ટેસ્ટી-ફ્લેવરફૂલ અને “કલરફૂલ લેયર પુલાવ” બનાવવાનની રીત

જેને જોઈ ને જ તમે જોતા જ રહી જાવ તેવો એક પણ કલર વાપર્યા વિના બનાવેલો કલરફુલ લેયર પુલાવ એક વાર જરૂર થી બનાવા જેવો છે.

બધા જ લેયર શાકભાજી માંથી બનાવેલા હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટીક છે.
તમારા ઘરે મહેમાન આવે અને આ પીરસો તો બસ એ જોતાં જ રહી જશે એની ખાતરી આપું છું.

આ પુલાવ ની ખાસિયત એ છે કે બધા જ કલર ના પુલાવ નો ટેસ્ટ અલગ અને સ્વાદિષ્ટ છે. મિક્સ કરી ને ખાઓ તો પણ અલગ જ સ્વાદ આવશે.

આ પુલાવ મારી mummy અમારા માટે બનાવતી .. અને આજે મેં બધા માટે બનાવ્યો છે.

કલરફુલ લેયર પુલાવ માટે ની સામગ્રી:-

8 કપ રાંધેલા બાસમતી ચોખા ( જે વધુ પડતા પોચા કે કડક ના હોવા જોઈએ નહીં તો એના લેયર સારા નહીં બને)

યેલો લેયર માટે:-

1/ 2 ચમચી ઘી
2- 3 કાજુ
10- 12 કિશમીસ
1 નાનું તજ
1 લવિંગ
1/ 4 કપ જીણી સમારેલી ડુંગળી
1/ 2 કપ બાફેલી મકાઈ
1/2 કપ યેલો કેપ્સિકમ
1/ 4 ચમચી હળદર
ચપટી સફેદ કે કાળા મરી નો ભૂકો
મીઠું સ્વાદાનુસાર
2 વાડકી રાંધેલો ભાત

રીત :

સૌ પ્રથમ કડાઈ માં ઘી લો અને ગરમ થાય એટલે એમાં હળદર ,તજ , લવિંગ, કાજુ ,કિસમિસ અને ડુંગળી ઉમેરી થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો .

પછી તેમાં કેપ્સિકમ અને બાફેલા કોર્ન ઉમેરો. 1 મિનિટ સાંતળી ને એમાં મીઠું અને મારી પાવડર ઉમેરી ને ભાત નાખો . બધું બરાબર મિક્ષ કરો અને બાજુ માં રાખો. યેલો લેયર બની ગયું છે.

ગ્રીન લેયર માટે :-

1 કપ પાલક
1- 2 લીલા મરચાં
1 ચમચો લીંબુ નો રસ
1 ચમચી તેલ
1/ 2 કપ સમારેલી ડુંગળી
2 ચમચા બાફેલા વટાણા
2 ચમચા લીલા કેપ્સિકમ
2 ચમચા સમારેલો ફુદીનો
1/ 2 ચમચી કાળા મરી નો ભૂકો
મીઠું સ્વાદાનુસાર
2 કપ રાંધેલો ભાત

રીત : 

સૌ પ્રથમ એક કડાઈ માં 1/2 ચમચી તેલ મૂકી તેમાં ચપટી ખાવાનો સોડા નાખી ને પાલક,લીલા મરચાં 1 મિનિટ માટે સાંતળી લો. ઠંડુ થાય એટલે મિક્સર માં લીંબુ નો રસ નાખી ને પ્યુરી બનાવી લો.

હવે એજ કડાઈ માં તેલ મુકી ચપટી હિંગ નાખી ને ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. તેમાં ફુદીનો , કેપ્સિકમ,અને બાફેલા વટાણા નાખી ને 1 મિનીટ માટે પકવો.

પછી તેમાં પાલક પ્યુરી, મીઠું, મરી નો ભૂકો નાખી ભાત ઉમેરી ને બધું બરાબર મિક્ષ કરી ને રાખી લો. આ ગ્રીન લેયર તૈયાર છે.

ઓરેન્જ લેયર માટે

2 નાના ટામેટાં
1 નાની ડુંગળી
2 ચમચી તેલ
ચપટી હિંગ
1 કપ છીણેલી ગાજર
1/2 ચમચી લાલ મરચું
1 /2 ચમચી ભાજીપાવ નો મસાલો
મીઠું સ્વાદ અનુસાર

રીત : 

એક કડાઈ માં તેલ મુકો અને ટામેટાં અને ડુંગળી સાંતળી લો. ઠંડુ થાય એટલે મિક્સર માં પૅસ્ટ બનાવી લો.

હવે એજ કડાઈ માં તેલ મુકો અને હિંગ ઉમેરી ગાજર નાખી ને સાંતળી લો. તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી 1 મિનિટ માટે સાંતળો. તેમાં મીઠું, મરચું, ભાજીપાવ મસાલો, અને 2 કપ ભાત ઉમેરી બધું બરાબર મિક્ષ કરો. ઓરેન્જ લેયર તૈયાર છે.

બીટ વાળું લેયર

1/2 કપ છીણેલું બીટ
1/2 કપ સમારેલી ડુંગળી
1/2 ચમચી તેલ
ચપટી મરી નો ભૂકો
મીઠું સ્વાદાનુસાર

રીત : 

પહેલાં કડાઈ માં તેલ મુકો અને તેમાં ડુંગળી સાંતળો. તેમાં બીટ ઉમેરો અને મીઠું અને મરી નો ભૂકો નાખી મિક્સ કરો. તેમાં 2 કપ ભાત ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.


બીટ વાળું લેયર પણ તૈયાર છે.

બધા લેયર ના ભાત બની ગયા છે. હવે તેને એક સાથે ગોઠવવા માટે એક થોડી ઊંડી હોય એવી સીધા તળિયા વાળી તપેલી લો. તેમાં ઘી લગાવી લો.

સૌથી પહેલાં બીટવાળો ભાત નાખો અને બરાબર ચમચા કે વાડકી ની મદદ થી દબાવી ને ભરો.
પછી તેની ઉપર ઓરેન્જ લેયરનો ભાત ઉમેરો અને દબાવી ને એક્સરખું લેયર બનાવો. મેં નાની વાડકી ની મદદ થી કર્યું છે.પછી ગ્રીન અને યેલો આવી જ રીતે એક ઉપર લેયર બનાવો.

થોડીવાર રહી ને એક પ્લેટ તપેલા પર મુકો અને તપેલું પ્લેટ સહિત ધીરેથી ઉલટું કરો. અને તપેલું ધીમે ધીમે હટાવી લો.
કલરફુલ લેયર વાલો પુલાવ તૈયાર છે.

આ પુલાવ જોડે કોઈ પણ રાઇતું અને પાપડ સરસ લાગે છે.

નોંધ:-

તમે આને નાના ઊંડા હોય એવા બાઉલ માં પણ બનાવી શકો છો.
અને બધા ની થાળી માં જુદું નીકળી ને આપી શકો છો.

પેહલા બનાવી ને રાખી શકાય અને જમતી વખતે સીટી નીકળી ને કુકર માં ગરમ કરી ને સર્વ કરાય અથવા માઇક્રોવેવ માં ગરમ કરી શકો છો.

આ રીત માં ભાત ને ગ્રેવી માં સોફ્ટ હાથે થી મિક્સ કરવું જેથી ભાત ના દાણા તૂટી ના જાય.
જમતી વખતે જ તપેલા માંથી પુલાવ નીકળવો .

કૅક ની જેમ કટ કરી ને પીરસો જેથી બધા ને બધા લેયર્સ થાળી માં બરાબર આવે .

તમે સફેદ સાદા ભાત નું પણ લેયર ઉમેરી શકો છો. મારા એક ફોટા માં તમે જોઈ શકો છો.

મને ખબર છે કે બહુ જ મહેનત માંગી લે એવી આ લાંબી રેસિપી છે. પણ એક્વાર સ્વાદ કરશો તો બધું જ સાર્થક છે.

તમેં ઈચ્છો તો અગાઉ થી બધી ગ્રેવી બનાવી ને રાખી શકો છો. અને જ્યારે પુલાવ બનાવો હોય ત્યારે ભાત ઉમેરી ને બનાવી શકો છો.

મારી મમ્મી ( Mrs. Smita Doshi) બહુ જ સારી cook છે. મને કુકિંગ કળા વારસામાં મળી છે. નાનપણમાં જ્યારે સફેદ ભાત મને ના ભાવતો ત્યારે મમ્મી આ પુલાવ મારા માટે બનાવતી.આ પુલાવ સાથે મારી નાનપણ ની ઘણી યાદો તાજી થાય છે.

 

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી