બાપ અને દીકરી વિષે તો વાંચીએ એટલું ઓછુ. મુકેશભાઈની ખુબ સુંદર વાર્તા…

 “દીકરીને વ્હાલા પાપા-એક ભવ્ય વારસો ”

અને ગામમાં સમાચાર ફેલાઈ ગયાં કે જાદવજી શેઠ નું આખું શરીર જલાઈ ગયું છે. ક્યારેક બોલે અને ક્યારેક સુનમુન બેસી રહે છે. આમ તો છેલ્લા પાંચ વરસથી એની તબિયત ઢીલી પોચી તો રહેતી જ હતી.પણ વચ્ચે તો સાવ સારું જ રહેતું હતું. પણ આમ અચાનક જ તબિયત બગડશે એનો તો ખ્યાલ જ નહોતો. આમ તો શેઠ અને શેઠાણી બે જ રહેતાં હતાં. દીકરા બે હતાં એક દીકરો જયપુર હતો અને બીજો દીકરો મુંબઈ હતો. એક સહુથી નાની દીકરી સુરેખા હતી. એ ત્રીસ કિલોમીટર દૂર પરણાવી હતી. સુરેખા શિક્ષિકા હતી અને એનો પતિ અભિનવ પણ શિક્ષક જ હતો. દર શનિ રવિ સુરેખા એના પતિ અભિનવ સાથે આવતી અને બા બાપુજીની ખબર કાઢતી. ગામ લોકો તેમના બંગલે ભેગા થયાં હતાં. સહુ ખબર પૂછતાં હતાં. ડોકટર જોશી આખા ગામના ફેમેલી ડોકટર હતાં. એણે એક બોટલ ચડાવી હતી. અને સ્ટુલ નાંખીને બાજુમાં બેઠા હતાં. સુરેખા અને એનો પતિ અભિનવ વહેલી સવારે જ ખબર પડી એટલે આવી ગયાં હતાં.

“બાપુજી શહેરમાં જવું છે મોટા ડોકટર પાસે ત્યાં તપાસ કરાવી લઈએ” સુરેખા બોલી.

“ ના હવે એમને ક્યાંય હરફર નહિ કરવાની. પેરેલીસીસ ની માઈલ્ડ અસર છે. એટલે હરફર કરવામાં જો મોટો આંચકો આવી ગયો ને તો પછી એક કરતાં બે થશે. આમ એને કશું જ નથી. પણ હવે લાંબો સમય પથારીવશ તો રહેવું જ પડશે એ નક્કી” ડો.જોશી એ કહ્યું. અને ડોકટર જોશી કહે એટલે લોઢામાં લીટો! પછી કોઈ એની સામે દલીલ કરે જ નહિ.

આમ તો પાંચ વરસ પહેલા કશું જ નહોતું. એક વાર છાતીમાં સહેજ દુખાવો ઉપડ્યો દિવાળી પર એટલે ડો. જોશીએ દવાઓ આપી .અને એ દુખાવો મટી પણ ગયો. પણ એ વખતે મોટો દીકરો પ્રમોદ અને જયપુર વાળો વિવેક દિવાળીની રજામા પરિવાર સાથે બા બાપુજીને દર્શન આપવા વતનમાં આવેલા. આમ તો બને દીકરા વેલ સેટ હતાં. પણ ધંધો એવો જામી ગયેલો ને તે બાપુજી કે બા ની તબિયત ના સમાચાર પૂછવાનો પણ સમય નહોતો. અને આમેય બિજનેશ વધારે જામે ને ત્યારે માં બાપ ભુલાઈ જતાં હોય છે એવું અગમ્ય કારણોસર હવેના સમાજમાં વધારે બનતું હોય છે. પ્રમોદ એને પરાણે મુંબઈ લઇ ગયો. એનું પણ એક કારણ હતું કે પ્રમોદે એક ઊંચી જાતનો મેડીકલેમ લીધેલો પાંચ વરસ પહેલા અને પાંચ વરસમાં તો કોઈ બીમાર જ ના પડ્યું એટલે ભરેલું પ્રીમીયમ વસુલ કરવા પ્રમોદ એને ત્યાં એક ફાઈવ સ્ટાર ફોર જી હોસ્પીટલમાં જાદવજી શેઠને દાખલ કરી દીધેલાં અને હોસ્પિટલ વાળા પણ સમજી ગયેલાં કે આ તો આંકડે મધ અને એ પણ માખીઓ વગરનું એટલે મેડીકલ સાયંસમાં હતાં એટલા બધાં રીપોર્ટ અને ટેસ્ટ કરાવી નાંખ્યા. અને જેમ દરેક ભૂવો કોઈકને કોઈક કારણ કાઢે જ એમ નિષ્ણાત પેનલના ડોકટરો એ કીધું કે બાય પાસ કરાવી નાંખો તો વાંધો નહિ આવે. આમ તો સ્પ્રિંગ મુકાવો તોય ચાલે પણ સગવડ હોય તો બાયપાસ કરાવી નાંખો એટલે ઉપાધિ સાવ ઓછી!! જાદવજી ભાઈ હા ના હા કરતાં રહ્યા અને મોંઘુ દાટ બાય પાસ કરી નાંખેલું. અને પછી આવ્યા વતનમાં. ડો.જોશી એ રીપોર્ટસ જોયા અને કહ્યું.

“બાયપાસ ની જરૂર જ નહોતી પ્રમોદ, તે ખોટી ઉતાવળ કરી. આમાં કોઈ નળી બ્લોક જ નથી પછી શરીરને ખોટું શું કામ ખોલાવવું અને એ પણ વગર કારણે. શરીર એક કંપની ના મોબાઈલ જેવું છે . એક વાર ખુલી જાય પછી ઈશ્વરની ગેરંટી જતી રહે છે. આમ તો ઈશ્વર દરેક શરીરને ૧૦૦ કરતાં વધારે વરસનું આયુષ્ય આપતો હોય છે પણ માણસ અહી આવીને શરીર સાથે ખિલવાડ કરે એટલે આવરદા ઓછી થતી જાય છે. તારા પાપા તો હવે સાઈંઠ ની ઉપર પહોંચ્યા તોય શરીર સારું જ કહેવાય, આ બાયપાસની કોઈ જ જરૂર નથી એને”

“હવે તમે બધાં જુના જમાનાના આર એમ પી ડોકટર કહેવાય , તમને એમ ડી કે એમ એસ ડોકટરના રીપોર્ટસમાં શું ખબર પડે આ તો મારા પાપા ભાગ્યશાળી કે એને બાય પાસ થઇ ગયું બાકી અત્યારે કોણ આટલો ખર્ચ કરે છે મોંઘવારીમાં એ તો મને કહો, રૂપિયા આઠ લાખ થયાં તમામ ચાર્જ સાથે અને ડોકટર સાહેબ તમે આખી જીંદગીમાં આટલા રૂપિયા જોયાય નહિ હોય” પ્રમોદ ગુસ્સે થઇને બોલેલો. પછી તો ડોક્ટર પણ કશુના બોલ્યાં અને જાદવજીભાઈ તો આમેય દીકરા સામે કયારેય ના બોલતાં.

જાદવજી જસમત!! આ ગામમાં એક પુણ્યશાળી નામ ગણાતું. લોકો સવારમાં આંટો મારવા નીકળે અને જો જાદવજી ભાઈ સામા મળે તો એને શુકન સમજતાં . આવું માનપાન હતું, એકદમ કડેધડે સાઈંઠ વરસ સુધી એક પણ ટીકડી નહોતી ગળી દવાની!! એવું તંદુરસ્ત શરીર હતું. અને હોય જ ને પહેલેથી જ શ્રમ વાળું જીવન અને સંયમી પણ ખરું.

જાદવજી અઢાર વરસનો હતો અને અને એનાં બાપાનું અવસાન થયેલું. ઘરમાં જાદવજી અને એની મા ગંગા બે જ વધ્યા હતાં. ચાલીશ વિઘા પિયતની જમીન હતી અને એક પાકું મકાન હતું. પિતાજી જસમત પાછળ કોઈ રકમ નહોતી મૂકી ગયાં એમ દેણું પણ નહોતું મૂકી ગયાં. સરભર હાલતું ઘર હતું. આઠ ચોપડી ભણેલાં જાદવે ખેતી સંભાળી લીધેલી પણ સંસ્થામાં ભણેલો એ કામ લાગ્યું ખેતીમાં. ખેતીમાં એણે આધુનિક વિચાર અપનાવ્યો. નવું નવું બિયારણ વાવતો ગયો અને વધારે ઉત્પાદન મેળવતો ગયો.સાથોસાથ બિયારણ વેચવાનો ધંધો શરુ કરેલો. પછી તો કપાસ અને મગફળી પણ આખા ગામની રાખતો થયો.

લોકોને ગામમાં જ પૂરતા ભાવ મળે તો પછી એ બહારગામ શું કામ વેચવા અને વધેરાવા જાય?? આમને આમ જાદવજી એક બિયારણ વેચતા શેઠની છોકરીને પરણ્યો. પોતાની મેળે જ એણે લગ્ન કરી લીધા. જાનમાં આવેલ દરેકને એક એક ફળાઉ ઝાડનો રોપ આપીને એણે નવો ચીલો પાડ્યો. ખેતરના શેઢા પર એણે ફળોના ઝાડ વાવ્યા અને પછી તો આખા ગામમાં દરેક વાડીએ દસ પંદર ફળ ના ઝાડ જોવા જ મળે.લોકો સમૃદ્ધ થવા લાગ્યા.અને પછી તો જાદવજી જમીન લેતો ગયો.એક કપાસનું જીન કર્યું. ઓઈલ મિલ કરી. કપાસિયાના ખોળની ફેકટરી કરી.

પોતાનું જૂનું મકાન એમ ને એમ રહેવા દઈને ગામને પાદર પોતાની એક વાડીમાં એણે બંગલો બનાવ્યો. ૩૫ વરસની સખત પરસેવાની મહેનતે આજે એ જાદવજી શેઠ બની ગયો હતો. પૈસો પૈસાને ખેંચે એમશેર બજારમાં રોકાણ કર્યું ત્યાં પણ અઢળક કમાણી કરી.બધાં જ સંતાનોને જાદવજી એ સારું અને ઉચ્ચ શિક્ષણ આપ્યું, મોટો પ્રમોદ એમ કોમ નું ભણીને મુંબઈ ગયો તો એને ઘરની એક ઓફીસ લઇ દીધી બોમ્બે સ્ટોક એકસચેન્જની બિલ્ડીંગ માં અને વેલ સેટ કરી દીધો. એનાંથી નાના વિવેક ને જયપુર સેટલ થઇ ગયો.આમ તો એ જયપુરની એક છોકરી સાથે પ્રેમમાં પડીને લગ્ન કર્યા પણ છોકરી કહે હું ગુજરાતમાં ના રહું તો જાદવજી એ જયપુરમાં એક માર્બલ અને કોટાની ખાણ ખરીદી લીધી અને એને પણ સેટ કરી દીધો. સહુથી નાની સુરેખા એમ એ એમ એડ સુધી ભણી અને એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા બની ગઈ અને સાથે જ નોકરી કરતાં અભિનવ સાથે મા બાપ ની સંમતી થી પરણી ગઈ.

સુરેખાની સગાઇ વખતે બાપ દીકરા વચ્ચે ચકમક જરી હતી. પ્રમોદ પોતાના સાસરિયામાં સુરેખાને પરણાવવા માંગતો હતો. જ્યારે જાદવજી દીકરીની ઈચ્છા પ્રમાણે અભિનવ સાથે પરણાવવા માંગતો હતો.

“પણ આમને આમ સુરેખાને સાવ નાંખી જ દેવાની, અને જરૂર શી છે નોકરી કરવાની સુરેખાને ?? અભિનવનું કુટુંબ સામાન્ય છે અને ઘરે કાર પણ નથી, અને બેયના પગારમાં ઘર પૂરું ચાલશે જ નહિ. આ આખો વહીવટ જ ખોટો થઇ રહ્યો છે.” પ્રમોદ ઉકળી ઉઠ્યો.

“કાર નથી પણ સંસ્કાર પુરા છે ભાઈ! મને અભી પસંદ છે અને પાપા ને પણ પસંદ છે પછી મારે બીજાને પૂછવાની જરૂર નથી ભાઈ!! તમે તો પાપાને પૂછ્યું પણ નહોતું લગ્ન કરતાં પહેલા. આવીને ભાભીને સીધાં પગે લગાડી દીધા હતાં. અને વિવેક તો એની પત્ની ની શરત અનુસાર જયપુર જ સેટલ થયોને. આ ઘરમાં બધાને આઝાદી છે તો મને એકલીને જ શા માટે તમે તમારી રીતે પરણાવવા માંગો છો”? સુરેખા આટલું બોલીને જાદવજી શેઠના ખોળા માં બેસી ગઈ અને બોલી.

 

“સાચું ને પાપા”
“હા બેટા તું કહે એ સાચું જ હોય!! મારી દીકરી અભિનવના જ ઘરે જશે” જાદવજી બોલ્યાં.

“પંતુજીની નાતમાં ભળી ગઈ ને એટલે સારા વિચાર પણ કેમ આવે ? એય કેવા કેવા શ્રીમંત ઘરના માંગા આવે છે, અને એ લોકો ને ના પાડતા પણ મને શરમ થાય છે અને આને ઓલ્યો માસ્તર જ દેખાય છે. છોકરીને નોકરી કરાવોને તો પછી એ ટોકરી જ પકડાવે!! શું જરૂર હતી નોકરી કરાવવાની.” પ્રમોદ બબડતો ચાલ્યો ગયો અને ઘણાં ધમ પછાડા કરેલાં પણ એની કોઈ કારી ના ફાવી. પછી તો સુરેખા પરણીને સેટલ થઇ ગઈ હતી તાલુકા મથકે. અભિનવ પણ પૂરો ખાનદાની હતો. સસરા પાસે એણે કોઈ જ વધારાની વસ્તુ માંગી જ નહિ. સસરાએ કાર આપી તો પણ એણે ના જ પાડી દીધી હતી.

“બાપુજી અમે અમારી કમાણીની લેશું, હજુ તો કાર ને ઘણી વાર છે, એક વખત આ કારની ટેવ પડી જાય ને પછી આ કર જતાં રહે. હું આ નહીં લઉં બસ પ્લીઝ શરમાવશો નહિ” સસરાએ સોગંદ આપ્યાં તોય અભિનવે કાર ના જ લીધી અને એ બંને જણા હોન્ડા પર નિશાળે જવા લાગ્યા.

પછી તો જાદવજી જસમતની અવસ્થા થવા આવી પંચાવન વરસની વયે બધોજ ધંધો એણે પોતાના મેનેજરો પર છોડી દીધો. એક વખત પ્રમોદને એની માતા કાન્તા એ કહ્યું.
“બેટા અમને પણ ક્યારેક મુંબઈ બોલાવતો હો તો?? તારું મોઢું જોઇને મને અને તારા બાપાને શેર લોહી ચડે.

“હવે મુંબઈમાં તમને ના ફાવે, ચારેય બાજુ ભીડ હોય અને પાપાનો અહીનો બિજનેશ કોણ સંભાળે? અહી પાપા ના હોય તો ઊંધું વળે બધું અને અંતે તો એ બધી ખોટ તો અમારે જ ને??. અને મુંબઈમાં તો મરવાનો પણ ટાઈમ ના મળે મારે સવારે શેર માર્કેટમાં જવાનું હોય તો રાતે દસ વાગ્યે પાછો આવું અને કેતકી પણ આખો દિવસ ઘરે કામમાં હોય ધ્રુવને કેજીમાં મુક્યો છે તે લેવા જવાનું હોય એને મુકવા જવાનું હોય અને અને મમ્મી તું નહિ માને રાતે ઘણી વાર અમે બહાર જ જમવા જતાં રહીએ છીએ ઘરે રાંધવાનો પણ ટાઈમ ના મળે અમને એટલી હાડમારી છે ત્યાં એટલે મુંબઈ નું તો માંડી જ વાળો” પ્રમોદે સોઈ ઝાટકીને ચોખવટ કરેલી. આવી જ ચોખવટ વિવેકે કરેલી.

“જયપુરની ગરમીથી તો તોબા બાપા, જયપુરમાં ચારે બાજુ રણ આવેલું છે એનો ઉનાળો અને શિયાળો તો બહુજ આકરો અને આમેય હું તો પથ્થરોની ખાણમાં જ જમી લઉં ઉપરાંત ત્યાં ઘરે પણ કેટલો સમાવેશ કરવો. મારા બંને સાળા પણ ઓલરેડી મારા ઘરે જ છે. રાજેશ્વરીને લગ્ન પહેલાં મે વચન આપ્યું હતું કે તારા બન્ને ભાઈને લાઈને પણ હું ચડાવીશ અને સાચવીશ પણ હું ઉપરાંત મારા સાસુ સસરાની તબિયત નરમ રહ્યા કરે એટલે એને પણ દવાખાને લઇ જવાનો ટાઈમ માંડ મળે છે. તમને એમ કે હું ત્યાં જલસા કરતો હોઈશ તે તમને પણ ત્યાં જલસા કરવા બોલાવી લઉં. એવું નથી મમ્મી ત્યાં લાઈફ ખુબ જ ટફ છે .અઠવાડિયે માંડ એકવાર રાજમંદિરમાં સિનેમા જોવા જવાનો સમય મળે છે અને નાના ઓમને સાચવવા માટે એક નર્સ રાખી લીધી છે. કોઈ સમય જ નથી એમાં તમે આવો તો તમને ક્યાં સાચવવા અને અહી તમારે અને પાપાને બાર બાદશાહી છે” કોઈને કશું બોલવા પણું જ ના રહ્યું.

સુરેખાએ વિસ દિવસની રજા મૂકી દીધી અને અભિનવ સાથે એ ત્યાં જ આવી ગઈ. અભિનવ ત્યાંથી અપડાઉન કરીને નોકરીએ જવા લાગ્યો. માતા કાંતાબેનને ખુબ જ સારું લાગ્યું અને આવા કપરા સમયમાં ટેકો મળી ગયો. જાદવજી શેઠની સરભરા અને વ્યવસ્થા બરાબર થવા લાગી. દિવસમાં લગભગ આખો દિવસ સુરેખા પાપાના પગ દબાવતી હોય. સાંજે નોકરીએ આવીને અનુપમ પણ જાદવજીની પાસે બેઠો હોય. કાંતાબેને તો બે દિવસ પછી સુરેખાને કહી પણ જોયું.

“બેટા એક કામ કરીએ ડો.જોશી સાહેબને કહીને શહેરમાંથી બે નર્સ બોલાવી લઈએ તો તારા પાપાની સારવાર કરવા માટે તું તો બેટા હવે પારકી ગણાય. દીકરી અને જમાઈ સાસરાની સેવા કરે એ મને અજુગતું લાગે. તારા સાસુ સસરાને પણ તારે સંભાળવાના હોયને એટલે બેટા તું એક બે દિવસ પછી તારા ઘરે જતી રહે”

“બા તારી લાગણી સમજુ છું .પણ મને મારા સાસુ સસરાએ કીધું છે એટલે જ હું અહી આવી છું. એમને તો કોઈ જ રોગ નથી. અને કોઈ વાતો ના કરે બા. કોઈ દીકરી બાપાની સેવા કરે એમાં થોડી વાતો કરે? અને કદાચ કરતાં હોય તો પણ શું ? આપણે આપણા સ્વજનો માટે જીવવું જોઈએ નહિ કે સમાજ માટે અને તને મારી વાતની ખાતરી થતી ના હોય તો લાવ તને મારા સાસુ સસરાનો ફોન જોડી દઉં તુજ વાત કરી લે એટલે તને શાંતિ થઇ જાય “ અને સુરેખાએ ફોન જોડી દીધો. અને જે વાત થઇ એથી કાંતાબેનને ખુબ જ આનંદ થયો. સુરેખાના સસરાએ તો એમ પણ કીધું કે વધારે સેવા ચાકરીની જરૂર પડેને તો અભિનવ પણ રજા મુકાવી દઈશ અને અમને અહી કોઈ તકલીફ નથી. સગું એને જ કહેવાય જે ખરા સમયે કામમાં આવે. અને બીમારી એવી વસ્તુ છે કે એમાં જો નજીકના સ્વજન સેવા કરે ને તો અડધી બીમારી એમને એમ જતી રહે, માટે વેવાણ તમે મુંજાતા નહિ . મે જ પરાણે વહુ દીકરાને ત્યાં મોકલ્યા છે. માણસ કીમતી છે નહિ નોકરી કે નહિ હોદ્દો!!.

અને વાત પણ સાચી છે ડોકટર જોશી પણ એમ જ કહેતા હતાં. એ સવાર સાંજ ત્યાં આવતાં રહેતાં.

“દર્દીના શરીર પર પ્રેમ ભર્યો હાથ ફરેને એનાંથી મોટી થેરાપી બીજી કોઈ નથી. વ્હાલપના મલમ જેવો દુનિયામાં કોઈ મલમ નથી. નાનું છોકરું ગમે તેટલું માંદુ હોય, ખુબ જ તાવ આવતો હોય પણ એની માનો હાથ એના શરીર પર ફરેને તો નાનું બાળક હસી ઉઠે અરે માનું હાસ્ય પણ બાળક માટે ટોનિક છે. સુરેખા બેટા તારા પ્રેમાળ હાથનાં મસાજ થી જાદવજીભાઈ જરૂર સાજા થઇ જશે. કુદરતે આપેલી આ સ્નેહભરી સ્પર્શ ચિકિત્સાથી માણસ હવે દૂર ભાગતો જાય છે. ઘણી વાર્તાઓ માં તે સાંભળ્યું હશે કે કોઈ બહુ બીમાર માણસ હોય અને કોઈ સાધુ તેને માથે હાથ ફેરવે ને તો બીમારી જતી રહે અને આપણે એને ચમત્કાર કહીએ છીએ.

અને વાત સાચી નીકળી. દસેક દિવસ પછી જાદવજી જસમતના પગમાં અને હાથમાં ચેતન વર્તાવા માંડ્યું. એ થોડા સળવવા લાગ્યાં. અને સુરેખા અને કાંતાબેન રાજીના રેડ થઇ ગયાં.

“બાપુજી પ્રમોદ ભાઈ અને વિવેક ભાઈને તેડાવી લઉં .તમારી ખબર કાઢવા. મેં બેયને વાત તો કરી હતી પણ એને કીધું કે તબિયત વધારે બગડે તો જાણ કરજે પ્રમોદે એમ કીધું કે શેર બજારમાં અત્યારે તેજી છે એટલે એને ત્યાં રોકાવું પડશે અને વિવેકને પણ માર્બલની ખાણમાં ખુબ કામ રહે છે.

“ના બેટા એને કોઈને બોલાવવાની જરૂર નથી.મને સારું થઇ જશે” જાદવજી જસમત ની આંખમાં એક આંસુ આવી ગયું. બે વરસ પહેલાની એક વાત યાદ આવી ગઈ. બે વરસ પહેલા એને સખત તાવ આવ્યો હતો. ખુબ જ તાવ બધાને એમ હતું કે હવે જાદવજી નહિ બચે એટલે તાત્કાલિક બે ય દીકરાને મુંબઈ થી બોલાવ્યાં અને એ વખતે માર્ચ એન્ડીંગ હતું. એટલે નાછૂટકે બેય ભાઈ ઓ ચાર દિવસ પછી આવ્યા અને કુદરતનું કરવું કે એ જે દિવસે આવ્યા એની પહેલા એક દિવસે તાવ સાવ ઉતરી ગયો હતો અને જાદવજી બંગલામાં આવેલા બગીચામાં આંટા મારતા હતાં. કોઈ માની જ ના શકે આ વ્યક્તિ પાંચ છ દિવસ પહેલા સખત બીમાર હશે. પ્રમોદ અને વિવેક આવ્યાં. પાપાની સ્થિતિ જોઈ અને બેય ભાઈઓએ પોતાના પિતા જાદવજી ને અને માતા કાંતાબેનને બરાબરના લીધાં.

“અહી તો તમને પથરાય નથી પડ્યા અને ફોન ફોન પર આવતાં હતાં કે બેટા આવી જા બાપા સીરીયસ છે … તે આ છે તમારું સીરીયસપણું..?? દીકરાની મશ્કરી કરતાં શરમ નથી આવતી કે અમને ભૂંડા લગાડીને તમને પરમ શાંતિ મળે છે. સહેજ અમથો તાવ આવે અને તમે અમને શાંતિથી ધંધો પણ ના કરવા દો. આ કઈ તમે કર્યો એવો કપાસ નો કે મગફળી લે વેચનો કે બિયારણ નો ધંધો નથી કે તમારા મન ફાવે એ ટાઈમે કરો. અહી તો સેકંડની કીમત હોય સેકંડની .મારા કલાયન્ટને આપેલો ભરોસો હું ના તોડી શકું. શેર બજારમાં થોડી ઉથલ પાથલ થાય અને હું હાજર ના હોવ ને તો ક્લાયન્ટ ને લાખોનું નુકશાન થાય પણ તમને એવી ક્યાં પડી છે આ તો સહેજ શરીર ગરમ થાય અને માથું દુખે ત્યાં તો ફોન આવે કે બટા આવી જાને એટલે બટો સાવ નવરો જ બેઠો હશે ને.?? સીરીયસ એટલે શું એ તમને શું ખબર પડે ?? આવો મુંબઈની જસલોક હોસ્પિટલ કે બ્રીચ કેન્ડીમાં ત્યાં માણસો ટ્રોમાં સેન્ટરમાં પડ્યા હોય બે બે માસથી બોલતાં ના હોય. કોઈક ના બે હાથ કપાયા હોય કે કોઈકના બે પગ કપાયા હોય ને તો એ સીરીયસ કહેવાય સીરીયસ”!! અને વિવેકે પણ શક્તિ મુજબ મા બાપ ને ઝાટકી નાંખ્યા.

“ઇન્કમટેક્સના પત્રક રેઢા મુકીને આવ્યો છું, ઇન્કમટેક્સમાં બેદરકારી ના પાલવે પણ અત્યાર સુધી તમે ધંધો જ બે નંબરી વગર ટેકસનો કર્યો એટલે તમને ગતાગમ ના હોય પણ આ સુરેખાને તો ખબર પડવી જોઇને એ તો માસ્તર થઇ છે. આવું જ ભણાવતી હશેને છોકરાને કે તાવ આવે એ સીરીયસ ગણાય સીરીયસ”

જાદવજી જેઠાના કાળજે આ શબ્દો ભોંકાઈ ગયાં હતાં. એ કશું જ ના બોલી શક્યા ફક્ત દુઃખ મિશ્રિત હાસ્ય કર્યું .અને કાંતાબેન તો દંગ જ રહી ગયાં. પોતાના પતિને આટલો લાચાર એણે ક્યારેય નહોતો જોયો. પોતે એને પરણી ત્યારથી એની સાક્ષી હતી. એનો પતિ આજુબાજુના ગામમાં રાતે ખટારો લઈને કપાસ કે શીંગ ભરવા જાય અને એ પણ વટથી કોઈનું તોચડું વેણ એ કદી સાંખી ના લે. સમયની સાથે સમૃદ્ધિ અને સુખ વધતું ચાલ્યું અને શાખા પણ વધતી ચાલી.

પણ ગમે તેવો ચમરબંધી હોય પણ સંતાનો જ એવા પાકે ત્યાં કોઈ પણ બાપ લાચાર બની જતો હોય છે.
જયારે સંતાન રૂપી સ્થિતિ મજબુત ના હોય ને તો સો ગણી સારી પરિસ્થિતિ લાચાર બની જતી હોય છે.

“હવે કોઈએ પ્રમોદ અને વિવેકને ફોન નથી કરવાનો ક્યારેય પણ, તને હું કહી દઉં છું કાન્તા ! તું સમજી કે નહિ, તને કોઈ પણ બાબત એક વખત કીધે ક્યારેય નથી સમજાતી” બેય છોકરા સવારે આવ્યા ને સાંજે ગયાં પછી જાદવજીએ પોતાની પત્નીને કહ્યું. થોડાક મક્કમ થઈને કડક અવાજે કહ્યું તો ખરું પણ પછી એ રડી પડયા હતાં.
“ બેટા સુરેખા તારે નિશાળ પડતી હશે નહિ બેટા અને આ કુમાર પણ અહી છે. જો હવે હું બોલી શકું છું. ને મને સારું થઇ જશે હો તમતમારે કાલ નીકળી જજો”

“ બાપુજી તમે આરામ કરો. માંડ માંડ તમે બોલતાં થયાં છો આજ હજુ તમારા હાથ પગ ચાલતા નથી બરાબર ને મને જવાનું કહો છો ચાલો બાપુજી તમે બને ભાઈઓને જે માંગ્યું એ આપ્યું છે .હવે હું એક વસ્તુ માંગુ છું એ આપશો બાપુજી?? મને ક્યારેય જવાનું ના કહેતાં. તમને સારું થઇ જશે ને પછી જ જઈશ. દીકરી લેવા માટે ક્યારેય નથી આવતી બાપુજી દીકરી હમેશા સુખ દેવા માટે જ આવે છે જગત પર” સુરેખા સાસરે ગઈ હતી ત્યારે રડી હતી અને આજે રડી. જાદવજી એ દીકરીના બેય હાથ હાથમાં લીધા અને એની સામે જોયું. એના ગળે ડૂમો બાઝી ગયો હતો.

દીકરી અને બાપ એકબીજાના હાથ પકડીને એકબીજાની સામું જુએ અને અને કશું ના બોલે એ જ જગતનો સર્વશ્રેષ્ઠ સંવાદ !! વગર બોલ્યે બાપ દીકરી બધું સમજી જતાં હોય છે.

એકાદ મહિના પછી જાદવજી જસમતની તબિયત પાછી રાતી રાણ્ય જેવી થઇ ગઈ. આ સમય દરમ્યાન સુરેખાએ ખુબ જ સેવા કરી એના સાસુ સસરા પણ ત્રણ વખત ખબર કાઢી ગયાં. બેય દીકરાઓના ફોન આવે તો જ જવાબ આપવાનો બાકી સામેથી ફોન નહિ કરવાનો એવી જાદવજી જસમત ની સૂચનાનું પાલન થયું. સુરેખા પોતાને સાસરે જતી રહી. તોય દર રવિવારે પિતાને ઘરે આવવાનો સિલસિલો શરુ જ રહ્યો. સમય સડસડાટ વીતતો ચાલ્યો.

એકાદ વરસ પછી સુરેખાને ત્યાંથી સારા સમાચાર આવ્યાં ને પછી તો સીમંત કરીને સુરેખાને તેડી લાવ્યાં. થોડા સમય પછી સુરેખાએ પુત્રનો જન્મ થયો. જાદવજી જસમતે પોતાની દીકરીને ત્યાં આવેલા આ ખુશીના પ્રસંગને ખુબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું નક્કી કર્યું. ગામ આખાને જમાડવાનું નક્કી કર્યું. એક અભૂતપૂર્વ પ્રસંગનું અનોખું આયોજન થયું. મુંબઈ અને જયપુર સમાચાર પહોંચી ગયાં. સાંજે પ્રમોદનો ફોન આવ્યો અને એવી જ રીતે વિવેકનો પણ ફોન આવ્યો. જોકે બહેનના સીમંતના પ્રસંગે અતિ વ્યસ્તતાને કારણે તેઓ આવી શક્યા ન હતાં. જાદવજી જસમતે પણ દીકરાઓ સાથે ટૂંકમાં પતાવ્યું.બેધડક સોઈ ઝાટકીને મીઠાં ઘા એ જાદવજી એ શરુ કર્યું.

“સુરેખાને ત્યાં ભાણીયો નાનો થયો છે. સગા સંબંધીને વેવાઈ વેલાને તેડાવ્યા છે, સમય હોય તો આવજો બાકી શેર બજાર માં કામ હોય તો આ ગામ બજારમાં ના આવતા.” અને બને દીકરાઓ વિચારતા થઇ ગયાં. વરસ દિવસથી પાપાનું વર્તન ફરી ગયું હતું. બને છોકરાઓ વેલ સેટ જ હતાં. પિતાએ બધી જ મદદ કરી હતી . પણ હજુ તો પાપા પાસે અઢળક સંપતિ હતી. અને આમેય તમે જેની અવગણના કરો એ વસ્તુ સામે ચાલીને આવે એમ બંને દીકરા સપરિવાર પાપાને દર્શન દેવા પધાર્યા. ભવ્ય ઉજવણી થઇ. ગરીબોને પુષ્કળ દાન અપાયું. લોકોમાં જાદવજી જસમતની વાહ વાહ થઇ. બધું પતી ગયાં પછી એક રાતે પરિવારને ભેગો કરીને જાદવજી જસમત બોલ્યાં.

“ આજે હું જ બોલીશ , બીજા કોઈ કશું જ નહિ બોલે, બીજા ફક્ત સાંભળશે, મારો બાપ મારી પાછળ ચાલીશ વિઘા જમીન અને બે ઓરડાનું જૂનું મકાન મારી માટે મૂકી ગયાં હતાં. બાકી હું બધું મારી અને કાંતાની જાત મહેનતથી કમાયો છું. બેય દીકરાઓ મેં તમને લાઈન પર ચડાવી દીધા છે તેમ છતાં હું તમને હજુ પણ કશુક આપીશ. બાપ દાદા વખતની જમીન તમને બેય ને સરખે ભાગે આપું છું. જૂનું મકાન હું રાખું છું. મારા બાપાની નિશાની છે. હું જે કાઈ કમાયો છું એ , આ બંગલો , બધી જ મિલકતો, ઓઈલ મિલ , કપાસનું જીન અને બીજું બધું જ બેંક બેલેન્સ હું સુરેખા અને ભાણીયાને આપું છું. મેં સુરેખા પાસે કશું માંગ્યું જ નથી પણ દીકરી પાસે આજે એક બાપ માંગે છે કે બેટા હું જે કહું એ માની લેજે. હું મારી સંપતિ એવાં હાથમાં આપવા માંગુ છું જે દિમાગ થી વહીવટ ના કરે પણ દિલથી વહીવટ કરતી હોય. સુરેખા મને વિશ્વાસ છે કે તને આપેલી આ સંપતિ યોગ્ય જગ્યાએ જ વપરાશે. બધાને હું યોગ્યતા પ્રમાણે જ આપું છું. સહુ જઈ શકે છે.” કહીને જાદવજી જસમત લાકડી લઈને કાંતાબેનના સહારે પોતાના રૂમમાં જતાં રહ્યા!!

પ્રમોદ અને વિવેક પછી લગભગ ગામમાં આવ્યા નથી જ!! જાદવજી જસમત જુના મકાનમાં ચાલ્યા ગયાં. જ્યાં એનો જન્મ થયો હતો. સુરેખાના સાસુ સસરા ક્યારેક કાંતાબેન અને જાદવજી ને તેડી જાય અથવા તો તેમની સાથે જુના મકાનમાં ૧૦ દિવસ રહી જાય છે. સુરેખા અને અનુપમ હવે આ બંગલામાં જ રોકાઈ ગયાં. હા તેઓએ નોકરી ચાલુ જ રાખી છે. પાપાની મિલકતનું એક ચેરીટેબલ ટ્રસ્ટ બનાવીને ગરીબ અને તેજસ્વી બાળકો આગળ ભણી શકે તે રીતની સહાય આ ટ્રસ્ટ કરી રહ્યું છે. જાદવજી જસમત ના અવસાન વખતે સુરેખાના ભાણીયા એ અગ્નિદાહ આપ્યો હતો. મોટા બે ય દીકરા અતિ વ્યસ્ત હોવાથી આવી શક્યા નહોતા. એક દીકરી બાપાની અંતિમ ઈચ્છાને બખૂબી નિભાવી રહી છે.

લેખક : મુકેશ સોજીત્રા

ખુબ સુંદર વાર્તા. શેર કરો અને આવીજ વાર્તા અને માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી