કોરોના તારા કારણે – આ વખતે તો આટલા દિવસ ચઢી ગયા, હવે શું થશે ક્યાંક તેણે કરેલ ભૂલ…

બી એસસી એગ્રી. ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એ ફાર્મહાઉસ પર રહેવા ચાલી ગયેલી. ફાર્મનો ચોકીદાર કુટુંબ સાથે રહેતો હતો એટલે એને ચોકીદારની પુત્રી મધલી જોડે એને સારાં બહેનપણાં થઈ ગયેલાં. આખો દિવસ ક્યારે પસાર થઈ જતો એની ખબરેય ના પડતી. મહિને એકાદ વખત જ એ મધીની કંપનીમાં શહેરમાં જઇ આવતી. ને અઠવાડિએ એકાદ બે વખત મિત તેની મુલાકાત લેતો.

image source

ના ટીવી ના રેડિયો ના ન્યૂઝપેપર એને હવે કોઈમાં રસ રહ્યો ના હતો. એતો માત્ર રાહ જોઈ રહી હતી એના મિતની. હા એના મનના મિત, મિતેસ સિવાય એને કાંઈ પણ નજરે આવતું ના હતું. બિઝનેશ ટૂર પર વિદેશ ગયેલ મિતેસ ક્યારે પરત આવે ને ક્યારે એપ્રિલ માસની પંદર તારીખ આવે આ બે ક્ષણોની તેને ઇન્તેજારી હતી. મૂહરત પ્રમાણે વાર તારીખ નક્કી થઈ ગયાં હતાં. કંકોત્રીનો ફરમો નક્કી થઈ ગયો હતો. પણ સમય જાણે થંભી ગયો હતો. એક એક દિવસ તો શું એક કલાક કાઢવી તેના માટે દોયલી બની ગઈ હતી.

નક્કી થયુ હતું ત્યારે બંને કુટુંબના સભ્યોએ મિત- મોનાની જોડીને એકી અવાજે વધાવી લીધી હતી. ફાર્મહાઉસ પર મિતની અવરજવર વધી ગઈ હતી. ઘણી સાંજો એમણે ત્રીસ વીઘાના એ ફાર્મહાઉસમાં વિતાવી હતી. ક્યારેક એ બોરના હોજ પર બેઠાં બેઠાં એક બીજાને પાણી ઊડાડતાં તો ક્યારેક ફાર્મની પશ્ચિમ દિશાએ આવેલ ખેતતલાવડીની પાળે એકબીજામાં એવાં ખોવાઈ જતાં કે સમય પણ શરમાઈ જતો. સંધ્યાને હડસેલો મારી રાત્રી પોતાનું સ્થાન ક્યારે જમાવી લેતી તેની પણ તેમને ભાન રહેતું નહીં. એક વખતતો વાતોમાં ને વાતોમાં આંબાવાડીની સુંવાળી લોંન પર ક્યારે તેમની આંખો મીંચાઈ ગયેલી તેની તેમને ખબર રહેલી નહીં ને ચોકીદારની પત્નીએ તેમને જગાડયાં ત્યારે ખબર પડી કે રાતના દસ વાગી ગયા છે. આમ ને આમ દસ મહિના એક આંખના પલકારામાં ક્યારે નીકળી ગયા તેની ખબરેય ના પડી.

image source

રિમઝીમ બરસતા સાવન હોગા… ઝીલમિલ સિતારોંકા આંગન હોગા !…. એ વિચારોમાં મગ્ન બની ગઇ હતી. એની બિઝનેસ ટુર પૂરી કરી એ ઇન્ડિયા આવી જાય એટલે એના જીવનનું એક નવું પ્રકરણ શરૂ થનાર હતું. હજુ એને ગયાને પૂરો મહિનો પણ થયો ના હતો ને તે અત્યારથી તેની રાહ જોવામાં ખોવાઈ ગયેલી.

એને આંબાની ડાળીએ લટકાવેલ પરબનું કુંડું સાફ કરી એમાં તાજું પાણી ભર્યું. જેવી એ થોડી આગળ વધી ત્યાં તો ચીં… ચીં… કરતી ચકલીઓ ઉડાઉડ કરતી આવી પહોંચી ને પાણી પીવા લાગી. કેટલી તરસ હશે ! તે પાણી મળતાં જ ક્ષુધા પુરી કરી લીધી. કેવી કિલકીલાટ કરી રહી છે ! આવી તરસ તેને પણ ક્યાં નહોતી લાગી ! જન્મો જન્મની તરસી હોય તેમ જાણે ! આગળ પાછળનો વિચાર કર્યા વગર બસ એને તરસ છીપાવેલી. થાય શું કોઈ દિવસ નહીં ને કોણ જાણે કેમ ? એ જવાનો હતો એની આગલી રાતે તેને સામે ચાલીને આહવાન કરેલું અને એ સંમત થઈ થયેલી. હવે અત્યારે વિચારોના અવનવા ઘોડા દોડાવીને દુઃખી થઈ રહી છે. પાછું મન મનાવે છે. ‘બસ મિત બિઝનેસ ટુર પરથી પરત આવે એટલીજ વાર.’

આજે માર્ચ માસની સાત તારીખ થઈ પણ… પણ…કેમ આ મહિને હજુ…હું.. ?એને એક કમકમાટી આવી ગઈ ! જો એવું હોય તો મારું ભણતર લાજે! બાપુજીએ મારા પર મુકેલા વિશ્વાશનો ધ્વંસ થઈ જાય ! પણ અહીં કહેવું કોને ? શહેરથી દૂર આ ફાર્મહાઉસમાં કહું તો પણ કોને કહું. તેને દીપ્તિ યાદ આવી ગઈ. તેની એક માત્ર ખાસ ફ્રેન્ડ દીપ્તિ. કોઈ પણ અંગત કે ખાનગી વાત બેધડક કહી શકાય તેવી જીગરજાન મિત્ર દીપ્તિ. એને રિંગ કરવા જેવો મોબાઈલ ઓન કર્યો તો તે સાત માર્ચ બતાવી રહ્યો હતો. તેની નજર તારીખ પર પડી. દર વખતની ગણતરી મુજબ મોડામાં મોડી ત્રીજી માર્ચ સુધી.. તો ? ને…આજે સાત માર્ચ, આતો ચાર દિવસ ઉપર ગયા ! કદાચ કાલે પણ ના થવાય તો ? તોતેર મણનો ‘તો’ તેના માથે અથડાયો જાણે સિમેન્ટનો કોઈ ગઠ્ઠો તેના માથે પડ્યો હોય તેમ તે ધ્રુજવા લાગી.

image source

બાવીસ વર્ષની ઉંમરમાં કોઈ વખત આટલું મોડું થયું નથી. શરીર તો તંદુરસ્ત છે. દીવાલે જડેલ માનવકદ અરીસામાં તે પોતાની જાતને નિહાળવા લાગી. પોતાના બદન પર તેણે હળવેથી હાથ ફેરવ્યો. નિતરતું સૌંદર્ય એક લજ્જા અનુભવી રહ્યું. અનિયમત્તા તો ક્યારેય નથી થઈ તો પછી? તેને ચેન પડતું ના હતું. મોના તું ? ભણેલીગણેલી ને તેં આવડી મોટી પહાડ જેવડી ભૂલ કરી બેઠી ? તે પોતાની જાતને પ્રશ્ન કરી રહી હતી. ” ના મેં કોઈ કોઈ ભૂલ નથી કરી! મૂહરત જોવાઇ ગયું હોય, વાર તારીખ નક્કી થઈ ગઈ.

કંકોત્રીનો ફરમો એપ્રુવ થઈ ગયો હોય તેવા સંજોગોમાં એ ભૂલ કહેવાતી હશે ? તો પછી આજે કેમ તને ચિંતા ઘેરી વળી છે?” પછી ફરી ફરી એના મનમાં પ્રશ્નો ઊઠતા રહયા ને જાતેજ તેનું સમાધાન કરતી રહી. એણે યાદ કરી જોયું. છેલ્લે ક્યારે આવી હતી પિરિયડમાં ? ફરી એ દિવસોની ગણતરી કરવા લાગી. બુદ્ધિ જાણે બહેર મારી ગઈ હતી.

image source

પગ તેના જમીન પર ટકતા ના હતા. આમથી તેમ તે આંટા લગાવી રહી હતી. જોરથી પવન ફૂંકાઇ રહ્યો હતો. ફાર્મહાઉસનાં બારીબારણાં ફડાફડ સામસામે અથડાવા લાગ્યાં. પડદા ઊડાઊડ કરી રહયા હતા. ભીંત પર ટીંગાતું કેલેન્ડર જોરજોરથી ઘુમતું ઘુમતું ઊડી ને તેની પાસે આવીને પડ્યું.

ઝડપથી તેણે કેલેન્ડર ઉપાડ્યું. ફેબ્રુઆરી માસનું પાનું તેની નજર સામે આવ્યું હતું. ફરી તે તારીખ વાર આંગળી લગાવીને દિવસો ગણવા લાગી તો એતો હબક ખાઈ ગઈ. અરે…આ ફેબ્રુઆરીના ઓગણત્રીસ ને બદલે તે એકત્રીસ દિવસ ગણતી હતી તેમાં આ ગોટાળો થઈ ગયો. હાશ ! વાવાઝોડું સમી ગયુ ને મનસમંદરના બંદર પર ફરકતો ત્રણ નંબરનો સિગ્નલ ઉતરી ગયો.

image source

એ આવી રહ્યો હતો. ઘણા ઉમળકાથી તેને આવકારવા એ એરોડરામની ફરસ પર દોડવા લાગી. પ્લેનમાંથી ઉતરીને આવી રહેલા મિતને મળવા તે અધીરાઈથી આગળ વધી. ત્યાં તો મિત અને તેની પાછળ પાછળ આવી રહેલ યુવતી સહિત મુસાફરોનું આખું ટોળું ક્યાંક ગૂમ થઈ ગયું. આજ દસ-બાર દિવસ થઈ ગયા પણ મોના હજુ તેના મિતને મળી શકી નથી. કેવો આ સમય ! કેવો આ કોરોના ! ક્યાંથી આવ્યો આ કોરોના ! આમને આમ ક્વોરોનટાઇલ થયેલ મિતને મળવા એ તડપતી રહી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ