ચમત્કાર – લગ્નના આટલા વર્ષો પછી પણ તેના સાસુ તેની સાથે ભળી શક્યા નહિ અને એકદિવસ…

“ક્યાં ધ્યાન છે તારું ?” અર્જુને પૂછ્યું. અલ્પા કાંઈ બોલી નહિ. “આજકાલ તું કાંઈક ખોવાયેલી ખોવાયેલી રહે છે , શું વાત છે ? મેડમ !!, કેમ ગુમસુમ છે ? બોલો રાણી !!” અર્જુન આગળ બોલ્યો. પણ, અલ્પાએ હજુ ય કાઈ જવાબ ન આપ્યો. એ વિચારમાં જ હતી કે લગ્ન કરીને સાસરે આવ્યા પછી, ક્યાંય ફરવા જવા નહોતું મળતું અને આ અર્જુનની કમ્પનીએ “કપલટુર” નું આયોજન કર્યું હતું એ બહાને ફરવા જવાનુ થયું એ જાણી બન્ને ખુશખુશાલ હતા પરંતુ એ સપનુ પણ તૂટી ગયું. પાણીની ડોલ ભરાઈ ને છલકાઈ ગઈ સાથે સાથે અલ્પાની આંખો પણ !!


એવું નહોતું કે અલ્પા પોતાનું દુઃખ અર્જુનથી છુપાવવા ઇચ્છતી હતી. ફક્ત, અત્યાર અત્યાર માં સવારનો અર્જુન ને કામ પર જવાનો સમય હતો અને અલ્પા એનો મૂડ બગાડીને દિવસની શરૂઆત ઉચાટભેર થાય એવું હરગીઝ કરવા માંગતી નહોતી. અલ્પાએ પોતાની આંખો લૂછી અને પ્લાસ્ટિક જેવા કૃત્રિમ હાસ્ય પર, કુદરતી લાગે એવું લેમીનેશન કરીને મોં મલકાવ્યું અને બોલી, “હા, જો ને આવા મસ્ત મસ્ત રોમેન્ટિક વાતાવરણ માં મને એકલી મૂકી ને જોબ પર જાય છે તું, તો શું કરું ? મને આવડતું હોત તો ડાન્સ કરીને ગા’ત ને,

“હાય, હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દુરી , તેરી દો ટકીયા કી નોકરી મેરા લાખો કા સાવન જાયે !”


અર્જુને હસીને અલ્પા ને પોતાની પાસે ખેંચી અને કહ્યું, “સાવ સાચી વાત મારી વ્હાલી, પણ આજે તો જવું જ પડશે. મારે એક અગત્ય ની મિટિંગ છે. નહિતર તો એવું થાય છે કે કાશ, જોબ પર ન જાવ અને આપણે બન્ને લોન્ગ ડ્રાઈવ પર જઈએ મસ્ત મસ્ત રોમેન્ટિક એટમોસ્ફિયર ની મજા લૂંટીએ !”

અલ્પા સાવધ બની ગઈ, અર્જુનથી દૂર થઈ મલકાતાં મલકાતાં બોલી, “અરે ના રે ના ! આપણે કાઇ જવાબદારી ઓછી છે કે આમ મન પડે ત્યારે નીકળી પડીએ !” અર્જુન પણ ગંભીર બની ગયો. જતાં જતાં બોલ્યો, ” ખબર નહિ, આટલી જવાબદારી નિભાવતાં, નિભાવતાં આપણે યુવાવસ્થામાં જ પ્રૌઢ બની ગયા હોય એવું ફીલ થાય છે. અલ્પા સોરી માય લવ ! આપણા માટે તો હવે, જિંદગીની મજા માણવા માટે કોઈ ચમત્કાર થાય તો જ શક્ય બને !”

અલ્પાએ હવે સાચે જ ઉદાસી ફગાવી દીધી અને અર્જુનને હિંમત આપતાં બોલી, “આવું કેમ વિચારે છે ? આપણે તો પચાસ વર્ષેય પચીસ નું જીવન જીવશું. આ તો આપણે અત્યારે થોડી જવાબદારી ..!! અને આ આરતીબેન તો થોડા સમય માટે જ આવે છે. પછી તો આપણે હરવું ફરવું જ છે ને ? ઓ મારા હીરો !!, ચલો મસ્ત મુસ્કાન આપો ને મને ટાટા કરો, ચલો, ચલો !”

અર્જુન કમને ગયો અને અલ્પા વિચારતી રહી. તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતાં અને તે દરમિયાન અલ્પાને એક વખત મિસડીલીવરી થઈ ગઈ હતી. તે વખતે જો સરખાએ બધું સમુસુતરું પાર પડ્યું હોત તો આજે જરૂરથી એક નાની સી જાન ની કિલકારીઓ આ ઘરમાં ગુંજતી હોત ! પણ હશે! કુદરતની ઈચ્છા ! એમ સમજીને જે થયું તેને પોતાનું ભાગ્ય માનીને પરિસ્થિતિ ને સ્વીકારી લીધી.

પણ, અવાર નવાર પતિ પત્ની બન્ને બાળક વિશે વિચારીને દુઃખી થઈ જતાં અને એનાથી પણ વધુ દુઃખી તો દેવયાનીબેન, એટલે કે અલ્પાના સાસુના બાળક જેવા વર્તનથી, પતિપત્ની બેય જણ દુઃખી થતાં.છતાંપણ બન્ને એકબીજાની અને સાથે સાથે દેવયાનીબેનની એટલી કાળજી કરતા અને એકમેકને કાઈ ને કાંઈ સધિયારો આપીને એ ઉદાસીના વાદળ ને વિખેરી નાખતાં.

પણ, જ્યારે અલ્પાના સાસુ, અર્જુનની મમ્મી દેવયાનીબેન ખુદ અલ્પા ને મહેણાં ટોણા મારતાં ત્યારે અલ્પા નો જીવ કળીએ કળીએ કપાતો. એ ક્યારેય સામો જવાબ આપી ને કજીયો કરવા નહોતી માંગતી અને એકાદ બે વાર તો અર્જુને પણ, વગર વાંકે અલ્પાને ખિજાતાં પોતાના મમ્મીને સમજાવવાની કોશોષ કરી પણ દેવયાની બેન, જેનું નામ !


ઘર આખું માથે લે અને વળી,જગ હસાઈ કરાવતાં તે વધારાનું ! વાત જાણે એમ હતી કે અર્જુનના લગ્ન પછી થોડા જ સમયમાં એના પપ્પાનું અકસ્માતે મૃત્યુ થયું હતું અને દેવયાનીબેન વિધવા થતા એણે , પોતાની જાતને દીકરા વહુ સામે લાચાર ને પરવશ ગણાવી ગણાવીને, હમેંશા નાનીમોટી વાતોમાં પોતાનું જ ધાર્યું કરાવતાં.

વાત વાતમાં દેવયાની બેન અલ્પા ને ઉતારી પાડતાં. પણ અલ્પા, સાસુ ને પોતાની માતા સમાન સમજી ને ચૂપચાપ સહન કર્યે જતી હતી. બને ત્યાં સુધી અર્જુનને પણ કશી ફરિયાદ કરતી નહિ. તેથી તો દેવયાની બેન ફાવી ગયા હતાં, પોલું ભાળી ગયા હતાં અને ઘણીવાર તો કાંઈ ન હોય એવી જરા જેટલી વાતમાં પોતાને મનફાવે એવું બોલી નાખતાં અને છેલ્લે રડી રડીને ઘર જ નહીં પૂરો મહોલ્લો સાંભળે એમ બોલતાં અને અલ્પા તથા અર્જુન તેમને હાથે પગે લાગતાં, એમને છાના રાખવા ભારે મથામણ કરતાં.


અલ્પાની સમજાવટ અને અર્જુનની ધીરગંભીર વાતોથી મામલો થાળે પડતો પણ, આડોશ પડોશની ચાડી ચુગલી ની શોખીન સ્ત્રીઓ માટે આ પંચાત કરવાનો તાજો મસાલો મળી રહેતો અને વળી, એ બધી મહાનુભાવો ના મતે દેવયાની બેન “બિચારા” જાહેર થતાં.

અલ્પા તો મૂંગે મોઢે સહન કરી લેતી હતી અર્જુન પણ સમસમી ને ચૂપ બેસી રહેતો. એને પણ સમજાઈ ગયું હતું કે એના મમ્મી અલ્પાની ભલમનસાઈનો ગેરલાભ જ લઈ રહ્યા છે. પણ કરે તો શું કરે ? કઈ સમજાવવાની કોશિશ કરે તો દેવયાની બેન એને “બૈરીઘેલો” નું બિરુદ ચિપકાવી દેતાં. અલ્પા અને અર્જુન , બન્ને સમજદાર અને પ્રેમાળ , પોતાના લગ્નજીવનના શરૂઆતના દિવસો રોમાન્સ ભરેલા માણવા ને બદલે જીન્દગીની ગાડીને જવાબદારી અને સમજદારી ના બે પૈડાં પર ચલાવવા મથી રહ્યા.


એવામાં અર્જુન ની બેન, આરતી જે પરણીને અમેરિકા સેટલ થઈ હતી અને પોતે એક ડોકટર હતી, જે અર્જુનના લગ્ન કરીને તરત જ જતી રહી હતી. તે હવે ઇન્ડિયા આવી રહી છે એવો ફોન આવ્યો અને દેવયાની બેન ખુશ ખુશ થઈ ગયા. તેમણે તો રીતસરનું લિસ્ટ બનાવી રાખ્યું. “આરતી ને આ ભાવે, આરતી ને તે ભાવે, એને આવું તો આરતીને જરાયે નહિ ફાવે !! આમ ને તેમ … કઈ કેટકેટલુંય !! અને અલ્પા એમની સૂચના મુજબ બધું જ કરતી હતી અને અર્જુન સાથે ફરવા જવાનો દસેક દિવસનો પ્રોગ્રામ હતો કમ્પની તરફથી “કપલટુર” તે પણ કેન્સલ કરાવવાનું નક્કી કર્યું હતું.

આમ તો ક્યારેય ફરવા ગયા જ નહોતા અને જવાનું થયું કમ્પનીની ટુર ના કારણે તો બન્ને રાજી થઈ ગયા હતાં અને હવે, આ “નણંદબા” આવવાના હોઈ તેઓનું જવાનું કેન્સલ જ કર્યું હતું. અને અલ્પા પણ થોડી વ્યથિત થઈ અને અર્જુન પણ દુઃખી થયો પરંતુ સમજદાર પતિ પત્નીએ એકબીજાને પોતાની વ્યથા કળાવા ન દીધી. પછી પણ ફરવા જઈશું કહીને અલ્પાએ અર્જુનને સમજાવ્યો પણ પોતે ય જાણતી હતી કે બન્ને જણાને શનિરવી , વિકેન્ડ માણવા પણ જવા દેવામાં દેવયાનીબેન ને વાંકુ પડતું. ખેર ચાલ્યા કરે ! એમ મન મનાવી અલ્પા હસતે મુખે બધું આયોજન કરવા લાગી.

આરતીના આવવાની તૈયારી થઈ ગઈ અને આરતી આવી પણ ગઈ. પપ્પાને યાદ કરી ને આરતી ને ખૂબ રડવું આવ્યુ, પણ, પોતાની મમ્મીને હિંમત રહે તે માટે તથા ખાસ કરીને અલ્પા અને અર્જુન ના પ્રેમ ભર્યા વર્તનથી આરતી જલ્દીથી નોર્મલ બની ગઈ.

બે ચાર દિવસમાં તો આરતી, ઘરની વસ્તુસ્થિતિ સમજી ગઈ. તે જાણી ગઈ કે આ જમાનામાં ક્યાંય દીવો લઈ ને ગોતવા જાય તો ય ન મળે એવા દીકરો અને ના, ના, દીકરો તો સારો હોય પણ, આમ જોવા જઈએ તો વહું અલ્પા જ, એટલા સારા સ્વભાવની મળી છે. પણ દેવયાનીબેન જે રીતે આ બન્ને નો ફાયદો ઉઠાવીને રાજ કરતાં હતાં એ પણ આરતીની જાણ બાર ન રહ્યું.

આરતી પોતાની મમ્મીને ઓળખતી હતી તે મુજબ દેવયાનીબેન થોડા જક્કી સ્વભાવના તો પહેલેથી જ હતાં અને આરતી પોતે સાસરે ગઈ એને દસેક વર્ષ થઈ ગયા, એમાં આ અત્યારે એને બીજી વખત જ માંડ માંડ પિયર આવવાનો ચાન્સ મળ્યો હતો. એટલે એનાથી તરત જ તો દેવયાનીબેન ને કશું કહી શકાય એવું હતું નહિ. પણ, એક અઠવાડિયું થયું ત્યાં વાતવાતમાં એને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભીને લગ્ન પછી ક્યાંય ફરવા જવા નથી મળ્યું અને અત્યારે કમ્પની તરફથી કપલટુર છે પણ પોતાના અહીં આવવાના પ્રોગ્રામને લીધે આ લોકોએ જવાનું કેન્સલ કર્યું છે. એ જાણી આરતીને દુઃખ થયું. તેણે નક્કી કર્યું કે પોતે ભાઈ ભાભી બન્નેને ફરવા મોકલીને જ રહેશે !

એ માટે પહેલા તો આરતીએ એના મમ્મી ને પોતાની બાજુ કર્યા કે “જવા દે ને બન્ને ને, આપણને માદિકરીને ફરી ક્યારે એકલા રહેવા મળશે ? આપણે અહીં મોજ કરીશું.” દેવયાનીબેન માની ગયા અને અલ્પા તથા અર્જુન ને ફરવા મોકલી દીધા. “હાશ !! ”


અર્જુન અને અલ્પાને ફરવાની ખૂબ મજા આવી. પહેલા તો જવા રાજી ન્હોતા પણ, માદિકરીના ખૂબ આગ્રહ ને કારણે ગયા. અર્જુન તો એટલો ખુશ હતો કે ન પૂછો વાત ! તેઓ ખૂબ જ મોજ થી હર્યા ફર્યા ને પ્રેમથી તરબોળ થયા. ઘરે પરત ફરવાનો સમય ક્યારે થયો ખબરેય ન પડી ! પાછા ફરતાં બન્ને જરા વિચારમગ્ન બની ગયા. એ જ ઘર, એ જ કામકાજ, એ જ ફરજો અને દેવયાનીબેનની કચકચ પણ એ જ !! પરંતુ આ શું ? તેઓ આવ્યા, ત્યારે આરતી તો ન્હોતી , આ લોકો આવે એ પહેલાં જ એને કૈક ઇમરજન્સી આવી જતાં, એ જતી રહી હતી. પણ “ચમત્કાર” થયો હતો, “દેવયાનીબેનના સ્વભાવમાં !”


અર્જુન અને અલ્પા માટે તેમણે ચા નાસ્તો બનાવી ને આપ્યા અને પ્રેમથી ખબરઅંતર પૂછ્યા. પછી આગ્રહ કરીને સુવા મોકલી દીધા એમ કહી ને કે “કાલે અર્જુનને ઓફિસમાં રજા જ છે તો નિરાંત જીવે સુઈ રહેજો !” અલ્પા અને અર્જુન ને ફરીને આવ્યે, દિવસો વીતી ગયા …. પણ, દેવયાનીબેનનો જાણે કે કોઈ નવો જ અવતાર હતો. અર્જુન અને અલ્પા ને સુખદ આંચકો લાગ્યો. એ તો હવે એવા હળવાશથી જીવવા લાગ્યા કે ન પૂછો વાત ! ચમત્કાર જ થયો હતો !! એ ચમત્કાર શુ હતો ??

એ તો થોડા સમય પછી અર્જુન અને અલ્પાએ આરતીને તે “ફોઈબા” બનવાની છે એવા સમાચાર આપવા નિરાંતે વાત કરવા ફોન કર્યો ત્યારે, વાત વાતમાં બધી ખબર પડી કે “અમેરિકાથી આવેલ આરતીએ પોતે માંદીકરીને એકલા રહેવાનો પ્રોગ્રામ બનાવીને, આ લોકો ફર્યા ત્યાં સુધીમાં તો આરતીએ,કંઈક “થિયરી” વાપરી અને કંઈક “પ્રેક્ટિકલ” પ્રોગ્રામ કરીને,


કંઈક “કડવી” ને કંઈક “મીઠી” વાતોની કેપસ્યુલ આપી આપીને, પોતાની મમ્મીનું “બ્રેઇન વોશ” કરી નાખ્યું હતું. અને દેવયાની બેન ને મગજમાં બરાબરનું સમજાવી દીધું હતું કે “આવા કપરા સમયમાં તને રામસીતા જેવા દીકરો વહુ મળ્યા છે તો કૈકેયી બનવાને બદલે કૌશલ્યા બની ને ઘર માં રામરાજ જેવું સ્વર્ગ બનાવીને બાકી છે એટલી જિંદગીને માણતાં શીખ , હસતાં મુખે જીવતાં શીખ !” આ એનો જ તો “ચમત્કાર” હતો ! જેનાથી બધા જ હવે સુખ અને શાંતિથી જીવી રહ્યા હતાં.

લેખક : દક્ષા રમેશ ઝાલાવાડીયા “લાગણી”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ