દાલ પકવાન – વેકેશનમાં રોજ નવીન વાનગી બનાવો, આજે રુચીબેન લાવ્યા છે સિંધી મિત્રોના દાલ પકવાન…

આ પ્રખ્યાત સિંધી વાનગી સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ છે. આ દાલ પકવાન પચવા માં થોડા ભારે હોવાથી સવાર ના નાસ્તા કે જમવા માં લઇ શકાય. દાલ પકવાન ની સાથે બારીક સમારેલા કાંદા , કોથમીર ની તીખી ચટણી, ખજૂર આમલી ની મીઠી ચટણી પીરસો. અહીં બતાવેલ રેસિપી કદાચ પરફેક્ટ સિંધી રેસિપી ના પણ હોય , પણ વિશ્વાસ રાખો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે આ દાલ પકવાન.

સામગ્રી :

દાલ માટે::

• 2 વાડકા ચણા ની દાળ

• મીઠું

• 1 તજ પત્તુ

• 1 ટામેટું

• 2 લીલા મરચાં

• થોડા લીમડા ના પાન

• 1 ચમચી ખમણેલું આદુ

• 4 ચમચી તેલ

• 2/3 ચમચી ગરમ મસાલો

• 1 ચમચી લાલ મરચું

• 2/3 ચમચી હળદર

• 1/2 ચમચી હીંગ

• લીંબુ નો રસ , સ્વાદાનુસાર

પકવાન માટે ::

• 1 વાડકો ઘઉં નો લોટ

• 1.5 વાડકો મેંદો

• મીઠું

• 1 ચમચી જીરા નો અધકચરો ભૂકો

• 2/3 ચમચી અજમો , અધકચરા વાટેલા

• 1/2 ચમચી મરી , અધકચરા વાટેલા

• 3 થી 4 ચમચી તેલ , મોયન માટે

• તળવા માટે તેલ

રીત ::

ચણા ની દાળ ને ધોઈ 40 થી 45 મિનિટ માટે હુંફાળા પાણી માં પલાળી દો. પલાળી ને રાંધવા થી દાળ એકસરખી અને ઝટપટ થઈ જશે.

હવે આ પલળેલી દાળ ને કુકર માં લો. એમાં પૂરતું પાણી , થોડું મીઠું , થોડી હળદર અને એક તજ પત્તુ ઉમેરીશું. હવે ધીમા તાપે 1 સીટી માટે બાફો. દાળ બફાય પણ જવી જોઈએ અને છૂટી પણ રહેવી જોઈએ.

મિક્સર માં સમારેલુ ટામેટું, સમારેલ મરચા , લીમડો અને ખમણેલું આદુ કે આદું ના કટકા ઉમેરી એકદમ ઝીણું વાટી લો. આ પેસ્ટ એકદમ સ્મૂધ કરવી.

કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં જીરું ઉમેરો. જીરું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી હિંગ ઉમેરો. ત્યારબાદ તેલ માં વાટેલી પેસ્ટ ઉમેરો.

ધીમા તાપે પેસ્ટ ને સાંતળો. તેલ છૂટું પડે એટલે આ પેસ્ટ માં જરૂર મુજબ મીઠું, હળદર, ગરમ મસાલો , લાલ મરચું ઉમેરી ને શેકો.

ત્યારબાદ બાફેલી ચણા ની દાળ પાણી સાથે જ કડાય માં ઉમેરો. સરસ રીતે મિક્સ કરી ધીમા તાપે 2 થી 3 મિનિટ ઉકાળો. જરૂર અનુસાર લીંબુ નો રસ ઉમેરો. ગેસ બંધ કર્યા બાદ દાલ પાણી ચૂસી લેશે. તો પાણી એ પ્રમાણે રાખવું. તૈયાર છે આપણી દાળ.

હવે બનાવીએ પકવાન . મોટી થાળી માં ઘઉં નો લોટ, મેંદો , મીઠું, અજમો , જીરું , મરી નો ભૂકો અને મોયન ઉમેરો. અહીં મેં જીરું , અજમો અને મરી પાટલા પર રાખી વેલણ ની મદદ થી અધકચરા કર્યા છે. આપ ચાહો તો મિક્સર માં કરી શકો.

થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. આ કનક બહુ કઠણ કે બહુ ઢીલો ના હોવો જોઈએ. ઢાંકી ને 20 થી 30 મિનિટ માટે બાજુ પર રાખી મુકો.

તૈયાર કરેલ કણક માંથી નાના લુવા બનાવી થોડી મોટી પુરી વણો. હાથ કે ફોર્ક થી કાણાં પાડવા જેથી ફુલે નહીં.

આ પુરી બહુ જાડી કે બહુ પાતળી ના બનાવવી.

ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો . હલકા બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળો. બહાર કાઢી કિચન પેપર કે ટીસ્યુ પેપર પર રાખી દો.

વધારાનું તેલ નીકળી જશે. એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો. આ પાકવાન દાળ સાથે ટેસ્ટી લાગે જ છે પણ ચા સાથેય એટલા જ સરસ લાગે છે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

આશા છે પસંદ આવશે. વિડિઓ જોવા માંટે આ લિંક ક્લિક કરો

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો...જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે...

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ - રસોઈની રાણી.