આજની પોઝિટિવ સ્ટોરી: ભારતમાં ફિલ્મોનો પ્રારંભ કરાવનારા દાદાસાહેબ ફાળકે, પહેલ કરનાર કાયમ પરાક્રમી હોય છે

આજની પોઝિટિવ સ્ટોરી : ભારતમાં ફિલ્મોનો પ્રારંભ કરાવનારા દાદાસાહેબ ફાળકેનો આજે 150મો જન્મદિવસઃ પહેલ કરનાર કાયમ પરાક્રમી હોય છે.

ભારત-ફિલ્મ ઉદ્યોગના ભિષ્મપિતામહ ઘુંડીરાવ ગોવિંદ ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકેનો આજે 150મો જન્મદિવસ છે. તેઓ ભારતીય ફિલ્મવિશ્વના પ્રારંભકર્તા હતા. પહેલ કરવાનું કામ વિકટ હોય છે. પહેલ કરનાર કાયમ પરાક્રમી હોય છે.

દાદાસાહેબ ફાળકેનું જીવન અને પ્રથમ ભારતીય ફિલ્મ બનાવવા માટે તેમણે જે ભોગ આપ્યો હતો તે જાણીએ તો દંગ થઈ જવાય તેવું છે. તેઓ મુંબઈની ખ્યાત જે.જે. આર્ટસ કોલેજના મંજાયેલા કલાકાર-Student હતા. તેમણે વડોદરાથી ફોટોગ્રાફીની વિશેષ તાલીમ લીધી હતી. તેમણે ફોટોકેમિકલ્સ પ્રિન્ટિંગમાં પ્રયોગો કર્યા હતા.

તેમણે એક વખત ગાંઠ વાળી કે પોતે પ્રથમ ભારતીય ફિલ્મ બનાવશે પછી તો દિવસ રાત મચી પડ્યા. તેમનો એ સર્જનાત્મક સંઘર્ષ એક જુદા લેખનો વિષય છે. પ્રિન્ટિંગનો ધંધો કર્યો, ભાગીદારના દગાથી પાયમાલ થયા. સ્વભાવ ચિડિયો થઈ ગયો. ફિલ્મ બનાવવાની ધૂન લાગી પછી તો એક કેમેરા ખરીદીને સિનેમા-સિનેમા ગૃહમાં ફરીને ફિલ્મોનો અભ્યાસ કરવા લાગ્યા.

દરરોજ 20-20 કલાક કામ કરનારા આ ધૂની સ્વપ્નદષ્ટાની તેને કારણે જ એક આંખ જતી રહી. દષ્ટિવંત વ્યક્તિઓએ પણ ક્યારેક આમ આંખ ગુમાવવી પડે છે. પ્રથમ ફિલ્મ બનાવવામાં તેઓ ખુવાર થઈ ગયા. પોતાની પત્નીની એલઆઈસી પર તેમણે લોન લીધી હતી. છેવટે તેમણે રાજા હરિશચંદ્ર ફિલ્મ બનાવી. જુઓ તો ખરા, ભારતની પ્રથમ ફિલ્મ સત્યવાદી વ્યક્તિ પર આધારિત છે એ પણ કેટલું સૂચિત છે !

દાદાસાહેબે જેનો પ્રારંભ કરાવ્યો હતો તે ભારતીય ફિલ્મ ઉદ્યોગ મોટો ઉદ્યોગ છે. સમગ્ર વિશ્વની સાૈથી વધુ ફિલ્મો આ દેશમાં બને છે. બોલિવુડની તો બોલબોલા છે. લોકો માટે મનોરંજનનું મુખ્ય સાધન કે માધ્યમ ફિલ્મો છે ત્યારે એક સવાલ કરવાનું મન થાય કે જે તાલાવેલી અને ખુવારીથી દાદાસાહેબે ફિલ્મઉદ્યોગનો પાયો નાખ્યો હતો તેની ઈમારત બરાબર ચણાઈ છે ખરી..?

ખાસ કરીને આજના મુખ્યપ્રવાહની ફિલ્મોને જોતાં ખૂબ જ દુઃખ થાય છે. મનોરંજનના નામે નગ્નતા અને હિંસાનો વધેલો વ્યાપ ભારતની કિશોર-યુવા પેઢીને ગુમરાહ કરવામાં સિંહફાળો આપી રહ્યો છે. ખુલ્લેઆમ ગુન્હા કરનારા હીરોની ફિલ્મો કરોડોની કલબમાં સ્થાન પામે છે. ફિલ્મની સફળતાને માપવાનો ગજ પણ હવે રૂપિયાની કમાણી બની ગયો છે.

ભારત સરકારના Ministry of Information and Broadcasting (India) દ્વ્રારા દર વર્ષે outstanding contribution to the growth and development of Indian cinema માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થાય છે. ભારતીય ફિલ્મવિશ્વનું આ ટોચનું પારિતોષિક છે જેમાં દસ લાખ રૂપિયા ધનરાસિ હોય છે.

જોકે દાદાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ તો એ ગણાય કે કરોડો લોકોની માનસિકતાને આપણે ઉપર ઉઠાવી શકીએ, સ્વસ્થ અને સંવેદનશીલ બનાવીએ. મનોરંજન તો ખરું જ, પણ કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતનું મનોરંજન નહીં જ. જે કૃતિ કે કળાકાર ભાવકની સંવેદના વધારી ના શકે તેનો કોઈ અર્થ નથી. જે દેશમાં નાની નાની બાળાઓ પર બળાત્કાર થતા હોય એ દેશમાં ફિલ્મોમાં સ્ત્રીઓને વરવી અને હલકી રીતે રજૂ કરાય, ગીતોના શબ્દો કાનમાં કીડા પડે તેવી ગંદા હોય, સ્ત્રીને એક વસ્તુ તરીકે દર્શાવીને તેનો રસ અને કસ કાઢી લેવાય, સ્ત્રીના ઉઘાડા શરીર પર ઊભેલો ફિલ્મ ઉદ્યોગ જોઈને પ્રથમ ફિલ્મ રાજા હરિચંદ્રમાં નાયિકાનો રોલ કરનારા કોઈ હોટલના રસોયા કલાકાર તો એમ જ કહે કે કરવા ગયા હતા લાપશી અને થઈ ગઈ થૂલી.

150મા જન્મદિવસે દાદાસાહેબ ફાળકને નત મસ્કતે શત્ શત્ શબ્દાંજલિ.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ