બ્રેડ પોકેટ્સ – બાળકોને ટીફીનમાં આપી શકાય એવો ટેસ્ટફૂલ નાસ્તો નોંધી લો કામ આવશે ..

રોજ સવારે દરેક મમ્મી નો એક જ પ્રશ્ન હોય કે ટીફીન માં બાળકો ને શુ આપવું જે બાળકો ને પસન્દ પણ હોય તેમજ હેલ્થી પણ હોય…સેન્ડવિચ અને પરાઠા થી બાળકો જો કંટાળી ગયા હોય તો ચોક્કસ થઈ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ બ્રેડ હેલ્ધી પોકેટ્સ…આજે હું બ્રેડ પોકેટ્સ ની રેસિપી લઇ ને આવી છું.. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને હેલ્ધી પણ છે.નાસ્તા માં બાળકો ને ચોક્ક્સ થી આપી શકાય એવુ છે..

સામગ્રી:-

  • 100 ગ્રામ છીણેલું પનીર
  • 2 નાના ક્યુબ્સ ચીઝ છીણેલું
  • 1 ગાજર ખમણેલું
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • 1 નાનું કેપ્સિકમ ઝીણું સમરેલું
  • 1 લીલું મરચું ઝીણું સમારેલું
  • 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર ( મેં ફ્રેશ બેસિલ લીધા છે)
  • 1 ચમચી લાલ મરચું
  • 1/4 કાળા મરી નો ભુકો
  • 1/2 ચમચી મિક્સ હર્બ્સ
  • મીઠું સ્વાદાનુસાર
  • ફ્રેશ બ્રેડ અને બટર ( મેં wheat bread લીધી છે)

રીત:-

સૌ પ્રથમ એક બાઉલ માં છીણેલું પનીર, ચીઝ, ગાજર , ડુંગળી, કેપ્સિકમ , લીલું મરચું, કોથમીર ,લાલ મરચું , મરી નો ભુકો , મિક્સ હર્બ્સ, મીઠું ઉમેરો અને બધું હળવા હાથે મિક્સ કરી લો.

હવે પોકેટ્સ માટે જે બ્રેડ પસંદ કરો એ એકદમ ફ્રેશ હોય એનુ ખાસ ધ્યાન રાખો.

એક પાટલી પર  બ્રેડ ને ચારે બાજુ થી વેલણ થી વણી ને પાતળી કરી લો. પછી ઉપર બનાવેલું થોડું મિશ્રણ એક સાઈડ મૂકી ને બ્રેડ ની બધી કિનારી પર પાણી લગાવી લો અને  સામ-સામેની સાઈડ ને દબાવી ને બંધ કરી દો..કિનારી નો વધારાનો ભાગ કાપી ને શેપ આપી શકાય.. ફોટો માં દેખાડ્યા મુજબ…

(તમે ઇચ્છો તો બ્રેડ ની સ્લાઈસ પર પહેલા બટર લગાવી ને સ્ટફિંગ મૂકી શકો મેં એવું નથી કર્યું)

હવે બધા પોકેટ્સ બનાવી લો. અને બટર મૂકી ને નોનસ્ટિક પેન માં બેઉ સાઈડ શેકી લો. તમને ગમતી હોય એટલી કડક કરી શકાય… (મેં ગ્રીલર પેન માં શેકી છે.)

બ્રેડ પોકેટ્સ ને સોસ અને ડીપ સાથે સર્વ કરો.તમે આ બ્રેડ પોકેટ્સ ને તેલ માં તળી પણ શકો પરંતુ એના કરતાં આ વધુ  હેલ્ધી છે.

નોંધ:-

સ્ટફિંગ નું મિશ્રણ વહેલા બનાવી ને ફ્રીઝ માં રાખી શકાય ..મીઠું જ્યારે બનાવો ત્યારે ઉમેરવું એટલે પાણી ના થાય. ટીફીન માં આપો ત્યારે સ્લાઈસ પર બટર લગાવી ને સ્ટફિંગ ભરો એટલે બ્રેડ ભીની ના થાય. ફ્રેશ બ્રેડ માંથી જ પોકેટ્સ સારા બનશે.તમે ઇચ્છો તો કિનારી કાપેલી બ્રેડ વાપરી શકાય.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)