ચણા નું વઘારેલું પાણી અથવા સૂપ – હવે દેશી ચણા બાફો તો તેનું પાણી ફેંકી દેતા નહિ, બનાવજો આ ટેસ્ટી સૂપ…

શું તમે દેશી ચણા ને બાફી ને વધેલું પાણી ફેંકી દો છો???

તમને ખબર છે કે આ પાણી કેટલું ગુણકારી છે. જે દેખાવ માં જરા ડાર્ક લાગતું આ પાણી સ્વાદ માં પણ ખૂબ જ સરસ હોય છે.

બાફેલા ચણાનું આ પાણી સ્વાદિષ્ટ તો છે જ પણ અતિ ગુણકારી અને પૌષ્ટીક હોય છે.

એકદમ ઓછી કેલેરી વાળું આ પાણી તમારા શરીર ને શ્રેષ્ઠ ફાયદાઓ આપે છે…

એકવાર આ વઘારેલું પાણી બનાવશો પછી ક્યારેય નહીં ફેંકો તમે આ ચણા નું સ્વાદિષ્ટ પાણી.

ગોંડલ બાજુ ચણા ની સાથે આ વઘારેલું પાણી ચોક્કસ થી બનાવાય છે.

આયર્ન અને પ્રોટીન થી ભરપુર એવા ચણા નું પાણી હેલ્થ માટે પણ એટલું જ ફાયદાકારક છે. આજે આપણે આ ચણા ના વઘારેલા પાણી ની રીત જોઈશું…

સામગ્રી:-

3 કપ ચણા ને બાફી ને વધેલું પાણી

1 કપ છાશ

2-3 લસણ ની કળી

5-7 મીઠાં લીમડાના પાન

1/4 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

1/4 ચમચી લાલ મરચું

1/4 ચમચી ધાણાજીરું

1 ચમચી તેલ

1/8 ચમચી જીરું

ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર ( આમ તો જરૂર જ નહીં પડે કેમકે ચણા ને મીઠું નાખી ને બાફયા હોવાથી પાણી માં મીઠું પૂરતું જ હશે)

રીત:-


સૌ પ્રથમ આખી રાત પલાળેલા ચણા ને મીઠું અને પાણી નાખી ને બાફવા થી જે પાણી ચણા માં બચ્યું હોય એ પાણી નીકાળી લો.


3:1 નું પ્રમાણ ચણા નું પાણી અને છાશ નું લેવું. 3 કપ ચણા નું પાણી નીકળે તો 1 કપ છાશ તે પાણી માં ઉમેરવી.


હવે ચણા નું પાણી અને છાશ મિક્સ કરી એક તપેલી માં ગરમ કરવા મુકો અને અડધા મીઠાં લીમડાના પાન અને આદુમરચાની પેસ્ટ ઉમેરો અને ઉકળવા દો.


હવે એક વઘારીયા માં તેલ મુકો અને લસણ ની કળી ઝીણી સમારેલી ઉમેરો . પછી જીરું, હિંગ ,હળદર અને વધેલા લીમડા ના પાન ઉમેરી ને આ વધાર ચણા ના પાણી માં કરો.


ત્યારબાદ લાલ મરચું, ધાણાજીરું ઉમેરી ને 5-7 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો.


કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરો. આ ચણા ના વઘારેલા પાણી સાથે ભાવનગરી ગાંઠિયા ખૂબ જ સરસ લાગે છે. પાણી માં ગાંઠિયા ઉમેરી ને આ ચણા ના પાણીની મજા માણો..

શિયાળા માં સૂપ ની જેમ પણ સર્વ કરી શકાય..

મારા ઘરે જમવામાં ચણા જોડે આ વઘારેલું પાણી ચોક્ક્સ થી બને છે. તમે પણ હવે ચણા બાફેલું પાણી ન ફેંકતા અને આ રેસિપી ચોક્કસ થી ટ્રાય કરશો.

નોંધ:-

પાણી ઉકળે ત્યારે તેને ચમચા થી હલાવતા રહો.

છાશ વધુ પડતી ઘટ્ટ ના લેવી.

બરાબર ઊકળે પછી જ વઘાર કરો.

પાણી અને છાશ બંને બરાબર મિક્સ કરી ને ઉકાળો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ