેલ લોકો પૈકી કોઈને પૂછયું. ત્યારે જાણવા મળ્યું કે એ વૃદ્ધ વિધવા પુજારણ વહેલી સવારે ફાની દુનિયા છોડી ગઈ છે.

હું અંદર પ્રવેશ્યો.માજીના નશ્વર દેહને પ્રણામ કર્યા,.દાળ ઢોકળી ભરેલું પાત્ર ઘડીભર ત્યાં મૂક્યું.અને મંદિરની બહાર આવી સામી ફૂટપાથે ઉભેલી ગાયને ખવરાવી હું પરત ફર્યો.

ત્યારથી જ્યારે પણ હું દાળઢોકળી બનાવું છું ત્યારે અચૂક જમ્યા પહેલા ગાયને ખવરાવ્યા પછી જ જમુ છું.

દાળઢોકળી બનાવું ત્યારે ઉકળતી દાળઢોકળીની તપેલીમાં માજીના ચહેરાનું પ્રતિબિંબ દેખાતું જાણે લાચારભાવે મને કહેતું હોય કે “ભાઈ હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે અચૂક મને નાની બહેન ગણીને મોકલજો હો !”

ઈશ્વરને ઘેરથી લેણાં-દેણી,અને ઋણાનુબંધની ચોપાટ કેવી ગોઠવાઈ હોય છે એનો કોઈ અંદેશો માણસ જાતને છેલ્લે સુધી આવતો નથી.

લેખક : વ્યોમેશ ઝાલા

તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક માહિતી અને વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર

ટીપ્પણી