જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમની ચાલ – ઉંમર વધવાની સાથે સાથે પ્રેમ પણ વધતો જ જાય કે…

“પ્રેમની ચાલ”

રાજના દાદા ખાટલામાંથી ઉભા થયા. તેમનું માથું હજુ પણ દુઃખી રહ્યું હતું. રાજના દાદી તેમની પાસે આવ્યા અને કહ્યું, “આજનો દિવસ આરામ કરો. નહિતર તાવ આવી જશે.” “એ, ના રે ના! આરામ ના ફાવે, ચાલવાનો સમય થયો. ગમે તે હોય ચાલવું તો પડે જ ને.” દાદાજીએ કહ્યું.

આ વાત સાંભળી રાજની દાદીએ બીજા રૂમમાં જઈને રાજને કહ્યું કે તારા દાદાને સમજાવ કે આરામ કરે. રાજે પણ દાદીની વાત સાથે સહેમત થઇને તેના દાદાજીને સમજાયા પણ દાદા એકના બે ના થયા. આખરે રાજ ત્યારે માન્યો જયારે તેના દાદાએ કહ્યું કે સારું બસ, એક કામ કર તું પણ મારી સાથે ચાલવા આવ.

દાદા અને પૌત્ર બંન્ને ચાલવા નીકળ્યા અને ચાલતા-ચાલતા મંદિરે પણ જઈ આવ્યા. તેમને એકબીજા સાથે ચાલવામાં એટલું પસઁદ પડ્યું કે આને રોજીંદી આદત બનાવી દીધી. એક સાંજે, રાજે તેના દાદાને તેની સાથે રાબેતા મુજબ ચાલવાં માટે બોલાવ્યા ત્યારે દાદાએ ના પાડી દીધી.

રાજ આશ્ચ્રર્ય પામ્યો અને પૂછ્યું કે, “દાદા, તમે બીમાર અવસ્થામાં પણ મજબૂતાઈથી ચાલી લો છો અને આજે અચાનક કેમ ચાલવા નથી આવવું?”

રાજના દાદા મલકાયા અને તેમણે કહ્યું કે, “આજે તારી દાદીનું માથું દુખે છે. થોડી વાર દબાવી દઉં એટલે એને રાહત રહે. પણ દીકરા તું ચાલી આવ આપણે કાલે સાથે જઈશું હો. પાકું.”

રાજને આમ આશ્વાશન આપીને તેના દાદા તેમના બેડરૂમમાં દાદી પાસે ગયા. તે દિવસે રાજને સમજાયું કે પ્રેમની રમતમાં સાથે કેવી રીતે ચલાય. ખરેખર, આવી રીતે સાથે ચાલનારા પતિ-પત્નીને જોઈને તો પ્રેમ ખુદ ખુશ થઇ જતો હશે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version