ચુરમા ના લાડુ – આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ ફોટો જોઇને ચુરમાના લાડુ તહેવાર નથી તો શું થયું…

તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય , પણ જ્યાં સુધી આપણી પારંપરિક મીઠાઈ અને વાનગીઓ ન બને, એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય. મને આ મોડર્ન જમાના માં પણ પારંપરિક મીઠાઈઓ વધુ ભાવે. એવી જ એક મનપસંદ મીઠાઈ છે ચુરમા ના લાડુ. ઘઉં નો લોટ , ઘી અને ગોળ માંથી બનતી આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ કેલરી બહુ હોવાથી ક્યારેક ખાઈ શકાય.

સામગ્રી ::

• 3 વાડકા ઘઉં નો લોટ

• 1/2 વાડકો રવો

• 6 થી 7 ચમચી પીગળેલું ઘી

• તળવા માટે ઘી

• 1.25 વાડકો સમારેલો ગોળ

• 1 ચમચી ઈલાયચી ભૂકો

• 1/2 ચમચી જાયફળ ભૂકો

• 1/2 વાડકો અધકચરો બદામ ભૂકો

• ખસખસ , સજાવટ માટે


રીત :: મોટી થાળી માં ઘઉં નો લોટ, રવો અને પીગળેલું ઘી લો. હાથ થી સરસ મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ કઠણ લોટ બાંધો. લોટ ના એકસરખા ભાગ કરો અને ફોટો માં બતાવ્યા મુજબ આકાર આપો. .. જાડી કડાય માં ઘી ગરમ કરો. અને એકદમ ધીમા તાપે તળો. કડાય માં એકસાથે બહુ તળવા નહીં. અને સાઈડ બદલતી રહેવી જેથી બધી બાજુ એકસરખું તળાય. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો. તળાય જાય ત્યારબાદ થોડા ઠંડા કરી અધકચરા હાથ થી ભૂકો કરી , મિક્સર માં એકસરખું ક્રશ કરી લો.. હવે આ એકસરખા ભુકા ને સાઈડ પર રાખી દો. એમાં ઈલાયચી પાવડર , જાયફળ નો ભૂકો અને અધકચરો બદામ ભૂકો ઉમેરો. નોન સ્ટીક કડાય માં 3 મોટી ચમચી ઘી ગરમ કરો. એમાં સમારેલો ગોળ અને 1 મોટી ચમચી પાણી ઉમેરો. સરસ રીતે મિક્સ કરો અને એકદમ ધીમી આંચ પર 3 થી 4 મિનિટ માટે શેકો અને સતત હલાવતા રહેવું. હવે આ ઓગળેલા ગોળ ને ચુરમા , ઈલાયચી ભૂકો અને બદામ ભુકા સાથે મિક્સ કરો. ચમચા થી મિક્સ કરવું. થોડી વાર ઠરવા દો. હાથ માં થોડા ઘી ના ટીપા લઈ મિશ્રણ માંથી નાના નાના લાડુ વાળો. લાડુ ને ખસખસ માં રગદોળો . તૈયાર છે આપણા ચુરમા ના લાડુ. આશા છે પસંદ આવશે.
નોંધ::

• ચુરમા લાડુ માટે ની રીત અઘરી તો નથી પણ હા બહુ ધીરજ રાખવી.

• આ લાડુ ના પરફેક્ટ texture માટે ઘઉં નો કરકરો લોટ વાપરવો. જો ના હોય તો થોડો રવો ઉમેરી દેવો.

• તળતી વખતે એકદમ સ્લો ગેસ જ રાખવો. વાળેલા લોટ ને બહાર થી બ્રાઉન થાય ત્યાં સુધી તળવું, ઉતાવળ ન કરવી .

• લાડુ વાળતી વખતે જો મિશ્રણ ખૂબ કોરું લાગે તો 1 થી 2 મોટી ચમચી દૂધ નાખી શકાય.

• ગોળ ના બદલે આપ ખાંડ નો ભૂકો અથવા 50:50, ગોળ : ખાંડ વાપરી શકો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.