“મા” એક વિધવા માતાએ નાતના જુના પુરાના રીવાજોને લક્ષમાં ના લેતા આપ્યું અનોખું કન્યાદાન… દક્ષા રમેશ

?મા. ?

” રૂપિયો નારીયેર બદલવા મેમાન આઈવાસે ! ને આ સોડી અતારે ક્યાં ગુડાણી?? ” લીલીના જેઠે ઘાંટો પાડીને કહ્યું.

વિધવા લીલી અને એની દીકરી આશા , આમ તો અહીં ગામડે ન્હોતા રહેતા. પણ, હમણાં ગામડે એમની નાતમાં લગ્ન પ્રસંગ હોવાથી મા દિકરી શહેરમાંથી, લીલીના સાસરે, રામપર આવ્યા હતા.

હવે, એક લગ્ન નો પ્રસંગ પત્યોને હવે બીજો બાકી હતો ત્યાં, વચ્ચે આજે આશાનું સગપણ નક્કી કરવાનું હતું એટલે મહેમાન આવ્યા હતાં.

આમ તો જો કે આશાએ ના જ પાડી હતી. એણે પોતાના મોટાબાપુને કહી દીધું હતું કે, BA નું છેલ્લું વર્ષ પુરૂ થાય પછી MA કરવું છે. પણ, …..

” ભૈણા જ સે હવે !!આપડી નાઈત માં પસીકીયો મુરતિયો ગોતવો..??… એટલું ભણેલો?? આપડે તો સૂટક મઝૂરી કામ કરી ખાવાવારા.. !! ”

એમ કહી ને આશાની વાત ઊડાવી દીધી હતી. આશાએ માં સામે જોયું હતું, કઇક મદદ માટે..
પણ, માંની આંખોમાંથી આશા ને ફક્ત નિરાશા જ મળી હતી !!

લાચાર લીલીએ આશાને સમજાવવા મોઢું ખોલ્યું, ત્યારે , માં ના વગર કહ્યે જ આશાએ માં ને ધરપત આપી કે માંની વિવશતા એક દીકરી સમજે નહિ તો કોણ સમજશે ??

લીલી જાણતી હતી કે એનો જેઠ જાડી બુદ્ધિનો છે. અને એમની નાતમાં કોઈને ભણતરનું મહત્વ નહોતું. માબાપ મજૂરીએ જતાં. .રે.. ને.. બાળકો રખડે ને ભણે નહિ.. થોડા મોટા થાય કે તરત ક્યાંક કામે લગાડી દે.. એમ કહીને કે..

” આપડી નાઈત માં ભણીને કોને ઓઘલા વાયરા સે ?? ”

” ભણી ને કિના બંગલા થિયા સે ??”

” ઇ, ભણવું ઇ આપડું કામ નૈ !!!!”
અને આવી જ ગાડરિયા પ્રવાહ જેવી વિચારસરણી ધરાવતો આ સમાજ એના બાળકોને ભણાવવા પ્રત્યે દુર્લક્ષ સેવતો.કોઈ કોઈ દીકરા દીકરીઓ ને વાંચી લખી શકે એટલું અક્ષરજ્ઞાન હતું.. બસ !!

આ તો લીલીનો વર આ રામપરની બાજુમાં જે શહેર હતું ત્યાં એક ફેકટરીમાં વોચમેન તરીકે નોકરી કરતો હતો .એટલે મકાન ભાડે રાખીને ત્યાં એણે લીલી સાથે સંસાર વસાવ્યો હતો. લીલીનો પતિ ચંદુ, પગાર તો લઈ આવતો પણ, મોટાભાગની રકમ, દારૂ ને જુગારમાં જ ઉડાવી દેતો. અને’ નબળો પુરુષ, બૈરી પર શુરો’ એ કહેવત ચંદુ સાર્થક કરવા માટે લીલી પર નાની નાની વાત પર હાથ ઉગામતાં જરાય ન અચકાતો અને વધારામાં જેમ ફાવે તેમ ગાળોનો વરસાદ તો વરસાવતો જ રહેતો એ નફામાં !!

લીલી પોતાના આ પશુપતિ..!! (સોરી) પશુ જેવા પતિ ને સમજે કે સમજાવે એ પહેલાતો, એક જીવ એના પેટમાં પાંગરી ચુક્યો હતો. હવે, લીલીએ નક્કી કરી લીધું હતું કે, આ સંસાર એણે, આવનાર જીવ માટે ટકાવવાનો જ હતો !!

લીલી પોતે ભણેલી નહોતી પણ, સમજદાર હતી.એ ત્યાં શહેરમાં થોડાઘણા ઘરોમાં વાસણ, કચરાપોતા ને કપડાં ધોવા જેવા ઘરકામ કરવા જતી રહેતી. એમાંય એ એક દીકરીની માં બની જ્યારે આ આશા જન્મી… ને લીલીને પણ.. આશા જન્મતા એની અંદર એક આશાનો જન્મ થયો..!!

લીલીએ મનોમન નક્કી કરી લીધું કે પોતાનો અવતાર આમ ભલે એળે ગયો.. પારકા કામ કરવામાં અને દારૂડિયા પતિનો ત્રાસ સહન કરવામાં.. પણ, એને દીકરી આશામાં એનું જ પ્રતિબિંબ દેખાતું. એ માટે એ વધુ કામ કરતી ને ખૂબ ઉમંગથી દીકરીને ઉછેરતી હતી. એને ભણાવી ગણાવીને મોટી સાહેબ બનાવી પગભર કરવાના સપના જોતી રહેતી. આશાની જિંદગીમાં એણે પોતે , પોતાની જાતને જ ઉછરતી અનુભવી રહેતી.

જીવનમાં લક્ષ્ય નક્કી કરો તો રસ્તા ખુલ્લા થતા જાય એ રીતે, લીલીને એક શિક્ષિકા બેનના ઘરનું બધું જ કામ કરવાનું કોઈએ શોધી આપ્યું.
ત્યારે આશા પણ સ્કૂલે જવા જેવડી થઈ ગઈ હતી.

લીલી બીજા કામ કરતાં વધારે સમય અહી રોકાતી.. ખૂબ જ કાળજીથી, પોતાનું જ ઘર હોય તે રીતે કામ કરતી અને આશા ને ખાસ પોતાની સાથે આ ઘરે લાવતી.

એ શિક્ષિકા બેન અને તેમના પતિ પણ શિક્ષક હતા. તેમને બે દીકરી હતી , એક આશા જેવડી અને બીજી તેનાથી બે વર્ષ મોટી !

આ શિક્ષક દંપતિ, એમની દીકરીઓને ભણાવે ત્યારે , લીલીએ પઢાવેલી તેમ આશા ત્યાં શાંતિથી બેસીને તેમને જોયા કરે અને સાંભળ્યા કરે !!
અને લીલીની અંતરની ઈચ્છા પ્રમાણે , એ શિક્ષક દંપતિ, આ મા દિકરી પર ખુશ થઈને એમણે સામેથી જ, આશાને પણ પોતાનું સ્કૂલનું દફ્તર લઈ અહીં આવીને એમની દીકરીઓ સાથે રમવાનું ને ભણવાનું કહી દીધું.

લીલીને આ જ જોઈતું હતું.આશા પણ ખૂબ જ સમજણપૂર્વક એમની સાથે ભળી ગઈ. એક સંસ્કારી કુટુંબનો આધાર મળતાં લીલી ખુશ હતી.

સમય તો .. પાણીના રેલાની જેમ વહ્યે જતો હતો.. લીલીનો પતિ ચંદુ, દારૂના વધુ પડતા સેવનથી પોતાના શરીરનો ખો કરી ચુક્યો હતો અને એક ટૂંકી બીમારીમાં એ મરણને શરણ થયો…

લીલીને કોઈ ખાસ ફરક ન પડ્યો કેમકે કોઈપણ સ્ત્રીને પુરુષ પાસેથી જોઈતી એકપણ ચીજ, પછી એ આધાર, કમાઈ કે પ્રેમ… કશું જ ચંદુ આપતો નહોતો.. એટલે એના જવાથી લીલીને કોઈ ફરક ન પડ્યો..પણ, હા !!, એટલો જરૂર ફરક પડ્યો કે.. .. પતિની બીમારીમાં દવાખાનામાં અને એના મૃત્યુ પછીના મૃત્યુભોજ ને ક્રિયા કરમ કરવામાં લીલીની થોડી ઘણી બચત પણ સાફ થઈ ગઈ !! .. ને માથે જાતાં કરજ પણ કરવું પડ્યું !!
આમ તો એનો રૂઢિચુસ્ત સમાજ એને શહેરમાં એકલી રહેવા દેવા રજામંદ નહોતો, અને એક દીકરીની માં હોવા છતાં લીલી, એટલી તો શરીર સંપદા ધરાવતી હતી કે કઈ કેટલાય વિધુર પુરુષોની દાઢ સળકી !!

પણ, લીલીએ આશા પર , કોઈ પરપુરુષનો નવા બાપ તરીકેનો પડછાયો પડવા દેવા ઇચ્છતી નહોતી… અને એની જેઠાણી નહોતી ઇચ્છતી કે આ બે જીવની જવાબદારી એનો પતિ ઉઠાવે !! આમ પણ લીલીની ઈચ્છા તો શહેરમાં જ રહેવાની હતી જેથી પોતાની દીકરી આશાને ભણાવીને મોટી સાહેબ બનાવવાની આશા સાકાર બને !! જેઠાણીની આડકતરી મદદથી લીલીને ફરી શહેરમાં રહેવા માટે તક મળી ગઈ.

આમ, વિધવા લીલી, દીકરીને સહારે પોતાની જિંદગી ની સફર ખેડતી હતી અને સંઘર્ષો સામે ઝઝૂમતી હતી. હવે શિક્ષક દંપતિ આ માદિકરીનું વિશેષ ધ્યાન રાખતા હતા અને જેમ એક સક્ષમ વૃક્ષનો આધાર મળતાં , એક વેલ પાંગરીનેફુલેફાલે, એમ આશાની અંદરની બધી જ શક્તિઓ ખીલી ઊઠી.
એ શિક્ષક દંપતિની જ બે દીકરીની જેમ યુવાન અને સુંદર આશા ખૂબ સંસ્કારી ને હોંશિયાર પણ બની !!

વાર તહેવારે , આ મા દિકરી ગામડે આવતાં તો, લીલીનો જેઠ, હવે આશાને ભણવાને બદલે , માં ની જેમ ઘરકામ કરીને લગ્નના પૈસા ભેગા કરવાની સલાહ આપ્યે રાખતો. પણ, લીલી.. પોતાની જિંદગી બગાડનાર આ પુરુષ જાતને હવે આશા માટે બીજો ચાન્સ દેવા જરાય રાજી નહોતી. લીલી,દલીલ કર્યા વગર આશાને ભણાવ્યે રાખતી.એ પોતે એક વિધવા હોવાથી ખુલીને વિરોધ ન કરી શકતી….
કેમકે, એનો સમાજ એમ કહીને બીવડાવતો કે,
….”.. જુવાન દીકરી સે !! , કાઇ આડું અવરું પગલું ભરહે તો કિમ મોઢું બતાવઇસ??”
” દીકરી તો હરપ નો ભારો !!”

પણ, કોઈને સામે જવાબ ના આપતી લીલી, મનથી મજબૂત હતી. આશાને પણ ખબર પડી ગઇ હતી કે પોતાની માં બેઠી છે ત્યાં સુધી કોઈ એનું કાંઈ બગાડી શકવાના નથી.

છતાં આ વખતે એના મોટાબાપાએ આ માદિકરી ને પૂછ્યા વગર આશાનું સગપણ એવી જગ્યાએ નક્કી કર્યું હતું કે , લીલી ના જ ન પાડી શકે !!

આશાએ મોટાબાપુને સમજાવવાની કોશિષ કરી, નિષ્ફળ પરિણામ જોઈ લીધું અને માં આટલી તપશ્ચર્યા પછી, નિરૂપાય દેખાણી. એટલે જ એણે રસ્તો જાતે જ કરી લીધો હતો. !!

લીલીએ આશા ઉપર મુકેલો પોતાનો વિશ્વાસ નકામો ગયો એવું અનુભવ્યું અને એનું કાળજું ચિરાઈ જતું હતું !! અને એના સગાંવહાલાં, જેઠ જેઠાણી અને આખી નાત પોતાની ઉપર… થું..થું.. કરશે..!!! એ વિચારે એ ખૂબ દુઃખી થઈ ગઈ !!

એનો પતિ મર્યો ત્યારે ય જેટલી દુઃખી નહોતી થઈ એનાથી પણ વધારે, … એને દુઃખ થયું અત્યારે!! રહી રહી ને એક જ વિચાર આવતો હતો કે, જે દીકરી માથે, એણે જન્મારો કાઢી નાંખ્યો એ દીકરીએ આવો બદલો આપ્યો !! નાતના લોકો જાતજાતનું ને ભાતભાતનું સંભળાવતા હતાં !!
આશા આમ કઈ કહ્યા વગર, ભાગી ગઈ એટલે, આવેલા મહેમાનોને પોતાનું અપમાન લાગ્યું !! લીલીના જેઠ અને નાતના લોકો.. પોતાની રીતે નીકળી પડ્યા , આશા ને શોધવા..એકબીજાને એમ કહીને…કે..

” હાથમાં આવે તો મારી જ નાખવી સે !!!”

” આ સોકરી એ તો આપડું નાક કાઈપૂ !!”

” જમાનો બૌ ભૂંડો આઈવો સે !!”

” આવું કાંઈ હલાવી લેવાતું હયસે??”

” કાઈલ હવારે આપડા સોકરા ઉપર હુ અસર પડસે હે ??”

” આ એક ઘરની આબરૂ નો સવાલ નથી ર્યો, આખી નાઈત નું હલકું ગણાય !!”

” આ સોડી જીના ભેગી ભાઈગી હોય ઇ ઝડી જાય તો ઇ ને ન્યા ને ન્યા ઢીમ ઢારી દેવું સે !!”

આમ, વગર લેવાદેવા વાળા ય… વળગી પડ્યા પોતાના સલાહ સૂચનની સાથે ફેંસલો સુણાવવા !!

જ્યારે લીલીની જેઠાણીએ કહ્યું કે “હઝી, અબ ઘળી જ બેનપણીની હાઈરે બાયરે ગૈતી.. હજી ઝાઝી સેટી નો પુઇગી હોય !!”

અને, ગામ આખું આમ તો એક નાતીલું હતું એટલે , મંડી પડ્યા ગોતવા !! હાથમાં નાનામોટા હથિયાર સાથે !! મોટાબાપુ ને ભાભુ, કાકા ને કાકી, ફઇ ને ફુવા… ને લીલી પણ…
બધાય, ગામની ચારેકોર ફરી વળ્યાં…!

કાઈ ભાળ મળતી નહોતી. કોઈ કહેતું આમ જોઈ’તી ને કોઈ કહેતું તેમ… બધે ફરી વળ્યાં..ખેતર પાદર.. વાવ કુવા, નદી નાળા…લીલીને તો .. દીકરી પર રહેલો થોડો ઘણો વિશ્વાસેય હવે દમ તોડી નાખ્યો હતો… જ્યારે કોઈએ એમ કહ્યું કે …
….”… એક વખત કોકની, ફલાણા ની સોડીએ આવુ કૈઈરું તયે કૂવો પુઇરો’તો !!’
એ એના દેર દેરાણી સાથે ખેતર બાજુ આવી હતી.. દેર દેરાણી, એકબાજુ જોતા હતાં ત્યારે .. લીલી કુવા કાંઠે આવી .. પેટમાં ધ્રાસ્કા સાથે જ્યારે કૂવામાં નજર કરી તો…!

ત્યાંતો…
એને આશા દેખાણી… એ ડરી જ ગઈ…!!
હા, આશા જ હતી..!! પાણીમાં નહિ પણ, પાણીમાં દેખાણી એની છબી !!!, એ આશાનું પ્રતિબિંબ હતું !!
પાછળ ફરી ને જોયું … તો.. !!

” આશા !!!”.. લીલી આગળ બોલે એ પહેલાં જ , આશાએ માં ના મોઢા આડે હાથ ધરીને પોતાના નાકે આંગળી અડાડી કશું જ ન બોલવા નો ઈશારો કર્યો !!
લીલીએ સાથે આવેલ યુવાન ને ઓળખ્યો… એ આકાશ હતો, એમના પડોશમાં જ રહેતો હતો અને હમણાં જ શિક્ષક તરીકે નોકરીમાં લાગ્યો હતો. સુંદર અને સુશીલ પણ એની નાત જૂદી હતી., આશાએ જ એને અહીં બોલાવી લીધો હતો. એ પેલા શિક્ષક દંપતીને પણ સાથે લાવ્યો હતો, આશાના મોટા બાપુ અને નાતના વડીલો.. બધાને મળી, આશા સાથે સગાઈનું નક્કી કરવા !! પણ, આશાએ સમજાવ્યું કે એના મોટાબાપુ અને એની નાતના જડ અને જનુની લોકો કઈ સમજવા તૈયાર નથી, વાત સાંભળ્યા પહેલા જ હુમલો કરે એવા છે. તેથી એ લોકો કઈ કરે , એ પહેલાં એમણે, કોર્ટમેરેજ કરી લેવા છે, પછી કોઈ, કાંઈ એમનું નહિ બગાડી શકે !!
પણ, એ પહેલાં આશા અને આકાશ લીલીને મળ્યા વગર જવા માંગતાંન્હોતા. લીલી તો આવો જમાઈ મળે તો ખુશ જ થવું કે. ??..પણ… લોકો ?? આ વિધવાને માથે છાણાથાપશે, …
…” માં એ જ બગાઈડી સે !!”
” હાથમાં આવે તો કટકા કરી નાખી !!”
આવું તો કઈ કેટલુંય !!!

પણ, લીલીને, આશામાં એ ખુદ દેખાણી, … ઉમંગની પાંખો લગાડી, ઊડવા માટે યુવાનીના ઉંબરે ઊભી થનગનતી આશા… પોતાની જ આશા.. !!
જાણે કે પોતે જ શ્વશી રહી…!!

લીલી માંથી જન્મેલી આશામાં આજે પોતે જ એક નવે અવતારે !!! … આશાની અંદરથી એક યુવાન, સુખી સંસારના સોણલાં સેવતી, લીલી નો નવો જન્મ થતો દેખાયો..!!

બીજી બાજુ, રૂઢિચુસ્ત સમાજના બંધનથીજ કડાયેલા, લીલીના માબાપ, માં ની ના હોવા છતાં બાપે દારૂડિયા ચંદુ સાથે પોતાની અનિચ્છાએ બાંધી દીધેલી… એ છેડાછેડી…!!એને યાદ આવી.

એનો જડ બુદ્ધિ ધરાવતો જેઠ !! જેણે ક્યારેય આ મા દિકરી કેવી રીતે જીવન નિર્વાહ ગુજારે છે ! એ પૂછ્યું નહોતું…!!!

કુપાત્ર દીકરો છે !!, એમ જાણતા હોવા છતાં નિર્દોષ વહુ નું ક્યારેય ઉપરાણું ન લેનાર સાસુ સસરા, દિયેર, નણંદ !! …એને દેખાણા !!

પોતાની નાતનું એક ઝનુની ટોળું. !!. . જે એક વિધવાના આંસુ લુછવા ક્યારેય નહોતું આવ્યું..!! એ આજે નાતના સન્માન ની રક્ષા (??) માટે હિંસક બનીને …!!
આશામાં નવી જન્મેલીલીલીને મારી નાખવા…!! હઇસો !! હઇસો !! કરતું આવતું દેખાયું..!!

લીલીએ.. ત્વરિત નિર્ણય કરી લીધો..!!
અત્યારે તો.. આ હથિયાર સાથે નીકળેલ ટોળું… એનાથી બચવાનો એક જ ઉપાય એને દેખાણો !!…
લીલીએપાઈ..પાઈ… ભેગી કરી બચાવેલા રૂપીયામાંથી ઘડાવેલ સોનાની બંગડી હાથમાંથી કાઢીને આશાના હાથમાં થમાવી, આકાશની સાથે એને આશીર્વાદ આપ્યા. અને આંસુભરી આંખે શિક્ષક દંપતિ ને કહ્યું,

“મારી દીકરીને તમારી દીકરી માનીને એના લગ્ન કરાવી ,તમે જ એનું કન્યાદાન કરજો.!!આ મારી નાઈતના લોકો તમારું કે મારું કાઈ હાંભરશે નૈ !!! આકાશને કહ્યું, જા, હું કવ સુ તને.. મારી સોકરી ને લઇ.. જા.. ઈને સુખી રાખજે… આ એક વિધવાની જીવન મૂડી સે.. ઇ આઇજ થી તારી સે… જા, હું મારી સોડી ને તારી હારે વિદાય આપું સુ !!! મારો કાળિયો ઠાકર.. તમને બેય ને સુખી રાખે… જાવ બાપ.. જાતાર્યો… માણહ માંથી પસુ બનેલું ટોળું આવી પુગે… ઇ પેલા મારી સોકરી ને લઈ ભાંગવાવારી કઇર!!!”….
હસતાં ચહેરે ને રડતી આંખોએ….!! એક વિધવાએ હિમ્મત કરી. કોઈ જ ન કરે….!!!! એવી કન્યાવિદાય કરી, એક માં એ !!!!

લેખક : દક્ષારમેશ

આપ આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો, દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી