ગુજરાતીઓની પ્રિય એવી છાસ તેના મસાલા વગર અધુરી, શીખો કેવીરીતે ઘરે બનાવી શકશો આ ટેસ્ટી મસાલો…

” છાશ ” એ ધરતી પરનું અમૃત સમાન પીણું છે. ગુજરાતીઓને ભલે બત્રીસ ભાતના ભોજન પીરસાય, પણ છાશ વગર ગુજરાતી થાળી અધૂરી છે. એક ગુજરાતી જયારે જમ્યા ઉપર છાશ પીવે ત્યારે જ જમ્યાનો તેમને સંતોષ થાય અને આવી છાશમાં જો મસાલો ઉમેરીને આપવામાં આવે તો ખુબ જ મજા પડી જાય છે. ઘરે બનાવેલો છાશનો મસાલો છાશને સ્વાદ તો આપે છે સાથે તેમાં નાખેલા વિવિધ મસાલા ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે. આજે હું આવી જ સરસ છાશનો મસાલો બનાવવાની રેસિપી શેર કરું છું જેનો છાશ ઉપરાંત ચાટ મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકાય.

સામગ્રી :

* 200 ગ્રામ જીરું

* 100 ગ્રામ સિંધાલૂણ

* 100 ગ્રામ સંચળ

* 1/2 કપ ધાણાજીરું

* 1-1/2 ( દોઢ ) ટેબલ સ્પૂન હિંગ

* 1-1/2 ( દોઢ ) ટેબલ સ્પૂન અજમો

* 1 ટેબલ સ્પૂન મરી

તૈયારી :

* જીરું તેમજ અજમાને ચાળીને સાફ કરી લો.

રીત :

1) સૌ પ્રથમ જીરું શેકી લો. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખી સતત હલાવતા રહીને જીરું શેકવું. જીરાનો કલર સહેજ ડાર્ક થાય અને સરસ સુંગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે. આઠ થી દસ મિનિટમાં જીરું શેકાય જાય છે ત્યારબાદ તેને બાઉલમાં લઇ ઠંડુ પડવા દો.

2) તેજ રીતે સેઈમ કડાઈમાં અજમાને પણ શેકી લો. અજમા શેકતી વખતે સ્ટવની ફ્લેમ સ્લો રાખવી અને ફાસ્ટ હલાવવું. અજમા ખુબ જ ઝડપથી શેકાય જાય છે. અજમાનો પણ થોડો કલર બદલે અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવાના છે. અજમાનો સ્વાદ ઘણાને ઓછો પસંદ હોય પણ શેકવાથી અજમા ખુબ જ સરસ લાગે છે.

3) શેકેલ જીરું તેમજ અજમા ઠંડા થાય પછી મિક્સરમાં ક્રશ કરીને ચાળી લો.
4) તેમાં મરીનો પાવડર બનાવીને ઉમેરી દો. સાથે હિંગ, સંચળ અને સિંધાલૂણ પણ ચાળીને મિક્સ કરી લો. સંચળ અને સિંધાલૂણમાં સહેજ ગઠ્ઠા જેવું હોય છે માટે તેને ચાળી લેવાથી સરસ રીતે મિક્સ થઈ જાય છે. હવે તેમાં ધાણાજીરું ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો.
5) તો તૈયાર છે સ્વાદિષ્ટ છાશનો મસાલો.

આ મસાલો, ના માત્ર છાશ માટે પણ તે શરબતમાં પણ ખુબ જ સરસ લાગે છે. તેને સલાડ તેમજ ફ્રૂટ્સ પર પણ છાંટીને ખાય શકાય છે. ફ્રૂટ્સ જેવા કે તરબૂચ, કિવી, અનાનસ સાથે તો આ મસાલો ખુબ જ સારો લાગે છે. આ સિવાય આ મસાલો ચાટ મસાલાની ગરજ સારી શકે છે.
મિત્રો, તો અવનવા મસાલા સાથે આ એક મસાલો પણ બનાવી લેજો અને આપનું રૂટિન મેનુ સ્વાદિષ્ટ બનાવજો. આ મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. મેં તો બનાવી લીધો તમે ક્યારે બનાવો છો ?

હવે છાશનો મસાલો માર્કેટમાંથી લાવવાની જરૂર નથી. ઓછા ખર્ચે વધુ અને ટેસ્ટફૂલ મસાલો જાતેજ બનાવો.
આપણે થોડા શેકેલા અજમા ઉમેર્યા છે જે આપણા મસાલાને ખુબજ હેલ્ધી બનાવે છે.

નોંધ :

* ટેસ્ટ વેરિએશન માટે ફુદીનાના પાંદડા સૂકવીને પાવડર બનાવીને ઉમેરી શકાય. આપેલ પ્રમાણ માપ સાથે એક થી બે ટેબલ સ્પૂન ફુદીનાનો પાવડર ઉમેરી શકાય.
* જીરું સાવ પાવડર કરતા સહેજ આખા-ભાગું રાખવાથી ખુબ જ સરસ લાગે છે.

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લીક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

તમને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ અવનવી વાતો અને રેસીપી માટે લાઈક કરો અમારું પેજ.