ચણા મેથી અને કેરીનુ સ્વાદિષ્ટ અથાણુ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો ….

ચણા મેથી અને કેરીનુ સ્વાદિષ્ટ અથાણુ

હેલો મિત્રો હુ અલ્કા જોષી આજ લાવી છુ.આપણા ગુજરાતનું પારંપરિક ચણા મેથી અને કેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આપણે ભારતીય લોકોને જમવામાં તેમજ નાસ્તાની સાથે વિવિધ પ્રકારના અથાણાઓ જોઈએ જ .દરેક પ્રાંતમાં અલગ અલગ પ્રકારના અથાણા બનતા હોય છે.એમાંયે ખાસ કરીને ગુજરાતી લોકોને અથાણા પ્રત્યે ખાસ પ્રેમ છે.ઉનાળાની સિઝનમાં દરેક ગુજરાતી ગૃહિણીના ઘરમા આ પારંપરિક અથાણા બનાવવાની શરુઆત થઈ જ જાય.જે સ્વાદ મા અપ્રતિમ હોય છે અને આખા વરસ માટે બને છે.જે બગડતા નથી.આજકાલ ઘણી મહિલાઓ જોબ કરતી હોય એમની પાસે અથાણા બનાવવા નો સમય નથી હોતો અથવા તો બનાવવાની પૂરી માહિતી ન હોવાને કારણે તેઓ બજારમા મળતા તૈયાર અથાણા મજબૂરી થી લાવતા હોય છે.જેના સ્વાદ અને ક્વોલિટી મા તેમણે કોમ્પ્રોમાઈઝ કરવુ પડે છે. તો આજ હુ તમને સ્વાદિષ્ટ અને સરળતાથી બનતુ અથાણુ તમે ઘરે જ બનાવી શકશો એ રીતે શીખવીશ.જે પારંપરિક પણ છે. તો ચાલો નોંધી લો એની સામગ્રી જેમાથી આશરે બે કિલો અથાણુ બનશે.

સામગ્રી

  • 1) 750 ગ્રામ કાચી લાડવા કેરી ,
  • 2) 250 ગ્રામ મેથી દાણા,
  • 3) 100 ગ્રામ લાલ દેશી ચણા,
  • 4) 500 ગ્રામ અથાણાનો તૈયાર સંભાર,
  • 5) 500 ગ્રામ મગફળી નુ તેલ,
  • 6) 50 ગ્રામ મીઠુ,
  • 7) 2 tbsp.સ્પૂન હળદર ,
  • 8) 2 tbsp. સ્પૂન વિનેગર.

રીત——

1) સહુ પ્રથમ અડધો કિલો કેરી ધોઈને લૂછી તેના નાના ટુકડા કરી લો. બાકીની કેરી પણ સાફ કરીને બાજુમાં રાખો.અડધો કિલો કેરી ના ટુકડા મા હળદર મીઠું નાખીને ચમચા થી હલાવી મિક્સ કરીને આખી રાત ઢાંકીને રાખી દો.2) આ સાથે જ અલગ અલગ બે વાસણમાં ચણા મેથી ને પાણીથી ધોઈને પાણીમાં ડૂબે એ રીતે આખી રાત ઢાંકીને પલાળીને રાખી દો.આ બન્ને પ્રક્રિયા રાતે જ કરવી.જેથી એ દસ થી બાર કલાક બરાબર પલળે અને કેરી મા હળદર મીઠાનું પાણી પણ છૂટી જાય.

3) બીજા દિવસે કેરીને ચારણી મા કાઢીને તેમાથી પાણી એક વાસણ મા નિતારી લો. આ પાણી ફેંકવાનું નથી. કેરીના ટુકડાઓ ને સાફ કપડા પર પંખા નીચે સૂકાવા મૂકી દો.

4) હવે મેથી ચણાને પણ આ જ રીતે ચારણી મા કાઢી પાણી બિલકુલ નિતારી લો.આ પાણીની જરુર નથી.હવે કેરીમાથી નિકળેલા ખાટા પાણીમાં મેથી ચણા પલાળી દો.અને બાકી રહેલી કેરીના પણ ટુકડા કરી એની સાથે થોડુ મીઠુ અને હળદર નાખી મિક્સ કરીને પલાળી દો.લગભગ છ સાત કલાક રહેવા દો.જેથી એમા સરખી રીતે ખટાશ ચડી જાય.5) છ સાત કલાક બાદ આને ચારણી મા નાખો પાણી નિતારી લો. તેને પણ કપડા પર પાથરી પંખા નીચે સૂકવી દો.લગભગ બે ત્રણ કલાક મા સૂકાઈ જશે.6) હવે એક મોટા વાસણમાં ચણા મેથી કેરીના સૂકવેલા ટુકડા નાખી.ઉપર અથાણા નો સંભાર નાખી ચમચા વડે એકદમ સરખી રીતે મિક્સ કરી લો.ઢાંકી દો.7) હવે એક કડાઈમા તેલ ગરમ કરો.આપણે વઘાર માટે ગરમ કરીએ એટલુ ગરમ થવા દેવું.આ તેલને છ થી સાત કલાક ઠંડુ થાય પછી એમા બે ચમચી વિનેગર મિક્સ કરી લો.8) હવે આ અથાણુ એરટાઈટ બોટલમાં ભરી ને ઉપરથી તેલ રેડી ને બરણી મા ભરી લો. બસ તૈયાર છે પારંપરિક મેથી ચણા કેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આ તમે બે ત્રણ દિવસ પછી ખાવાના ઉપયોગ મા લઈ શકશો.નોંધ—- ધ્યાનમાં રાખવાની બાબતો. કેરી લાડવા કેરી જ લેવી જે એકદમ કાચી અને અંદર થી એકદમ સફેદ હોવી જરુરી છે.અથાણુ ભરતી વખતે બરણી એકદમ કોરી હોવી જોઈએ.જો જરા પણ ભેજ કે ભીનાશ હશે તો અથાણુ બગડી જશે. તો તમે પણ જરુર બનાવશોઅને હા તમારા ફીડબેક આપવાનુ ભૂલતા નહી હો. બાય.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી