દાદી ની વ્હાલી દીકરી – એક સમયે તેઓ નહોતા ઈચ્છતા આ દિકરીને જન્મ અપાવવા માટે, પણ પછી…

“અનુજ્ઞા મારા ટેબલ પરથી કાર ની ચાવી નીચે ફેંકતો, હું ભૂલી ગયો છું.” નીચે થી ઓફિસ જવાની ઉતાવળ માં ઋતુજિતે બૂમ પાડી ને પોતાના ઘર ની ગૅલૅરી તરફ નજર કરી કહ્યું. “એ લાવી, તમે ય રોજ રોજ ચાવી ભૂલી જાઓ છો.” ઘરકામ માં વ્યસ્ત થયેલી અનુજ્ઞા હાંફળી ફાંફળી થતી ગૅલૅરી માં ચાવી લઈ ને આવી. “ ચાવી, તો એક બહાનું છે, તને ઓફિસ જતાં જતાં પ્રેમભરી નજરે ફરી ફરી ને જોવાનું.” ઋતુજિતે સહેજ આછું સ્મિત મુખ પર લાવતાં અનુજ્ઞા ને કહ્યું.


“શું તમે પણ !” અનુજ્ઞા એ જરા શરમાઇ ને એક સ્નેહસભર સ્મિત સાથે ઋતુજિત ને વિદાય આપી. આટલી ખુશી ભરેલો સંસાર અને પતિ નો આટલો છલકતો પ્રેમ હોવા છતાં અનુજ્ઞા આજે ઉદાસ હતી. એ સોફા પર બેસી ભૂતકાળ ની યાદો વાગોળવા લાગી.

*********************
“દાદી તમે ચિંતા ના કરો, બધુ જ સારું થઈ જશે. અમે બધા તમારી સાથે છીએ.” ઘર ના તમામ સભ્યો એ દાદી ને હિમ્મત આપતાં દવાખાને લઈ જતાં કહ્યું. આજે સવારે અચાનક છાતી માં શરૂ થયેલા દુખાવા સાથે દાદી ને શહેર ની સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ માં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા. નિદાન થયું હ્રદય રોગ ના પ્રથમ હુમલાનું. એન્જિઓ ગ્રાફી નો રિપોર્ટ આવ્યો. હ્રદય ની મુખ્ય ધમની (લેફ્ટ કોરોનરી આર્ટરી) 90% બ્લોક થઈ ગઈ હતી. અંતે દાદી નું બાયપાસ નું ઓપરેશન કરવાનું નક્કી કરવા માં આવ્યું.

*********************
અનુજ્ઞા ને ઋતુજિત સાથેની કોલેજ માં થયેલી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. ગુજરાત કોલેજ માં બી. એ ના પ્રથમ જ વર્ષ માં અભ્યાસ કરતી અનુજ્ઞા એક દિવસ લાઇબ્રેરિ જવાની ઉતાવળ માં ઋતુજિત સાથે અથડાઇ ગઈ અને અનુજ્ઞા ના હાથ માં થી બધા પુસ્તકો વેરણ છેરણ થઈ નીચે વિખરાઈ પડ્યા.

“ઓહ, સોરી” કહી ઋતુજીતે પુસ્તકો ઉઠાવવા નીચે ઝૂકી સહાય કરી. “ના તમારો વાંક નહોતો, હું જ જરા ઉતાવળ માં તમને સામે થી આવતાં જોઈ ના શકી.”


આ મધુર અને સૌમ્ય અવાજ સાથે થયેલ અનુજ્ઞા નો ઋતુજિત સાથે નો પ્રથમ સંવાદ અંતે પ્રેમ ની પરિભાષા માં વિલીન થઈ ગયો. વાત આવી અંતે લગ્નગ્રંથિ એ જોડાવવાની. અનુજ્ઞા ના માતપિતા ની ઋતુજિત માટે સંમતિ હતી પણ ઋતુજિત ની મમ્મી ઋતુજિત ના બીજી જ્ઞાતિ માં લગ્ન થી નાખુશ હતી. અંતે અનુજ્ઞા અને ઋતુજિત ના પ્રેમ આગળ ઝૂકી ને એમને પણ મંજૂરી આપી અનુજ્ઞા ને સહર્ષ સ્વીકારી લીધી. અનુજ્ઞા એ પણ ઋતુજિત ના કુટુંબ ના તમામ રીતરિવાજ ને આનુષંગીક થઈ ઋતુજિત સાથે દાંપત્યજીવન નો શુભારંભ કરી દીધો.

થોડા વર્ષો પછી ઋતુજિત અને અનુજ્ઞા જીવન માં બંને ના સ્નેહસેતુ સમાન શર્વણી નો જન્મ થયો. ઘર ના તમામ સભ્યો ખુશી સાથે ઝૂમી ઉઠ્યા. શર્વણી ના ઉછેર માં અનુજ્ઞા જ નહીં પરંતુ આખું ઘર વ્યસ્ત થઈ ગયું. અનુજ્ઞા અને ઋતુજિત નું જીવન જાણે મઘમઘી ઉઠ્યું. 3 વર્ષ ની થયેલી શર્વણી ની બાળસહજ વાતો બધા ને હસાવતી. અનુજ્ઞા અને ઋતુજિત શર્વણી ના જ્ન્મ પછી પૂર્ણતા અનુભવતા.


અનુજ્ઞા ફરી ગર્ભવતી થઈ. ઋતુજિત ખૂબ જ ખુશ હતો. ઘર માં પણ બધા ખુશ હતાં પરંતુ ઋતુજિત મમ્મી ના ચહેરા પર હવે પુત્ર જન્મ માટે નો આગ્રહ સ્પષ્ટ જણાઈ આવતો. વારે વારે એ અનુજ્ઞા ને ગર્ભ માં રહેલા બાળક ની જાતિ અગાઉ થી જાણવા આગ્રહ કરતાં. જાતિ જાણ્યા પછી એમના આગળ પગલાં વિષે અનુજ્ઞા ને ખ્યાલ આવી ગયો. એ ઉદાસ થઈ ગઈ. આજે સોફા પર બેસી પેટ પર હાથ રાખી શૂન્યમનસ્ક થઈ ગઈ. એટલા માં તો જાણે પોતાના ગર્ભ માં થી કોઈ વાત કરતું હોય એવો ભ્રમ થવા લાગ્યો.


“ મમ્મી, ઓ મમ્મી, મને સાંભળે છે ને ? જો હું કદાચ દીકરી હોઉ તો તું મને જન્મ નહીં આપે? જો મમ્મી હું તને બહાર આવી બિલકુલ નહીં પજવું. દીદી ના રમકડાં થી રમી લઇશ. તારે મારા કપડાં લાવવાં પણ ખર્ચ નહીં કરવો પડે. તું દીદી ના કપડાં સાચવી રાખજે, હું એ પહેરી ને મોટી થઈ જઈશ. મારા માટે કઇં વિશેષ તારે જમવાનું નહીં બનાવવું પડે, હું અત્યારે તમે જે બનાવો છો એમાંથી જ જમી લઇશ. મારા ભણતર વિષે પણ તું બહુ ચિંતા ના કરીશ. હું દીદી ના પુસ્તકો થી ભણી લઇશ. હું મારૂ સ્કૂલ નું હોમવર્ક પૂરું કરી ને તને ઘર કામ માં મદદ કરાવીશ. હું ઘર માં એવી રીતે રહીશ કે ઘર માં કોઈ ને પણ હું બોજ નહીં લાગુ. બસ મમ્મી એકવાર મને બહાર આવી બહાર ની દુનિયા જોવાની અને માણવાની એક તક આપ. આમ મને તારા જ ગર્ભ માં મૃત્યુ ના આપીશ. આખરે હું તારો અને પપ્પા નો જ અંશ છું.”

અનુજ્ઞા ના આંખ માંથી અશ્રુધારા વહી પડી. જેવી એ ધારા બંધ થઈ કે તુરંત જ આંખો લૂછી અનુજ્ઞા એક અનેરી હિમ્મત સાથે સોફા પર થી ઊભી થઈ.


અંતે અનુજ્ઞા એ પોતાની સાસુ ને ગર્ભ માં રહેલા બાળક ની જાતિ જાણવાની મનાઈ કરી અને એ જે પણ હોય એને જન્મ આપવા ની મક્કમતા દાખવી. અનુજ્ઞા એ હિમ્મત પૂર્વક પોતાની સાસુ ને પુત્ર જન્મ ની ઘેલછા ને વિદાય આપવાનું કહ્યું. અંતે અનુજ્ઞા ની મક્કમતા જોઈ એની સાસુ એ પણ ત્યાર બાદ ક્યારેય એ વાત ને અનુજ્ઞા સમક્ષ ના ઉચ્ચારી. અનુજ્ઞા એ એક ફૂલ જેવી સુંદર અને કોમળ દીકરી ને જન્મ આપ્યો.

**********************
દાદી ની તબિયત વધુ ગંભીર હતી. ઓપરેશન 2 દિવસ પછી કરવાનું નક્કી કરવામાં આવ્યું. દાદી ને આઇસીયુ માં રખવામાં આવ્યાં. ઉર્જિતા દાદી ની આસપાસ ખડે પગે ઊભી રહી, અને વળી કેમ ઊભી ના રહે? આજે પોતાની વ્હાલી દાદી પથારીવશ હતી. દાદી ને જ્યાર થી એડ્મિટ કર્યા ત્યારથી લઈ આજ સુધી ઉર્જિતા દાદી ની જોડે ને જોડે જ રહી. દાદી ની ભરપૂર કાળજી માં ઉર્જિતા મશગુલ થઈ ગઈ.


**********************
અનુજ્ઞા એ એક ફૂલ જેવી સુંદર અને કોમળ દીકરી ને જન્મ આપ્યો નામ આપ્યું ઉર્જિતા. ઉર્જિતા નામ મુજબ જ ઉર્જા થી ભરપૂર. આવતાંની સાથે જ એની બાળસહજ ક્રિયાઓ એ બધાનું મન મોહી લીધું. ઉર્જિતા ને જો કોઈ વધારે પસંદ હતું તો એના દાદી. એ દાદી કે જેમને ઉર્જિતા ના જન્મ થી વિરોધ હતો. અંતે ઉર્જિતા ની નિર્દોષ અને ભોળી આંખો માં જોતાં જ દાદી ની પુત્ર જન્મ ની ઘેલછા ક્યાંય ઓગળી ગઈ. દાદી પણ ઉર્જિતામય બની ગયાં. દાદી જ્યાં જ્યાં પણ જતાં ઉર્જિતા એમની જોડે જ હોતી. પોતાની મમ્મી કરતાંય ઉર્જિતા નો સમય દાદી જોડે વધુ પસાર થતો. દાદી અને ઉર્જિતા બંને એકબીજા ના પૂરક બની ગયાં. દાદી ની વ્હાલી દીકરી ઉર્જિતા અને ઉર્જિતા ના વહાલાં દાદી.

***********************
દાદી નું આજે ઓપરેશન હતું. ઉર્જિતા ની આંખમાં અશ્રુ હતાં. કોઈ પણ ભોગે પોતાની દાદી ને સજા સમા કરવા હતાં. દાદી ને ઓપરેશન થિએટર માં લઈ જવા માં આવી રહ્યા હતાં. ઘર ના તમામ સભ્યો દાદી ની આસપાસ હતાં. ઓપરેશન થિએટર ની બહાર રોકાઈ ગયાં. પણ ઉર્જિતા દાદી જોડે છેક ઓપરેશન થિએટર માં ગઈ અને ત્યાં રહેલા ઓ.ટી. ના સિસ્ટર્સ ને ઓપરેશન થિએટર તૈયાર કરવા આદેશ આપ્યો.

“જી મેમ” કહી ઓ.ટી. સિસ્ટર્સ એ ઓ.ટી. માં પહેરવાના કપડાં અને ગ્લોવ્સ ઉર્જિતા ને આપ્યા. કેમ ?


કેમ કે ઉર્જિતા આજે એમબીબીએસ નો અભ્યાસ ક્રમ પુર્ણ કરી ડૉ.ઉર્જિતા બની ચૂકી હતી અને યૂ. એન. મહેતા હોસ્પિટલ માં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ કાર્ડિઓલોજી કરી રહી હતી અને આજે તે પોતાના દાદી ની બાયપાસ સર્જરિ કરી રહેલા ડોક્ટર્સ ની ટીમ માં હતી.

દાદી નું ઓપરેશન સફળ રહ્યું. ઓપરેશન પછી દાદી એ આંખો ખોલી તો પોતાની વ્હાલી દીકરી ઉર્જિતા સામે જોઈ બોલ્યા “બેટા મને ખબર જ હતી કે તું મને કઈં જ નહીં થવા દે. જો તારી દાદી સાજી સમી થઈ ગઈ ને.” ત્યાંજ ઉર્જિતા અને દાદી ભેટી પડ્યા. દૂર ઊભી રહેલી અનુજ્ઞા ની આંખો બંને ને ભેટતાં જોઈ હર્ષાશ્રુ સાથે ભરાઈ ગઈ.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”