ચેતેશ્વર પુજારા વર્ષે લાખો રૂપિયા ખર્ચીને કરે છે આ ઊત્તમ કામ….તમે જાણો છો?

ઈન્ડિયન ટીમનાં ખેલાડીઓ આમ તો કરોડો રુપિયા કમાઈને અનેક જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ધોની-વિરાટ જેવા ખેલાડી ક્રિકેટ અકૅડમી અને ફેશન સ્ટોરમાં રોકાણ કરી રહ્યા છે, જેનાથી તેમની આવક ડબલ થઈ જાય છે. ત્યાં જ ઈન્ડિયન ટીમનો એક ખેલાડી જે ફાયદા કે નૂકસાનનું વિચાર્યા વગર ક્રિકેટ અકૅડમી ચલાવી રહ્યો છે, જેનાં વિશે બધાને ખબર નથી. આ સ્ટાર ક્રિકેટર એટલે આપણો પોતીકો ગુજરાતી/ કાઠિયાવાડી ચેતેશ્વર પુજારા. પુજારા રાજકોટ નજીક એવી ક્રિકેટ અકૅડમી ચલાવી રહ્યો છે, જેમાં બાળકોને મફત ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગની સાથે સાથે અન્ય ઘણી સુવિધા વગર મૂલ્યે અપાય છે. અકૅડમી એક વર્ષમાં કેટલો ખર્ચો કરીને બાળકોને ક્રિકેટની ટ્રેનિંગ આપે છે અને અકૅડમી ખોલવા પાછળનાં કારણ વિશે અમે તમને જણાવીશું. રાજકોટ નિવાસી ચેતેશ્વર પુજારા, તેમના પિતા અને કાકા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય માટે તમને પણ ગર્વ થશે.
મફત ટ્રેનિંગ આપતી પુજારાની અકૅડમી ઈન્ટરનેશનલ લેવલની છે. જેમાં વાર્ષિક ૨૫ લાખ રુપિયાનો ખર્ચ આવે છે. આ ખર્ચ ચેતેશ્વર પુજારા જાતે જ ઉઠાવે છે. આ વાત પુજારાનાં કાકા બિપિન પુજારાએ જણાવી હતી. પુજારાનાં કાકા જ આ અકૅડમી ચલાવે છે. તેઓ પહેલા બૅંકમાં નોકરી કરતા હતા, પણ ભત્રીજાનાં સારા કામને સમર્થન આપવા સરકારી નોકરી છોડીને અકૅડમી સંભાળી રહ્યા છે.

ટેસ્ટ મૅચ રમીને કમાણી કરે છે
વર્ષ ૨૦૧૪માં ચેતેશ્વર પુજારાને વનડે ટીમ માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેણે ટી-૨૦ મૅચ પણ ક્યારેય નથી રમી. આઈપીએલમાં પણ ૨૦૧૪ પછી કોઈ પણ ટીમે પુજારાને પોતાની ટીમમાં નથી લીધો. આ એક એવી ટૂર્નામેન્ટ છે જેનાથી ક્રિકેટર્સ બે મહિનામાં જ કરોડો રુપિયાની કમાણી કરી લે છે. પણ, પૂજારાને લાંબા સમયથી આઇપીએલમાં રમવાની તક નથી મળી. પુજારા એકલો ઈન્ડિયન ક્રિકેટર છે જે ફક્ત ટેસ્ટ ક્રિકેટ રમે છે. તે એક વર્ષમાં ૧૬ ટેસ્ટ મૅચ રમે છે. એક ટેસ્ટ મૅચની ફી ૧૫ લાખ રુપિયા છે. આમ, તે એક વર્ષમાં તે ટેસ્ટ ક્રિકેટથી ૨.૪ કરોડની કમાણી કરી લેતો હોય છે. બીસીસીઆઈનાં સેન્ટ્રલ ગ્રેડ કૉન્ટ્રેક્ટમાં પુજારા એ-ગ્રેડનો ખેલાડી છે, જે દ્વારા તેને વાર્ષિક ૨ કરોડ રુપિયા રિટેનર ફી મળે છે. આ હિસાબે એક વર્ષમાં તેની ક્રિકેટથી ૪.૪ કરોડની કમાણી થાય છે.

અકૅડમીમાં આ સુવિધાઓ આપવામાં આવે છે
પુજારાની અકૅડમી રાજકોટથી ૩૦ કિમી દૂર જામનગર નજીક તરધડી ગાવ પાસે છે. જેને પાંચ વર્ષ અગાઉ ૬ એકર જમીન લઈને શરુ કરવામાં આવી. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કુલ ૧૦ વિકેટ છે, જેમાં ૫ ટર્ફ વિકેટ, ૩ પ્રેક્ટિસ વિકેટ અને ૨ સીમેંટેડ પીચ છે. ગ્રાઉન્ડ સુધી બાળકોને લેવા મૂકવા માટે ફ્રી વૅનની પણ સુવિધા છે. આ સિવાય એક નાનું જિમ, ડ્રેસિંગ રુમ, બેટરીથી ચાલવા વાળી બોલિંગ મશીન, બાથરુમ અને રેસ્ટરુમ જેવી સુવિધાઓ પણ છે. બાળકોને ટ્રેનિંગ માટે જર્સી અને શૂઝ પણ આપવામાં આવે છે.

પિતાનું સ્વપ્ન પૂરુ કરી રહ્યો છે
ચેતેશ્વર પુજારાનાં પિતા અરવિંદ પુજારા પણ ક્રિકેટર હતા, તેઓ સૌરાષ્ટ્ર માટે રણજી ક્રિકેટ રમતા હતા. તેમનું સપનું હતુ એક ક્રિકેટ અકૅડમી ખોલવાનો. અરવિંદ પુજારા રેલ્વેમાં જૉબ કરતા હતા અને તેમના સમયે પણ ત્યાંના એક નાનકડા ગ્રાઉન્ડ ઉપર યંગ ક્રિકેટર્સને ટ્રેનિંગ મફત આપતા હતા. પરંતુ તેમનાં રિટાયરમેન્ટ બાદ આ સિલસિલો બંધ થઈ ગયો. ચેતેશ્વર પુજારા આ વિશે જણાવે છે કે ‘એક દિવસ આઈપીએલ દરમિયાન મને પપ્પાનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે ચાલ આપણે એક મોટું ગ્રાઉન્ડ બનાવીએ જ્યાં આપણે ટ્રેનિંગ લઈ પણ શકીએ અને બીજાને પણ ટ્રેનિંગ આપી આપી શકીએ. હું તે સમયે પપ્પાને ના નહતો કહી શકયો.’

અકૅડમીમાં ૪૦ બાળકો છે
પુજારાની અકૅડમીમાં દેશભર માંથી બાળકો ટ્રેનિંગ લેવા આતૂર છે, જેનાં માટે ઘણા ફોન અને ઇન્ક્વાયરી પણ આવતી હોય છે. હાલમાં અકૅડમીમાં ૪૦ બાળકો ટ્રેનિંગ લઇ રહ્યા છે. બિપિન પુજારા વિગતમાં જણાવે છે કે ‘એપ્રિલ-મે મહિનામાં વેકેશન હોવાથી અમે તે સમયે જ સિલેક્શન કેમ્પ લગાવીએ છીએ. જે બાળક સારું રમતો હોય, તેને આગળ સુધી લઈ જઈએ છીએ.’ ચેતેશ્વર જ્યારે પણ રાજકોટમાં હોય છે ત્યારે તે પણ આ જ ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરતો હોય છે. તે સમયે પણ પુજારા બાળકોને વ્યક્તિગત રીતે ટીપ્સ આપતો હોય છે, જેથી તેઓ એક સારા ક્રિકેટર્સ બની શકે.

અંડર-૧૯ ટીમ પર છે ફોકસ
આ અકૅડમી દેશને બેસ્ટ પ્લેયર્સ આપવા પર ફોકસ કરે છે. અહીંયાનાં પ્લેયર્સને ભારતની અંડર-૧૯ ટીમ સુધી પહોચાડવામાં મદદ કરે છે. જો કોઈ ખિલાડી અહીં સારી મહેનત કરે છે, તો તેની ઈન્ડિઅન અંડર-૧૯ ટીમમાં સિલેક્ટ થવાની શકયતા સારી હોય છે.

આ રીતે મળી પ્રેરણા
અકૅડમી બનાવવાનો એક માત્ર ઉદ્દેશ્ય એટલો જ હતો કે યુવા ક્રિકેટર્સને એવી જગ્યા ઉપલબ્ધ કરાવવી, જ્યાં તેઓ રીયલ પ્રેક્ટિસ કરી શકે. અમુક સમયે બાળકો પાસે ટ્રેનિંગ લેવા માટે પણ પૈસા નથી હોતા, જેથી તેઓ આગળ નથી વધી શકતા છે. બિપિન પુજારાએ જણાવ્યું હતું કે ‘જ્યારે ચેતેશ્વર ૩-૪ વર્ષનો હતો ત્યારે તેને રેલ્વેનાં ગ્રાઉન્ડ પર ક્રિકેટ શિખવાડતા હતા. અમે ત્યાં અકૅડમી ચલાવતા હતા, ત્યાર બાદ ઘણા બધા લોકો ટ્રેનિંગ લેવા માટે ત્યાં આવતા. પુજારાનું કહેવું હતું કે ‘જેમ મુંબઈમાં પ્રૅક્ટિસ કરવા માટે શિવાજી પાર્ક અને આજાદ મેદાન છે, તેવી જ રીતે રાજકોટમાં અમુક વર્ષ અગાઉ યંગ ક્રિકેટર્સ માટે કોઈ સ્ટેડિયમ ન હતુ. હું લકી હતો કે રેલ્વેની પીચ પર પ્રેક્ટિસ કરી શકયો, પરંતુ હવે તો એ પણ નથી. કોઈએ તો અહીં ક્રિકેટર્સને મેદાનની સુવિધા આપવાની જ હતી, એટલે મેં અને પપ્પાએ મળીને અહીં મેદાન બનાવવાનું નક્કી કર્યું.’ બિપિન પુજારાએ ભારત માટે ૧૯૮૩-૮૪ થી ૧૯૯૬-૯૭ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે. તેમણે ૩૬ મૅચમાં ૨ સેન્ચ્યુરી અને ૧૨ હાફ સેન્ચ્યુરી સાથે ૧૬૩૧ રન બનાવ્યા હતા. આ જ રીતે પુજારાનાં પિતા અરવિંદભાઈનું ક્રિકેટ કરિઅર ૧૯૭૬-૭૭ થી ૧૯૭૯-૮૦ સુધી ચાલ્યો. તે દરમિયાન ૬ ફર્સ્ટ ક્લાસ મૅચોમાં ૧૭૨ રન બનાવ્યા હતા.

કોઈ પબ્લિસિટી નથી કરાતી
પુજારાની અકૅડમીની ખાસિયત એ છે કે તેનું કોઈ નામ રાખવામાં નથી આવ્યું. દરેક લોકો આને પુજારાની અકૅડમીનાં નામથી જ ઓળખે છે. અકૅડમીની કોઈ પબ્લિસિટી પણ કરવામાં નથી આવતી.
સૌજન્યઃ દૈનિક ભાસ્કર

ટીપ્પણી