ચક્કરડી…ફુલખરડી – કોઈ વ્યક્તિ કેવો છે તેનો નિર્ણય ફક્ત તેના બાહ્ય દેખાવ પરથી ના કરશો…

ચક્કરડી…ફુલખરડી
લાકડાની સળીમાં ભરાવીને ચક્કર ચક્કર ફરે એવી રંગબેરંગી કાગળની ચમકતી ચક્કરડી-ફુલખરડી વેચવાવાળી બોલતી હતી.. “” એ લ્યો… કોઈ… બબલા માટે…!! બબલી માટે..!! ચક્કયડી…. ફુલખયળી…!! ચક્કય..ળી… ફુલખય….ળી !!”

અમે ઉતાવળે ઉતાવળે જતાં હતાં, ટ્રેન નો ટાઇમ થઈ ગયો હતો. ત્યા તો સાત વર્ષનો કિશન કહે, મારે… લેવી… મારે ચક્કયડી..ફુલખયડી લેવી….!!” મેં એને ના પાડતાં કહ્યું, “અત્યારે લેવાય નહિ !!” અમે રેલવેસ્ટેસન તરફ ચાલતા હતા. ઉતાવળ હોવાથી મેં એને કહી દીધું, ” આપણે ઊભું રહેવું નથી !!” એમ બોલીને ચાલવાનું જ ચાલુ રાખ્યું..


મારી તેર વર્ષની વૈદેહી કહે, ” મમ્મી, આપણે બેય ને જ જાવુ છે શું ??” મેં પૂછ્યું, ” કેમ , એમ પૂછે છે ?? ” તો એ બોલી ,” જો ને ડેડી અને ભઇલું તો ઊભા રહી ગયા છે !!”

પાછળ વળીને મેં જોયું .. કિશન અને એના ડેડી કાગળની, ફુલખયડી… જે પવન આવે એટલે ગોળ ગોળ ફરે …. એવી.. ચક્કયડી.. લેતાં હતાં. અમે માદિકરી પણ બોલ્યા વગર સહેજ ઉભા રહ્યા. બાપ-દીકરો બન્ને આવ્યા એટલે અમે ચારેય ચાલતા થયા. અમારા એ મારા સામું જોઈને મલક્યા પણ, મેં મોઢું ન મલકાવ્યું એટલે એ સમજી ગયા કે ,આ ખરીદી કરી તે શ્રીમતીજીને ગમ્યું નથી !

કિસન તો એણે ખરીદેલી ફુલખયડીમાં જ મશગૂલ હતો. અને ખુબ ખુબ ખુશ થતો હતો. વૈદેહી પૂછવા લાગી,'” આ કેટલા રૂપિયાની લીધી ?? એના ડેડીએ કહ્યું, “વીસ રૂપિયાની !! ” આ સાંભળીને હું ખીજાવા લાગી, “કાગળના આવા પતાકડાના વીસ દેવાય ?? પાંચ રૂપિયામાં મળે આવું તો !!” અમારા શ્રીમાન બોલ્યા, ” જો,આ દીકરો કેટલો ખુશ થઈ ગયો ?? તુ જો તો ખરા !! એના મોં પરની ખુશી !! ” મેં કહ્યું,” હમણાં ઘરે પહોંચશું, ત્યાંતો ફાડી પણ નાખશે, આવા નકામા ખર્ચા ….???”


અમારા એ કહે , “આજે તે સોનાના કંગન અને વીટી ખરીદ્યા અને વૈદેહીને પેન્ડન્ટ સેટ લઇ દીધો !! અને આ છોકરાંને વીસ રૂપિયા નું એક રમકડું લઇ દીધું ,એમાં જો તો ખરો દીકરો કેવો ખુશખુશાલ દેખાય છે !! કિશન હજુય પવન આવે એમ એ ફુલખયડું હવામાં ગોળ ગોળ ફેરવતો હતો….. અને ખૂબ ખુશ થતો હતો.

એટલામાં ટ્રેન આવી.. અમે બેસી ગયા. લોકલ ટ્રેન હોવાથી રિઝર્વેશનની કઈ જરૂર ન હતી. એક આખી ખાલી સીટમાં અમે ચારેય ગોઠવાઈ ગયા જ્યાં સામેની સીટમાં ત્રણ સ્ત્રીઓ બેઠી જ હતી.થોડી વારમાં જ ટ્રેન ઉપડવાની તૈયારી હતી ત્યાં કોઈ એક ભાઈ આવીને ઊભા રહ્યા અને ટ્રેન ઉપડી. તે ભાઈએ બેસવા માટે ઈશારો કર્યો તો, સામે બેઠેલા બહેનોમાંથી એકે કહ્યું,

” આયા ક્યાં એટલી જગ્યા છે ?? બીજે જા ને !! એમ બોલીને હતા એનાથી વધારે સરખાયે જગ્યા રોકીને બેઠા !! આમ પણ, એ પૈસે ટકે સુખી હશે એ એના શરીરના ઘેરાવા ઉપરથી જ દેખાઈ આવતું હતું.એ લોકો એ તિરસ્કાર ભરી નજરે એના સામે જોયું.એ ભાઈએ પોતાના હાથમાં રહેલ પતરાની પેટી ત્યાં સીટની નીચે મુકવાની કોશિષ કરી તો એ બહેને એવો ચહેરાનો હાવભાવ બનાવ્યો કે તે ભાઈ, અચકાઈને ત્યાં મુકવાનું માંડી વાળ્યું , મેં અને વૈદેહીએ પગ ઊંચા લીધા અને એ ભાઈએ અમારી સીટ નીચે એનો એ સામાન ગોઠવી દીધો. પેલા બહેનો એને કરડાકી ભરી નજરે જોઈ રહ્યા.


એ ભાઇના લઘરવઘર અને મેલાઘેલા કપડાં પરથી એ સાવ ગરીબ હશે એમ લાગતું હતું. અને એટલે જ.. થોડી જગ્યા હોવા છતાં એ બહેનોએ એને બેસવા ન દીધો અને એનો તિરસ્કાર કરતાં કહ્યું, ” હું તો ટ્રેનમાં સફર જ ના કરું , આવા માણસો ય આમાં તો હાઇલા આવે…!” રીતસરનું એ ભાઈને પણ સંભળાઈ તેમ બોલી ગયા.પેલો ગરીબ ઓઝપાઈ ગયો.પણ,કઈ જવાબ ન આપતાં આડું જોઈ ગયો.જાણે કે ગરીબ રહીને એણે કોઈ ગુનો ન કર્યો હોય !!

હું અને વૈદેહિ તો અમે ખરીદેલી વસ્તુની વાતો કરતાં-કરતાં હરખાઈ રહયા હતા. વૈદેહી બોલી, “મમ્મી, તમારા કંગનની ડિઝાઇન, એકદમ મસ્ત છે હો !! ” હું બોલી, ” તારી બુટ્ટી અને પેન્ડન્ટ પણ કંઈ કમ નથી .દિકા !!” કંગન તો મેં પહેરી લીધા હતા. અને સોનાની ચાર બંગડી, આ કંગનની ખરીદી કરતાં પહેલાં જે મેં પહેરી હતી એ કાઢીને પર્સમાં રાખી દીધી હતી. જે પર્સમાં વૈદેહીની સોનાની બુટ્ટી અને પેન્ડેન્ટ તથા બે વીંટી રાખ્યા હતા. તે નાનકડા પર્સમાં રાખીને એ પર્સ પણ થેલામાં મૂકી દીધુ હતું.અમે મા-દીકરી અમારી પસંદ કરેલ ડિઝાઈનના વખાણ કર્યે જતાં હતાં…

કિશન અને એના ડેડી તો, એણે લીધેલ ફુલખયડીમાં જ મશગૂલ હતા. ટ્રેનની ગતિથી પવન આવતા એ ફુલકડું સરસ ફરતું હોવાથી ખુશ થતા હતા. કિશન બોલ્યો, ” એનો કલર પણ કેવો fine fine છે !!” એના ડેડી કહે , “જો એને ગમે ત્યાંથી ના પકડી લેતો,નહીંતર એ તૂટી જાશે. કિસન કહે, ‘આને તો મારે તૂટવા જ દેવું નથી !!”

એના ડેડીએ પૂછયું, ” તો પછી ઘરે જઈને ક્યાં મુકીશ ???” કિશન કહે, ” હું આને આપણા ડ્રોઈંગરૂમમાં મુકીશ !” અમારા એ મારા સામે જોઈને બોલ્યા, ” ના તો પછી મમ્મી તને ખીજાશે !! કિશન નિર્દોષતાથી પૂછે છે,” ડેડી તો હું ક્યાં રાખું ??” વૈદેહી કહે, ” આપણી ગેલેરી છે ઉપરના બેડરૂમની બહાર ત્યાં રાખી દેજે… હવામાં ગોળ ગોળ ફર્યા કરશે !”


કિશન બોલી ઉઠ્યો, “ના !, ના !, હું તો ટેરેસ ઉપર, પાઇરીએ બધાને દેખાય તેમ… રાખીશ.. એટલે ત્યાં શેરીમાં આવતા-જતા લોકો તે જોઈ શકે !! ટેરેસની દીવાલ પર લગાડીશ તો ત્યાં પવન પણ વધારે આવે છે… આ ફર્યા જ કરશે…ઝૂ…મ…ઝુ….મ..!!” એના ડેડી કહે, ” સારું !, સારું !, તને ગમે તેમ કરજે !! થોડીવાર થઇ ત્યાં કિશન મને કહે, ” મમ્મી !, મમ્મી !, મને ભૂખ લાગી છે !!”

વૈદેહી કહેવા લાગી, ” ભૈલું !, બસ હવે હમણાં ધોરાજી આવવાનું જ છે !! આપણે તો સ્ટેશનની બાજુ માં જ ઘર …! ઘરે જઈને નાસ્તો કરજે !!” મેં વૈદેહીને પૂછ્યું, ” બેટા બિસ્કીટના પેકેટ લીધા હતા , તે પડ્યા છે કે નહિ ??” વૈદેહી બોલી, ” તમે સોનીની દુકાને બિલ ચુકવતા હતા ને !! ત્યારે, મેં ને કિશને ખાધા’તાં , પણ અડધું વધ્યું હતું એ પેકેટ પાછું થેલામાં પડ્યું છે !” એના ડેડી કહે, “.. તો પછી આપી દેને !! આમેય એ ખુલ્લું પેકેટ સાચવવુ નહીં અને આ છોકરાને મન રહીં જાય !! “

મેં થેલામાંથી ઉપરનું પેલું સોનાની ખરીદી વાળું પર્સ હતું એ કાઢ્યું અને બિસ્કિટનું પેકેટ શોધીને આપી દીધું !! ” હજુ તો કિશન બિસ્કિટ ખાય ન ખાય …ને ત્યાં તો એટલી વારમાં ધોરાજી આવી ગયું .પેલા ત્રણેય બેનું ઉતર્યા ને પાછળ અમે પણ વાતો કરતાં કરતાં ઉતર્યા . મેં મારી દીકરીને કહ્યું, ” આપણે તો સ્ટેશનની બાજુમાં જ ઘર એટલે રીક્ષા કરવાની યે જરૂર નહીં .. આ ઉતર્યા કે આવ્યું ઘર !! ”
આમ બોલતાં ઊતરીને તરત જ ચાલતા થઈ ગયા.


રેલવે સ્ટેશનની બાજુમાં જ અમારું ઘર હોવાથી ટ્રેનમાંથી ઉતરીને ચાલતાં જ ઘરે પહોંચી જવાનો એક ફાયદો છે !! ઘરે આવીને તરત જ વૈદેહી મારા સાસુ પાસે દોડી ગઈ અને કહેવા લાગી, ” બા !, બા !,અમે કેવી સરસ ખરીદી કરી આવ્યા !!” મારા સાસુ કહે , “એમ ? વાહ !! મને બતાવો તો ખરા !! વૈદેહી કહે મારી પાસે આવીને, ” ચાલ,મમ્મી બાને આપણી વસ્તુઓ બતાવીએ !!”

મારા પતિ અને કિશન તો સીધા ટેરેસ ઉપર ગયા અને ત્યાં જઈને ફુલખયડી લગાવવા માંડ્યા હતા..!!” મેં પહેલા ચાપાણી બનાવ્યા અને કહ્યું, ચા પી ને ફ્રેશ થઈને બતાવીએ. પછી નિરાંતેથી સાથે લાવેલ થેલો ખોલ્યો .. તેમાંથી પેલી ખરીદી બતાવવા…પણ, પર્સ કાઢવા હાથ નાખ્યો..ને… મને ફાળ પડી !!! બેબાકળી થઇને મેતો આખો થેલો ઊંધો જ વાળી દીધો !! તેમાંથી બધુ નીકળ્યું…પણ, પેલું દાગીનાની ખરીદીવાળું પર્સ ન નીકળ્યું… !! વૈદેહી પણ આ બધું જોતી હતી. એ સમજી ગઈ, અમે માદિકરી રડવા જેવા થઈ ગયા !! બા કહે, ” શાંતિથી જુઓ… એમાં જ હશે…”


મેં ફરીથી બધું જોયું, પણ, વ્યર્થ !!! હું સમજી ગઈ કે કિશનને બિસ્કિટ આપતી વખતે મેં પર્સ બહાર કાઢ્યું હતું, કદાચ….હા, કદાચ નહિ, પણ નક્કી, ત્યારે જ એ પાછું નાખતાંજ ભુલાઈ ગયું લાગે છે !!!” વૈદેહીએ બૂમ પાડીને એના ડેડીને બોલાવ્યા. અને આ બધી વાત જણાવતા દીકરી રડી પડી..! સાથે હું પણ … !

એના ડેડીએ અમને બન્નેને શાંત પાડ્યા અને પછી અમે પતિ-પત્ની બંને સ્ટેશને ગયા.ત્યાં જઈને બધી વાત કરી .. અને તપાસ કરવા જણાવ્યું . ત્યાંના જવાબદાર અધિકારીએ બધી સાંભળી…અને કહે અમે કાયદેસરની ફરિયાદ લખશું … અને રેલવે સ્ટેશનના એ અધિકારી એ બનતી પ્રોસેસ કરવાની ધરપત આપી.પછી એમણે અમણે પૂછ્યું કે એ પાકિટમાં નામ સરનામું હતું ??” મેં ના પાડી અને જણાવ્યું કે પ્લેઇન પર્સ હતું કાળા રંગનું બસ !!”અને એમાં ફક્ત સોનાની વસ્તુઓ જ હતી !! કઈ નામ સરનામું નહોતા !!”

ત્યાં રહેલ એક ભાઈ બોલ્યા, ” નામ સરનામું હોય તોય સોનાની વસ્તુ પાછી મળે ??? “” રેલવે સ્ટેશનના અધિકારીએ અમને ધીરજ બંધાવી પણ અમેય સમજી ગયા હતા કે ઠામ ઠેકાણા વગરનું આટલું કિંમતી વસ્તુ ભરેલું પર્સ કોણ પાછું આપે ??” અમે ખૂબ જ નિરાશ થઈ ગયાં છતાં મારા પતિએ દિલાસો આપ્યો, “ચિંતા ન કર !! આપણા નસીબનું નહીં હોય ,બીજું શું !!” અમે પાછા ફર્યા પણ એ દિવસ, અમારા માટે ખૂબ જ લાંબો થઈ પડ્યો !!


બીજે દિવસે સવાર નુ પ્રાતઃ કાર્ય પતાવીને મારા પતિ, કિશન અને વૈદેહીને લેશન કરાવતા હતા. હું મારું રોજીંદુ કામકાજ કરતી હતી અને બા પૂજામાંથી પરવારીને મારી પાસે આવ્યા.. હું બાને કાલની વાત કરતા કરતા રડી પડી.. બા કહેવા લાગ્યા, ” હશે બીજું શું ?? હવેથી ધ્યાન રાખજો !!” ખરેખર મારો તો જીવ એવો બળતો હતો !! હવેથી તો ધ્યાન રાખશું… પણ આ ગયું એનું શું કરવું !! “

બપોરે બધા જમવા બેઠા.. પણ, જમવામાં કઈ સ્વાદ આવતો નહોતો ! કાલના બનાવને લઈને બધા ય ઉદાસ હતાં. એટલામા વૈદેહી બોલી, ” ડેડી !, ડેડી !, જુઓ તો કોઈ આવ્યું લાગે છે !! અમે બધાએ જોયું… તો ત્યાં દરવાજે કોઈ ભાઈ ઉભા હતા.. તે અમને જોઈને અંદર આવ્યા… અમે એમનાં સામુ જોયું તો તે ભાઈ … જે કાલે ટ્રેનમાં અમારી સાથે ઊભા ઊભા આવ્યા હતાં … તે ભાઇ જ હતા !! તેમના હાથમાં મારું પેલું પાકીટ હતું … તે મારા પતિને આપતા બોલ્યા, ” સાયેબ !, કાઈલે ગાડીમાં આપણે હાઈરે હતા , ન્યા આ બહેન પાકીટ ભૂલી ગયા હતા .. આ લ્યો !! તમારી થાપણ !! ” એમ કહીને એમણે પર્સ આપ્યુ !! અમે બધા આભા બની ગયા !! એ ભાઈને સોફા પર બેસાડતા મારા પતિ બોલ્યા, ” તમે બેસો તો ખરા !!”


એ ભાઈ સોફા પર ન બેસતાં કહેવા લાગ્યા, ” તમે હંધાય ઉતરી ગયા. હું ય ઉતરવા જાતો’તો… પણ, મારુ આ સ્લીપર જુનું થઈને એવું ઘહાઈ ગ્યું સે કે ઇની પટ્ટી નીકળી ગઇ … , હું ઇ હરખી કરતો રયો તીયા તો તમે ગાડીમાંથી ઉતરી ગ્યા અને હું યે ઉતરવા જતો હતો … તીયા…. મને તમારી સીટ પાહે આ પડેલું દેખાણું !!… મેં ઇ લઈને તમને રોકવા નજર નાખી તો તમે કોઈ દેખાણા જ નઈ.. બધા સ્ટેશનની બહાર નીકળી ગયા હઇશો.. !! એમ હમઝીને બાયણે આઇવો.. પરંતુ તમે લોકો ક્યાંય નજરે નો પઈડા.. ” મેં તરત જ એ પર્સને ખોલીને જોયું તો તેમાંની વસ્તુ તેમની તેમ હતી… મારા આનંદનો પાર ન રહ્યો … અમારા બધાના જીવમાં જીવ આવ્યો.!!. ઘરમાં ખુશી છવાઈ ગઈ !!

પેલા ભાઈને કહ્યું , “અમે તમારો આભાર કયા શબ્દોમાં માનીએ ???” બોલતાં બોલતા હું તો ગળગળી બની ગઇ. મારા પતિએ તેમને પૂછ્યું, ” અરે ભાઈ !!, એ તો કહો કે નામ સરનામા વગર તમને અમારૂ ઘર કેવી રીતે મળી ગયું ?? ” સામાન્ય દેખાવ અને લઘરવઘર કપડાં પહેરેલા એ સાધારણ માનવીએ એ અસાધારણ વાત કરી… એ ભાઈએ કહ્યું, ” હાલો આયાં… ઘરની બાયણે…હાલો.. !!” અમે બધાય ઘરની બહાર નીકળ્યા.. તેણે હાથ ઊંચો કરી બધાને દેખાય એમ ટેરેસ ઉપર રાખેલી પેલી ફુલખડી બતાવી…


” જુઓ એ…રિયું.. તમારું નામ… સરનામું. !!” … ” ગઈકાલે જ બારે નીકળીને તમે વયા ગયા તી હુયે ઘરે તો ગ્યો પણ, મારે તમારી આ થાપણ પાસી દેવાની હતી !! પણ કેવી રીતે દેવી ને ક્યાં દવ તો તમને પોચી જાય , ઈની મને ખબર પડતી નો’તી . આ ખોલીને જોયું… તો ઈમાં કોઈ આપના નામ.. ઠામ.. ઠેકાણા.. કાય નોતું . હવે જો હું કોઈ ને સ્ટેશનમાં આપી આવું તો ઇ તમારા લગણ પોસે કે નઈ ??

….પસી મને યાદ આઇવું કી તમેં આ બાબલાને કેતા’તાં ઇ યાદ આઇવું… કી અગાસી માથે હંધાયને દેખાય ઇમ રાખવાના સો !! .. તી,કાઇલે જ મેં કેટલીયે શેરીઓમાં તપાસ કરી … ઘણાં ઘરોમાં ફર્યો… શેરીઓમાં જ્યાં આવું ફુલખયડું.. જો દેખાય તો !! પણ, આવું કાય દેખાણું નહિ અને રાઇત થઈ ગઈ !!

મને નીંદરેય નો આઇવી.. આઇજે હવારથી ફરીથી હું નીકળી પડ્યો અને એક-એક અગાસી જોતો ગયો.. તો આયા પુઇગો તયે.. આ દેખાણું.. ફુલખયડી… જે કાઇલે મેં તમારા બાબલાના હાથમાં જોઈ હતી !!” મારા પતિ તો આવા સામાન્ય દેખાવ ધરાવતા ભાઈની અસામાન્ય વાત સાંભળી અને આવી દરિયાદિલી ધરાવતા, અમારા માટે ફરિસ્તો બનીને આવેલા ભાઈ ને ભેટી પડ્યા !!


એ ભાઈ નો અમે ખુબ ખુબ આભાર માન્યો. અમે કહેવા લાગ્યા કે અમે તમારા ઉપકારનો બદલો તો વાળી શકતા નથી પરંતુ આ ફૂલ તો નહીં પણ, ફૂલની પાંખડી રૂપે તમને આપીએ છીએ એમ કહી એક હજાર રૂપિયા એ ભાઈને આપવા લાગ્યા, … તો એ કહે, ” ના રે !, મારે કાય નો જોઈએ !!હું મારી મહેનત મજૂરીની કમાણી ઉપર જીવવા વાળો સુ !! અને તમારી ખુશી એ જ મારું ઇનામ સે !! આજે મે કોઈ હારું કામ કઇરૂ ઈનો મને આનંદ સે !!””

વૈદેહી તો નાચવા લાગી !! અમે બધા ય ખુશ ખુશ થયા !! કિશનને ભેટીને હું તો ગાવા લાગી… ” મારીવ ચક્કયડી…. ફૂલખયડી… !!! ચક્કયડી…ફુલખયડી….!!!

લેખક : દક્ષા રમેશ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ