ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ – ચાઈનીઝ ફૂડ ખાવાના શોખીનો નોંધી લો આ સ્વાદમાં ચટપટા રાઈસ….

ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ

મિત્રો, આજે હું ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું, જે ખુબજ ટેસ્ટી બને છે તો જે લોકો ચાઈનીઝ ફૂડ ખાવાના શોખીન હોય તે લોકો બહારથી પણ સરસ આ ડીશ ઘરે બનાવી શકે છે, તો બહારથી લાવવાની જરૂર નહિ પડે અને વળી ઘરે બનાવીએ એટલે શુદ્ધ અને હાઈજેનીક તો ખરું જ. બાળકોને પણ ખુબજ ભાવશે તો ટિફિન બોક્સ માટેનો એક સારો ઓપ્શન મળી રહેશે, તો ચાલો બનાવીએ ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ.

 • સામગ્રી :
 • 2 કપ રાંધેલા ભાત,
 • 1 નાનું બટેટું,
 • 1 નાનો કાંદો,
 • 1 ટેબલ સ્પૂન લીલા વટાણા,
 • 2 ટેબલ સ્પૂન જેટલું ફ્લાવર,
 • 2 ટેબલ સ્પૂન ગાજર,
 • 2 ટેબલ સ્પૂન ફણસી,
 • 2 ટેબલ સ્પૂન કેપ્સીકમ,
 • 2 લીલા મરચા,
 • 1 ઇંચ આદુ.
 • 1/2 ટેબલ સ્પૂન સોયા સોસ,
 • 1/2 ટેબલ સ્પૂન ચીલી સોસ,
 • 1/4 ટેબલ સ્પૂન આજી-નો-મોટો ( ચાઈના સોલ્ટ)
 • મીઠું,
 • 3 ટેબલ સ્પૂન તેલ,
 • તૈયારી :
 • ચોખ્ખાને ત્રણ – ચાર પાણીથી ધોઈ, 15 થી 20 મિનિટ્સ પલાળીને રાંધી લેવા.
 • બધા જ વેજીટેબલ્સને ધોઈ સાફ કરી લાંબી ચિપ્સમાં કાપી લેવા.

રીત :

1) સૌ પ્રથમ એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લઇ મીડીયમ આંચ પર ગરમ કરો. તેલ ઇનફ ગરમ થાઈ પછી તેમાં આદુ અને લીલા મરચા નાખો અને એકાદ મિનિટ સાંતળો. આ રીતે પહેલા આદુ – મરચું નાખવાથી મરચાની તીખાશ તેમજ આદુનો સ્વાદ રાઇસને સ્વાદિષ્ટ બનાવે છે. તેમાં આજી-નો-મોટો નાખી બરાબર મિક્સ કરી લો. આજી-નો-મોટો નાખવાથી વેજીટેબલ્સનો કલર બદલતો નથી તેમજ વેજીટેબલ્સ કડક રહે છે.

2) ત્યારપછી તેમાં લીલા વટાણા ઉમેરી ઢાંકણ ઢાંકી દો, વટાણા તેલમાં નાખવાથી તેલના છાંટા ઉડે છે. વટાણાને ચડતા વાર લાગે માટે તેને પહેલા ઉમેરીએ છીએ.

3) હવે તેમાં બટેટા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ્સ ચડવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

4) ત્યારબાદ તેમાં લાંબા કાપેલા કાંદા, ફ્લાવર અને ફણસી નાખી મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ્સ ચડવા દેવું.

5) ત્યારબાદ તેમાં ગાજર, કેપ્સીકમ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો લો.

6) હવે સોયા સોસ અને ચીલી સોસ ઉમેરો અને બરાબર હલાવીને મિક્સ કરી લો.

7) અંતે રાંધેલા ભાત ઉમેરો, ભાત ઉમેર્યા બાદ બંને હાથથી કડાઈ પકડી, હલાવીને મિક્સ કરવું, જેથી ભાતના નાના ટુકડા ના થાય. ભાત ઉમેર્યા બાદ ઢાંકણ ઢાંકીને 2 મિનિટ્સ ચડવા દેવા જેથી શાકભાજી અને સોસનો સ્વાદ ભાતમાં બેસી જાય.

8) તૈયાર છે ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ, જરૂર બનાવજો ખુબજ પસંદ આવશે.

નોંધ :આપણા સ્વાદ મુજબ શાકભાજીની ક્વોન્ટીટીમાં ફેરફાર કરી શકાય છે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં લીધેલા શાકભાજી સિવાયના કોઈ મનપસંદ શાક પણ લઇ શકાય. ફણસીનો સ્વાદ ઓછો પસંદ હોય તો, પાણી ઉકાળી તેમાં ચાર-પાંચ મિનિટ્સ ફણસી રાખી, ભાતમાં નાખી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી