ભારત સહિત દુનિયાભરમાં હવે જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેમાં વધારે કેસ ડેલ્ટા વેરિયંટના છે. એ વાત યાદ કરવી જરૂરી છે કે આ વર્ષે ભારતમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન પણ આ વેરિયંટે ભારે તબાહી મચાવી હતી. ડબલ્યૂએચઓએ ચેતવણી આપી હતી કે કોરોના વાયરસ પહેલી રિપોર્ટ પછીથી સતત બદલી રહ્યો છે અને આગામી સમયમાં પણ બદલતો રહેશે. અત્યાર સુધીમાં કોરોનાના ચાર વેરિયંટ ઓફ કંસર્ન સામે આવી ચુક્યા છે. આ ચારમાં ડેલ્ટા સૌથી વધુ ભયંકર છે અને સંક્રમક છે.

આ સ્થિતિમાં દેશમાં અને વિદેશમાં પણ કોરોનાના નવા કેસમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે કોરોનાનો નવો વેરિયંટ ઘાતક બની રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચેતવણી આપી છે કે ત્રીજી લહેરને આવતા રોકવી હોય તો તેના માટે રસીકરણ ઝડપી કરવું જરૂરી છે. કારણ કે ડેલ્ડા વેરિયંટનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જેમ બીજી લહેર પહેલા લોકોને ચેતવ્યા હતા તેમ આ વખતે પણ ચેતવ્યા છે અને જણાવ્યું છે કે દુનિયા ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં પહોંચી ચુકી છે. હવે ત્રીજી લહેરને આવતા રોકવી તે લોકોના હાથની વાત છે. આ સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે રસીકરણની ગતિ પણ વધારવી જરૂરી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયંટથી વિશ્વને સૌથી મોટું જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે જરૂરી છે કે રસીકરણની ગતિ વધારવી પડશે. ભારત સહિત દરેક દેશમાં રસીકરણ ઝડપી કરવું પડશે. વર્ષના અંત સુધીમાં 40 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું હોય તે જરૂરી છે. આ સાથે જ આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં દુનિયાના દરેક દેશમાં 10 ટકા રસીકરણ થઈ ચુક્યું હોય તે જરૂરી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એ દેશો માટે ચિંતા વ્યક્ત કરી હતી જ્યાં રસીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું જણાવવું છે કે સપ્ટેમ્બર સુધીમાં વધુને વધુ લોકોને રસી અપાઈ જાય તે જરૂરી છે. આ સાથે જ વર્ષ 2022 સુધીમાં તમામ દેશોમાં 70 ટકા જેટલું રસીકરણ થઈ જાય તેવું પણ અનુમાન વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા લગાવવામાં આવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ઈમર્જન્સી ડાયરેક્ટર માઈકલના કહ્યાનુસાર કોરોનાનો ડેલ્ટા વેરિયંટ વિશ્વ માટે જોખમી બની ચુક્યો છે. આ વેરિયંટની શરુઆત ભારતથી થઈ હતી પરંતુ હવે તે ભારત સહિત દુનિયાના 132 દેશોમાં પગપેસારો કરી ચુક્યો છે. તેથી હવે તેને ધ્યાનમાં લઈ અને ત્રીજી લહેર બનીને ત્રાટકે નહીં તે માટે તૈયારી શરુ કરી દેવી પડશે.