ફિલ્મ રિલીઝ વખતે આપવામાં આવતા સેંસર બોર્ડ સર્ટિફિકેટનું મહત્વ… સાથે બીજી કેટલીક રસપ્રદ માહિતી…

ફિલ્મ રિલીઝ વખતે આપવામાં આવતા સેંસર બોર્ડ સર્ટિફિકેટનું મહત્વ

90 ના દશકની વાત છે. જાતજાતની ફિલ્મો બનતી. અમુક ફિલ્મોને બાદ કરતાં બાકીની બધી ફિલ્મો ફેમિલી સાથે જોઈ શકાય એવી આવતી. હા, એક્ટર અને એક્ટ્રેસના કપડાં પહેરવાની ફેશનમાં પણ ઘણો મોટો ફેર હતો. કદાચ ત્યારનાં ડિઝાઇનર્સને એટલું જ જ્ઞાન હતું. ફિલ્મ રિલીઝ તો થતી પણ એને જોવા જવાય કે નહીં એ નિર્ણય કરવાનો અધિકાર માતાપિતાનો રહેતો. ટ્રેલર, એના ગીતો, કપડાં, લોકેશન્સ, ખાસ કરીને ડાયલૉગ્સ અને ગીતના શબ્દોને વધારે મહત્વ અપાતું. ગમે તેવા કપડાં અને ગીતોના શબ્દોવાળી ફિલ્મ જોવાની ઈચ્છા જરૂર થતી પણ તે જોવાની પરવાનગી ક્યારેય આપવામાં ન આવતી. ભલેને પછી એને જોવાની જીદ થાય કે ધમપછાડા. એ વખતે કદાચ સેંસર બોર્ડનું કાર્ય ઉડીને આંખે વળગે એવું નહીં હોય કેમ કે ફિલ્મો જ કૌટુંબિક છે કે નથી તે કાર્ય માતાપિતાનું હતું. એમાં વળી આપણે ગુજરાતીઓ.(વડીલોની વાત માનવી એ આપણને રોજ શીખવવામાં આવતું અને આજે પણ શીખીએ છીએ.)
જેમ જેમ સમય પસાર થઈ ગયો એમ એમ, વડીલોની માનસિકતામાં પણ ફેરફાર થયો. સસરાની સામે લાજ કાઢીને આવતી વહુ, પંજાબી સ્ટાઇલ ડ્રેસ પહેરતી થઈ. માથે ઓઢવાના રિવાજને તિલાંજલિ આપીને દુપટ્ટા વગરના કપડાનું રાજ ચાલ્યું છે. પહેલાં તો ટેલિવિઝન પણ વડીલોની સામે ન ચાલુ થતું. પણ આપણે એ જુનવાણી જમાનાને યાદ ન કરતાં, નવા જમાનાની વાત કરીએ.

પેઢી દર પેઢી રીતિ રિવાજોનું પણ નવીનીકરણ થાય છે, એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ રિવાજો તોડી નવી રીતો અપનાવવામાં આવી છે. સ્વચ્છ ફિલ્મો આજે જવલ્લે જ જોવા મળે છે. રાજ કપૂર અને નરગીસ, દેવ આનંદ અને વહિદા રેહમાન, દિલિપ કુમાર અને મધુબાલાના સમયમાં “પ્રેમ કથા” રૂપેરી પડદે દર્શાવવી, એ એક પડકાર હતો. પ્રણય દ્રશ્યો સર્જવામાં જેટલી મહેનત કરવી પડતી, તેનાથી વધારે તેને એક દ્રશ્ય તરીકે નિભાવવામાં પડતી. સાડીમાં સજ્જ અભિનેત્રીઓ પોતાના અંગોનું પ્રદર્શન કરતા અચકાતી. જમાનો બદલાયો, અને આ જોડીઓનું સ્થાન રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર અને હેમામાલિની જેવી હસ્તીઓએ લીધું. આ જોડીઓએ પણ સભ્યતાવાળી ફિલ્મો કરી. પણ બોબી ફિલ્મ આવતા, રિશી કપૂર અને ડિંપલ કાપડીયાએ જાણે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો. નાની ઉંમરમાં થતો પ્રેમ!! કોલેજ જતાં યુવક યુવતીઓ માટે પણ આ એક નવી જ અનુભૂતિ હતી. સાવ 17/18 વર્ષની ઉંમરે તે કાંઈ “પ્રેમ” થાય? એ સવાલનો જવાબ મેળવવા પણ દરેક યુવક અને યુવતીઓ, સિનેમા હોલ તરફ આગળ વધ્યાં. સિનેમા હોલમાં ચાલતી ફિલ્મોમાં આવતા દ્રશ્યોનું સર્જન વધારે એડવાંસ કક્ષાએ થવા લાગ્યું.
સમજદાર પ્રજાને માટે આ એક નવી ઘટના નહોતી. પણ બાકીના બધા જ મનુષ્યો માટે આ એક પડકાર હતો. કેવી રીતે દર્શકોને સિનેમા હોલ સુધી પહોંચાડવા એ જ મુખ્ય ઉદ્દેશ હતો ફિલ્મ સર્જકોનો. ફિલ્મ તો બની જાય, પણ એ ફિલ્મ કયા પ્રકારની ઓડિયન્સ માટે યોગ્ય છે, એ કોણ નક્કી કરશે? આ એક મહત્વનો મુદ્દો હતો. અને ઓછું જ્ઞાન, વધારે મુશ્કેલીઓ ઉભી કરતું.

બસ, આવી અસમંજસને દૂર કરવા માટે, સેન્સર બોર્ડના નિયમો પર પણ નજર કરવામાં આવી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. Act 1952 પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં સર્ટિફિકેટનું ઘડતર કરવામાં આવ્યું.
જેમ કે, પારિવારિક ફિલ્મ માટે “U” એટલે કે Unrestricted Public Exhibition. તેમાં હળવા મારામારીના તથા સેક્સ્યુઅલ સીન (ન્યૂડીટી વગરનાં) હોઈ શકે છે. પણ, ફિલ્મ એવી હોય જે પરિવાર સાથે બેસીને માણી શકાય.
“U/A” સર્ટિફિકેટ, જેમાં 12 વર્ષથી નીચેનાં બાળકો માટે પેરેંટ્સનું માર્ગદર્શન અનિવાર્ય છે.

“A” સર્ટિફિકેટ, જેમાં માત્ર અને માત્ર પુખ્ત વયના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે.

અને છેલ્લે, “S” સર્ટિફિકેટ. જે કોઈ મર્યાદિત ક્લાસ માટે આપવામાં આવે છે જેમ કે, એન્જિનીયર્સ, ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ વિગેરેને જ ફિલ્મ જોવાની પરવાનગી આપવામાં આવે છે.
પણ, સૌથી અગત્યની બાબત એ છે કે આ સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટને આપણે ગણકારીએ છીએ ખરા? આજે જમાનો એવો છે કે માતાપિતા કોઈ પણ ફિલ્મ જોવા પોતાના બાળકોને લઈ જતા વિચારતા નથી. સર્ટિફિકેટની ખાતરી કર્યા પહેલાં જ ફિલ્મની ટિકિટ બુક કરાવી દેવામાં આવે છે. જો ઘેર કોઈ ધ્યાન રાખવાવાળું ન હોય તો આપણી ઇચ્છાઓને જરા કાબુમાં રાખી, ફિલ્મ જોવા ન જવાનો નિર્ણય યોગ્ય હશે.

બાળકોમાં સંસ્કારનું સિંચન એ માતાપિતાની મુખ્ય ફરજ છે. માટે કોઈ પણ પ્રકારની ફિલ્મ જોતા પહેલા તેનું સર્ટિફિકેટ ચકાસો અને પછી જ થીએટરમાં પગ મુકજો. કોને ખબર, તમારું બાળક શું સંસ્કાર ગ્રહણ કરી બેસશે?
અસ્તુ!!

લેખન : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી બોલીવુડની જાણી અજાણી વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી