ચોખાના આથેલા પાણીના વિવિધ સૌંદર્ય નુસખાઓ જાણો કેવીરીતે બનાવશો અને શું થશે ફાયદા…

ચોખાના આથેલા પાણીના વિવિધ સૌંદર્ય નુસખાઓ. દાયકાઓ પહેલાં જ્યારે કપડા માટે બજારમાં સ્ટાર્ચ ઉપલબ્ધ નહોતું તે વખતે કપડાને સ્ટાર્ચ કરવા માટે બાફેલા ચોખાના વધેલા પાણીમાંથી કપડાને સ્ટાર્ચ કરવામાં આવતા. આજે મોટા ભાગના દેશમાં નિયમિત રીતે ચોખાનો ઉપયોગ રોજીંદા ખોરાકમાં થાય છે. ઘણી જગ્યાએ તો ચોખા એ લોકોનો મુખ્ય ખોરાક હોય છે.


પણ આજે અમે તમારા માટે ચોખામાંથી કંઈ પુલાવની કે ખીર બનાવવાની રેસીપી લઈને નથી આવ્યા પણ. અત્યાર સુધીમાં તમે ક્યારેય નહીં જાણી હોય તેવી ચોખાને આથીને તેમાંથી વધેલા પાણીના ઉપયોગથી તમારા વાળ અને તમારી ત્વચાને થતાં ફાયદા વિષેની પોસ્ટ લાવ્યા છીએ. આ નુસખો યાઓ સ્ત્રીઓનો છે જે દક્ષીણ ચાઈનાના ગ્વાંશી રાજ્યના હોંગ્લોઉ ગામની છે. તેઓ સદીઓથી આથેલા ચોખાના પાણીથી પોતાના વાળ ધોતી આવી છે અને જાપાનની સ્ત્રીઓ પણ આ જ પ્રયોગ પોતાના વાળ માટે કરતી આવી છે. અને તેમના વાળ અત્યંત મજબૂત, જાડા અને શાઇની હોય છે.


તો ચાલો જાણીએ આથેલા ચોખાના પાણી વિષે. ચોખાનું પાણી એટલે જ્યારે ચોખાને ધોવામાં આવે અથવા તો જ્યારે ચોખાને બાફવામાં આવે ત્યારે તેની ઉપર તરી આવતું દૂધ જેવું ડોહળુ ધોળા કલરનું પાણી.

અને ફર્મેન્ટેડ રાઇસ વોટર એટલે કે આથેલા ચોખાનું પાણી એટલે ચોખાને ધોઈને ચોખા પલાળેલા પાણીને આથો લાવવા માટે એકાદ દિવસ છોડી દેવામાં આવે અને તેના કારણે તે થોડું ખાટું બની જાય છે તેને ચોખાનું આથેલું પાણી કહેવાય. તમે ચોખા ધોઈને તેનું પાણી પણ વાપરી શકો છો પણ જો તેને એક દીવસ રાખી મુકીને તે આથો આવેલું પાણી તમારી ત્વચા તેમજ તમારા વાળ માટે વાપરશો તો તેનો લાભ બેવડાઈ જશે.


વાળ માટે ચોખાનું પાણી કેવી રીતે લાભપ્રદ છે

ચોખાના પાણીમાં વિટામીન, બી, સી અને ઈ હોય છે. ચોખાનું પાણી ઇનોસિટોલ નામનું એક કાર્બોહાઇડ્રેટ ધરાવે છે જે તમારા નુકસાનગ્રસ્ત વાળને ફરી રીપેયર કરે છે અને મજબૂત બનાવે છે. આ કાર્બોહાઇડ્રેટ વાળને લચીલા પણ બનાવે છે. ચોખાના પાણીમાં સેપોનીન્સ નામનું એક તત્ત્વ હોય છે જે કૂદરતી ક્લીન્ઝરનું કામ કરે છે અને માટે જ તેનાથી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે.

ત્વચા માટે ચોખાનું પાણી કેવી રીતે લાભપ્રદ છે તેમાં નોસિત અને સેવોનોઇનું સંયોજન હોય છે પ્રદૂષણના કારણે ત્વચાને જે નુકસાન થાય છે તેનાથી રક્ષણ આપે છે. ચોખાના પાણીમાં એવા ખનીજતત્ત્વો હોય છે જે ત્વચાને સ્નિગ્ધ બનાવે છે અને ત્વચાના છીદ્રોને સંકોચે છે.


ચોખાના પાણીથી ખીલના કારણે જે લાલાશ થઈ હોય તેમજ જે રાતા ચકામા પડ્યા હોય તે દૂર થાય છે. ચોખામાં સમાયેલો સ્ટાર્ચ ત્વચા પરની બળતરાંમાં રાહત આપે છે. જો તમે તમારા ચહેરાને ચોખાના પાણીથી ધુઓ તો તમારા સાર્વત્રિક સ્કીન ટોનમાં સુધારો જોવા મળશે. ચાલો ચોખાનું પાણી બનાવતા શીખીએ.


અહીં ચોખાના પાણીને બે રીતે બનાવવામાં આવે છે. એક ચોખાનું સાદુ પાણી એટલે કે તેને ધોઈને અથવા માત્ર પલાળીને અથવા તો બાફતી વખતે વધેલા પાણીનો સીધો જ ત્વચા તેમજ વાળ પર ઉપયોગ. જ્યારે બીજી રીત છે ચોખાના પાણીને એક-બે દિવસ રાખીને તેમાં આથો આવવા દઈને તેનો ત્વચા તેમજ વાળ પર પ્રયોગ.

ચોખાનું પાણી બનાવવાની રીત

તમારા રસોડામાં જે કોઈ પણ ચોખા ઉપલબદ્ધ હોય તેને એક વાટકીમાં લો. તેને એકવાર ધોઈ લો હવે બીજી વાર ચોખાને પાણીમાં ધોઈ લો પણ તે પાણીને ઢોળી ન દેવું તેને તેમાંજ રાખવું અને તેમાં વધારાનું પાણી ઉમેરો લગભગ બીજી એક વાટકી જેટલું પાણી. હવે ચોખાને તે જ પાણીમાં 20થી 30 મીનીટ પલાળી રાખો.

હવે અરધા કલાક બાદ ચોખા પલાળેલુ તે પાણી એક ગ્લાસમાં લઈ લો. અહીં તમારે કશું જ કરવાની જરૂર નથી. માત્ર આ જ પાણીનો ઉપયોગ તમારે કરવાનો છે.


બીજી એક રીતે પાણીને ઉકાળીને વાપરવાની : અહીં તમારે એક વાટકી ચોખા લેવાના છે અને તેને રેગ્યુલર તમે જેટલુ પાણી લો તેના કરતાં વધારે પાણી લઈ ઉકળવા મુકી દેવાના છે. જ્યારે તપેલીમાં ચોખામાંનો સ્ટાર્ચ ઉપર તરવા લાગે ત્યારે ગેસ બંધ કરી દેવો અને તે પાણીને એક બીજા પાત્રમાં કાઢી લેવું અને ચોખાને બાજુ પર મુકી દેવા. આ પાણીનો ઉપયોગ પણ તમે તમારા વાળ તેમજ ત્વચા માટે કરી શકો છો.

આથેલા ચોખાનું પાણી કેવી રીતે બનાવવું

ઉપર આપણે આથ્યા વગરનું ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતુ પાણી બનાવ્યું. પણ હવેની પદ્ધતીમાં તમારે ચોખાના પાણીમાં આથો લાવવાનો છે જેન કારણે તેને એકથી બે દિવસનો સમય લાગે છે

એક વાટકી ચોખા લઈ તેને ધોઈ લો.

હવે ચોખાને બે વાટકી ડીસ્ટીલ્ડ વોટરમાં 20 મીનીટ માટે પલાળી દો. જો કે તેને દર 5 મીનીટે હલાવતા રહો. હવે આ પાણીને તમારે એક બોટલમાં ભરી લેવું અને તેને એક બાજુ મુકી દેવું. તેને તેમ જ એક રાત રાખી મુકવું.

બીજી સવારે તે થોડું ખાટું થઈ ગયું હશે અને તેમાં આથો આવવા લાગ્યો હશે. હવે આ પાણીને એક પેનમાં નાખી દેવું અને તે ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરી લેવું. ત્યાર બાદ તેને ઠંડુ પડવા દેવું.

તે થોડું ગંધ મારતું હોવાથી તમે તેમાં એસેન્શિયલ ઓઇલના એક બે ટીપાં નાખી શકો છો. અને તમારી પાસે વિટામીન ઈ ઓઈલ હોય તો તો ઉત્તમ.
હવે તમે જે પણ રીતે ચોખાનું પાણી તૈયાર કર્યું હોય તે પછી સાદુ પાણી હોય કે પછી આથેલું પાણી હોય તેનો ઉપયોગ સમાન રીતે જ કરવાનો છે.


તમારી ત્વચા પર જો તમે ચોખાના પાણીનો ઉપયોગ કરવાના હોવ તો સૌ પ્રથમ તમારે તમારો ચહેરો ધોઈ લેવો જોઈએ. હવે રૂનો એક મોટો ટુકડો લઈ તેને ચોખાના પાણીમાં પલાળી તેનાથી તમારા ચહેરા પર લગાવો. તેને થોડો સમય સુકાવા દો. ત્યાર બાદ ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી લો. આ ઉપરાંત તમે ફેસ પેકમાં પણ ચોખાના પાણીનો ઉપયોગ કરી તેને વાપરી શકો છો.

વાળ માટે તમારે ચોખાના પાણીનો અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરવાનો છે. તેનો તમારે શેમ્પુ તરીકે ઉપયોગ કરવાનો છે. અથવા શેમ્પુથી એકવાર વાળ ધોયા બાદ તમે છેલ્લીવાર જ્યારે વાળ ધૂઓ ત્યારે શેમ્પુનો ઉપયોગ નહીં કરીને આ ચોખાના પાણીનો ઉપયોગ કરવો. ચોખાનું પાણી ખુબ જ તીવ્ર હોવાથી તેના એક કપ પાણીમાં બીજા બે કપ ડીસ્ટીલ્ડ પાણી ઉમેરી તેને મંદ કરવું.


તમને હવે એવો વિચાર આવતો હશે કે છે તો બન્ને ચોખાના જ પાણી તો શા માટે સાદુ પાણી ન વાપરવું તે તો ઇન્સ્ટન્ટ જ તૈયાર થઈ જાય જ્યારે આથેલા પાણીને તો એક આખો દિવસ રાહ જોવી પડે. પણ અહીં આ બન્ને પાણી છે તો ચોખાના જ પણ બન્નેની અસરમાં ઘણો ફરક છે. ચોખાનું સાદુ પાણી જે અસર કરે છે તેના કરતાં ઝડપી અસર આથેલા પાણીની હોય છે.

ચોખાનું આથેલું પાણી ચોખાના સાદા પાણીમાંના પીએચ લેવલને નીચું લાવે છે અને તેને આપણા વાળના પીએચ લેવલ સાથે બેલેન્સ કરે છે. આ ઉપરાંત આથેલા પાણીમાં ચોખાના સાદા પાણી કરતા વિટામીનનું પ્રમાણ વધી જાય છે તેમજ પોષકતત્ત્વો પણ વધારે અસરકારક રીતે કામ કરે છે. પણ બન્ને પાણીમાં ચોખાનું આથેલું પાણી ઉત્તમ છે.


તેમ છતાં તમારે વારા ફરતી બન્ને પાણીનો ઉપયોગ કરી લેવો જોઈએ. દરેક વ્યક્તિના વાળ તેમજ ત્વચા અલગ અલગ હોય છે અને તેમને અલગ અલગ વસ્તુઓ લાગુ પડતી હોય છે. માટે બન્ને પાણીનો પ્રયોગ કરો અને તમારા માટે ઉત્તમ પાણીનો ઉપયોગ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ