જલ્સા કરોને જેંતીલાલ

છેતરામણી ઇમેજ – એમના માટે કેટલું માન અને સન્માન હતું એને પણ એ સાંજે બધું….

*”હું ક્ષણોના મહેલમાં જાઉં છું,*

*કોક દરવાજો તો બંધ કરી દો.”*

હું સીમા… 38 વર્ષની સ્ત્રી… નાનપણથી જ વાચનનો ભારે શોખ….નાની હતી ત્યારે દર શનિવારે આવતી ફૂલવાડી સવારમાં જ વાંચી નાખતી. પછી આજુબાજુવાળાના ઘરે ઝગમગ કે ચંપક આવે તે પણ વાંચતી. બીજા છાપામાં આવતી પૂર્તિ પણ વાંચતી. હું અને મારો ભાઇ વાંચવા માટે ઝઘડીએ. તેના હાથમાં પહેલા પૂર્તિ ન આવે તે માટે હું છાપાના સમયે વહેલી ઊઠીને ઘરના ફળીયામાં બેસી જતી. મોટી થતી ગઇ તેમ વાંચવાની પૂર્તિ બદલાઇ, પણ શોખ તેટલો જ રહ્યો. પછી લાઇબ્રેરીમાં મેમ્બર બનીને બુકસ લઇને વાંચતી… વાંચવા મળે એટલે ભૂખ પણ ન લાગે એટલો શોખ… મોટી થતી ગઇ તેમ જવાબદારી વધી, ઘર-બાળકોમાં વાંચવાનો સમય ઘટતો ગયો, પણ હું સમય ચોરીને વાંચી લેતી.

image source

થોડા સમયથી એક છાપામાં આવતી લેખક “શ્રી કલ્પન”ની કોલમ વાંચતી. “કલ્પન” તેમનું તખ્ખલુસ હતું. સાચું નામ તો બીજું હતું. પણ તેમની કોલમ બહુ જ મસ્ત… દરેક લેખ.. દરેક વાર્તા એક એકથી ચડિયાતા… દરેક લેખમાં સ્ત્રીને બહુ માન આપે. તેમના લેખ કે વાર્તામાં કેન્દ્રબિંદુ મોટાભાગે સ્ત્રી જ હોય. “સ્ત્રી સન્માનને પાત્ર છે, તેને પ્રેમ-લાગણી-માન આપો” તેવા ભાવ તેમના લેખમાં હોય. મને ‘કલ્પન’ના લેખ બહુ ગમે. જેટલા છાપામાં તેમની કોલમ આવતી તે દરેક છાપા મેં ઘરે બંઘાવી લીઘા.. સવારમાં વહેલી ઊઠીને કામ પતાવી લેતી… જેથી પેપર આવે કે તરત વાંચી શકાય… સમજોને કે હું તેમની ફેન બની ગઇ.

image source

એક દિવસ એક ફ્રેન્ડ સાથે લાઇબ્રેરીમાં ગઇ અને ત્યાં કલપનજીની બુક જોઈ. તરત જ લઈ લીધી. એક જ દિવસમાં આખી બુક વાંચી લીધી. પછી તો લાઈબ્રેરીની આદત પડી ગઈ. લાઈબ્રેરી માં કલ્પનજીની બુક્સનું આખું કબાટ હતું. તેમણે કેટલી બઘી બુક્સ લખી હતી… જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ તેમનાં પ્રત્યે આદર વધતો ગયો. પુરુષ પ્રધાન સમાજમાં કોઈ પુરુષ સ્ત્રીને આટલો આદર આપતો હોય, માનની નજરે જોતો હોય, તે નવાઈની વાત લાગી. કલ્પનજીની બુકમાં તે પણ ઉલ્લેખ હતો કે તે એક સામાજિક કાર્યકર પણ છે. ગરીબ વિસ્તારોમાં બાળકોને મીઠાઈ- કપડાં – ભણવાની ચોપડીઓ – ફી આપવી, તેવું પણ કરે છે. મારા મનમાં તેમની એક ઊંચેરી પ્રતિમા બંધાતી ગઈ.

image source

ગમે તેમ કરીને તેમના ફોન નંબર મેળવ્યા. આને તેમને મેસેજ કર્યો. ધબકતા – ધડકતા… ડરતાં ડરતાં મેસેજ કર્યો.‌ આટલા મોટા લેખક…. તેમના તો લાખો વાચકો હોય, તે બઘાને જવાબ તો ન જ આપે ને…. સીધો ફોન કરવાને બદલે મેસેજ કરવો મને વધારે યોગ્ય લાગ્યું. મેસેજમા મારો પરિચય આપી, તેમના પ્રત્યેના મારા આદરની વાત લખી. મેસેજ સેન્ડ કર્યા પછી પણ દિલ ઘડકતુ હતું. જવાબ આવશે તેવી અપેક્ષા નહીંવત હતી, પણ મારા અનહદ આશ્ર્ચર્ય વચ્ચે દસ‌જ મીનીટમાં તેમનો ફોન આવ્યો. સ્ક્રીન પર તેમનું નામ જોઇને ધબકારા વધી ગયા. શું વાત કરવી એ સમજાયું નહીં. ફોન તો રીસીવ કર્યો, પણ કંઈ બોલી ન શકી. સામાન્ય વાત કરીને મને ખુશીના સાગરમાં તરતી મૂકીને તેમણે ફોન મુકી દીઘો. હું તો આનંદથી ઉછળતી રહી. જે સામે મળ્યા તે બઘાને કહેતી ગઈ કે આજે કલ્પનજી સાથે વાત કરી.

પછી તો થોડા થોડા દિવસે વાત થતી. તેમની વાતો, વાત કરવાની રીતભાત, સ્ત્રી માટેનો આદર, બઘું જ મને અભિભૂત કરતું રહ્યું. હું મારી જિંદગીના નાના-મોટા પ્રોબ્લેમ તેમને કહેતી. તે શાંતિથી મને સમજાવતા. તેમની વાતોથી મને હિંમત આવતી. મારા મનમાં તેમનું અલગ વ્યકિત્વ, એક ઊંચેરી ઇમેજ બંધાઇ ગઇ હતી. તેમને કયારેય મળી ન હતી… તેમને મળવાની બહુ ઇચ્છા હતી, પણ તે તો દુરના શહેરમાં રહેતા હતા એટલે મળવાનું શકય ન હતું.

image source

…. અને એ દિવસ પણ આવી ગયો. જયારે મારે મારા પ્રિય લેખકને મળવાનું થયું. એક દિવસ સવારમાં કલ્પનજીનો ફોન આવ્યો, “હેય… સીમા… ચલ આજે સાંજે મળીએ…” મને સમજાયું નહી. તેમણે આગળ કહ્યું, “જો હું રસ્તામાં છું, તારા શહેરમાં આવુ છું.. સાંજે ટાઉનહોલમાં એક પ્રોગ્રામમાં મારું વક્તવ્ય છે, તુ આવજે, પ્રોગ્રામ પૂરો થયા પછી મળીશું. આવતીકાલે સવારે પણ એક પ્રોગ્રામમાં મારે વકતવ્ય આપવા જવાનું છે, તું ત્યાં પણ આવજે.”

અને હું…. ખુશી વ્યકત કરવા માટેના શબ્દો મારા શબ્દકોશમાં ન હતા. સવારથી સાંજ સુઘી એક એક ક્ષણ ગણતી રહી. પહેલીવાર મળતી હતી એટલે કંઇક લઇ જવું પડે એ વિચારે એક સરસ પેન લીઘી. પછી અમારા શહેરની પ્રખ્યાત મીઠાઇ લીઘી. અને સમયથી વહેલી ટાઉનહોલમાં જઇને બેસી ગઇ. સામે સ્ટેજ પર મારા પ્રિય લેખક… જાણે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે જોતા હોય એટલા જ અહોભાવથી તેમની સામે જોતી રહી.

image source

તેમનું વક્તવ્ય એક-એક શબ્દ પી જતી હોવું તેવા ધ્યાનથી સાંભળતી રહી. બહુ જ સરસ વકતવ્ય હતું. સ્ત્રી એક શકિત, આદરની અધિકારીણી એ ટોપિક પર બોલ્યા… પ્રોગ્રામ એક સામાજીક સંસ્થાનો હતો. તેમણે પોતાના તરફથી સંસ્થાના ફાળામાં એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી. પ્રોગ્રામ પત્યો એટલે બઘા તેમને મળવા, ફોટા પડાવવા પડાપડી કરવા લાગ્યા. હું પણ ગઇ હું તેમનો આદર કરતી હતી એટલે તેમને પગે લાગી.

પણ તેમણે મને અછડતું આલિંગન આપ્યું અને કહ્યું, “વાચકોનું સ્થાન પગમાં નહી, દિલમાં હોય છે” તેમના સ્પર્શમાં મને સહજતા ન લાગી. પણ હું કંઇ બોલી નહી. મોટા માણસોની મોટી વાતો… તેમની દુનિયામાં કદાચ એકબીજાને ગળે મળવાનો વ્યવહાર હશે. હું તેમને પેન અને મીઠાઇ આપું તે પહેલા ઘણા બઘા લોકો તેમને ધેરી વળ્યા… તેમણે આંખના ઇશારે મને સમજાવ્યું કે જતી નહી, પછી મળીએ. હું ઊભી રહી… થોડીવાર પછી તેમની સાથે આવેલા બે યુવાન લેખકો સાથે તે એક રૂમમાં ગયા. હું થોડીવાર રાહ જોતી ઊભી રહી.. મારે ઘરે જવાનું મોડું થતું હતું એટલે કલ્પનજી જે રૂમમાં ગયા ત્યાં જ જઇને મળવાનું નકકી કર્યું. આમ પણ આટલા બઘાની વચ્ચે ગીફટ કેમ આપવી ??

image source

હું તે રૂમ તરફ ગઇ જયાં મારા પ્રિય લેખક હતા. મને ખબર હતી કે તેમની સાથે બીજા બે લેખકો પણ છે, પછી મને શું વાંધો હોય? હું રૂમની નજીક પહોંચી, અંદર જવું કે નહી તે વિચારતી હતી ત્યાં જ કલ્પનજીનો અવાજ સંભળાયો. ગુસ્સામાં બન્ને લેખકોને કહેતા હતા…, “સા…. ગ…. હજી સુઘી કાલનું વકતવ્ય તૈયાર નથી કર્યું ? મારે સવારે તો બોલવાનું છે.. જલ્દી કરો.. અને હા… ધ્યાન રાખજો, સ્ત્રી નિકેતનનો પ્રોગ્રામ છે એટલે એ રીતે લખજો..” તેમાંથી એક લેખકે દબાતા અવાજે કહ્યું, “સર હમણાં તૈયાર થઇ જશે… આજે તમે બોલ્યા તે તો બરાબર હતું ને … જોયું ને ટાઉનહોલમાં તાળીઓ પૂરી જ થતી ન હતી.”

“હા.. હા.. હવે એ તો મારા નામનો પ્રભાવ છે… હું જે બોલું તે બઘાને ગમી જ જાય.. પણ તમે બન્ને લખવામાં ધ્યાન રાખજો.” કલ્પનજીના શબ્દો.. “સર.. એક લાખ ડોનેશનની જાહેરાત…” “શેના રૂપિયા … એ તો બોલવાનું હોય… આપવાના થોડા હોય ?? આટલા બઘાએ સાંભળ્યું એ બસ છે… બઘા કયાં પૂછવા આવવાના છે કે રૂપિયા આપ્યા કે નહી ?” કલ્પનજીના શબ્દોએ મને સ્તબ્ધ કરી દીધી.

image source

” અને હા… આયોજકો સાથે વાત થઇ ગઇ છે ને મારા મહેનતાણાની… જો જો હો… ચેક લઇ જ લેજો… અને બીજી વાત પણ કરી છે ને… રાતે રોકાવવાનું છે તો એકલો થોડો સુઇ જઇશ ? આયોજકોને કહી દેજો કે કોઇ વ્યવસ્થા કરી રાખે” તેમના અવાજમાં રહેલી કામુકતાએ મને સમજાવી દીઘું કે શેની વ્યવસ્થા કરવાની છે.

હું આઘાતની મારી જડ થઇ ગઇ. મારા પ્રિય લેખક… અને આવા.. ? મારા મનમાં તેમની છબી હતી તે ભાંગીને ભુકકો થઇ ગઇ. અને બીજી જ ક્ષણે પાછી નીકળી ગઇ. હાથમાં રહેલું મીઠાઇનું બોક્ષ અને પેન બહાર બેઠેલા ગરીબને આપી દીઘા. ઘરે આવીને પહેલું કામ તેમની બઘી બુકસ, છાપામાં તેમની વાર્તાના કટિંગ, તેમના વિશે છપાયેલી વાતોના કટિંગ… ફાડીને ફેંકી દીઘા…

લેખક : દિપા સોની ‘સોનુ’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version