આ બિઝનેસમેને પોતાની શાળાની કાયા પલટી નાખી ! તેને કોઈ મહેલ જેવી બનાવી દીધી !

ભણતરનું આપણા જીવનમાં અત્યંત મહત્ત્વ છે. જે આપણને આપણા અભ્યાસકાળ દરમિયાન નહીં પણ જ્યારે આપણે મોટા થઈએ ત્યારે વધારે સમજાતું હોય છે. આપણા મનમાં ક્યાંકને ક્યાંક કોઈ ખુણે આપણા શાળાકાળની સોનેરી યાદો સંઘરાયેલી પડી હોય છે. અને જ્યારે ક્યારેય પણ તે યાદ તાજી થઈ જાય છે તો જાણે એ ક્ષણ જીવી લીધા જેવી લાગણી થાય છે. એક વિદ્યાર્થીને હંમેશા તેની શાળા માટે એક અલગ જ લાગણી હોય છે.

રશિયાના એક બિઝનેસમેન આદ્રેઈ સિમાનોવ્સ્કીને પણ પોતાની શાળા ખુબ જ વાહલી હતી. તે પોતાના ભણતર તેમજ પોતાની કોઠા સુજને કારણે આજે એક સફળ બિઝનેસમેન છે અને કરોડોની કમાણી કરે છે. અને તેમના મનમાં કદાચ એવી ઇચ્છા જાગી હશે કે તે પોતાની શાળા માટે કંઈક કરે. તેમણે રશિયાની યેકાતેરિનબર્ગ 106 સેકેન્ડ઼્રી શાળામાં અભ્યાસ કર્યો હતો. હાલ આ શાળા ખુબ જ ચર્ચામાં છે અને સોશિયલ મિડિયા પર તેના ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે.

જો તમે રશિયા વિષે થોડું ઘણું પણ જાણતા હશો તો તમને ખ્યાલ હશે કે રશિયા ભુતકાળમાં અને આજે પણ પોતાની ભવ્યતાને કારણે જાણીતુ રહ્યું છે. તેના વિશાળ રસ્તાઓ તેના વિશાળ મહેલો તેની દરેક બાબતમાં તમને ભવ્યતા જોવા મળે છે અને આંદ્રેઈએ એક રશિયન તરીકે પોતાની આ શાળાની કાયા પલટ કરી નાખી છે. આને જાણે તે કોઈ રાજેમહારાજાની શાળા હોય તેવી બનાવી દીધી છે. તો ચાલો જાણીએ તેણે પોતાની શાળામાં શું ફેરફાર કર્યા.

તેણે પોતાની શાળાની વર્ષો જુની સામાન્ય દિવાલોને આરસપહાણની બનાવી દીધી છે અને તેને સોનેથી મઢી દીધી છે. તેમજ તેની ફરશને મોંઘા પથ્થરો તેમજ ટાઇલ્સથી સજાવી દેવામાં આવી છે. આ ઉપરાંત શાળાના બાથરૂમમાંના બેસિન પણ એડવાન્સ અને જાણે કોઈ રાજમહેલમાં હોય તેવા લગાવવામાં આવ્યા છે.

તેમજ શાળાની સિલિંગમાં મોંઘા ઝૂમર પણ લગાવડાવ્યા છે. શાળા બહારથી તો કોઈ શાળા જેવી જ લાગે છે પણ અંદર પ્રવેશ કરતાં તે કોઈ શાળા નહીં પણ મહેલ જેવી લાગે છે. હજુ પણ શાળાનું કામ ચાલી રહ્યું છે પણ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.

શાળાના મુખ્ય વિભાગો જેમ કે શાળાનો હોલ પ્રવેશ દ્વાર તેમજ બાથરૂમ વિગેરેને સુંદર રીતે રીનોવેટ કરવામાં આવ્યા છે અને હવે વર્ગખંડો તેમજ સ્ટાફરૂમ પર કામ ચાલી રહ્યું છે. આન્દ્રેયનું સપનું હતું કે તે મોટો થઈને ખુબ જ પૈસા કમાય અને પોતાની આ શાળાને કોઈ મહેલ જેવી બનાવી દે. આજે તેમનું આ સ્વપ્ન પુર્ણ થઈ રહ્યું છે.

આન્દ્રેય સિમાનોવ્સ્કીનું આયોજન છે કે તે શાળામાં આવેલા જીમનાશિયમ તેમજ પ્લે ગ્રાઉન્ડમાં પણ મોટો ફેરફાર કરે. અને જો સ્થાનીક સત્તા તેમને રજા આપે તો તે હજુ પણ તેમાં યોગદાન આપવા માગે છે. જો કે તેમના આ પ્રયાસની કેટલાક લોકોએ ટીકા કરી છે. પણ શાળા તેમજ સ્થાનીક પ્રશાસને આ બાબતે હજુ કોઈ જ વિરોધ નથી બતાવ્યો.

શહેરના મેયર એલેક્ઝેન્ડરે આન્દ્રેયના આ પ્રયાસને બિરદાવ્યું છે અને આન્દ્રેયના આ પગલાંને સમાજના હિતમાં ગણાવ્યું છે. તેમનું એવું કહેવું છે કે સારું કામ કરનારા લોકોના ઘણા આલોચકો હોય છે. તો વળી બીજી બાજુ શાળાના સંચાલકો તેમજે વિદ્યાર્થીઓ પોતાની શાળામાં કરવામા આવેલા આ પરિવર્તનથી ખુબ જ ખુશ છે.

શાળાના કાયા પલટથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને હવે તો આસપાસના વિસ્તારના માતાપિતાઓ પણ પોતાના બાળકોને આ શાળામાં એડમિશન અપાવવા થનગની રહ્યા છે.

જો કે સિમાનોવ્સ્કી જણાવે છે કે શાળાને આ રીતે રીનોવેટ કરવા બાબતે ઘણા લોકોએ તેમની ટીકા કરી છે પણ રશિયામાં આવું પહેલીવાર નથી બન્યું આ પહેલાં ધી કેસલ ઓફ ચાઇલ્ડહુડ કિંડરગાર્ડન શાળાની પણ કાયાપલટ કરવામાં આવી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ