ડાઘ – ભગવા કપડાને તેણે લગાવ્યો હતો એક ડાઘ, લાગણીસભર અંત વાળી વાર્તા…

રાતનો ત્રીજો પ્રહર પૂરો થવાની તૈયારી હતી. અષાઢી મેઘરવો જામ્‍યો હતો. વરસાદ ક્યારે ખાબકશે એનું કાંઇજ નક્કી નહોતું. કાળીડિબાંગ રીંછડીઓ આભમાં આમથી તેમ દોટું દેતી હતી. કોઇ નાગણની જીભના લપ્‍કારા જેમ વીજળી ઝબૂકતી હતી. મેઘો આાઘે-આઘે, ઊંડેઊંડે ક્યાંક ખાંગો થઇ ગયો હોય એમ કાળા ઠણક થયેલા આભને જોઇને લાગતું હતું. અને આઘે-આઘેથી એના હડૂડાટની ગર્જના સાંભળીને હમણાં અહીંયા તૂટી પ્‍ડશે એવા અણસાર દેખાતા હતા.


જંગલમાંથી આવતી કોયલની કૂહુક, મોરના ટહુકાર, સાવજની ડણક અને વાંદરાના છીંકોટા આશ્રમની ભીંતો વચ્‍ચેથીય ચળાઇને સંભળાતા હતા. પશુ, પ્રાણી અને પંખી પણ મોસમના પહેલવહેલા વરસાદની રાહમાં હોય એવું ભાસતું હતું. અડધી રાતનો ગજ્જર તો ક્યારનોય ભંગાઇ ચૂક્યો હતો. હવે તો કોઇ નવોઢા, પિયુની પડખેથી હળવેકથી નીસરી સીધીજ નાવણિયામાં હાલી જાય એવો સમય થવા આવ્‍યો હતો. સૌ કોઇની મીટ બાપજીના ચહેરા સામે હતી. લાગણી, ભાવ, સ્મિત, અભાવ કે પછી ક્યારેક કોઇ ઊંડાઊંડા દરદના મનોભાવ બાપજીના ચહેરા ઉપર ઘડીકમાં અંકાઇ જતા તો ઘડીમાં વિલાઇ પણ જતા.

જાણે ‘કહું‘ ‘કહું‘ થતી વાત એમના હોઠ ઉપર આવતી. હોઠની બે પાંદડીઓ ઉપર બેસતી ને પછી જાણે ભૂલા પડી ગયેલા પંખી જેમ ઊડીય જતી. સેવકો ક્યારામય એ પંખીની ભાષા ઉકેલવાનો પ્રયત્‍ન કરતા હતા પણ એમનું તો શું ગજું ? વિચારીને પછી અટકી જતા હતા. આશ્રમની અંદર એક ફાનસ બળતું હતું. પણ પવનના આ સૂસવાટાને લીધે ચીમનીની આડ હોવા છતાં પણ એ વાટ, ફફડાટમાં બુઝાઇ જશે એમ લાગતું હતું. સેવકોને આ વાટનું ફફડવું સહેજ પણ પસંદ નહોતું. ઊંડેઊંડે એમને કશીક અગમ્‍ય ડરની ધાસ્‍તી હતી. શું બાપુ પણ આવી રીતે જ અચાનક બાપુની અ્ધનિમિલિત, અર્ધબીડેલી પાંપણો ઉંચી થઇ. અડધી ઊઘડેલી આંખો દ્વારા બાપુ ફાનસના ફફડાટભર્યા અવાજમાં સામે ઊભેલા સેવકોને ઝાંખાપાંખા નિહાળી શક્યા. ખડેપગે ઊભેલા સેવકોની મૂર્તિઓ પહેલા ઝાંખી અને પછી કંઇક ઓળખાઇ શકે એવી લાગી. એમનો જમણો હાથ હળવે-હળવે ઊંચો થયો. સેવકો બાપુની પથારી પાસે દોડી આવ્‍યા.


‘બાપુ…‘ બાપુના હોઠ સહેજ ફફડ્યા. ફિક્કા, ચેતનહીન, સુક્કા હોઠ જાણે સુક્કી ફૂલપાંખડીઓ જેવા દીસતા હતા. એક સેવક જળપાત્ર ભરી આવ્‍યો : ‘‘બાપુ, જળરામ-‘‘ બાપુ કશું બોલ્‍યા નહીં માત્ર તેને અમીટ તાકી રહ્યા. સેવકે જળપાત્રની અંદરથી ચમચી ભરીને પાણી બાપુના મોંમાં મૂક્યું. હોઠ સહેજ પહોળા થયા. ચાર-પાંચ ચમચી પાણી પીધું કે બાપુએ હાથ હલાવી ના પાડી દીધી.

‘‘રહેવા દો, બાપુને હવે પાણી પીવું નથી. રહેવા દો.‘‘ અન્‍યોએ કહ્યું. બાપુ અપલક નેત્રે સૌ સામે તાકી રહ્યા. ‘‘બાપુ..‘‘ બાપુના હાથપગ દાબતા એક-બે સેવકોએ કહ્યું : ‘‘બાપુ શું થાય છે ?‘‘ બાપુએ માથું ધુણાવી ના કહી. સેવકોને ‘હાશ‘ થઇ. બાપુએ સુરતા તો હજી જાળવી રાખી છે. સુરતા ગઇ નથી. અચાનક બાપુના હોઠ ફફડ્યા. અન્‍ય સેવકો પણ પાસે દોડી આવ્‍યા.


‘‘તમે ક્યારનાય… ઊભા લાગો છો. બાપ ! મેં તમને બહુ હેરાન કર્યા… કહેતા બાપુએ મોઢું ફેરવી લીધું. ‘‘અરે બાપુ, એવું ન હોય. સદગુરુ તો મા-બાપ પછીનું આવતું સગપણ છે. તમે અમને કંઠી બાંધી છે અને આ કંઠી તો અમને ભવસાગર પાર કરવા માટેની નાવડી છે. નહીંતર તો છાણના જીવડાંની જેમ સંસારના કાદવમાં કામ, ક્રોધ, મોહ, લોભ, અને વાસનાથી ખદબદતા ગંદવાડમાં ક્યાંય ખદબદતા હોત બાપુ…‘‘

‘‘વાસના-‘‘ બાપુ ક્ષીણ અવાજે બોલ્‍યા. ઊંડો શ્વાસ લીધો ને ફળફળતો નિ:શ્વાસ ખરી પડ્યો. બાપુ અપલક નેત્રે છત સામે તાકી રહ્યા. અને પછી મનમાં જ બબડ્યા : સાચી વાત છે ભાઇ! વાસના બહુ ખરી ચીજ છે. બાપ! પણ જે ડાઘ જીવતરમાં લાગી ચૂક્યો હોય, પછી શું? એ ડાઘ ધોવા માટે આ પૃથ્વી પરનું કોઇ જળ કામમાં નથી આવતું. ગંગાજળેય નહીં ભાઇ! આવે છે તો ફક્ત પુન્‍ય. પણ એય ક્યાં હતું? ગયા ભવનું તો ગયા ભવમાં જ વપરાઇ ગયું. આ ભવમાં તો ફક્ત પાપનાં પોટલાં બાંધ્યાછે. બસ એકલાં પાપના પોટલાં‘‘

બાપુની આંખોમાં લાચારી ઊપસી આવી. તેમની દયાજનક આંખો – સ્થિતિ સેવકોથી ન જીરવી શકાય. એમનો દયાર્દ ચહેરો જોઇને સેવકોએ એમના માથા ઉપર હાથ ફેરવતા પૂછ્યું : ‘‘બાપુ, દવાખાને જવું છે?‘‘ ‘‘ના રે ના…‘‘ બાપુ ક્ષીણ અવાજે બોલ્‍યા : ‘‘સાધુને વળી દવાખાના કેવાં?‘‘
‘‘તો પછી દાક્તરને અહીં બોલાવવા છે?‘‘ ‘‘આ દરદ દાક્તરથી મટે એમ નથી ભાઇ…‘‘ બાપુ મનમાં ને મનમાં જ લવ્‍યા. : મેરા દરદ ન જાને કોઇ…‘‘ એ ફાટી આંખે છત સામે તાકી તાકી રહ્યા. ઉધરસનું ઠસકું આવ્‍યું. એને માંડમાંડ કરી ખાળ્યું. ‘‘તો શું વિચાર્યું બાપુ ?‘‘ સેવકોએ પૂછ્યું.
‘‘ના…‘‘ બાપુએ માથું ધુણાવ્યું, ‘ના રે ભાઇ ના આ તો બધી અંગપીડા માંડી છે. કાલ સવારે મટી જાશે ને હું ઘોડાવાળતો થઇ જઇશ.‘‘

‘પણ બાપુ…‘‘ જગજીવન ગળગળો થઇ જતા બોલી ઉઠ્યો : ‘‘પણ બાપુ, તમને અશક્તિ બહુ છે. એકાદ બાટલો જો ચડી જાય-‘‘ ‘‘ના ભાઇ, -આ બાટલામાં શું ફેર પડે? હું તો ઠાકરધણીના નામનો બાટલો ક્યારનોય પી રહ્યો છું. સવાર પડે કે સરખાઇ આવી જાશે. પણ એક વાત કરવી છે…‘‘ ‘‘બોલો બાપુ બોલો…‘‘ બાપુ મૌન રહ્યા. ‘‘સેવા ફરમાવો બાપુ. તૈયાર છીએ.‘‘ ‘‘તમને… ખોટું તો-‘‘ બાપુએ બધાની સામે બે હાથ જોડ્યા.


‘‘અરે, આ શું બાપુ!‘‘ જગજીવનની આંખોમાં આંસુ આવી ગયા. અન્‍ય સેવકોય ગળગળા થઇ ગયા. : ‘‘તમને આ શું થઇ ગયું છે બાપુ? તમારે અમને હાથ જોડવાના? બાપુ, અમે પાપમાં પડીએ, એકતો આ સંસારમાં રહીને રોજરોજ પાપ જ આદરીએ છીએ. એમાં ઉમેરો થાય બાપુ. તમારું ખોટું લાગે બાપુ? તમારો તો આદેશ હોય અને અમારી હા હોય. તમારું ખડગ હોય અને અમારું માથું હોય. તમારી ચીંધાયેલી આંગળી હોય અને અમારી એ મારગ માથે ખેપ હોય. બાપુ, આરદાને વેગળી કરો અને સેવા ફરમાવો…‘‘

‘‘ભાઇઓ, કાનદાસને બોલાવી લાવો. !!‘‘ – કાનદાસ?!!

– જાણે વીજળી પડી. કાનદાસને અહીંયાં? હવે શું છે બાપુને અને કાનદાસને? આશ્રમની જે આબરૂ હતી, એ આબરૂને તો કાનદાસે ધોઇ નાખી. અડખેપડખેના તો ઠીક પણ પોણો સો પોણો સો ગાઉ આઘેથી સેવકો દોડી આવીને પડ્યો બોલ ઝીલતા, એ પગલાં પારૂઠ ફરી ગયા. માણસોનાં જે શિર બાપુ પાસે નમતાં એ માથામાં ભ્રમ ભરાઇ તો ગયો પણ એ માથાં ફાટીને ધુમાડે ગયા. આ ભગવાનો જે રંગ લોકોની આંખોમાં હતો એ રંગ ભૂંસાઇ ગયો. સાથોસાથ માણસોના રંગેય બદલાઇ ગયા.

માણસોને કદાચ ભગવા ભેખ ઉપરથી આસ્‍થા ઊઠી ગઇ. વિશ્વાસ જતો રહ્યો. શ્રધ્ધા, ઓસ બિંન્‍દુ જેમ ઊડીને ક્યાં જતી રહી એ જ ખબર ન રહી. આ બધાનું કારણ હતો કાનદાસ! લોકોએ કાનદાસ ઉપર ફિટકાર વરસાવ્‍યો. અપશબ્દો કહ્યા, ગાળો દીધી. આશ્રમ ઉપર છાંટાય ઉડાડ્યા. આખો આશ્રમ ઊકળી ઊઠ્યો. કાનદાસે આવું કેમ કર્યું? આટલા વરસે ભગવા ભેખને લજવ્‍યો? સાધુતાને અડધે રસ્‍તે પહોંચતા-પહોંચતા ભગવા ભેખના અંચળા હેઠળ ગાંજો, ચરસ, અફીણને લોકો સહન કરી શકે. અરે, તીનપતી, રોન કે મીંડી કોટને તો ઠીક, જુગારને પણ સહન કરી જાય પણ ભગાવ ભેખ સાથે કોઇ બાઇ માણસને-?


આખા આશ્રમમાં હાહાકાર થઇ ગયો. છેલ્‍લા અગિયાર અગિયાર વરસથી આશ્રમની ગૌશાળાના છાણમૂતર સાફ કરવા આવતી દેવલને લઇને અંતે કાનદાસ પણ તપેલા છાણમાં ગંધાતા ખદબદતા જીવડાં પેઠે જ?…. કાનદાસ માટીપગો નીકળ્યો. સેવકો બાપુને ગળે બેઠા હતા. પણ બાપુ શું કરે? શૂન્‍યમનસ્‍ક થઇ ગયા હતા. –તેમનું મૌન સેવકોને અકળાવનારું હતું. છેવટે, બાપુ એના વિચારોમાં ને વિચારોમાં જ ખવાતા ગયા. આજે બે વરસ થઇ ગયાં પણ બાપુના મનમાંથી કાનદાસ આઘો હટતો નહોતો. ક્યાંથી હટે?

એ તો હજી ઊગીને ઊભો થયો‘તો ને બાપુ જ તેને લઇ આવેલા સગા બાપ જેમ… સગા બાપ જમ? હા, એમજ. એમજ એની કાળજી લીધેલી. મૂછનો દોરો પણ અહીં જ ફૂટ્યો. ને એક દી‘ એની જુવાનીના સરોવરનો પાળો તૂટી ગયો!!! -બાપુને આ બધું યાદ આવી ગયું. બસ, કાનદાસ ગયો એ ગયો. તે દુ‘ના કોઇ વાવડ નથી. વચ્‍ચે એક સેવક પક્રિમા ફરવા ગયેલો તે સમાચાર લાવેલો કે ગાંડી ગર્યના કોઇ નેસડામાં રહે છે. હાર્યોહાર્ય દેવલ પણ છે ને એક દીકરોય પણ- એ પણ કાનદાસ જેવો જ ભોળુડો, નિર્દોષ, આંખોને ગમી જાય એવો હશે ને! બાપુ બંધ આંખે જાણે તાકી રહ્યા. અનાયાસે હેત ઊભરાઇ આવ્‍યું જાણે કાનદાસનો દીકરો સામે જ ઊભો હોય. એમણે બેય હાથ લંબાવ્‍યા, એને તેડી લેવા પણ…


‘‘બાપુ…‘‘ જગજીવન બોલી ઊઠ્યો. ને બાપુ વર્તમાનના રેતાળ કાંઠે ઘસડાઇ આવ્‍યા. ‘‘બાપુ શું થાય છે?‘‘ ‘‘કોઇ કાનદાસને બોલાવી લાવો. મારું મન ઝાવાં નાખે છે.‘‘ ‘‘પણ બાપુ, એણે તો આશ્રમની આબરૂ, તમારી પૂજ્યતા, તમારૂ નામ-સ્‍થાન-માન.‘‘ ‘‘હા. મને બધીય ખબર છે. હું સંધુંય જાણું છું પણ…‘‘ બાપુ આંખ મીંચી ગયા. જાણે આટલું બોલવામાં શ્વાસ ચડી ગયો . વસમું પણ લાગી ગયું. સેવકો આંખ-માથા ઉપર હાથ ફેરવવા લાગ્‍યા. ‘‘બાપુ..‘‘ ‘‘હા. મારો આત્‍મા એને માટે તડપે છે. બસ કોઇ આટલી મહેર કરો. મને કાનદાસ ભેગો કરો.‘‘

* * *


બપોર ચડી ગયા હતા. પણ સેવક સમુદાયે આખી ગીરમાં હમચી ખુંદવા માંડી હતી અને અંતે કાનદાસનો પતો મળ્યો. સેવકોએ તેને ઝડપી લીધો. દી‘રાશવા રહ્યો ત્‍યારે કાનદાસને આશ્રમમાં હાજર કરવામાં આવ્‍યો. બાપુની સુરતા ખોવાતી હતી જાણે! કાનદાસ બાપુની પડખે આવીને ઊભો રહ્યો. પણ આડું ફરી ગયો. મોઢું ફેરવી લીધું. આ ચહેરો બાપુને બતાવવા લાયક ક્યાં રહ્યો હતો? બાપુ માટે બીજું તો કરવાનું એક બાજુ બહ્યું પણ આ તો પોતે એક ડાઘ બનીને રહી ગયો. બાપુના ભગવા માથે એક ડાઘ બનીને રહી ગયો.

આશ્રમને માથે એક કલંક બનીને રહી ગયો. જે ડાઘ, જે કલંક ક્યારેય ભૂંસાવાનું નહોતું. પોતે ભીતરથી હલબલી ઊઠ્યો. બાપુએ શું કામ પોતાને બોલાવ્‍યો હતો? આ એ જ બાપુ હતા જેનું મોઢું જોઇને સૂતો અને ઊઠીને સહુથી પહેલાં તેમના મુખના દર્શન કરીને પછી જ દાતણ કરતો. એ ચહેરો કશું બોલે એ પહેલાં પોતે સમજી જતો. એની સામે આ રીતે…

‘‘ના કરસનદાસ ના… ભાગી નીકળ. વહેલામાં વહેલી તકે ભાગી નીકળ. બાપુ ભાનમાં નથી ત્‍યાં લગીમાં ભાગી નીકળ. ભાનમાં આવશે એ પછી તારે માટે ભાગી છૂટવું કઠણ થઇ જશે.‘‘ ભીતરની અંદરનો કાનદાસ બોલતો હતો : ભાગ, કાનદાસ ભાગ… દોડ કાનદાસ દોઙ આ તારી આખરી દોડ છે. હવે પછી કોઇના હાથમાં આવતો નહીં. જો એકવાર કાનોકાન બાપુના નિહાકા તને લાગી ગયા તો પછી એ મૂંગા શાપનું કોઇ મારણ નથી, કોઇ નહીં તારી પાસે સમય છે. એક વાર જેમ ભાગ્‍યો હતો બસ એમ જ કાનદાસની નસેનસ ફાટાટ થતી હતી.


આ કળું મોઢું બતાવીને તો મારે બાપુની પાછલી જિંદગી બગાડવી નથી. ના..ના…ના… કોઇ બાપ દીકરાને પડખામાં રાખીને ઉછેરે એમ બાપુએ મને ઉછેર્યો હતો. એ પડખું જ પોતે ખાઇ ગયો. માણસો પડખાંનો તો કેટલો વિશ્વાસ કરતા હોય છે? એક સ્‍ત્રી પોતાના ધણીને એમ કહેતી હોય છે કે આપણે આટલા વરસો એકબીજાનું પડખું સેવ્‍યું તોય ?! તમે? આમ? આવી રીતે ?…

કાનદાસ ધ્રુજી ઊઠ્યો. આ એજ પડખું હતું. જયારે પોતે નાનો હતો ત્‍યારે એ આ પડખાની હૂંફે સૂઇ જતો. અને સવાર પડી જતી. -એ હળવે‘કથી બાપુનો હાથ છોડાવીને ઊભો થવા ગયો કે બાપુએ એનો હાથ પકડી લીધો. કાનદાસ ફરી ધ્રુજી ઊઠ્યો. તેણે આડી નજર નાખીને બાપુના ચહેરા સામે જોયું. બાપુ શું કહેવા માંગતા એ સમજી ન શક્યો. નહીંતર તો ? પલકવારમાં પામી જતો. કાનદાસમાં એક કંપ પસાર થઇ ગયો

: ‘‘ભાંગી પડી પવિત્રતા. મારી અંદરની પવિત્રતા અને એ સુરતાની વાડીમાં છીંડા પડી ગયા. નક્કી ! નક્કી.‘‘ નહીંતર તો એ ભાવ પામી કેમ ન શકાય? સંસારમાં જઇને તો પેલા ખદબદતા કીડા જેવો પોતેય એક કીડો બની ગયો છે જાણે. પણ હવે શું ? હવે તો ફરી પાછા લખચોરાશીના ફેરા. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો અને ચોથામાંથી પાંચમો… એમ કરતા કરતા કેટલાય જીવની ઘટમાળમાં જનમવાનું, પમરવાનું, પિસાવાનું, સુકાવાનું, ટમટમવાનું અને બળી જવાનું… ફરી વાર પાછી એ જ અનુક્રમણિકા.


નહીં… નહીં… ભાગી જવા દે. ભાગવા દે. ભાગ કાનદાસ ભાગ. અંદરથી કોઇની રાડ સંભળાઇ અને એણે બાપુનું કાંડુ છોડાવવા હાથનો આંચકો માર્યો કે બાપુ બોલી ઉઠ્યાઃ ‘ કયાં ભાગે છે કરસનદાસ ? હવે કયાં જવુ છે તારે ? ‘ ‘ બાપુ… ‘ કાનદાસ ત્‍યાં જ બેસી પડ્યો ઢગલો થઇને જાણે પરાસ્‍ત થઇ ગયો. ‘ શા માટે ભાગે છે ? ‘ ‘ બસ… એટલા માટે કે આ કાળુ મોઢુ તમને બતાવવા લાયક નથી રહયો બાપુ. હું પાપી છુ. દોષી છુ. તમારો ગુનેગાર…‘ કાનદાસ છુટ્ટે મો એ રડી પડ્યો. ‘ રો મા, કાનદાસ રો મા… તારા પાપનું પ્રાયશ્ચિત તો તે કરી લીધુ છે ‘

‘ ના બાપુ. એ પાપ થઇ ગયુ એ થઇ ગયુ. ભગવા ભેખમાં એક ડાઘ લાગી ગયો. હવે એ નહી ધોવાય. નહીં ધોઇ શકાય. જુવાનીના વહેતા તાતા વહેણને હું ખાળી ન શકયો ને એક દી‘ દેવલ હાર્યે એ મરજાદાનો ઉંબરો વળોટી ગયો. મારુ લોહી દેવલની કૂખમાં…‘ કાનદાસના ડૂસ્‍કા પાછા વળ્યાઃ ‘ મે એને અગ્નિની સાક્ષીએ … સેંથામાં સિંદૂર પૂરીને… અડધુ અંગ માનીને આ ભગવા અહીં જ મૂકીને ભાગી છૂટ્યો… આ સિવાય હું શું કરી શકત ? જો ન કરેત તો દેવલ કૂવે પડેત બાપુ..‘

‘ તે બરાબર જ કર્યુ છે કાનદાસ ‘ ‘ બાપુ રહેવા દો હવે મને વધારે તાવો મા. મને ખબર છે બાપુ કે તમે શું કહેવા માગો છો, પણ હું …‘ ‘ ના કાનદાસ ! તે જે રસ્‍તો લીધો, ત્‍યાંથી જ તારા તમામ ગુના દોષ અને પાપ બળી ગયા છે. તે કશું જ ખોટુ નથી કર્યુ બાપ ! તે કોઇ પાપ નથી કર્યુ. તુ એ કરી શકયો કાનદાસ, તુ એ કરી શકયો ને …‘ અને બાપુનો સ્‍વર લથડી ગયો. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.


‘ બાપુ, આ શું ? ‘ ‘ વહેવા દે કાનદાસ. એને વહી જવા દે. વહી જવા દે. હું હળવો થતો જવાઉ છુ. કરેલી ભૂલને જો બધા જ સુધારી શકતા હોત તો ? ‘ ‘ તો ? ‘ ‘… તો આખી જીંદગીભર પાપ ના ભારથી રીબાવુ ન પડેત. કાનદાસ, તુ હાર્યો છતાય જીત્‍યો ને હું એકના વગરની ત્રણ ત્રણ જીંદગી …‘ ‘ બાપુ …‘ કાનદાસ ધ્રુજી ઉઠ્યો. પણ એ પહેલા બાપુએ કાનદાસના ખોળામાં માથુ ઢાળી દીધુ હતુ. ને કાનદાસ ધ્રુસ્‍કે ધ્રુસ્‍કે રડતા તેમના માથા પર હાથ ફેરવી રહયો હતો.

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ