ચીનાને પછાડીને મુકેશ અંબાણી બન્યા એશિયાના નંબર 2 ધનિક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ પ્રગતિના પથ પર આગળ વધીને મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે હોંગકોંગના બિઝનેસમેન લી કા શિંગને હરાવીને એશિયાના બીજા નંબરની ધનિકની પદવી મેળવી લીધી છે. હવે તેમનાથી એક જ વ્યક્તિ આગળ છે અને તે છે અલીબાબા ગ્રૂપના ચેરમેન જૈક મા.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીએ માત્ર એક જ વર્ષમાં પોતાની સંપત્તિમાં 12.1 અરબ ડોલરનો વધારો કર્યો છે. તેમની કુલ વેલ્થ હવે 35.2 અરબ ડોલર થઈ ગઈ છે જ્યારે આ પદ ગુમાવનાર લી કા શિંગની સંપત્તિ 33.3 અરબ ડોલર રહી ગઈ છે. તેઓ ગયા વર્ષમાં પોતાની સંપત્તિમાં માત્ર 4.85 અરબ ડોલરનો જ વધારો કરી શક્યા છે.

જો મુકેશ અંબાણી આ રીતે જ પ્રગતિ કરતા રહેશે તો બહુ જલ્દી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની જશે. હાલમાં આ પોઝિશન પર અલીબાબા ગ્રૂપના ચેરમેન જૈક માનો કબજો છે. તેમની નેટવર્થ 43.7 અરબ ડોલર છે. તેમની નેટવર્થમાં એક વર્ષમાં 10.4 અરબ ડોલરનો વધારો થયો છે. આ રીતે જોઈએ તો મુકેશ અંબાણીનો પ્રગતિનો ગ્રાફ સૌથી ઝડપી છે. જિયો ફોન લોન્ચ થયા પછી તેમની નેટવર્થ વધારે વધવાની આશા છે.

ગયા મહિનામાં રિલાયન્સ દ્વારા રૂ.1500ની કિંમતના મોબાઈલ ફોન લોન્ચ કરવાની જાહેરાત માત્રથી જ રિલાયન્સ જીયોનો માર્કેટ બેઝ વધ્યો હતો. રીપોર્ટ અનુસાર કંપનીનો ડેટ (દેવું) પણ 15 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. મુકેશ અંબાણી અત્યાર સુધીમાં જીયોમાં 31 બિલિયન ડોલરનું રોકાણ કરી ચુક્યા છે. કંપનીની 90 ટકા કમાણી પેટ્રોકેમીકલ્સ અને રીફાઈનીંગથી થઇ રહી છે. આ ઉપરાંત રીટેલ, મીડિયા અને કુદરતી ગેસ ખનનમાંથી પણ કમાણી થઇ રહી છે.

21 જુલાઈએ યોજાયેલી રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ જીયોને પોતાના એસેટનો રત્ન ગણાવ્યો હતો. આ સાથે જ તેઓએ એ પણ કહ્યું કે, આવનારા સમયમાં જીયો દેશનું સૌથી મોટું ડેટા સર્વિસ પ્રોવાઇડર, ઉત્પાદન અને એપ્લીકેશનનું પ્લેટફોર્મ બનશે.

રિલાયન્સ જિઓએ લોંચ થયાના અંદાજે 9 મહિનામાં 117.3 મિલિયન ઉપભોક્તાઓને પોતાની સાથે સાંકળી લીધા છે. આ સાથે જ આ કંપની દેશની સૌથી મોટી ચોથા નંબરની ટેલીકોમ કંપની બની ગઈ છે. આ સત્તાવાર માહિતી બ્લૂમબર્ગ દ્વારા રજુ કરવામાં આવી છે. કંપનીની તરફથી લોંચ થનાર 4G જિઓ ફોન વોયસ કમાંડ પર કામ કરશે અને 22 ભારતીય ભાષાને સપોર્ટ કરશે.

સંકલન – દિપેન પટેલ

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી