રામ મોરી દ્વારા લખાયેલી સ્ત્રી જીવનના અજાણ્યા અને અંગત ખૂણાને સ્પર્શતી વાર્તા…

“COMPLEMENT”

આજે રવિવાર. યશ ગઈકાલે રાત્રે જ દિલ્હી ગયા, માર્કેટીંગ હેડ છે એ.અચાનકથી પ્રેઝન્ટેશન ગોઠવાયું હતું એટલે એની કંપનીએ તાત્કાલીક યશને દિલ્હી મોકલ્યા હતા. મુંબઈ અમારી ટ્રાન્સફર થઈ એ વાતને આજે કદાચ છ મહિના પુરા થશે. આમ તો હું કવિતાઓ લખું છું અને સાયકોલોજીમાં એમ.એ થયેલી છું. બારીના પડદામાંથી ચળાઈને તડકો ઘરમાં આવે એ પહેલાં તો ઉભી થઈ ગઈ.બ્રશ કરીને ગરમાગરમ ચાય અને ટોસ્ટ સાથે ન્યુઝ પેપર લઈને ગેલેરીમાં ઝૂલા પર બેઠી.

દીકરી મનાલીમાં બોર્ડીંગ સ્કૂલમાં, દિકરો અમેરિકા કોલેજમાં અને યશ ઓફીસના કામથી દિલ્હી.ખાલી ઘરમાં મને અકળામણ થવા લાગી.અચાનક મારું ધ્યાન ન્યુઝ પેપરના એક કોર્નરમાં આવેલી એડ તરફ ગયું. નાટકની જાહેરાત હતી, “મેં તુમ્હે ફીર મીલુંગી !”. સાંજના સાત વાગ્યાનો શો પૃથ્વી થિએટરમાં. અમૃતા પ્રિતમ અને સાહિરના જીવન પર નાટક. અમૃતા પ્રિતમ તો મારી ફેવરીટ કવયિત્રી. વાહ ! ફટાફટ ઘરની સાફસફાઈ કરીને નાહીને વોર્ડરોબ ખોલીને ડ્રેસીંગગ્લાસની સામે ઉભી રહી. જીવનના ચોથા દાયકામાં બે બાળકો સાથે ખૂબ સફળ થયેલો પતિ પામી ત્યાં સુધીમાં તો સુખ વધુ પડતી ચરબી બનીને મને પજવી રહ્યું છે.

સાડીઓની થપ્પીઓમાંથી સૌથી છેલ્લે ગુંગળાઈને ટુંટીયુવાળીને છૂપાયેલી ડાર્ક રાણી કલરની બાંધણી પર આંગળીઓ ઠરી પણ તુરંત મન સહેજ ઝંખવાઈ ગયું કેમકે એ બાંધણીની ગડ ઉકેલી તો કપુરની સુગંધની જોડાજોડ એમાંથી કંઈકેટલાય પોતીકા અવાજો સંભળાયા.

“આ સાડીમાં તું એકદમ ભેંસ જેવી લાગે છે મમ્મી.”
” તું આ સાડી પહેરવાની હોય તો મારી સાથે પાર્ટીમાં ન આવતી.”
” કેટલી આઉટઓફ ડેટ સાડી છે મોમ !” પરણીને આવી ત્યારે હર્ષભેર લીધેલી આ બાંધણી અને લીધી ત્યારથી પહેરી નથી શકી. આજે તો કોઈ કશું કહેવાવાળું કે જોવાવાળું નહોતું પછી તો જાણે બાંધણી જ મને વીંટળાઈ ગઈ. ઢળતો અંબોડો અને પર્સમાં અમૃતા પ્રિતમની કવિતાનું પુસ્તક લઈને ઉતાવળે હું સ્ટેશને પહોંચી અને ટ્રેન પકડી વીલેપાર્લે ઉતરી. વીલેપાર્લેથી ટેક્સી પકડીને જુહુ પૃથ્વી થિએટર પહોંચી.ઉતાવળી ચાલે હું ટિકિટ વિન્ડો સુધી પહોંચી અને નાટકના મોટા મોટા પોસ્ટર્સને જોતી પર્સમાંથી પૈસા કાઢીને બોલી,

“એક ટિકિટ,મૈં તુમ્હે ફીર મીલુંગી !”

મારા પૈસાહાથમાં જ રહી ગયા. ટિકિટવાળાએ મને હાઉસફૂલ બોર્ડ તરફ ઈશારો કર્યો. ઓહ !! મારી અંદર જાણે કે શારડી ફરી વળી.એક વખત નાટકના પોસ્ટર તરફ નજર કરી અને અફસોસનો ગરમ ઉચ્છવાસ મોઢામાંથી નીકળી ગયો. થાકી હતી એટલે પૃથ્વીના કાફેની આઈરીશ કોફી લઈને પુસ્તક કાઢીને ખૂણાના એક સ્ટુલ પર વાંચવા બેઠી. સાંજ થવા આવી હતી. અચાનક એક અંદાજીત પચ્ચીસેક વર્ષનો છોકરો મારા ટેબલ પર આવીને બેસી ગયો અને સ્મિત કરીને બોલ્યો.

“હાઈ,સેલ્ફી લઈ શકું આપની સાથે ?” હું કશું સમજું કે સ્મિત કરું એ પહેલાં તો એણે પેન્ટના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને મારી એકદમ નજીક આવીને સ્માઈલી ફેસ સાથે ફટાફટ સેલ્ફીલઈ લીધી.મને બહું જ ઓકવર્ડ લાગ્યું કે આ મોટા શહેરના છોકરાઓ તો સાવ શરમ વગરના છે. મેં મારું મોઢું પુસ્તકમાં રાખ્યું પણ એ ન અટક્યો,
“આપ થિએટર કરો છો ?”

“ના.”
“તો ?”
“હાઉસ….અઅઅ કવયિત્રી છું !”
“ઓહ, ધેન તમે અમૃતા પ્રિતમનું નાટક જોવા આવ્યા હશો રાઈટ ?”
“હા પણ અફસોસ. ટિકિટ નથી મળી.”
“ઓહ !”

એટલામાં નાટકનો પહેલો બેલ સંભળાયો. લોકો જવા લાગ્યા. મને થયું મારે પણ ઘરે જવું જોઈએ. હું જેવી ઉભી થઈ કે એ બોલ્યો,
“એકસક્યુઝમી મેમ !” મેં એની સામે જોયું તો એણે નાટકની ટિકિટ મારી તરફ ધરી. હું ચોંકી ગઈ
“ઓહ,નો થેંક્સ મને આની જરૂર નથી.”
“રાખી લો મેમ. હું તો અહીં જ હોઉં છું. ફરી જોઈ લઈશ. તમને ફરી અનુકુળતા ન પણ હોય.” હું એની સામે જોઈ રહી.

“મફત નહીં લઉં હોં !” એમ કહીને મેં પર્સમાંથી પૈસા કાઢ્યા, એના હાથમાં મુક્યા અને ટિકિટ લીધી. ટિકિટ લઈને હરખાતી નાટક જોવા આગળ વધી કે તુરંત કંઈક વિચાર આવ્યો તો પાછળ ફરી અને પેલા છોકરાને બૂમ પાડીને મેં બોલાવ્યો,

“સાચું બોલજે,તેં મને આ ટિકિટ કેમ આપી દીધી ? તને સાચ્ચે જ નથી જોઉં આ નાટક ?”
એ મારી સામે હસીને બોલ્યો,

“જસ્ટ બીકોઝ ઓફ તમારી આ સાડી. આઈ ડોન્ટ નો કે આ સાડીને શું કહેવાય પણ યુ લુક સો બ્યુટીફૂલ ઈન ધીસ સારી. તમારી આ સાડીએ મારી સાંજ બનાવી દીધી એટલે મેં ટિકિટ તમને આપી દીધી.”
હું એકીટશે એની આંખોમાં છલકાયેલા મારી બાંધણીના રંગોને જોતી રહી અને સેકન્ડ બેલની ઘંટડીઓ વાગવા લાગી.

લેખક : રામ મોરી

હવે વાંચો રામ મોરીની ખુબ સુંદર વાર્તા અમારા પેજ પર, લાઇક કરો અમારું પેજ…

ટીપ્પણી