આંગણાંમાં રોપાયેલ તુલસીનો નાનકડો છોડ, નિવારી શકે છે કેન્સર જેવા મહારોગ અને અન્ય કેટલાય સામાન્ય દરદો…

તુલસી, પવિત્ર છોડ જ નહીં બલ્કે શ્રેષ્ઠ ઔષધી તરીકે ભારતીય સંસ્કૃતિમાં ઉપકારક છે. જાણો તેના ગુણકારી ઉપયોગો.

ઘરના આંગણાંમાં નાની પણ જો ક્યારી હોય તો કોઈ અન્ય ફૂલ છોડ વાવવાને બદલે ભારતીય પરિવાર તુલસીનો છોડ રોપવાનું પસંદ કરે છે. પૌરાણીક માન્યતાઓ અને શાસ્ત્રીય દંતકથાઓમાં તેનું મહત્વ શ્રી કૃષ્ણની પત્ની અને પ્રિય દેવી સ્વરૂપ તરીકેનું છે. તેમના વિવાહનો પણ અનોખો તહેવાર આપણાં દેશમાં ધામધૂમથી ઉજવાય છે. ત્યારે આટઆટલું મહત્વ એક નાનકડા છોડને શાથી એ જાણવું પણ ખૂબ રોચક રહેશે.

આ પૂજનીય છોડનું એટલું તો મહત્વ છે કે તેના લીધે અનેક નાની મોટી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ નિવારી શકાય છે. તુલસીના છોડ વિશે દેશમાં જ નહીં બલ્કે વિદેશોમાં પણ ખૂબ સંશોધનો થતાં રહે છે. આના પાનમાં એન્ટિબાયોટિકલ એજંટસ હોવાને લીધે શારીરિક આંતરિક વિજાણુ સમસ્યાઓથી સદંતર છૂટકારો મેળવી શકાય છે. તાવ, શરદી કે વાયુ અને રક્તચાપની સમસ્યાઓમાં તુલસીનું સેવન અકસીર છે. જેની કોઈજ આડઅસર થતી નથી એવી કુદરતી ઔષધીને કેન્સર જેવી મહાબીમારીમાંથી પણ ઉગારી શકવાની શક્તિ છે એવું ચોક્કસથી માની શકાય છે.

વનસ્પતિ ઔષધીમાં માનનારા લોકો માટે તુલસી એ આરણકારણ છે. અનેક એવી શરીરને લગતી તકલીફોમાં તેના પાનને ચાવવાથી, તેના પાનનો અર્ક પીવાથી કે દૂધ કે પાણીમાં નાખીને ઉકાળો કરીને લેવાથી રાહત અનુભવાય છે.

આ ગુણકારી તુલસીના અનેક ઉપયોગો સામાન્ય રીતે ઘરેલુ ઉપચારોમાં વપરાતા હોય જ છે પરંતુ તેના પરંપરાગત ઉપયોગો અને ફાયદાઓ વિશે સવિસ્તૃત માહિતી મેળવવા જેવી છે. જેમાંથી બની શકે આપને અમુક સદુપયોગોનો ખ્યાલ ન પણ હોય.

કુદરતી દવા તરીકે ઉપયોગી એવી ગુણકારી તુલસીના કઈ કઈ સમસ્યાઓમાં કારગર છે એ જોઈએ.

શરદી – ઉધરસમાં :

તુલસીના પાનને દૂધમાં નાખી, આદુ, મરી અને સૂઠ સાથે ઉકાળીને પીવાથી ગમે તેટલી આકરી શરદી કે કફ હશે છૂટો પડી જાશે. આમાં રોગપ્રતિકારક
શક્તિ પણ ઘણી છે જેથી ખૂબ જ લાભદાયી છે ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવામાં. જેથી જો જરા પણ શરદીની અસર જણાય તો પી લેવું જોઈએ.

ઝાડા – ઉલ્ટીમાં :

તુલસીના પાન એકલાં પણ ચાવી જવાથી પાચનક્રિયામાં ખૂબ જ ફાયદાકારક છે. જો અપચો હોય અને ઝાડા કે ઉલ્ટી થતાં હોય તો તુલસીના ૮-૧૦ પાન તોડીને ધોઈ લેવાં. તેમાં શેકેલ જીરું ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી. આ લેપને દિવસમાં ૨થી ૩ વખત ચાટી જવાથી દસ્ત કંટ્રોલમાં આવ જશે. અને તેને લીધે જણાતી નબળાઈમાં પણ ફરક લાગશે.

મોઢાંમાં વાસ આવવી :

સામાન્ય રીતે જો પેટમાં ખરાબી હોય તો મોંમાં ખૂબ વાસ આવતી હોય છે. ઓડકારને લીધે કે પછી એ.સી.ડી.ટી.ને લીધે પણ મોંમાંથી વાસ આવતી હોય છે. અચાનક કોઈ કાર્યક્રમમાં કે મિત્રો સાથે ફરવા જવાનું થાય કે પછી ઘરે જ મહેમાન આવવાના હોય ત્યારે કંઈ જ ન સૂઝતાં જો તુલસીનાં ૨/૩ પાન ચાવી જશો તો મોંની દુર્ગંધમાં તરત ફરક જણાશે. જેમને ભોજનમાં લસણ – ડુંગળી ખાવાની ટેવ હોય તેમણે આ ઉપચાર ચોક્કસ કરવો જોઈએ.

ઘા રુઝાવવામાં :

તુલસીના પાન એન્ટિસેપ્ટિક હોય છે. અને તેનો ફટકડી સાથે પાણીમાં ઘસીને મલમ જેવું બનાવવાથી લોહી નીકળીને જાડી થઈ ગયેલ ઘા પર લગાડવાથી ઝડપથી રૂઝ આવી જાય છે. આ સિવાય ચામડીના રોગ અને ખીલ – ગુંમડાં પર પણ તુલસીના રસનો અર્ક લગાડી શકાય છે.

ત્વચાના નિખારમાં :

કોઈ પણ ઘરેલુ ફેસપેક જેમ કે હળદર અને બેસનમાં દહીં સાથે તુલસીના રસને ઉમેરીને ઉબટન બનાવી ચહેરા પર લગાવવાથી ચામડીમાં ચમક અને ગ્લો આવે છે. સ્કીનને સનસ્ટ્રોકથી પણ રાહત મળે છે અને તેના એન્ટિ બેક્ટેરિયલ તત્વોને લીધે ચહેરા પર થતા ખીલ અને ફોલ્લીઓ મટાડવામાં પણ ફાયદાકારક છે. કાકડીના રસ સાથે પણ તુલસી અને ફૂદીનાનો રસ ઉમેરીને કુલર બનાવી પી પણ શકાય છે અને તેના કુચાને ચહેરા પર પેકની જેમ લગાવીને પણ ઠંડક મેળવી શકાય છે. જેને લીધે સ્કીન ટોક્સિક નીકળી જવાથી નિખાર પણ આવે છે.

યોન સંબંધિત મુશ્કેલીઓમાં :

તુલસીના પાનનો રસ માત્ર સ્ત્રીઓને લગતી તકલીફોમાં જ નહીં બલ્કે પુરુષોને થતી યોન સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી છે. તેના પાન દિવસ દરમિયાન એકાદ વખત નિયમિત ચાવી જવાથી શક્તિ વર્ધક તો છે જ પરંતુ તુલસીના બીજ એટલે માંઝર પણ ખૂબ જ ગુણકારી છે. તેને પાણી કે દૂધ સાથે ધોઈને પીવાથી યોન સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે અને પૌરુષીય શક્તિમાં ફરક જણાય છે.

સ્ત્રીઓને થતી માસિક ચક્રની સમસ્યામાં :

માસિક ધર્મ એ સ્ત્રીઓ માટે અનિવાર્ય દેહધાર્મિક પ્રક્રિયા છે. પરંતુ તેમાં તેને દર મહિને કેટલાક પ્રમાણમાં રક્ત નિકાલ થઈ જતો હોય છે જેને લીધે થાક કે અશક્તિ અનુભવાય છે. અનિયમિત કે અસહ્ય દુખાવા જેવી સમસ્યાઓમાં તુલસીના પાનના રસનો અર્ક પાણી કે દૂધ સાથે પીવાથી ફાયદો થાય છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે જેથી નબળાઈ કે ચક્કર આવવા જેવી તકલીફો દૂર થાય છે.

નવજાત શીશુને થતી પેટની તકલીફ :

ધાવણું બાળક બોલીને કે વર્તનથીકહી નથી શકતું કે તેને શું થાય છે. તેને ચયાપચય ક્રિયા હજુ એટલી સતેજ નથી થતી હોતી જેને લીધે શરીરમાં જમા થતો વાયુનો એ જાતે નિકાલ કરી શકતું નથી. આમાં બાળકના પેટમાં અવારનવાર ગેસ ભરાય છે. આમાટે કેટલાક કુદરતી ઉપચારોમાં પૈકી એક છે, તુલસીના પાનનો રસ કાઢીને એક ચમચી શુદ્ધ મધ સાથે દિવસ દરમિયાન ચટાડતાં રહેવું જોઈએ. જેથી તેને રાહત થાય છે.

કેન્સરની ટ્રિટમેન્ટમાં :

આ રીતે અબાલ – વૃદ્ધ, સ્ત્રી – પુરુષ સૌને તુલસીના પાનનો ગુણકારી ફાયદો થતો જ હોય છે. એક સર્વે મુજબ તુલસીનો ઉપયોગ એટલી હદે અકસીર છે કે કેન્સરની શસ્ત્રી ક્રિયાઓ બાદ તેને નિવારવા લેવાતી કેમો થેરેપીની આડઅસરને મટાડવા પણ એન્ટિબાયોટિક તરીકે તુલસીના અર્કનો ઉપયોગ કરવાની સલાહ લેવાય છે.

જેનામાં દેવીય તત્વ રહેલું છે એવી આ ઔષધી ખરેખર કલ્પવૃક્ષ સમું છે એમ ચોક્કસથી કહી શકાય છે. તે જો આંગણાંમાં રોપવામાં આવ્યું હોય તો કહેવાય છે કે તેની ખૂબ સકારાત્કમ ઉર્જાની અસર પરિવારના સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન પર ખૂબ જ સારી પડે છે.

લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ