બનાવો ચોખાના સ્વાદિષ્ટ પાપડ એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસિપી જોઇને ….

“ચોખાના પાપડ”

ગરમીમાં આપણને તપવાનું ન ગમે, પણ જો કાતરી, પાપડ, સેવ વિગેરે તપાવવા માટે તૈયાર થવાનું હોય તો આપણે તરત જ તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. બાળકોથી માંડીને વૃધ્ધ સુધીનાં બધાથી ખવાય તેવા “ચોખાના પાપડ” કેવી રીતે બનાવવા, તે આપણે આજે સરળ પદ્ધતિથી શીખશું.

ચોખાના પાપડ બનાવવા માટેની સામગ્ર અને માપ :

• 1.5 વાટકો પાણી
• સવા વાટકો ચોખાનો લોટ(કણકી(ચોખા) અને તેમાં મૂઠી સાબુદાણા નાખવાથી ક્રિસ્પી પાપડ બને), જે વાટકામાં પાણી લીધું હોય એ જ માપ રાખવું
• ફટકડી
• 1 ટેબલસ્પૂન પાપડિયો ખારો
• 6-7 લીલાં મરચાં
• 2 ટેબલસ્પૂન જીરૂ
• મીઠું સ્વાદ મુજબ
• તેલ
• પ્લાસ્ટિક
• વેલણ

ચોખાના પાપડ બનાવવાની રીત :

સૌ પ્રથમ, એક તપેલામાં દોઢ વાટકો પાણી ગરમ કરવા મુકી દેવું. ગરમ થતાં પહેલાં તેમાં ત્રણથી ચાર આંટા ફટકડીના મારવાના એટલે એમ કરવાથી પાપડ સફેદ થાશે. (તપેલું બને ત્યાં સુધી “પિત્તળ” નું વાપરવું જેથી કરીને ચોખાના લોટનું ખીચું તપેલામાં ચોંટે નહીં.) પાણી ઉકળવા માંડે એટલે તેમાં 1 ટેબલસ્પૂન પાપડિયો ખારો નાખી દેવાનો. ત્યારબાદ તેમાં મીઠું, આપણા સ્વાદ મુજબ નાખવું. સાથે સાથે, એક તપેલીમાં વધારાનું પાણી ગરમ કરવા મૂકવું (જેથી કરીને, લોટ ઉમેર્યા પછી જો લોટ કોરો લાગે તો તાત્કાલિક આ વધારાનું ઉકાળેલું પાણી એડ કરીને ખીચું સ્મૂધ બનાવી શકાય. ઠંડુ પાણી કે નવશેકું ક્યારેય ઉમેરવું નહીં. પાપડ સુકવવા મૂક્યા પછી તેમાં તિરાડ પડી શકે છે.) હવે, તપેલામાં ગરમ કરવા મૂકેલા દોઢ વાટકા પાણીમાં જીરૂ અને લીલાં મરચાં ઉમેરી 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દેવાનું એટલે થોડું પાણી બળી જાશે. પણ તે અત્યંત જરૂરી છે, નહીંતર ચોખાના પાપડમાં આ કારણથી પણ તિરાડ પડી જાય છે. પાણીને ખૂબ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી, તપેલાને ગેસ પરથી નીચે ઉતારી, તેમાં સવા વાટકો ચોખાનો લોટ ઉમેરી દેવાનો.હવે આ પાણી અને લોટનાં મિશ્રણને, એક પાતળા વેલણથી એક જ દિશામાં હલાવવું. આમ ખીચું તૈયાર થઈ જાશે. આ ખીચું એક્દમ ભળી જાય એટલે તેને એક મોટી થાળીમાં કાઢી લેવું. એક વાટકાની પાછળ તેલ.

લગાડી, તેનાથી ખીચું મસળી નાખવાનું જેથી અંદર કદાચ ગાંઠા હોય તો તે રહે નહીં. સાથે સાથે એક ઈડલી બનાવવાના વાસણ (ઢોકળિયું) માં થોડું પાણી મૂકી તેને ગરમ કરવા ગેસ પર મૂકવું.ત્યારબાદ આ મસળેલા ખીચાના મોટા મોટા ગોળા વાળી લેવાના અને હાથથી દબાવી તેને ઈડલી બનાવવાના વાસણમાં બાફવા મૂકી દેવાના. દસ થી પંદર મિનિટમાં આ ખીચું બફાઇ જાય એટલે તેને થોડું મસળી, તેનાં મીડિયમ સાઇઝના ગોળા વાળવાના.જેમકે આપણે થેપલા બનાવવા કરીએ છીએ, તેમ. હવે, જો તમારી પાસે પુરી કે ભાખરી દબાવવાનું મશિન હોય તો તેમ બાકી રોટલી વણવાના પાટલા પર પ્લાસ્ટિક મૂકી, તેની પર એક જ વખત તેલ લગાડી, લુઓ મૂકવાનો. તેની ઉપર બીજું પ્લાસ્ટિક લઈ તેની પર તેલ લગાડીને મૂકવું. હવે કોઈ પણ ઢાંકણાથી તેને દબાવી દેવાનું. એટલે પાપડનો શેપ આવી જશે. જો વણી શકાય તેમ હોય તો વણી નાખવાનું. એટલે પાપડ પાતળા થાશે. એક મોટા પ્લાસ્ટિક પર, આ પાપડને પાથરી દેવાના અને છેલ્લે તડકે સૂકવવા મુકવાના. પહેલે દિવસે જ પાપડ ઉખડી જશે એટલે પછીના 2-3 દિવસ થાળીમાં લઈ, તડકે મુકવાના. બસ, તૈયાર ચોખાના પાપડ. તળીને બાળકને ખવડાવો અને વડીલોને પણ.

અસ્તુ!!

રસોઈની રાણી : પ્રાપ્તિ બુચ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી