સખીઓ, એકદમ સ્પીડમાં બનતાં આ રોલ્સ બનાવવા સરળ રહે છે, ઉતરાયણના દિવસે જરૂર બનાવજો

ચોકલેટ – કોકો રોલ્સ

ક્યારેક એકદમ ઉતાવળમાં કઈક મીઠાઈ બનાવવી હોય ત્યારે આ રોલ્સ બનાવવા સરળ રહે છે.

સામગ્રી :-

૧૦૦ ગ્રામ મલાઈ,
૧૦૦ ગ્રામ સૂકું કોપરુ,
૨ ટેબલ સ્પૂન કોકો પાવડર,
૪ ટી સ્પૂન દળેલી ખાંડ,
૨ પેકેટ પારલે જી બિસ્કીટ,

રીત :

-બિસ્કીટને નાના ટૂકડા કરીને મિક્સરમાં ક્રશ કરી સાવ બારીક પાવડર બનાવી લો. તેમાં કોકો પાવડર, ૧ ટીસ્પૂન ખાંડ, અને ૭૫ ગ્રામ જેટલી મલાઈ ભેળવી લોટ બાંધી લો. (અહીં પારલે જી બિસ્કીટના બદલે ચોકલેટ બિસ્કીટ લઈએ તો કોકો પાવડર નાખવાની જરૂર રહેતી નથી. અથવા પ્રમાણ ઘટાડી શકાય છે.)

ત્યાર પછી બાકીની મલાઈ અને ખાંડ કોપરાના છીણમાં ભેળવી સારી રીતે મિક્સ કરો.

હવે બે પ્લાસ્ટીક શીટની વચ્ચે બિસ્કીટ અને કોકો પાવડર વાળો ભાગ મૂકીને હળવે હાથે વણો.

થોડું વણાઈ જાય એટલે તેની ઉપર ખાંડ, મલાઈનું મિશ્રણ મૂકીને ફરી વણી લો. આમ કરવાથી બન્ને મિશ્રણ એકસરખા ફેલાઈ જશે.

મોટો રોટલો વણીને તેના ઉપરનું પ્લાસ્ટીક કાઢી લો. હવે નીચેના પ્લાસ્ટીકને ધીમેથી ઉપાડીને આખા રોટલાનો રોલ વાળી લો.

આ રોલની ફરતે ચાંદીનો વરખ લગાડી લો. (વરખનો ઉપયોગ જરાય જરૂરી કે સલાહભર્યો નથી) રોલને ૧ કલાક સુધી ફ્રીજરમાં સેટ થવા મૂકો.

રોલ એકદમ કડક થઈ જાય એટલે બહાર કાઢીને તેના એકસરખા પીસ કરો અને ડબ્બામાં ભરી લો. આ રોલ્સને ફ્રીજમાં જ રાખો અને પીરસતી વખતે જ બહાર કાઢો.

રસોઈની રાણી : પૂર્વી શાહ (વસઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી