અ’વાદના ડોક્ટરોએ પહેલીવાર માઉન્ટેનિયર માટે પેરાલિમ્બિક લેગ કર્યા તૈયાર, જે પહેરીને આ યુવાન કરશે એવરેસ્ટ સર

લહરો સે ડરકર નાવ પાર નહિં હોતી, કોશીશ કરને વાલો કી હાર નહિં હોતી. આ ઉક્તિને સાચી પાડી છે છત્તિસગઢના એક યુવકે. તમે વિચારો તમારા બન્ને પગ કપાય જોય તો.. વિચારતા જ શરીરમાં ધ્રુજારી ઉપડી જાય છે. આ યુવકે બન્ને પગ કપાય ગયા હોવા છતા હિંમત નથી હારી. છત્તીસગઢના 28 વર્ષીય યુવાન ચિત્રસેન સાહુના પાંચ વર્ષ પહેલા રેલ અકસ્માતમાં તેણે બંને પગ ગુમાવી દીધા હતા, પરંતુ આ દુર્ઘટના પણ તેના વિશ્વાસ અને તેના ઈરાદાને અસ્થિર કરી શકી નથી. આફ્રિકાના વિખ્યાત કિલિમાન્જારો પર્વતનો ગીલમાન્સ પોઈન્ટ સાહુએ સાદા પેરાલિમ્બિક લેગ પહેરીને પાંચ જ દિવસમાં સર કરી બતાવ્યો હતો અને હવે તેનું લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ પર જવાનું છે. જોકે, એવરેસ્ટ પર ચઢાણ કરવા માટે ખાસ પ્રકારના પેરાલિમ્બિક લેગ હોવા જરૂરી છે, જે તેની પાસે ન હતા.

image source

સાહુને આશા જન્મી છે કે, હવે તે એવરેસ્ટ જઈ શકશે

આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ સ્થિતિમાં એવરેસ્ટ જવાનું સપનું પૂરું થાય એવી શક્યતા ન હતી, પરંતુ આ કામમાં તેની મદદ કરી અમદાવાદની સિવિલ હોસ્પિટલના સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ. આ સંસ્થાની પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્સ (પીએન્ડઓ) ટીમે અઢી વર્ષ મહેનત કરીને માઉન્ટેનિયર પેરાલિમ્બિક લેગ તૈયાર કર્યા છે. તેથી સાહુને આશા જન્મી છે કે, હવે તે એવરેસ્ટ જઈ શકશે.

image source

જો કોઈએ ન કર્યું તે અમદાવાદના ડોક્ટરોએ કરી બતાવ્યું

વાત કરીએ ચિત્રસેન સાહુની તો તેઓ છત્તીસગઢ હાઉસિંગ બોર્ડમાં એસ્ટેટ અધિકારી છે. અગાઉ તેમણે સાદા અને વજનદાર પેરાલિમ્બિક લેગ પહેરીને કિલિમાન્જારો પર ચઢાણ કર્યું હતું. આ અંગે તેઓ કહે છે કે, ‘સાદા પેરાલિમ્બિક લેગથી માઉન્ટ એવરેસ્ટ ના જઈ શકાય. આ માટે મેં દુનિયાના અનેક નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી, પરંતુ કોઈ પાસે માઉન્ટેનિયરિંગ પેરાલિમ્બિક લેગ બનાવવાની ટેક્નોલોજી ન હતી. આ કામ અમદાવાદની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટે કરી બતાવ્યું. તેમણે તૈયાર કરેલા પેરાલિમ્બિક લેગ મજબૂત અને વજનમાં હળવા છે.’

image source

દેશમાં સૌથી પહેલીવાર માઉન્ટેનિયર પેરાલિમ્બિક લેગ તૈયાર કર્યાનો દાવો

માઉન્ટેનિયરિંગ પેરાલિમ્બિક લેગ માટે સાહુએ અમેરિકા, બ્રિટન અને જર્મની સહિતના અનેક દેશના નિષ્ણાતોને સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંયથી તેમને હકારાત્મક પ્રતિક્રિયા ના મળી. છેવટે સિવિલ હોસ્પિટલની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ કંઈક કરવાની તૈયારી બતાવી અને કાર્બન ફાઈબર મટિરિયલમાંથી માઉન્ટેનિયરિંગ પેરાલિમ્બિક લેગ તૈયાર પણ કરી દીધા. આ ઈન્સ્ટિટ્યુટે દેશમાં સૌથી પહેલીવાર માઉન્ટેનિયર પેરાલિમ્બિક લેગ તૈયાર કર્યાનો દાવો કર્યો છે.

image source

5 વર્ષમાં આ શિખરો સર કરવાનું સાહુનું લક્ષ્ય

  • માઉન્ટ વિન્સન- એન્ટાર્કટિકા
  • માઉન્ટ એવરેસ્ટ – ભારત
  • એકોન્કાગુવા- અમેરિકા
  • માઉન્ટ એલ્બરસ- યુરોપ
  • દેનાલી- નોર્થ અમેરિકા

આ અંગે સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના નિવૃત પી એન્ડ ઓ નિષ્ણાત ધીરેન જોશીએ કહ્યું કે, ‘સોશિયલ મીડિયાના માધ્યમથી ચિત્રસેન સાહુએ અમારો સંપર્ક કર્યો હતો. બાદમાં ડૉ. રાજેશ સોલંકીના માર્ગદર્શનમાં સાહુની જરૂરિયાત પ્રમાણે વારંવાર સુધારા વધારા કરીને અઢી વર્ષે કાર્બન ફાઈબર લેગ તૈયાર કર્યા.

ઓછા વજનના લેગ તૈયાર કરવા સૌથી મોટો પડકાર

ઓર્થોપેડિક સર્જન ડૉ. રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ઓછા વજનના લેગ તૈયાર કરવા અમારા માટે સૌથી મોટો પડકાર હતો. અમે તૈયાર કરેલા લેગનું વજન ચાર ગણું ઓછું છે. માઉન્ટેનિયરિંગ પેરાલિમ્બિક લેગ પર ક્રેપોન (કાંટાવાળું તળિયું) લાગ્યા બાદ ચિત્રસેન સાહુ એવરેસ્ટની કોઈ પણ પ્રકારની સપાટી પર પકડ ગુમાવ્યા વિના ચઢાણ કરી શકશે. અમારી ઈન્સ્ટિટ્યૂટના પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક વિભાગમાં બનેલા હાથ-પગ દેશભરમાં વખણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ