*ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય – ગામની કેટલીય આંખો ઠરતી હતી એને જોઈને, લાગણીસભર વાર્તા અંત ચુકતા નહિ…

*ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય*

*દો પાટન કે બીચ મેં સાબૂત બચા ના કોઈ*

આમતો ડોસાનો છોકરો ઘંટી પર દર વેકેશનમાંજ આવતો પણ આ ઉનાળાથી કોલોજો ખુલ્લી ગઈ હોવા છતાં ડોસાને બદલે તે રોજ આવવા લાગ્યો. જગદીશનો ચહેરો એને ગમતો. વાંકડી મૂછો, તેથી અદ્દલ ડાકુ જેવો લાગે. વિનોદ ખન્નાની મૂછો જેવીજ મૂછો ને મોટી મોટી આંખો, પણ મન મોહી લેતી મોહક નજર. એને પ્રશ્ન થતો શું એને ભણવાનું પૂરૂ થઈ ગયુ હશે ? તો શું હવે આ કાયમી ધુમાડો ઓકતા કારખાનામાં પડ્યો રહેશે કે કોઈ નોકરીએ જશે ?

ડોસા ચક્કી ચલાવતા તે વખતે તે ચક્કી પર ખાસ ના આવતી પણ જ્યારથી આ ડોસા, ભુદરકાકાનો છોકરો જગદીશ ઘંટીના થાળા પર ઊભો રહેવા લાગ્યો, ત્યારથી તે ચક્કીએ આવવા લાગી હતી. આટો દળાતો હોય ત્યારે ચક્કીમાંથી આવતી બળતા આટાની ગંધ એને ગમવા લાગી હતી. આથી એ આંતરા દિવસે કે ત્રીજા દિવસે નિયમિત આવવા લાગી. ” ઝીણું દળજો, સાંભળ્યું…… જગદીશભાઈ?” યેનકેન પ્રકારે એણે લબર મુછીયાનું નામ પણ જાણી લીધેલું. એ ડખ….ડખ…ચાલતી ચક્કીના અવાજમાં તેને બોલાવવા પ્રયત્ન કરતી. પણ એ સાંભળ્યું ના સાંભળ્યું કરી ઇશારાથી જવાબ આપી દે.

image source

ઘરમાં પાંચ થી દસ સભ્યો હોય એટલે સહેજે અડધો મણ અનાજ દળવું પડે. વહેલી સવારે ગામડાની શેરીઓમાં ઘરર…ઘરર…ઘરર….ઘંટી ફરવાનો અવાજ આવતો. છાશ ઝેરવાનો અવાજ આવતો. આવા અવાજને કોઈ લેખક કે કવિએ કર્ણપ્રિય સંગીત સાથે સરખાવ્યો છે. પણ ઘંટી ફેરવનારીનું તેલ પડી જાતુ. એ વ્યથા આ બિચારો લેખક કે કવિ ક્યાંથી જાણતો હોય.

જયારથી બાજુના ગામના ભુદરકાકાએ તેમના ગામમાં ડીઝલ એન્જીનથી ચક્કી ચાલુ કરી, ત્યારથી ગામના સ્ત્રી વર્ગે હાશકારો અનુભવ્યો હતો. લોહીનું પાણી કરી નાખનારી મહેનત છૂટી ગઈ હોવાથી, ગામની યુવાન કન્યાઓ ને નવી આવેલી વહુઓ તો આ ચક્કી ચાલુ થઈ ત્યારથી રાજી રાજી થઈ ગઈ હતી.

ડૂક…..ડૂક…..ડૂક…..ચક્કી ચાલુ થાય ત્યારે આખા ગામમાં તેનો અવાજ સાંભળાય. સાંજ પડતાં પડતાં તો ચક્કી પર મેળો ભરાઇ જાય. કોઇ બાજરો, કોઈ ઘઉં દળાવા આવે. કોઈને ભાખરીનો કરકરો લોટ જોઈએ તો કોઈને ઢોકળાનો લોટ. ગાળો બદલાય તેમ સૌનો વારો આવે. પીનલને આ બધામાં સામેલ થવું ગમે. દળનાર પાસે બધા સરખા. પીનલ આમ વિચારતી, પણ એને એ જલ્દી દળી ના આપતો. ઘંટીના થાળા ઉપર ઊભો હોય ત્યારે, જગદીશનો દબદબો તમે જુઓતો, મધ્યયુગના કોઇ પશાયતા કે નવાબ જેવો. મનમાં આવે તો જવાબ આપે નહીંતર બધું ઇશારાથી પતાવે.

image source

ગામની કેટલીક સ્ત્રીઓ એને ભાઇ બાપા કરી, હુલાયો ફુલાઓ રાખે, એમ એ વધુ રોંફ આજમાવે. ઝીણું દળવાનો જીવ ખાવાવાળાનો એને હજુ કોઈ ઉપાય મળ્યો ના હતો. પણ એ હા એ હા કરતો ને માફક આવે તેવું દળતો.

શાંતિલાલ ઘંટીમાં નોકર, એ દળવાનું કામ કરે. ને તે મોટાભાગે કાંટા પર બેઠેલો જોવા મળે. વજન કરી તે સામેની વ્યક્તિને ચિઠ્ઠી આપે. પૈસાની વસુલાત કરે. ચિઠ્ઠીમાં ભારત ફ્લોર ફેકટરી લખેલું રહેતું. વજન લખે ને કયું અનાજ છે તે લખે. નીચે નોંધ છાપેલી હોય. ‘ રિવાજ મુજબ ઘટ કપાસે.’ નોકર બીજા કામમાં રોકાએલો હોય ત્યારે તે ઘંટીના થાળા પર પણ ઊભો રહેતો. દરણું દળતો હોય, પણ એક હાથ વારંવાર મૂછો પર જાય, આથી હાથની આંગળીઓ પર ચોંટેલો લોટ મૂછો પર છવાઈ જાય, કેટલીક મોટી ઉંમરની સ્ત્રીઓ તો વળી આ ધોળી થઈ ગયેલી મૂછો જોઈ મશ્કરી પણ કરી લેતી, ” અરે જગાભઈ, આ ધોળાં આવ્યાં, હાથે રોટલા કૂટો છો તે રોટલા ઘડવાવાળી ને લઈને અમારા ગામમાં રહેવા આવી જાવ.”

” એ જગાભઇ મારે ઉતાવળ છે મારું પે’લુ દળજો.” હાથમાં ઘઉંના દાણા લઈ જગદીશ પર નાખતાં કોઈ બોલે તો વળી કોઈ કહે, ” જગાભઇ મારે બહુ વાર થઈ, મારો બાબો ભૂખ્યો થયો હશે, તો જરા ઝપાટો કરોને મને પે’લુ દળી આપો.” આંખોના ઉલાળા કરતી બીજી સ્ત્રી બોલે પણ બધું ઘરર….ઘર…થતા અવાજમાં દબાઈ જાય પણ જગદીશના પેટનું પાણી હાલે નહીં.

image source

આમતો દળનારા પાસે બધા સરખા હોવા જોઈએ, પણ આ જગદીશ જરા જુદી માટીનો. જ્યારે પીનલ એનું દૈણું લઈને દળાવા આવે ત્યારે એને ઘણી રાહ જોવડાવે. પીનલનની પાછળ આવેલી બીજી સ્ત્રીઓને પહેલું દળી આપે, ને પીનલને ઊભી રાખે. જગદીશ આવું એને ચીડવવા નહોતો કરતો, પણ એને એ હવે ગમવા લાગી હતી. એથી એને વધુ વાર ઊભી રહેવા દઈ એની જાણ બહાર એ એના નમણા રૂપને અછડતી નજરે માણ્યા કરતો.

એની અણિયાળી આંખોને ચહેરા પર વારંવાર ચડી આવતી વાળની લટ જોવી એને ખૂબ ગમતી. થોડા હાસ્ય સાથે એ ” “મારું ઝટ દળી આપો ને” એમ બોલે ત્યારે એને એ બહુ ગમતું ગોળમટોળ ગાલે પડતાં ખંજનના ખાડામાં એ ડૂબકી મારી આવતો. એ પણ ક્યાં ઓછી હતી. એક બાજુ ઉતાવળ કરવાનું કહેને, બીજી બાજુ આ ઘોંઘાટીયું વાતાવરણ એને ગમી ગયું હતું. ” મારું ઝટ દળી આપો ” એ જાણે કહેવા ખાતર જ કહેતી હોય એમ એને લાગતું. એને ઘેર જવાની ક્યાં ઉતાવળ હતી. બળતા આટાની ઓઇલ મિશ્રિત સુગંધ આવતી તે સુગંધનું જાણે એને વ્યસન થઈ ગયું હતું.

આથી એને વધુ વખત ઊભું રહેવું ગમતું. એનું દળાઇ જાય પછી ગરમ આટો ઠારવાના બહાને એ થોડો સમય રોકાતી. ક્યારેક એ દીવાલની ખીંટીએ ટીંગાતાં જગાનાં પેન્ટ-બુશર્ટ સામે જોઈ રહે, તો ક્યારેક વળી મશીનને હેન્ડલ મારી મારી મજબૂત થયેલા જગદિશના ખભા સામે ધારી ઘારીને જુએ. એમને એમ ક્યારે અંધારું થઈ જાય એની એને ખબરેય ના રહેતી ને ઘેર જાય ત્યારે ઘરનાં નો ઠપકો સાંભળવો પડતો.

image source

આમને આમ જગદીશ તો પહેલાં પીનલ ને પિન્કી, રમલી પછી જોસના ને ઝલાં જેવી યુવતીઓમાં બહુ જાણીતો ને માનીતો બની ગયો. કારણ એ હતો આમેય દેખવડો ને ફાંકડો યુવાન. આ બાબતે ગામના કેટલાક છોકરાઓને જાણ થઈ. કેટલાક તેની ઈર્ષા કરવા લાગ્યા તો કેટલાક તેની નજીક સરકવા લાગ્યા.

“અલ્યા તે કાંઈ જાણ્યું, આ ઓલ્યા મૌનીબાબા તો હવે બોલતા થઈ ગયા.” મનીયે કનિયાને વાત કરી. પીનલ ગામના કોઈ છોકરા જોડે બોલતી નહીં એટલે એનું સાંકેતિક નામ ‘મૌનીબાબા’ રાખવામાં આવેલું. ” બને જ નઇ એવું, તેં કોની સાથે બોલતાં જોઈ ? ક્યારે જોઈ?” કનુએ પૂછ્યું. ” બાજુના ગામથી નથી આવતો ઘંટીવાળા ભુદરકાકાનો છોકરો, એ ગઇ કાલે, બહાર બેસીને ઘંટી ટાંકતો હતો. ને મૌનીબાબા એની જોડે વાતોના તડાકા લેતી હતી.” ” કેવું પડે ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને આ બહારથી આવેલો માળો લેર કરે” મનિયો બળી રહ્યો હતો. પછી તો કે’તોતો ને કે’તીતીમાં વાત ફેલાઈ ગઈ.

એક વખત એવું બન્યું કે, પીનલ દળાવા આવેલી, ને ડબ્બો મૂકી ગઈ. એતો ગઇ એ ગઇ, બે ચાર દિવસ થઈ ગયા તોયે ડબ્બો લેવા ડોકાણી નહીં. જગદીશને ચિંતા થવા લાગી. કેમ નહીં આવી હોય ? ઘરનાં પણ કોઈ ડબ્બો ના લઈ ગયાં ! શું બન્યું હશે ? આમ એ વિચારે ચડી ગયેલો.

image source

બપોરનો સમય હતો. નોકર શાંતિલાલ ઘેર જમવા ગયો હતો, ને એ એના ગામથી આવેલું ટિફિન ખોલી જમવાની તૈયારી કરતો હતો. ઘંટી બંધ હતી આથી મસીનનો ઘોંઘાટ નિરવતામાં સમાઈ ગયો હતો. બારણે ઊભેલી કુતરી ટિફિન ખુલવાથી આવેલી સુગંધના પ્રતિસાદમાં પૂંછડી હલાવી રહી હતી. તે સિવાય ઘંટીમાં કોઈ અન્યની હાજરી ના હતી. તેવામાં રૂપાની ઘંટડી રણકે તેવો પીનલનો અવાજ આવ્યો, ” હું જમવા આવું કે ?”

શાંત વાતાવરણમાં પીનલનો મનગમતો અવાજ સાંભળી એતો ખુશ થઈ ગયો. બપોરનો સમય એટલે નવરાશ ને ઉપરથી એકાંતના સમયે તે આવી, તેથી તેના શરીરનું લોહી ઝડપથી ફરવા લાગ્યું. હૃદયના ધબકારા વધી ગયા. પરિસ્થિતિને કઈ રીતે સાંભાળવી તેની મથામણમાં પડી ગયો. તે અંદર આવીને તનો ડબ્બો શોધવા લાગી. તેટલામાં એક સાત-આઠ વર્ષની બાળકી પાછળ પાછળ આવી. તે પીનલની સાથે હતી. ” લ્યો જગાભઇ વજન કરી આપો, આ મારી ભત્રીજી મારા મોટાભાઈની બેબી હશુ એનું નામ.” ડબ્બો વજનકાંટા પર મૂકતાં તે બોલી.

image source

તે ઊભો થયો. વજનકાંટાની ગાદીએ બેસી તેણે આટો જોખ્યો. બાજુમાં પડેલી લાકડાની પેટી ખોલી અંદરથી એક પડીકું કાઢી પીનલને આપતાં બોલ્યો. ” લે પીનલ તારા દૈણાના ડબ્બામાંથી આ નીકળ્યું હતું. એણે પડીકુ હાથમાં લઈ ખોલ્યું તો એતો ખુશ થઈ ગઈ. એમાં ઝાંઝર હતાં. ” અરે આ ઝાંઝરને બે દિવસથી ગોતી ગોતીને અમેતો આખું ઘર ગાંડુ કર્યું હતું. તોએ મળ્યાં ના હતાં. મારી બાએ ભૂલથી તે કદાચ આ ડબ્બામાં મૂકી દીધાં હશે, પછી તે ભૂલી ગયેલી.” ખુશ થતી થતી એણે ઝાંઝર હાથમાં પકડી હવામાં લહેરાવી જોયાં.

” ઝમકે ના ઝાંઝર તો એ ઝાંઝર કહેવાય ના…” આવું કાંઈક ગણગણી ને એણે જમણો પગ કાંટાના પ્લેટફોર્મ પર મૂકી, ઘૂંટી પર એક ઝાંઝર પહેર્યું હોય તેમ મૂકી બોલી, ” જુઓ તો જગાભાઈ, કેવી લાગશે આ ઝાંઝરી ? ખાસ નવરાત્રી માટે લીધી છે સાચી નથી હો, આતો બનાવટી છે.” એટલામાં તેની નજર કૂતરી તરફ ગઈ એ ખુલ્લા પડેલા ટફિનમાં મોઢું નાખવા જતી હતી. ” હૈડ…હૈડ… બોલતો ઠેકડો મારતો એ ઊભો થઈ કૂતરી તગડવા ભાગ્યો.

પછી તે ઝાંઝર હસુને પકડાવી પોતે ડબ્બો માથે ઉપાડી ચાલતી થઈ. ડબ્બાને હાથથી પકડયા વગર એ બેલેન્સ જાળવી ચાલે જતી હતી ને રસ્તના વળાંકમાં એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી જગદીશ, પાછળથી એની છટાદાર ચાલને જોતો રહ્યો. આજે દળવાનો ભરાવો ઓછો હતો તેથી તે રાત્રે સાયકલ પર પોતાને ગામ ગયો. મોડી રાત સુધી તેને ઊંઘ ના આવી. પાછલી રાતે એને સપનામાં પીનલના ઝાંઝરની ઘૂઘરીઓનો અવાજ રણકયા કર્યો.

image source

થોડા દિવસો વિત્યા પછી, પીનલની બા ચક્કીએ દળાવવા આવ્યાં. તે વાતે વળ્યાં. ” તે જગદીશ તારું મોસાળ ક્યાં થાય ? પીનલની બાએ પૂછ્યું. ” ચંદરુમાણા, ” ” રઘુનાથ તારા મામા થાયને ?” ” હા એક રઘુમામા ને નાના વસંતમામા.” જગદીશ બોલ્યો. ” આ તારા વસંતમામા ખરાને એમનાં પહેલાં લગન મારા પિયરમાં થયેલાં. આમ તમેં તો અમારા ગોળના નિકળયા. કાંટા પર ડબ્બો ચડાવતાં તે બોલ્યાં. પિનલનાં ઝાંઝર મળી આવ્યાં,તે બદલ એમણે જગદીશનો આભાર માન્યો, ને બીજે દિવસે તેમને ઘેર દીકરાનું શ્રાદ્ધ હોવાથી તેને જમવાનું આમંત્રણ આપતાં ગયાં.

બપોરે ઘંટી બંધ કરી એ ઘર પૂછતો પૂછતો પીનલને ઘેર જમવા પહોંચી ગયો. પીનલના હાથનું પીરસેલું ખાવાથી આજે તે બહુ ખુશ મિજાજમાં જણાઈ રહ્યો હતો. જમી લીધા પછી પીનલે તેને મુખવાસ આપ્યોને બાજુના બીજા રૂમમાં દોરી ગઈ. ત્યાં ભીંત પર લગાવેલ તસ્વીર સામે આંગળી ચિંધતાં એ બોલી, ” આ જુઓ જગદીશભાઈ.”

ભીંત પરનો ફોટો જોતાં વેંત તે બોલી ઉઠ્યો, ” અરે ! આ મારો ફોટો અહીં ક્યાંથી આવ્યો ? ” તે ગંભીર ચહેરે બોલી, ” ફોટા પર સુખડનો હાર હોવા છતાં તમે હેરત પામી ગયાને જગદીશભાઈ ? અદ્દલ તમારા ચહેરા જેવો ચહેરો ધરાવતા હતા, મારા મોટાભાઈ ભાવેશ, સાચાને સાચું કહેનારા ને ગજબનો આત્મવિશ્વાસ ધરાવનારા, જે બે વર્ષ પહેલાં ગણપતિ વિસર્જન વખતે અકસ્માતે પાણીમાં ડૂબીને અમને છોડીને કાયમ માટે ચાલ્યા ગયા હતા.” નાની હસુ સામે આંગળી ચિંધતાં તે બોલી, “અને આ છે તેમની નિશાની, મારી ભત્રીજી હસુ. ” આટલું બોલતાં તેની આંખોમાં અંશુનાં તોરણ બંધાઈ ગયાં.

જગદીશ પસ્તાવા સાથે અનિમેષ નજરે એ ફોટા સામું જોતો થોડી વાર ઊભો રહ્યો. ” માફ કરજે મને પીનલ.” બસ એટલુંજ બોલીને ફોટા સામે બે હાથ જોડી એ ચાલતો થયો. તે એતો ગયો તે ગયો, પાછો વળીને દેખાયોજ નહીં. એક દિવસ પીનલે હિંમત કરીને કાકાને પૂછેલું, ” ચમ તે બાપા હવે જગદીશભઇ ઘંટીએ નથી આવતા?” ” એને બેટા નોકરી લાગી ગઈ, આણંદ શહેરમાં, એતો હવે ફોજદાર બની ગયો. તે ચક્કીના આટાની ગંધ લેવા પાછો આવે ખરો ! તુંજ કહે ?”

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ