વોકિંગ એક સરળ, સસ્તી અને કોઈપણ કરી શકે તેવી એક્સર્સાઇઝ..

વોકિંગ એક સરળ, સસ્તી અને કોઈપણ કરી શકે તેવી એક્સર્સાઇઝ છે. તેને બેઝિક એક્સર્સાઇઝ તરીકે અપનાવવામાં આવી છે. હંમેશા વોકિંગ કરતી રહેતી વ્યક્તિને દવા ઓછી લેવી પડે છે અને તેની હેલ્થ સારી રહે છે. લિફ્ટીંગ જેવી કોઈપણ ભારી એક્સર્સાઇઝની શરૃઆત વૉકિંગથી જ કરવી પડે છે. અમુક ઉંમર પછી એક્સર્સાઇઝની શરૃઆત કરી શકાતી નથી. તેથી ડૉક્ટર વૉકિંગની સલાહ આપે છે. પરંતુ, ઘણીવાર લોકો જમીને આંટો મારવા કે લટાર મારવા નીકળતા હોય છે. આ લટારને એક્સર્સાઇઝ માને છે. જે એક ખોટી માન્યતા છે. વૉકિંગના ફાયદા ત્યારે થાય છે જ્યારે તમે ઝડપથી ચાલો છો. કોઈ એક મિનિટમાં ૨૦૦ ડગલાં ચાલે છે તો કોઈ ૪૦૦ અને કોઈ માત્ર ૧૦૦. જો તમને આર્થરાઇટિસની તકલીફ હોય તો ૧૦ મિનિટ ચાલો પછી બેસી જાવ. બ્રેક લઈને ફરી ચાલો.

કેવી રીતે ચાલવું?

ચાલવામાં પોશ્ચર એકદમ મહત્ત્વનું છે. શરીર એકદમ સીધું અને ટટ્ટાર રાખીને ચાલવાથી તેમજ પેટને અંદર ખેંચીને ચાલવાથી વધુ ફાયદો થાય છે. ચાલતી વખતે શરીર આગળ ઝૂકેલું હશે તો ફાયદાને બદલે નુકસાન થશે. ટ્રેડમિલ પર ચાલતા લોકોનું કમરથી ઉપરનું શરીર આગળની તરફ ભાગતુંં હોય અને કમરથી નીચેનું શરીર પાછળ રહી જતું હોય ત્યારે આ પોશ્ચર કરોડરજ્જુ પર લૉડ આપે છે. જેના લીધે ડિસ્કનો પ્રોબ્લેમ થઈ શકે છે.

ફક્ત વૉકિંગ પૂરતું છે?

વૉકિંગથી તમે મિનિમમ ફિટનેસ લેવલ જાળવી શકો છો. તમે નીરોગી જીવન જીવી શકો છો અને જે રોગ છે તેના પર કાબૂ મેળવી શકો છો. તેનાથી એક લેવલ આગળ વધીએ તો સ્ટ્રેચિંગ, કૂદવું, દોડવું, નાચવું, રમવું કે વેઇટ લિફ્ટિંગ, યોગ, પિલાટેઝ જેવી એક્સર્સાઇઝથી સર્વોત્તમ ફિટનેસ મેળવી શકાય છે.

વૉકિંગના ફાયદા

* વૉકિંગને કાર્ડિયોવેસ્ક્યુલર એક્સર્સાઇઝ પણ કહે છે. જેમાં સૌથી વધુ ફાયદો હૃદયને અને શરીરમાં પથરાયેલી નસો એટલી વેસ્ક્યુલર સિસ્ટમને થાય છે. આ એક્સર્સાઇઝ ફેફસાંની ક્ષમતા વધારે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી એ કરેલા સર્વેક્ષણ મુજબ સ્ત્રીઓ જેટલું વધુ વાર, લાંબો સમય તથા ઝડપી ચાલશે તેટલું તેમનામાં હૃદય રોગ થવાની શક્યતા ઘટે છે.

* વૉકિંગથી હાઈ બ્લડ પ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલમાં ઘટાડો આવે છે. તથા હાઈ બ્લડ પ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલ કે સ્ટ્રોક્સ થવાની શક્યતાઓ ઘટે છે.

* ડાયાબિટીસ હોય તેને પણ ડૉક્ટર તરત કહી દે છે કે તમે વૉકિંગ શરૃ કરી દો કારણકે ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની તકલીફ થવાની શક્યતાઓ વધુ હોય છે. તેમજ વૉકિંગથી બ્લડસુગર નિયંત્રિત થાય છે. બ્લડસુગર વધુ રહેતુ હોય તેવા લોકોએ દરરોજ ઓછામાં ઓછુુ ૪૫ મિનિટ વૉકિંગ કરવું જોઈએ

* વૉકિંગથી પગના સ્નાયુઓ પર પ્રેસર આવે છે જેના પરિણામે મગજ માંં લોહીનું પરિભ્રમણ વધે છે.

* કોઈ પણ એક્સર્સાઇઝ કરો, પરંતુ પગના તળિયાની એક્સર્સાઇઝ ત્યારે જ થાય છે જ્યારે તમે ચાલો. પગના તળિયામાં રહેલા લગભગ ૫૦ જેટલા સ્નાયુઓની એકસાથે એક્સર્સાઇઝ થાય તે માટે વૉકિંગ જરૃરી છે.

* જેટલી કેલરી તમે ખોરાકના રૂપમાં શરીરમાં નાખો છો તેનાથી વધુ બાળવી એ વેઇટલોસ માટેની ગુરૂ ચાવી છે. ડાયેટિંગ સાથે વૉકિંગ પણ કરવામાં આવે તો તેનાથી વેઇટલોસ થાય છે. કારણ કે સ્નાયુઓને ટોન કરવામાં પણ તે ખૂબ ઉપયોગી છે. શરીરના સ્નાયુ મજબુત થવાથી ચયાપચયની પ્રક્રિયા ઝડપી બને છે. જે વેઇટલોસ માટે ખૂબ ઉપયોગી છે.

* જો કોઈ તમને કહે કે ચાલવાથી વિટામીન મળે તો જરાય અચંબિત ના થતા, ચાલવાથી ખરેખર પ્રત્યક્ષ રીતે તો ફાયદા થાય છે પણ પરોક્ષ રીતે પણ થાય છે. આપણા શરીર માટે વિટામીન ડી ખુબ મહત્વતા ધરાવે છે. વિટામીન ડી આપણા હાડકા મજબુત રાખવાનું કામ કરે છે અને આ વિટામીન નું ઉત્તમ સ્ત્રોત છે સૂર્યનો કુમળો તડકો. શરીરમાંની કેલરી બાળવા તમારે વધુ સમય બહાર ચાલવા જવું પડે છે જેથી તમારે વધુ સમય સુર્યપ્રકાશમાં રહેવું પડે છે. અને તેથી આપણા શરીરને મળશે વિટામીન ડી. પરંતુ જો તમે લાંબો સમય તડકામાં વિતાવવાનું વિચારો તો સનસ્ક્રીન લોશન લગાડવાનું ભુલતા નહી.

* ચાલવાથી કમરથી નીચેનાં હાડકાં સશક્ત બને છે અને તેની મારને સહેવાની શક્તિ પણ વધે છે. હાડકાં પણ મજબૂત બને છે.

* બ્રિસ્ક વૉકિંગથી એટલી જ કૅલરી લોસ થાય છે જેટલી રનિંગ કે જોગિંગથી થાય છે. વૉકિંગ કે બ્રિસ્ક વૉકિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઇન્જરીનું રિસ્ક ઓછું છે.

* વૉકિંગ કરોડરજ્જુ માટે પણ સેફ એક્સર્સાઇઝ છે. ડિસ્કની તકલીફ જોગિંગમાં રહે છે, પરંતુ વૉકિંગમાં એવું થતું નથી.

* વૉકિંગથી મિજાજ સુધરે છે. ૨૦૦૫માં કરવામાં આવેલ સ્ટડી પ્રમાણે ડિપ્રેશન કે એન્ઝાયટી થી પીડાતા લોકો રોજ ૩૫ મિનિટ બ્રિસ્ક વૉકિંગ કરે તો ડિપ્રેશન કે એન્ઝાયટી માં નોંધનીય ફરક દેખાશે.

* જે વ્યક્તિને ઘૂંટણની તકલીફ થઈ હોય એવા લોકો માટે પણ વૉકિંગ એકમાત્ર એક્સર્સાઇઝ ઓપ્શન છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ