દાળ-ભાત એક એવી વાનગી જેના વગર આપણું ખાવાનું રહે અધૂરું, હવે તો વિદેશીઓએ પણ માની લીધી છે આ વાત…

ભારત દેશ સંપૂર્ણપણે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ગુજરાતી, પંજાબી, સાઉથ – ઇન્ડિયન હોય કે રાજસ્થાન દાળ એવી વાનગી છે જે જુદા – જુદા સ્વરૂપે થાળીમાં પીરસાય છે. જેઓ વેજિટેરિયન આહાર લેવાનું પસંદ કરે છે અને જમવાના શોખીન છે એવા લોકો માટે એક સારા સમાચાર છે. દાળ – ભાતને સંતુલિત આહાર તરીકે જાહેર કરાયા છે.

દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટિન અને જરૂરી મિનરલ્સ આવેલા હોય છે. જેને રાંધીને ખાવાથી તેનામાં રહેલ પૌષ્ટિક તત્વોમાં વધારો થાય છે. વળી, વઘારમાં આવતા મસાલા, તેલ – ઘી, હળદર, હિંગ, મીઠું – મરચું વગેરેથી એ ફક્ત સ્વાદિષ્ઠ જ નથી બનતું એમાં આરોગ્યપ્રદ સંતુલન પણ જળવાઈ રહે છે. દાળને સામાન્ય રીતે ભાત, રોટલી – રોટલા – પરોઠા સાથે ખવાય છે. જેથી પ્રોટિન – વિટામિન સાથે સ્ટાર્ચ – ગ્લૂકોઝ અને જરૂરી અન્ય પૌષ્ટિક સત્વો પણ મળી રહે છે. દાળ – ભાત એવી વાનગી છે જે એકમેકમાં ભળી જઈને સુયોગ્ય પાચન કરે છે અને પેટ પણ ભરાય છે. સંતોષ મળે છે એક વાટકી આ સ્વાદિષ્ટ દાળ – ભાત ખાઈને.

ગુજરાતમાં દાળ ભાત કહેવાય છે એમ પંજાબમાં દાલ – ચાવલ અને સાઉથ ઇન્ડિયામાં રસમ ભાત ખવાય છે. તેમને બનાવવાની રીત અને મસાલા ભલે ભિન્ન હોય પરંતુ ભારતીય લોકોને આ ભોજન ખૂબ પસંદ હોય છે.

દાલ-ચાવલ સાથે ખાવાથી અદભૂત આનંદ આવે છે. આ વાત હવે વિદેશીઓ પણ સ્વીકારે છે. અંશતઃ બાફેલું કે કાચું પાકું વઘારેલું અથવા તો માઈક્રોવેવમાં બેક કરેલ કોઈપણ વિદેશી વાનગીઓમાં પરિપક્વ કરેલ ભારતીય વાનગી એમાંય દાળ – ભાતને તોલેસ કંઈ ન આવે. મેંદો કે અન્ય લોટમાંથી બનાવેલ વાનગી જો બરાવર પકાવીને બનાવવામાં ન આવી હોય તો તે પેટમાં ચોટે છે. તેથી નૂડલ્સ કે પિત્ઝા જેવી વાનગીઓમાં મુખ્યત્વે જ્યારે ચરબીની માત્રા વધારે હોય ત્યારે આ દાળ – ભાતની સરખામણી થઈ જ જાય છે. દાળમાં અમુકવાર બટાકા, ટમેટાં, દૂધી, મરચાં, લિમડો અને શીંગ જેવાં શાક પણ પડે છે. એ તેની પૌષ્ટિકતામાં વધારો કરે છે. અને ભાતમાં વિવિધ શાક અને મસાલા નાખીને પણ ખવાય છે ત્યારે સ્વાદ અને સ્વાથ્યમાં વધારો કરે છે. કાળી દાળમાં માખણ નાખીને ખાવાથી વધુ સ્વાદિષ્ઠ થઈ જાય છે.

એક અહેવાલ અનુસાર, પૃથ્વી પર ત્રણ અબજ લોકોને ખોરાક આપવાના વૈશ્વિક બોજને ઘટાડવા માટે, ૨૦૫૦માં ડાઈનિંગ ટેબલ પર નાસ્તા માટે દેખાશે થોડાં ફળો; જમવામાં માટે ભાત – મસૂરની દાળ અને શાકભાજીનો ઉપયોગ ડિનરમાં થશે. અને એકાદવાર અઠવાડિયે હેમબર્ગર ખવાશે. કારણ કે માસાહારી લોકો આંક જો વિશ્વમાં વધશે તો જીવન સંતુલન વધુ બગડશે. તેથી વિશ્વ વ્યાપી સૌએ એક થઈને શાકાહાર તરફ વળવાની તજવીજમાં જોડાવવું પડશે.

એક સમય હતો કે લીમડાના દાતણનો વિદેશમાં વિરોધ થતો, યોગ – પ્રાણાયામનો અને કોલસાના ઉપયોગ માટે ભારતીય સંસ્કૃતિ પ્રણાલીની મશ્કરી થતી હતી. પરંતુ, વિશ્વએ ફરી એકવાર કેટલાંક સંશોધનો થયાં છે જેમાં આપણા દેશની અગાઉથી ચાલી આવતી પ્રથાઓની સ્વીકૃતી થઈ છે.

વિદેશીઓની પણ હવે દાળ ગળવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આપણે આપણી સદીઓથી ચાલી આવતી સિસ્ટમની મજાક ઉડાવ્યા વગર ગર્વ લેવો જોઈએ.

ભગવાન કરે, નજર ન લાગે ભારતની ભરેલી થાળીને જેમાં ફકત દાળ – ભાત જ નહીં, શાક, રોટલી, રાયતું, અથાણું, પાપડ છાશ બધું જ ખૂબ પ્રખ્યાત થાય ભારતીય ભોજનની દરેક વાનગીઓ.