ચણા દાળના વડા – નવીનતા ભર્યા ને આ વડા અંદરથી સોફ્ટ ને સ્વાદિષ્ટ છે, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી….

ચણા દાળના વડા

આ વડા ખૂબ જ સ્વાદિષ્ટ , બહાર થીકડક અને અંદર થી સોફ્ટ હોય છે. આ વડા બનાવવા માં ખૂબ જ સરળ છે. ચા સાથે કે જમવામાં પીરસી શકાય. તામિલનાડુ માં આ વડા સાંભર ભાત ની સાથે જમવા માં પીરસાય છે. આશા છે પસંદ આવશે.

સામગ્રી :

  •  1 વાડકો ચણાની દાળ,
  •  2 લીલા મરચા,
  •  2 લાલ સૂકા મરચા,
  • . 1 ચમચી જીરું,
  •  મીઠું,
  •  1/2 વાડકો નારિયળ છીણ,
  •  1/2 વાડકો બારીક સમારેલી કોથમીર,
  •  1/4 વાડકો બારીક સમારેલો ફોદીનો,
  •  1.5 ચમચી ખમણેલું આદુ,
  •  1/2 વાડકો સ્લાઈસ કરેલી ડુંગળી

રીત : 

સૌ પ્રથમ ચણા દાળ બરાબર ધોઈને પૂરતા પાણી માં પલાળી લો. દાળ ને 3 થી 4 કલાક માટે પલાળો.. સમય નો અભાવ હોય તો હુંફાળા પાણી માં 1.5 થી 2 કલાક માટે પલાળવી… પલાળવા થી દાળ એકસરખી ફૂલી ને મોટી થઈ જાશે.હવે દાળ ને ચાયણી માં કાઢી બધું પાણી નીતારી લો. 5 મિનીટ ચાયણી માં જ રહેવા દેવી. પાણી બધું નીતરી જાય પછી, દાળ ને મિક્સર ના જાર માં લો. હવે એમાં જીરું , લીલા મરચા અને લાલ મરચાં ઉમેરો.એક પણ ટીપું પાણી ઉમેર્યા વગર દાળ , જીરું અને મરચા વાટો.. અધકચરું જ વાટવા નું છે . થોડી અધકચરી દાળ , મોઢા માં ચાવવા માં ખૂબ જ સરસ લાગશે.હવે આ અધકચરી વાટેલી દાળ ને થાળી કે બાઉલ કાઢો.. હવે એમા કોથમીર , ફુદીનો, આદુ , મીઠું , ડુંગળી , તાજા નારિયળ નું છીણ ઉમેરો અને હાથ થી સરસ મિક્સ કરી લો.હાથ થી મિક્સ કર્યા બાદ , નાના લુવા લઇ પાતળો ગોળ આકાર આપો. મને એકદમ કડક વડા ભાવે એટલે હું પાતળા બનાવું છું. આપ ચાહો તો થોડા જાડા પણ કરી શકો.ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. વડા ને તેલ માં ફેરવતા રહેવા જેથી એકસરખા તળાય. કડક થાય એટલે બહાર કાઢી લો.ગરમ ગરમ પીરસો. આ વડા ની સાથે ચટણી , સોસ કે ચા મૂકી નાસ્તા માં પણ પીરસી શકાય અથવા જમવા માં પણ પીરસી શકાય. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી